જ્યારથી કોરોના બજારમાં આવ્યો છે ત્યારથી આપણે જોઈ રહ્યા છીએ કે ઓર્ગેનિક, ઈમ્યુનિટી, એક્સરસાઈઝ,
હેલ્થ, કંટ્રોલ, હિલીંગ જેવા શબ્દો વારંવાર વપરાય છે. જે લોકો તદ્દન બેદરકાર અને સ્વાસ્થ્ય પ્રત્યે સાવ જ આળસુ હતા
એવા લોકોએ પણ વજન ઉતારવાનું શરૂ કર્યું છે, પ્રાણાયમ, વૉક અને એક્સરસાઈઝ ઉપર ફોકસ કરવા માંડ્યું છે. આજકાલ
પ્રાણાયામનો બહુ પ્રચાર થવા લાગ્યો છે. ગયા વર્ષ સુધી જેમને પ્રાણાયામ વિશે ખબર પણ નહોતી એવા લોકો આપણને
હવે પ્રાણાયામ વિશે ભાષણ આપતા થઈ ગયા છે. પણ આ પ્રાણ + આયામ = પ્રાણાયામ છે શું? અનુલોમ, વિલોમ,
ભ્રસ્ત્રીકા, ભ્રામરી કે દેવવાણી જેવા અનેક પ્રાણાયામ આયુર્વેદમાં અને યોગવિદ્યામાં શીખવવામાં આવે છે. આપણું શરીર
જીવિત છે અથવા ચાલે છે, હુંફાળૂ છે કારણકે આપણે શ્વાસ કે ઉચ્છશ્વાસ દ્વારા આપણા જીવનને ધબકતું રાખીએ
છીએ. ચાર વેદો અને આયુર્વેદમાં આ શ્વાસ અન ઉચ્છવાસને ‘પ્રાણ’ કહેવામાં આવ્યા છે આ પ્રાણ ઉપર જો નિયંત્રણ
આવે તો આપણા ફેંફસા, હૃદય રક્તશુદ્ધિ અને મગજ સુધી પહોંચતા લોહીમાં એક નિયંત્રણ લાવી શકાય. એનો અર્થ એ
થયો કે આપણી શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયા જો વ્યવસ્થિત હોય તો આપણે બેઝિક સ્વાસ્થ્ય ઉપર નિયંત્રણ રાખી શકીએ.
પ્રાણાયામ એટલે પ્રાણને નિયંત્રણમાં લઈને એના ઉપર સ્વાસ્થ્ય સંબંધિત કંટ્રોલ કરવાની પ્રવૃત્તિ. આપણને ઋગવેદમાં અને
સામવેદમાં પણ કયા રોગ માટે કયા દેવની આરાધના કરવી અથવા કયું આસન કરવું એની માહિતી આપવામાં આવી છે.
બાબા રામદેવે પહેલાં આધુનિક તબીબી વિજ્ઞાનને બોગસ અને નકામું કહીને ભાંગરો વાટ્યો, પછી વળતા પાણી કરીને
લગભગ માફી માંગવા જેવા સ્ટેટમેન્ટ કરીને એમણે આધુનિક તબીબી વિજ્ઞાન પણ આયુર્વેદ અને નેચરોપેથી પર આધારિત
છે એવું સ્વીકારીને ચૂપ રહેવાનું પસંદ કર્યું.
અત્યારના સંજોગોમાં લગભગ દરેક વ્યક્તિ માટે સાજા થવું અને સ્વસ્થ્ય રહેવું એ પ્રાયોરિટી છે. આ સ્વસ્થતા કઈ
રીતે પ્રાપ્ત થાય છે એ વિશે દરેક વ્યક્તિના પોતપોતાના મંતવ્ય છે. શરદી કે ગળતા નાકમાં એલોપથીની દવા લઈ લઈએ તો
તરત જ સુકાઈ જાય. પરંતુ બીજે દિવસે એ જ પ્રકારની છીંકો કે નાક ટપકવાનું શરૂ નહીં થાય એવું કોઈ વચન નથી. જ્યારે
આયુર્વેદ ધીમે-ધીમે અસર કરે એવું બને પણ એની અસર લાંબા ગાળાની અને ઊંડી હોય છે એવું સામાન્યતઃ માનવામાં
આવે છે.
વેદના મંત્રોમાં શરીર અને સ્વાસ્થ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. આપણું વૈદિક વિજ્ઞાન રોગોને ત્રણ
ભાગમાં વહેંચે છે. આધ્યાત્મિક, મનોવૈજ્ઞાનિક અને શારીરિક. જેમ આધુનિક તબીબી વિજ્ઞાન કહે છે કે મોટાભાગના રોગનું
કારણ સાઈકો-સોમેટિક, મન અને શરીર બંનેમાંથી મળે છે એવી જ રીતે આજથી હજારો વર્ષ પહેલાં આયુર્વેદે પણ રોગોને
ચાર ભાગમાં વહેંચ્યા છે. (સુશ્રુત સંહિતા) 1. આગંતુક રોગઃ આ રોગ અકસ્માતથી ઉત્પન્ન થાય છે. પડવું, વાગવું, પ્રાણી
કરડવું, સર્પદંશ થવો કે માનસિક આઘાત લાગવો. ક્યારેક ઊંઘમાં સૂતી વખતે શરીરનો કોઈ ભાગ દબાઈ જાય કે અકડાઈ
જાય એને પણ આગંતુક રોગ કહેવાય છે. 2. કાયિક રોગઃ શરીરમાં ઉત્પન્ન થનારા રોગો જેને તબીબી વિજ્ઞાન સીમ્પટોમ
તરીકે ઓળખે છે. શરદી, તાવ કોઈ એકાદ ભાગમાં દુઃખાવો થવો. માથું દુઃખવું, ત્વચા પર નિશાન બનવા, ફોડલા થવા
વગેરે. આ રોગો શરીર સાથે જોડાયેલા છે. એનું મૂળ ક્યાંક ભીતર હોય છે. જેમ કે, કોરોના થયો હોય તો તાવ આવે,
અથવા ગેસ થયો હોય તો પેટમાં દુઃખે. આ દુઃખાવો કે શારીરિક તકલીફ ‘કાયિક રોગ’ તરીકે ઓળખાય છે. આ શરીરમાં
દેખાતો રોગ છે જેમાં નાડી પરીક્ષા અને બીજી દરદીની હિસ્ટ્રી લઈને રોગના મૂળ સુધી પહોંચવાનું આયુર્વેદ અને તબીબી
વિજ્ઞાન બંનેમાં શક્ય છે. 3. માનસ રોગઃ મનની સાથે સંબંધિત રોગ જેમાં એપિલેક્સી, અસ્થમા, ત્વચાના રોગો સહિત
ખરાબ સ્વપ્નો, વિચારોના વિકાર, (એન્ઝાયટી, સ્કીઝોફ્રેનિયા કે બાયપોલર), ઊંઘ ન આવવી, સતત મગજ કામ કર્યા કરે
અને થાકી ગયેલું શરીર પણ શાંત ન થઈ શકે જેવા રોગોનું પણ વર્ણન જોવા મળે છે. માનસરોગના ઉપચાર માટે આયુર્વેદ
પાસે દવા અને સાથે સાથે કેટલાક આસનો અને ધ્યાન સહિત બીજી કેટલીક એવી ઉપચાર પદ્ધતિ છે જેને કારણે વ્યક્તિનું
મન શાંત થાય અથવા એના માનસિક રોગોમાં એને રાહત મળે. જેમ કે માથામાં ઠંડી માટીના પોતા મૂકવા, તાજી મહેંદીમાં
પગ પલાળવા, ગાયનું દૂધ માથામાં ઘસવું કે પગના તળિયે ઘી ઘસવું કે વિવિધ પ્રકારના દ્રવ્યોમાંથી શિરોધારા અને વિવિધ
તેલોના માલિશના ઉપચાર પણ આયુર્વેદમાં બતાવવામાં આવ્યા છે. ચોથા પ્રકારનો રોગ, સ્વાભાવિક રોગ છે આવા
પ્રકારના રોગ પ્રાકૃતિક હોય છે. વૃદ્ધાવસ્થાને કારણે, વધુ પડતા શ્રમને કારણે, કે જીવન શૈલી અને ભોજનની ટેવોને કારણે
થતા રોગને આયુર્વેદ સ્વાભાવિક રોગ તરીકે વર્ણવે છે. જેમાં માત્ર કેટલાક કરેક્શન કરવાથી જ સ્વાસ્થ્ય પાછું મેળવી શકાય
છે. વૃદ્ધાવસ્થાને પાછી ઠેલી શકાય છે અથવા જીવનશૈલીને બદલી શકાય છે.
છાંદોગ્ય ઉપનિષદમાં આહારશુદ્ધિ, સત્વશુદ્ધિનું ખૂબ મહત્ત્વ બતાવ્યું છે. આજે આપણે જેને ઓર્ગેનિક કહીએ
છીએ એવો સાત્વિક અને સ્વચ્છ આહાર લેવાથી શરીર સ્વસ્થ્ય રહે છે. સ્વસ્થ્ય શરીરમાં મન પણ સ્વસ્થ્ય રહે છે અને
સ્વસ્થ્ય મનમાં સ્મરણ શક્તિ અને કામ કરવાની તાકાત વધુ હોય છે. આપણે જ્યારે સંતોષકારક કામ કરી શકીએ ત્યારે
સાંજના છેડે સારી ઊંઘ આવે છે અથવા બરોબર ભૂખ લાગે છે અને ખાધેલો ખોરાક પચે છે… ટૂંકમાં, છાંદોગ્ય ઉપનિષદ
આપણા આહારને આપણા સ્વાસ્થ્યના મૂળ સાથે જોડે છે.
જેમ પ્રાણાયામ વિશે શ્વાસ અને ઉચ્છવાસની એક પ્રક્રિયાનું વિજ્ઞાન છે એવી જ રીતે આયુર્વેદમાં અન્નના
વિજ્ઞાન વિશે ચાર સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. શુદ્ધ અન્ન ખાવું (અનાજ, શાકભાજી, ફળોને ધોઈને, પલાળીને
ખાવા), સાત્વિક ભાવથી રાંધવું (ગુસ્સામાં કે ચીડથી રાંધેલા અન્નમાં સ્વાદ હોતો નથી વળી ઉશ્કેરાટ કે ગુસ્સાનો ભાવ એ
અનાજમાં પણ ભળે છે જેનાથી ભોજન કરનાર સુધી આપણા વાઈવ્ઝ અથવા ભાવ પહોંચે છે.), અન્નને ઈશ્વર માનવું,
ભોજનને પ્રાર્થના માનીને ખાવું (ખાતી વખતે કકળાટ કરવાથી એસિડિટી, ગેસ જેવા રોગો થાય છે.) ભોજન આપણી
ઊર્જા છે. ગાડીમાં જેમ સારું પેટ્રોલ નાખીએ કે એન્જિનમાં સારું ઓઈલ નાખીએ એવી જ રીતે ભોજન કરતી વખતે
સારો ભાવ રાખવાથી ભોજન સારી રીતે પચે છે અને એનો સ્વાદ માણી શકાય છે. સારા ભોજનથી શરીરમાં સારી ઊર્જા
પ્રવેશે છે. સારી ઊર્જાને કારણે શરીર સ્વસ્થ્ય રહે છે. અન્ન લેતી વખતે કોઈની કે અન્નની નિંદા ન કરવી. ખાવાનું સારું
બન્યું હોય કે નહીં એકવાર ભૂખ જેવું ખાઈ લેવું. દરેક વખતે આપણને ભાવતું અને ગમતું મળે એવું જરૂરી નથી. એટલે
જ્યારે એ ન મળે ત્યારે પણ ભોજનને જરૂરિયાત સમજીને સ્વીકારી લેવું.
આપણે અન્ન અને શ્વાસનું મહત્ત્વ સમજતા નથી… સત્ય તો એ છે કે જો આ બે વસ્તુ પર આપણું નિયંત્રણ
આવી જાય તો સ્વાસ્થ્યનું બેલેન્સ ક્યારેય ગડબડ થશે નહીં.