પ્રકરણ – 6 | આઈનામાં જનમટીપ

શ્યામા આઈસીયુનો દરવાજો ધકેલીને અંદર દાખલ થઈ ગઈ. હતપ્રભ જેવો દિલબાગ ત્યાં જ ઊભો હતો.
જિતો ધીરેથી દિલબાગ પાસે આવ્યો, ‘ચલે બાઉજી’ એણે હતી એટલી હિંમત એકઠી કરીને પૂછ્યું. દિલબાગે કશું
બોલ્યા વગર ચાલવા માંડ્યું. લિફ્ટ લેવાને બદલે એણે સડસડાટ સીડીઓ ઉતરવા માંડી. દિલબાગનું મગજ ભયાનક
તેજ અને ધારદાર હતું. જો શફક ગાડીમાં ન મળી તો એ ક્યાં હોઈ શકે એ વિશે એણે ગણતરીઓ કરવા માંડી. એની
પહેલી સમજણ એ હતી કે, એ છોકરી બચી ગઈ હોવી જોઈએ… ને જો બચી ગઈ હોય તો શફક રિઝવી કોઈ
હોસ્પિટલ કે ક્લિનિકમાં જવાને બદલે પોતાને ઘેર જ જાય કારણ કે, કોઈપણ જાહેરસ્થળે એના એક્સિડેન્ટના ન્યૂઝ
બનતા વાર ન લાગે.

રિસેપ્શન પર પહોંચીને દિલબાગે બહાર ઊભેલી પોતાની ગાડીઓ જોઈ. એણે જિતાને કહ્યું, ‘નંબર લગાઓ
ઉસ લડકી કા’.

જિતાએ સહેજ અચકાઈને શફકનો નંબર લગાવ્યો. હજી તો શફકને સમાચાર મળ્યા, કે મંગલ બચી ગયો છે.
એની બીજી જ મિનિટે એણે એના સ્ક્રીન પર ‘પ્રાઈવેટ નંબર’ વાંચ્યો. ફોન ઉપાડવો કે નહીં એની અસંમજસમાં શફક
થોડીવાર હાથમાં ફોન પકડીને વિચારતી રહી. રિંગ પૂરી થઈ ગઈ. ફરી ફોન રણક્યો. શફકે ડરતાં ડરતાં ફોન ઉપાડ્યો,
‘હલો!’ એના અવાજમાં હજી થોડી જ ક્ષણો પહેલાં મળેલા સમાચારની ધ્રૂજારી હતી.

‘દિલબાગ’ શફકે સાંભળ્યું.
‘જી’ એણે કહ્યું.
‘દેખ લડકી, મેરે બેટે કો કહીં ભી ફસાયા તો…’ દિલબાગ ઓછા શબ્દોમાં વાત કરતો. સીધો મુદ્દા પર આવતો
અને માત્ર હુકમ આપતો.
‘મેં ક્યૂં ફસાઉંગી?’ શફકનો અવાજ વધુ ધ્રૂજવા લાગ્યો.
‘તુમ ઉસ વક્ત ઉસકે સાથ થી, તીન લોગ મરે હૈં… હિટ એન્ડ રન કા કેસ નહીં બનના ચાહિએ. ક્યા બોલના
હૈ, કૈસે બોલના હૈ, હમ બતાયેંગે.’ દિલબાગે કહ્યું, ‘જબ તક હમ ન કહેં તુમ કિસી સે કુછ બાત નહીં કરોગી’ એના
અવાજમાં મોતની ધમકી હતી.
‘જી… જી…’ શફકે કહ્યું, પરંતુ એનો જવાબ સાંભળતાં પહેલાં જ દિલબાગે ફોન કાપી નાખ્યો.
‘યે કુછ નહીં કહેગી’ દિલબાગે ફોન મૂકીને જિતાને કહ્યું, ‘અબ તું જુહુ પોલીસ સ્ટેશન મેં જાકે મામલા સુલટા
દે’.
‘ઔર આપ?’ જિતાએ પૂછ્યું, એણે હિંમત કરીને દિલબાગને કહ્યું, ‘આપ બમ્બઈ સે નિકલ જાઈયે’. જિતાની
વાત સાંભળતા જ દિલબાગ હસી પડ્યો. એને હસતો જોઈને જિતો ગભરાયો, ‘બાઉજી, આપને ભૈયાજી કો દેખ
લિયા, અબ યહાં મત રુકીએ’ જિતાએ હાથ જોડ્યા.
‘મૈંને ઉસકો દેખા હૈ, ઉસને મુજે નહીં’ દિલબાગે કહ્યું. એની આંખો બેખૌફ હતી, ‘જબ તક મેરા બચ્ચા આંખ
ખોલકર મુજે દેખ નહીં લેતા મૈં કહીં નહીં જાઉંગા’.
‘બાઉજી આપ જાનતે હૈ…’ જિતો કંઈ કહેવા ગયો.
‘ઔર તુમ ભી જાનતે હો…’ દિલબાગે કહ્યું, પછી જવાબની રાહ જોયા વગર એણે હોસ્પિટલનો કાચનો મોટો
દરવાજો ખોલીને ગાડી તરફ ચાલવા માંડ્યું. જિતા પાસે કોઈ બીજો વિકલ્પ નહોતો, એ પણ પાછળ દોડ્યો.
હોસ્પિટલના મુખ્ય ગેટમાંથી ત્રણ ગાડીઓ એક તરફ ગઈ અને એક ગાડી જિતાને લઈને જુહુ પોલીસ સ્ટેશન
તરફ નીકળી ગઈ.

*

સંકેત નાર્વેકર જ્યારે પોલીસ સ્ટેશનમાં પાછો આવ્યો ત્યારે વરસાદ બંધ થઈ ગયો હતો, પણ મુંબઈ શહેરમાં
ભરાયેલાં પાણી હજી ઓસર્યાં નહોતાં. એનો આખો યુનિફોર્મ લથપથ ભીંજાઈ ગયો હતો. મુંબઈના વરસાદમાં લગભગ
દરેક માણસ પોતાના કામના સ્થળે એકાદ જોડી કપડાં રાખે જ, નાર્વેકરે કપડાં બદલ્યા. એ સ્વસ્થ થઈને વણીકરની
ચેમ્બરમાં આવ્યો ત્યારે વણીકરે મસ્કા-પાવ અને ચા મંગાવી રાખ્યા હતા. આખી રાતની ડ્યુટી પછી થાકેલો અને
ભૂખ્યો નાર્વેકર પાવ ઉપાડીને ચામાં બોળીને ખાવા લાગ્યો એટલે વણીકરે એને કહેવાનું શરૂ કર્યું, ‘એફઆઈઆર નહીં
કરતો… દિલબાગનો છોકરો છે. એ પૈસા આપવા તૈયાર છે. દરેકના પરિવારને પાંચ-પાંચ લાખ. આપણને અલગ.
લફરા નકો રે…’ આ સાંભળીને નાર્વેકરે ઊંચું જોયું. ચામાં બોળેલા પાવમાંથી બે-ચાર ટીપાં ટેબલ પર પડ્યા. એણે
ઉતાવળથી પાવ મોઢામાં મૂકી દીધું. પછી વણીકરની સામે જોઈ રહ્યો. એના ચહેરા પર કોઈ ભાવ નહોતો. આમ પણ
સંકેત નાર્વેકરની ખ્યાતિ પ્રમાણમાં કડક અને પ્રામાણિક ઓફિસર તરીકેની હતી. વણીકરને રિટાયર થવામાં હવે દોઢ વર્ષ
હતું એટલે એ કોઈ પ્રકારનો નવો પ્રશ્ન ઊભો કરવા માગતા નહોતા. એમણે આગળ કહ્યું, ‘જો, તું કેસ બનાવીશ તો
મીડિયા પબ્લિસિટી આપશે, પણ દિલબાગ ઉપરથી પ્રેશર લાવશે.’ સંકેત કશું જ બોલ્યા વગર ચા પીતો રહ્યો.
વણીકરને એના મગજમાં શું ચાલે છે એ સમજાયું નહીં એટલે એણે સીધું જ પૂછી નાખ્યું, ‘શું ચાલે છે તારા
મગજમાં?’

સંકેત યુવાન હતો, પણ આ કેસની ગંભીરતા, એની સાથે જોડાયેલા સવાલો બધું એને સમજાતું હતું. એણે
થોડીવાર ચૂપ રહીને કહ્યું, ‘ગાડીમાં મંગલસિંઘની સાથે કોઈ છોકરી હતી. એની પર્સ અને સ્કાફ મળ્યા છે. છોકરી કોણ
હતી…’

વાત પૂરી થાય એ પહેલાં વણીકરે વચ્ચે જ એને અટકાવ્યો, ‘શફક રિઝવી હતી.’ નાર્વેકર આગળ બોલે એ
પહેલાં વણીકરે કહ્યું, ‘હાઈપ્રોફાઈલ થઈ જશે બધું. એકવાર જો શરૂ થઈ જશે તો સુતરનો દડો ગળ્યા જેવી હાલત
થશે. આવતું-જતું કોઈપણ તારી પાછળથી દોરો ખેંચ્યા કરશે.’ એ હસવા લાગ્યો, પણ નાર્વેકર ગંભીર હતો.

‘શફક મરી ગઈ હશે તો શું થશે એની કલ્પના છે?’ એણે પૂછ્યું. વણીકરનું હાસ્ય એકદમ અલોપ થઈ ગયું,
‘મુંબઈ પોલીસે કાર્યવાહી ન કરી, એવા આક્ષેપનો જવાબ તમારે આપવો પડશે, મારે નહીં’. નાર્વેકરે કહ્યું.

વણીકર ઉશ્કેરાટમાં ઊભો થઈ ગયો, ‘આતા કાય કરાય ચ? સમોવર ખાઈ આહે, આણી પાઠીમગે સિંહ’ એણે
નાર્વેકરની સામે બે હાથ જોડ્યા, ‘મારું રિટાયરમેન્ટ બગડે નહીં એ જો જે.’

‘એટલે જ કહું છું સર, દિલબાગને છોડો, પહેલાં શફકની તપાસ કરો’. કહીને નાર્વેકર ઊભો થઈ ગયો, ‘થેન્ક યૂ
સર, આ ચા અને પાવ તો લાઈફ સેવિંગ હતા.’ એણે નીકળતાં નીકળતાં સલામ કરીને પૂછ્યું, ‘શું કરું? શોધું શફકને?’
‘હાસ્તો, હાસ્તો…’ વણીકરે કહ્યું, ‘એને શોધ અને ચૂપ કરાવ’ નાર્વેકર સલામ કરીને બહાર નીકળી ગયો.

*

શફક રિઝવીના ઘરનો બેલ રણક્યો ત્યારે એ ઘસઘસાટ ઊંઘી ગઈ હતી. ફ્રેક્ચરના પેઈન અને શરીર પર પડેલા
ઉઝરડાની બળતરાને શાંત કરવા કનુભાઈએ જતાં જતાં એને એક ઊંઘની ગોળી લેવાની સલાહ આપી હતી. છેલ્લા છ
મહિનાથી શફક આમ પણ રોજ રાત્રે એક ઊંઘની ગોળી લેતી, ક્યારેક બે તો ક્યારેક ત્રણ પણ લેવી પડતી.

મંગલસિંઘને મળ્યા પછી શફક રિઝવીની જિંદગી નરકથી ય બદતર થઈ ગઈ હતી. એ ગમે ત્યારે આવતો, ગમે
ત્યાં પહોંચી જતો, ચાલુ શૂટમાં શફકને વેનમાં બોલાવી લેતો. એની શરીરની ભૂખ મિટાવીને એવી રીતે નીકળી જતો
જાણે કોઈ રેસ્ટોરન્ટમાં ખાઈને બહાર નીકળી જાય. શફક કશું જ બોલી શકતી નહીં.

*

અત્યારે ઊંઘમાં પણ શફક એ જ દ્રશ્યો જોઈ રહી હતી જે ગઈકાલે રાતથી એને ડરાવી રહ્યાં હતાં. નવ-સાડા
નવની આજુબાજુ મંગલસિંઘ એના ઘરે આવ્યો હતો. એણે શફકને તૈયાર થવાનો હુકમ કર્યો હતો. એક અક્ષર બોલ્યા
વગર ઢીંગલીની જેમ તૈયાર થઈને શફક એની બાજુમાં આવીને ગોઠવાઈ ગઈ હતી. જેડબલ્યુ મેરિયેટના બારમાં ખૂબ
દારૂ પીધા પછી મંગલસિંઘે ગાડી ચલાવવાની જીદ કરી હતી એટલું જ નહીં, એના ડ્રાઈવર અને બીજા બે-ચાર પંટરોને
પાછળની ગાડીમાં બેસવાનો હુકમ કરીને એણે ગાડીને બેફામ ભગાવી હતી.

આજે, મંગલસિંઘ ઉશ્કેરાયેલો હતો. એને ખબર પડી ગઈ હતી કે, શફકે એની વિરુધ્ધ મુંબઈના બીજા ડૉન
અલતાફનો સંપર્ક કર્યો હતો. અલતાફે ફોન કરીને મંગલસિંઘને કડક ભાષામાં શફકથી દૂર રહેવાની સૂચના આપી હતી.
આ ફોન પરની વાતચીત પછી મંગલસિંઘનું મગજ છટક્યું હતું. એણે ખૂબ શરાબ પીધી હતી. હવે ગાડી ચલાવતાં એ
શફકને બેફામ ગાળો દઈ રહ્યો હતો. પોતે અલતાફ પાસે ગઈ એ વાતની મંગલસિંઘને ખબર પડી ગઈ છે એ જાણ્યા
પછી શફકના હોશહવાશ ઊડી ગયા હતા. હવે મંગલ પોતાને નહીં છોડે એ ભયમાં સંકોચાઈને, કોકડું વળીને બેઠેલી
શફક મંગલસિંઘ સામે ઘાયલ હરણ જેવી નજરથી જોઈ રહી હતી.

‘બેચ ડાલુંગા તુજે’ મંગલસિંઘ બેફામ ગાળો બકી રહ્યો હતો, ‘સાલી! રાં… કપડે ઉતાર કે હર ચાર રસ્તે પર
ખડી હો જાતી હૈ ઔર મૈં હાથ લગાતા હું, તો સાવિત્રી બનતી હૈ? મુજસે બચેગી? વો અલતાફ બચાયેગા તુજે?
આજ મૈં નહીં મેરે સારે પંટર મજે લેંગે… એક કે બાદ એક… તુ દેખતી જા’ મંગલસિંઘ બરાડી રહ્યો હતો.

એક હાથે ગાડી ચલાવતાં એણે શફકના શરીર પર હાથ ફેરવવા માંડ્યો હતો. મુંબઈના ટ્રાફિક ભરેલા રસ્તાઓ
પર ભયાનક સ્પીડમાં ભાગી રહેલી ગાડી, બેકાબૂ બની ગયેલો મંગલસિંઘ… ડરી ગયેલી શફકે એને અટકાવવાનો પ્રયત્ન
કર્યો હતો, પણ મંગલસિંઘે ચાલુ ગાડીએ એનો હાથ પકડીને એટલા જોરથી મરોડ્યો હતો કે, એના કાંડાનું હાડકું ક્રેક
થવાનો અવાજ શફકને પોતાને સંભળાયો હતો.

આ બધી ઝપાઝપી અને ખેંચતાણમાં, ભયાનક વરસાદ અને રોડ પર ભરાયેલાં પાણીની સાથે શરાબના
નશામાં ધૂત મંગલસિંઘનો કાબૂ એના સ્ટીયરિંગ પરથી છૂટ્યો હતો. જુહુતારા રોડ પર હોટેલ રામાડાથી ટર્ન લેતી વખતે
ગાડી બેવાર ડિવાઈડરને ટકરાઈ ને બેવાર ફૂટપાથને. ડિવાઈડર તૂટી ગયું. એના ધક્કાથી ગાડી ફૂટપાથ પર ચડી ગઈ.
ફૂટપાથ પર સૂતેલા લોકોમાંથી ત્રણ જણાંને કચડીને ગાડી ફૂટપાથ પરથી ઉતરીને ઊંધી થઈ ગઈ. મંગલસિંઘની
છાતીમાં સ્ટીયરિંગ પેસી ગયું, વિન્ડસ્ક્રીન તૂટીને ગાડીની અંદર પડ્યો… લોહીલુહાણ હાલતમાં મંગલસિંઘ બેહોશ થઈ
ગયો. શફકનું માથું સામે ડેશબોર્ડ પર અથડાયું, થોડીક ક્ષણો માટે એ પણ બેહોશ થઈ ગઈ. સીટબેલ્ટ પહેર્યા વગર ગાડી
ચલાવી રહેલા મંગલસિંઘ માટે આટલી હાઈટેક ગાડીની એરબેગ્સ પણ ન ખૂલી…

મંગલસિંઘના માણસો એને લઈને નીકળી ગયા. ઊંધી પડેલી ગાડીમાં બેહોશ પડેલી શફક જ્યારે જાગી ત્યારે
ધોધમાર વરસાદમાં પલળતી, ઊંધે માથે પડેલી ગાડીમાં એ ફસાઈ હતી. એણે ધીમે રહીને પોતાની જાતને બહાર કાઢી.
આસપાસ જોયું, પણ કોઈ દેખાયું નહીં. થોડે સુધી ચાલીને ત્યાંથી પસાર થતી એક રિક્ષામાં બેસીને એ માંડ ઘરે
પહોંચી.

અત્યારે પણ ઊંઘમાં એને મંગલસિંઘના ક્રૂર ચહેરા પર દેખાતી ભૂખનું સપનું ડરાવી રહ્યું હતું. એ ઊંઘમાં જ
રડી રહી હતી, બબડી રહી હતી, ‘પ્લીઝ મંગલ… પ્લીઝ મંગલ…’ એની આંખોમાંથી વહેતાં આંસુ અને એના શરીર
પર વળતાં પરસેવાને કારણે એની ચાદર અને ઓશિકું ભીનાં થઈ ગયાં હતાં.

આ કંઈ પહેલીવાર નહોતું થયું. મંગલસિંઘ માટે શફક પર હાથ ઉપાડવો કે એને પોતાની વિકૃત ઈચ્છાઓને
તાબે કરીને મન ફાવે તેમ એનું શરીર ચૂંથવું એ કોઈ નવી વાત નહોતી.

છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા આ માનસિક અને શારીરિક અત્યાચારથી કંટાળીને શફકે એના કો-સ્ટાર
રજનીશ દત્તનો સંપર્ક કર્યો હતો. રજનીશના કનેક્શન છેક દુબઈ સુધી હતા. એની ફિલ્મોમાં ફાયનાન્સ પણ બહારના
દેશોથી આવતું. શફકની આખી કથા સાંભળ્યા પછી રજનીશે એની મુલાકાત અલતાફ કમાલ સાથે કરાવી હતી.
રજનીશ દત્ત અને અલતાફ સ્કૂલના મિત્રો હતા. બંનેએ પોતપોતાના રસ્તા પકડી લીધા, પરંતુ દોસ્તી હજુ અકબંધ
હતી. માત્ર મુંબઈ જ નહીં, આખા મહારાષ્ટ્રના દરિયા પર અલતાફની હકુમત હતી. એ ગેરકાયદે હથિયાર અને
હવાલાનો બેતાજ બાદશાહ હતો. એના પર આતંકવાદીઓની મદદ કરવાનો આરોપ હતો, પણ અલતાફને જે
ઓળખતા એ બધાને પૂરી ખાતરી હતી કે, અલતાફ ક્યારેય કોઈ નિર્દોષ માણસની હત્યા ન કરે.

અલતાફ અને દિલબાગ વચ્ચે ભયાનક વેર હતું. દિલબાગના ફ્લેશ ટ્રેડ-દેહ વ્યાપાર સામે અલતાફને ભયાનક
વિરોધ હતો. નિર્દોષ છોકરીઓને ફસાવીને એમને દેહવિક્રયના ધંધામાં ધકેલવાનું પાપ કરતા આ દિલબાગને મારી
નાખવા માટે અલતાફ પાસે ઘણાં કારણો હતા જેમાં એક એ પણ હતું કે, અલતાફના ભાઈ જેવા સાથીદારને દિલબાગે
અંધેરી ઈસ્ટના મુખ્ય રસ્તા પર દોડાવી દોડાવીને માર્યો હતો. અલતાફ એ વાતને ક્યારેય ભૂલી શક્યો નહોતો.
દિલબાગના લોહીનો તરસ્યો હતો અલતાફ! બંનેને હિન્દુ-મુસ્લિમ નેતાઓનું પીઠબળ હતું. અલતાફ ‘એ વોર્ડ’
કોલાબાનો કોર્પોરેટર હતો. આવતા વર્ષે એમએલએની ચૂંટણી લડવા તૈયાર હતો, કદાચ એટલે જ અત્યારે દિલબાગના
લોહીથી હાથ રંગીને એ કોઈ ભૂલ કરવા માગતો નહોતો. અલતાફને જ્યારે મંગલસિંઘના બચી ગયાના સમાચાર મળ્યા
ત્યારે એણે જ ફોન કરીને શફકને એ સમાચાર આપ્યા હતા.

*

ઘરના બેલનો અવાજ સાંભળીને શફક ચોંકીને જાગી ગઈ. પરસેવે રેબઝેબ અને આંસુઓથી તરબતર ચહેરા
સાથે શફકે એના ઘરની કાળજી લેતી અમીનાને પૂછ્યું, ‘કૌન હૈ?’
‘પુલીસ’ અમીનાએ કહ્યું.
દરવાજો ખોલીને સામે ઊભેલા નાર્વેકરને જોઈને અમીના પણ પહેલાં ડરી ગઈ. મંગલસિંઘ જે કંઈ કરી રહ્યો
હતો, અમીના એની સાક્ષી હતી. છેલ્લા છ મહિનાથી એ શફકને ગૂંગળાતી-રૂંધાતી જોઈ રહી હતી.
પોલીસ પોતાના દરવાજા સુધી પહોંચી ગઈ છે એ સાંભળીને શફકના હોશ ઊડી ગયા, પણ અમીનાને એક
પ્રકારની રાહત થઈ.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *