ઓમ ત્રણ દિવસથી ઘેર નહોતો આવ્યો. સાંઈ રાત્રે જે રીતે લથડિયા ખાતો ગાડીમાં બેસીને ગયો અને અત્યાર
સુધી પાછો નહોતો આવ્યો એ પછી લગભગ સવારે સાડા દસ વાગ્યે વોચમેનને અજુગતું લાગ્યું એટલે એ શિવના
બંગલે ગયો. એણે બેલ માર્યો, શિવના ખાસ માણસ કમ રસોઈયા કમ હાઉસકીપર મુલતાને દરવાજો ખોલ્યો. એને
જોઈને ચોકીદારે પૂછ્યું, ‘સા’બ…?’
‘સો રહે હૈ.’ મુલતાને કહ્યું. ઓમના મૃત્યુના સમાચારનું કન્ફર્મેશન અને સાંઈ પણ મરી જ ગયો હશે એમ
માનીને-કેશ, ઝવેરાત અને પ્રોપર્ટી પેપર્સ પોતાના ઘરમાં મૂકીને શિવ ઘસઘસાટ નિરાંતની ઊંઘમાં સૂતો હતો. હવે એને
કશાંયની, કોઈની ચિંતા નહોતી. એનો આત્મવિશ્વાસ કહેતો હતો કે, એ ‘મંગલસિંઘ’ નામના મગતરાને તો ચપટીમાં
મસળી શકશે. એના બંગલાની સિક્યોરિટી વિંધીને એના સુધી આવવું એ વાતની એને ખાતરી હતી. આ ત્રણ બંગલાના
સંકુલના કમ્પાઉન્ડની દિવાલો વચ્ચે એ સંપૂર્ણપણે સલામત હતો એની નિશ્ચિતતા સાથે એ ઊંઘતો હતો.
‘બડે સા’બ ભી નહીં આયે… સાંઈ સા’બ રાત કો ગયે થે, અભી ભી નહીં આયે.’ વોચમેને કહ્યું, ‘કંઈ બરાબર
નથી લાગતું. મને લાગે છે કે…’
મુલતાન જોરથી હસી પડ્યો, ‘તને શું લાગે છે એ કહેવા આવ્યો છે તું? સાહેબને?’ એણે ચોકીદારના ખભે
ધબ્બો માર્યો, ‘ઘેર કહીને આવ્યો છે ને, કે આજે પાછો નહીં આવું?’ એ હસતો રહ્યો, ‘આ સાહેબને સલાહ આપવાની
બુધ્ધિ તને ક્યાંથી સૂઝી?’ ચોકીદારનું મોં પડી ગયું. એ તો પોતાની ફરજ સમજીને કશું સારું કરવા આવ્યો હતો, પણ
મુલતાનની વાત સાંભળ્યા પછી એને સમજાઈ ગયું કે, શિવને કોઈ સલાહ આપવામાં ફાયદો નહીં થાય. એણે ડોકું
ધૂણાવ્યું અને બહાર જવા લાગ્યો, પણ મુલતાને એને બાવડું પકડીને અટકાવ્યો, ‘દેખ! યે સા’બ લોગ હૈ ના… તીનોં…
ઝહેરીલે નાગ જૈસે હૈં. ટોકરી મેં બંદ હૈ તબ તક કોઈ બોલ નહીં સકતા કિ અંદર નાગ હૈ.’ મુલતાનની આંખો બદલાઈ
ગઈ. એણે ચોકીદારને હિદાયત કરી, ‘એમના લફડામાં નહીં પડવાનું. બધા બધું સમજે જ છે. ખાલી ખોટો તું કુટાઈ
જઈશ.’ ચોકીદાર ડોકું ધૂણાવીને હમણાં જ મળેલા નવા જ્ઞાન સાથે પોતાની જગ્યાએ જઈને ગોઠવાઈ ગયો.
‘કોણ છે?’ દરવાજાની ઘંટડીથી જાગેલા શિવે ઉપરથી બૂમ પાડી, ‘કોફી…’
‘જી સાહેબ…’ કોફીનો જવાબ આપીને મુલતાને, ‘કોણ છે?’નો જવાબ ટાળ્યો, પણ એ ઉપર પહોંચ્યો ત્યારે
એની ટ્રોલીમાંથી કોફી લેતાં શિવે ફરી પૂછ્યું, ‘કોણ હતું?’
‘મોટા સાહેબ અને સાંઈબાબુની ચિંતા કરતો હતો આપણો વોચમેન.’ શિવ ભડકે નહીં એટલે મુલતાને ઉમેર્યું,
‘વફાદાર છે. સાંઈબાબુ ગઈકાલથી ગયા હતા, પણ હજી સુધી આવ્યા નથી.’
આ સાંભળીને શિવે મોટી આળસ મરડી, ‘નહીં આવે, કદાચ.’ મુલતાન ડરી ગયો, પણ કશું બોલ્યો નહીં.
શિવને પ્રશ્નો નહીં પૂછવાના. એને કહેવું હશે તો જાતે કહેશે એટલી સમજણ એણે એની દસેક વર્ષની નોકરીમાં કેળવી
હતી. એ થોડીક ક્ષણ ઊભો રહ્યો, પરંતુ શિવ કોફી પીતો રહ્યો એટલે મુલતાન દરવાજાની બહાર નીકળવા માટે ઊંધો
ફર્યો, ‘ઓમભાઈ અને હરામખોર સાંઈને મારી નાખ્યા.’ મુલતાન ત્યાં જ ઊભો રહ્યો, પણ ફર્યો નહીં, ‘મેં નહીં…
એમના દુશ્મન.’ કહીને શિવ ખડખડાટ હસ્યો, ‘હવે હું છું આ સામ્રાજ્યનો માલિક, બોસ!’ એણે મુલતાનને કહ્યું, ‘આ
ત્રણ બંગલા મારા છે…’
‘મુબારક હો.’ મુલતાને કહ્યું, એ શિવ તરફ ફર્યો, ‘પોલીસ ફરિયાદ… લાશ શોધવાની કસરત… કંઈ નહીં કરો
ને?’ એણે ડરતાં ડરતાં પણ પૂછી નાખ્યું. મુલતાનને નોકરી ઓમે આપી હતી. સાચું પૂછો તો શિવના ઘરમાં એને ઓમે
જ ગોઠવ્યો હતો. એવું નહોતું કે, ઓમને શિવ પર વિશ્વાસ નહોતો, પણ ઓમ હંમેશાં દરેક વાત ડબલ ચેક કરવામાં
માનતો. એટલે મુલતાન એનો ખબરી હતો. ક્યારેય, કંઈ અજુગતું લાગે કે શિવને ત્યાં કોઈ અનઈચ્છનિય માણસોની
અવરજવર થાય તો કેમેરામાં ખબર પડે જ, પરંતુ શિવના ફોનકોલ, એની રોજિંદી પ્રવૃત્તિઓ અને બીજી નાની મોટી
બાબતો પર નજર રાખવાનું કામ મુલતાનને સોંપવામાં આવ્યું હતું. શિવ એને પગાર આપતો, પરંતુ ઓમ એને ઘણી
વધુ કિંમત આપતો. મુલતાન અંતે તો, ઓમનો વફાદાર હતો. એના શેઠની લાશ પણ હાથ ન લાગે, એ વાત મુલતાનને
બહુ ગમી નહીં, પરંતુ એ શિવને બીજું કંઈ કહી શકે એમ નહોતો.
‘કરીશ. પોલીસ ફરિયાદ તો કરીશ. મારા બે ભાઈઓ ગૂમ થયા છે.’ શિવે દુઃખી ચહેરો બનાવીને કહ્યું, ‘મીડિયા
સામે આવવું પડશે. ઓમભાઈના ગયાનું દુઃખ દેખાડવું પડશે. અમે ત્રણ ભાઈઓ એકબીજાને કેટલો પ્રેમ કરતા હતા એ
દુનિયા સામે સાબિત કરવું પડશે.’ કહીને એ હસ્યો, ‘એટલે જ મેં પૂછ્યું કે કોણ આવ્યું હતું…’
‘જી!?’ મુલતાન સમજ્યો છતાં એણે ન સમજવાનો ડોળ કર્યો.
‘મને તો હમણાં ખબર પડી ને કે સાંઈ ગઈકાલ રાતથી ગાયબ છે.’ શિવે લુચ્ચા અને ક્રૂર સ્મિત સાથે કહ્યું,
‘ભાઈ ત્રણ દિવસથી ગાયબ છે, પણ આવું તો એ ઘણીવાર કરે છે એટલે આપણે એમના આવવાની રાહ જોતા હતા.
હવે, સાંઈ પણ ગૂમ છે અને ચોકીદારે મારું ધ્યાન દોર્યું એટલે હું ચોંકી ગયો છું.’ એણે અભિનય કરતાં કહ્યું, ‘ડરી ગયો
છું. મને સખત ડર લાગવા માંડ્યો છે.’ એણે પોલીસ ફરિયાદ કરવા માટે ફોન ઉઠાવ્યો, ‘તારે પણ એ જ કહેવાનું છે…’
પછી કડક અને દ્રઢ અવાજે ઉમેર્યું, ‘જે સત્ય છે તે.’ મુલતાન ડોકું ધૂણાવીને બહાર નીકળી ગયો.
શિવે પોલીસ સ્ટેશન ફોન કર્યો. ઓમ ત્રણ દિવસથી ગૂમ છે અને સાંઈ પણ ગઈકાલ રાતનો ગયો છે હજી
આવ્યો નથી એ બધી વાતો જરા ચિંતિત અને દુઃખી અવાજે ક્વાલાલમ્પુરના પોલીસ ડિપાર્ટમેન્ટના એક મોટા
ઓફિસર સાથે કરીને એણે ફોન મૂક્યો. ઊઠીને પોતાના વૈભવી બાથરૂમ તરફ નહાવા ગયો ત્યારે એને એક વિચાર
આવ્યો. એણે પાછા ફરીને શફકને ફોન લગાવ્યો, ‘શાહીન…’ એણે કહ્યું. શફક હજી હમણાં જ ઊઠી હતી. રાત્રે પલંગમાં
પડ્યા છતાં બહુ મોડે સુધી એ ઊંઘી શકી નહોતી. બબ્બે ભાઈઓના ખૂન થયાં અને હવે શિવ પણ નથી બચવાનો એ
વિચારથી શફક આખી રાત ફફડતી રહી. શિવ સાથે વાત થયા પછી માંડ થોડીવાર માટે એની આંખો મીંચાઈ હતી ત્યાં
શિવનો ફોન આવ્યો.
‘જી… જી…’ એની ઊંઘ ઉડી ગઈ. એણે ફફડતાં જીવે અને લસરતી જીભે કહ્યું, ‘તમે ઠીક છો?’
‘મારું કોઈ કશું બગાડી શકે એમ નથી, પણ હું અત્યારે પોલીસ ફરિયાદ કરું છું.’ સહેજ અટકીને એણે ઉમેર્યું,
‘મારા બંને ભાઈઓ ગૂમ છે અને મારા ઉપર જીવનું જોખમ છે… સમજી?’
‘જી… જી…’ શફક ધ્રૂજતી હતી.
‘ગઈકાલે રાત્રે સાંઈ તારે ત્યાં આવ્યો હતો. ખૂબ પીધેલો હતો. એ નીકળ્યો ત્યારે તેં રોકાવાનું કહ્યું, પણ એ
માન્યો નહીં. એનો ફોન ચાલુ હતો-તું સાંભળતી હતી ત્યાં જ એણે ક્યાંક ગાડી ઠોકી એટલે તેં મને બોલાવ્યો. હું
આવ્યો, પછી મારા ભાઈને શોધવા નીકળી ગયો.’ કહીને શિવ સહેજ અચક્યો, ‘સમજી?’
‘જી… જી…’ શફક આ સિવાય કશું બોલી શકે એમ હતી જ નહીં.
‘સ્ટેટમેન્ટ જુદું પડશે તો જીવ લઈ લઈશ.’ શફક કશું જ બોલી નહીં, ‘ને હા, તારા અને મારા સંબંધ વિશે તો
કોઈ ચર્ચા કરવાની રહેતી જ નથી કારણ કે, તું સાંઈની ગર્લફ્રેન્ડ છે એટલે મારે માટે તો…’ શિવે હસતાં હસતાં ઉમેર્યું,
‘ભાભી સમાન છે, સમજી?’
‘જી… જી…’ શફકે ફરી કહ્યું.
‘બસ, તો! હવે પછી હું તને ફોન નહીં કરું.’ શિવે કહ્યું, ‘ને કહેવાની જરૂર નથી કે, તું પણ મને ફોન નહીં
કરતી.’ એ થોડીક ક્ષણ અટક્યો ને પછી એણે કહ્યું, ‘આ ફોન મેં તને સાંઈ વિશે તપાસ કરવા માટે કર્યો છે એટલે કોલ
લોગમાં આ ફોન રહેવા દેજે. સમજી?’
‘જી… જી…’ શફકે કહ્યું.
શિવે એના આ એકાક્ષરી ઉત્તરને કારણે એની મજાક કરતો હોય એમ હસતાં હસતાં ફોન મૂકી દીધો. હવે એ
તદ્દન નિશ્ચિત હતો. ભાઈઓ આ દુનિયામાં નહોતા. શફક પાસે એલીબી હતી. પોતે રાત્રે ઘરે આવીને સૂતો હતો એ
વાતની ખાતરી તો એ સીસીટીવી દ્વારા જ કરાવી શકે એમ હતો. બંગલાના પાછળના ભાગમાં માત્ર ત્રણ બંગલાની
વચ્ચેના પેસેજમાં જ સમજી વિચારીને સીસીટીવીની ચોકી નહોતી, કારણ કે એક ઘરમાંથી બીજા ઘરમાં કેશ, ઝવેરાત કે
બીજી કોઈ વસ્તુ શિફ્ટ કરવી હોય તો પોલીસની, ઈન્કમટેક્સની રેડ વખતે એમણે આગોતરી સાવચેતી કરી રાખી હતી.
બાકી આખા બંગલાની ઈંચે ઈંચ સીસીટીવીમાં ઝીલાતી રહેતી. શિવ નાહી ધોઈને તૈયાર થયો. પોલીસ ગમે તે ક્ષણે
આવી પહોંચે તેમ હતી. સાંઈ અહીંથી ગયો હતો એટલે તપાસ અહીંથી જ શરૂ થવાની હતી. ઓમ છેલ્લે મંદિરે ગયો
એ પછી ઘરે નહોતો આવ્યો, એ વાત તો શિવે પોલીસને કહી-પરંતુ, મંદિરથી એનું અપહરણ થયું હતું એ વાતની
માહિતી એણે પોલીસને ન આપી.
એ પછી એણે ઓમના બોડીગાર્ડ્સને બોલાવીને અષ્ટમ-પષ્ટમ સમજાવીને એમના ગળે ઉતારી દીધું કે,
અપહરણની વાત કહીશું તો પોલીસ એને અંગત વેર ગણીને તપાસ નહીં કરે. આપણે ભાઈની ભાળ મેળવવી છે એટલે
એણે અપહરણની વાત નથી કહી અને બોડીગાર્ડ્સને પણ મનાવી લીધા કે, એ લોકો અપહરણની કથા નહીં કહે, બલ્કે
ઓમભાઈ મંદિરમાં ગયા પછી બહાર જ ન આવ્યા, એટલી જ માહિતી પોલીસને આપશે.
બધું બરાબર ગોઠવીને હવે શિવ નિરાંતે બેઠો હતો.
શફક સાથે વાત થયા પછી મંગલસિંઘ સમજી ગયો હતો કે, શિવે આફતને અવસરમાં પલટી નાખી હતી.
ભાઈઓના મૃત્યુ પછી એણે પોતાની ગાદી બરાબર સુરક્ષિત કરી લીધી હતી અને શફકનો ઉપયોગ એ પોતાની એલીબી
પૂરવાર માટે કરવાનો હતો. એણે શફકને ઊંઘી જવાનું કહી દીધું કારણ કે, શફક પાસે શિવ જે સ્ક્રીપ્ટ લખાવે એ
ડાયલોગ બોલવા સિવાય કે એ જે કરાવે તે અભિનય કર્યા સિવાય બીજો કોઈ છુટકો નહોતો. અમસ્તી પણ શફકમાં
સીધી સામે પડવાની હિંમત નહોતી એટલે, એને માટે એ જ યોગ્ય પણ હતું.
શિવને અત્યારે શફકની જરૂર હતી અને શફક પાસે આ એક જ તક હતી કે એ શિવ પાસે પોતાની સુરક્ષા અને
આવનારા ભવિષ્ય માટે થોડી સંપત્તિ માંગી શકે. આખી રાતના ઉજાગરા પછી મંગલસિંઘ પણ પોતાના રૂમમાં જઈને
પલંગ પર આડો પડ્યો. એની બંધ આંખો સામે શ્યામાનો ચહેરો તરવરવા લાગ્યો.
‘શું કરી રહ્યો છે?’ એણે મંગલસિંઘના મનમાંથી પૂછ્યું.
‘મારું કામ.’ મંગલસિંઘે જવાબ આપ્યો, ‘આ ત્રણ જણાં મરશે તો સ્ત્રીઓનો વ્યાપાર કરતાં ત્રણ રાક્ષસોનું આ
સામ્રાજ્ય તૂટી પડશે. પછી કોઈ દિવસ…’ એ મનોમન શ્યામા સાથે વાત કરી રહ્યો હતો ત્યાં જ એની આંખ સામે
દેખાતો શ્યામાનો ચહેરો જોર જોરથી હસવા લાગ્યો. મંગલસિંઘને નવાઈ લાગી. ત્યાં જ એ ચહેરાએ એને કહ્યું, ‘આ
ત્રણને તું મારી નાખીશ તો બીજા 30 પેદા થશે. આ ગંદકી, સ્ત્રીના શરીરનો વ્યાપાર, બળાત્કાર અને ડ્રગ્સ જેવી ચીજો
દુનિયામાંથી ક્યારેય દૂર નહીં થાય. એ સત્ય છે, અને સત્યને સ્વીકારી લઈશ તો તને તારું ધ્યેય, તારી મંઝિલ બધું સ્પષ્ટ
દેખાશે.’
‘એટલે?’ બંધ આંખો હોવા છતાં મંગલસિંઘના ભવાં સંકોચાયાં. એને શ્યામાના ચહેરાની વાત સાંભળીને થોડી
નવાઈ લાગી હતી. એ સાચે જ એવું માનતો હતો કે, શિવને ખતમ કરી નાખ્યા પછી આ આખું તંત્ર તૂટી પડવાનું છે.
મુંબઈ, મલેશિયા, ખાડીના દેશો અને યુરોપ સુધી વિસ્તરેલું આ હ્યુમન ટ્રાફિકિંગનો વ્યવસાય સમેટાઈ જશે, પરંતુ
શ્યામા તો કંઈ જુદું જ કહી રહી હતી. એણે કહ્યું, ‘આ ધંધો કોઈ દિવસ બંધ નહીં થાય. આપણે ધ્યાન એટલું રાખવાનું
કે, આપણા અંગત લોકો એનો શિકાર ન બને. જેમ કે, તારી મમ્મી, જેમ કે, તું અને જેમ કે, શફક…’ મંગલસિંઘ
સાંભળી રહ્યો હતો, આમ તો એનું મન જ આ કહી રહ્યું હતું. એના જ મનમાં ચાલતા આ સંવાદમાં એની સારાઈ,
માણસાઈ અને સજ્જનતા શ્યામા બનીને એની સાથે વાત કરી રહી હતી. જ્યારે એનામાં રહેલો રાક્ષસ મંગલ પોતાના
કામને અને આ લોહિયાળ જંગને સાચી ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
‘તો?’ મંગલસિંઘમાં રહેલી સારાઈ-માણસાઈ-શ્યામાએ પૂછ્યું, ‘શું કરીશ, હવે?’
‘શું કરું?’ ભયાનક લોહી તરસ્યા મંગલે શ્યામાને પૂછ્યું, ‘શિવને છોડી દઉં? એ રાક્ષસ તબાહી નોતરશે. ઓમના કંટ્રોલ
વગર એ વધુ ગંદકી ફેલાવશે.’ એણે જ નિર્ણય કરી લીધો, ‘એને તો હું મારી નાખીશ.’ પછી સહેજ શાંત થઈને એણે શ્યામાને
કહ્યું, ‘મારાથી જેટલી સફાઈ થઈ એટલી કરી છે મેં. શફકને છૂટવાનો રસ્તો બતાવીને હું પણ છૂટી જઈશ.’ એના ચહેરા પર બંધ
આંખે સ્મિત રેલાયું, ‘તારી પાસે પાછો આવી જઈશ. મારી સજા પૂરી કરીશ.’
‘હંમમ…’ શ્યામાના ચહેરા પર પણ સ્મિત રેલાયું, ‘બસ, તો… હવે વધુ લોહી વહાવ્યા વગર, તારા હાથ ગંદા કર્યા વગર
પાછો આવી જા.’
બાજુમાં પડેલા તકિયાને બે હાથની વચ્ચે બાહુપાશમાં લઈને મંગલસિંઘે આંખો વધુ જોરથી મીંચી. એ તકિયો જાણે
શ્યામા હોય એમ એને વહાલથી તકિયાને એક ચૂમી કરી અને માર્દવથી એના પર હાથ પસવારતો પસવારતો એ ક્યારે ઊંઘો ગયો
એની મંગલને પોતાને પણ ખબર ન રહી.
(ક્રમશઃ)