પ્રેમઃ બદલાતી પેઢી, બદલાતી વ્યાખ્યાઓ…

વિતેલા વર્ષમાં કોરોનાએ કોઈ ઉત્સવ આનંદથી ઉજવવા દીધો નહીં. ગણેશ ચતુર્થી હોય કે ઉત્તરાયણ, સરકારી નિયંત્રણો અને કરફ્યુએ સહુની મજા બગાડી. હવે જ્યારે થિયેટર્સ ખુલ્યા છે ત્યારે પણ પંદરથી વીસ ટકા હાજરી જોવા મળે છે. આ સ્થિતિમાં એરકન્ડિશન, સ્ટાફ અને મેઈન્ટેનન્સનો ખર્ચો કાઢવો થિયેટરના માલિકો માટે અઘરો છે. કોરોનાની રસી બજારમાં હોવા છતાં હજી એ રસી વિશે એક અવઢવ જનસામાન્યમાં જોવા મળે છે. કેટલાક લોકોએ પૂરા વિશ્વાસ અને ઉત્સાહથી રસી લીધી છે, તો કેટલાક લોકો આ રસીની આડઅસરથી ડરે છે… એવા સમયમાં વેલેન્ટાઈન ડે આવીને પસાર થઈ ગયો. બજારોમાં જોઈએ તેવી રોનક જોવા મળી નહીં. પ્રેમ પણ જાણે ઓસરી ગયો હોય એમ આ વર્ષે વેલેન્ટાઈન ડેની ઉજવણી પણ એવી જોરશોરથી જોવા મળી નહીં. એક દુકાનદાર સાથે વાત કરતા એમણે કહ્યું, “બહેન, બજારમાં પૈસા જ નથી. ખર્ચો કરવાનો આવે ત્યારે પહેલી પ્રાયોરીટી ઘર, છોકરાંઓ અને જરૂરિયાત હોય. વેલેન્ટાઈન ડેના કાર્ડ કે ગિફ્ટ તો લક્ઝરી છે…”

એમની વાત સાંભળીને તમને શું વિચાર આવે છે ? ટીનએજના છોકરાંઓ માટે કદાચ વેલેન્ટાઈન ડેનું મહત્વ ઘણું વધારે હોઈ શકે, કારણ કે એમને તો ઉજવણી કે પાર્ટી કરવા માટે આવા કારણો જોઈએ. આપણા દેશમાં આવા ખાસ દિવસો ક્યારેય ઉજવાતા નહોતા. દામ્પત્યના સાત વચનો કે પ્રેમના સાત સ્ટેજીસ આપણા દેશે આપેલી ભેટ છે. પ્રેમના સાત સ્ટેજ હોઈ શકે એ વિચાર જ કદાચ ભારતીય પરંપરામાંથી આવ્યો છે. ઉર્દૂ કવિઓ પોતાની ગઝલોમાં પ્રેમના સાત તબક્કા વર્ણવે છે. દિલકશી (એટ્રેકશન-આકર્ષણ), ઉન્સ (ઈન્ફેચ્યુએશન-લગાવ/લાગણી), ઈશ્ક (લવ-આ માત્ર સ્ત્રી-પુરુષ કે ખુદા પૂરતો જ વાપરી શકાય એવો શબ્દ છે.), અકીદત (ટ્રસ્ટ-વિશ્વાસ), ઈબાદત (વર્શિપ-પૂજા અથવા સમર્પણ), જૂનુન (મેડનેસ-સ્વયંને ભૂલીને થઈ શકે એવો પ્રેમ. અહીં પામવું અને આપી દેવું બંને ઉચ્ચ કક્ષાએ પહોંચે છે.), મોત (ડેથ) ઈશ્કમાં કે પ્રેમમાં શરીર કે જીવન સમર્પિ દેવું એ પ્રેમનો સૌથી અંતિમ અને આખરી તબક્કો છે. આપણને નવાઈ લાગે પણ આ તબક્કા ભલે ઉર્દૂ કવિતાઓમાં વર્ણવવામાં આવ્યા હોય, પરંતુ મીરાંને જ્યારે દ્વારિકાથી પાછા રાજસ્થાન લઈ જવાનો હઠાગ્રહ કરવામાં આવ્યો ત્યારે એમણે પોતાના દ્વારકાધિશને છોડીને નહીં જવાના નિર્ણય માટે પોતાનું જીવન સમર્પિ દીધું. લૈલા-મજનુ હોય, શિરીં-ફરહાદ કે આપણી સોરઠી કથાના શેણી-વિજાણંદ… દરેકના ઈશ્કનો અંતિમ તબક્કો મૃત્યુ સુધી પહોંચે છે. 1981માં રિલિઝ થયેલી ફિલ્મ ‘એક દૂજે કે લીયે’ની સફળતાનું શ્રેય એની વાર્તાના અંતને આપવામાં આવ્યું.
પ્રેમમાં પડેલા બે જણા અંતે મૃત્યુ પામે છે, મોટાભાગના પ્રેમીઓને આ વાત બહુ રોમેન્ટીક લાગી ! એ સમયે, એટલે કે 1970 અને 1980ના દાયકામાં પ્રેમ એટલે ચૂપ રહેવું, ક્ષમા કરવી, આપી દેવું કે સમર્પીત થઈ જવું વગેરે અર્થ કાઢવામાં આવતા. કેટલીયે વાર્તાઓ પ્રેમી કે પ્રેમિકાને સાચું નહીં કહેવાને કારણે સર્જાયેલી ગૂંચવણની વાર્તાઓ હતી. જે એ વખતની પેઢીઓને ખૂબ રોમેન્ટીક લાગી હતી !

આજની પેઢી જ્યારે એ ફિલ્મો જુએ છે ત્યારે એમને હાસ્યાસ્પદ લાગે છે. આજની પેઢી માટે પ્રેમનો અર્થ સમર્પણ કે સ્વીકાર વગેરે નથી. એમને માટે પ્રેમ દોસ્તી છે. 70 કે 80ના દાયકામાં શારીરિક સંબંધોને જે નજરે જોવામાં આવતા હતા એના કરતા આજે 180 ડિગ્રી જુદી રીતે જોવામાં આવે છે. એક સ્ત્રી સાથે પુરુષના સંબંધમાં જો એણે શરીર સોંપી દીધું હોય તો ‘પાપ’ કે ‘અપવિત્ર’ જેવા શબ્દો વપરાતા, પરંતુ આજે ‘માય બોડી, માય રાઈટ’ની વાત કરતી આધુનિક યુવતી શરીર સંબંધને બહુ મહત્વ નથી આપતી. માત્ર યુવતિ જ શું કામ, એનો બોયફ્રેન્ડ કે પતિ પણ એના લગ્ન પહેલાંના સંબંધો વિશે બહુ છોછ ધરાવતો નથી. આ શહેર અથવા મહાનગરોની વાત છે. બીજી તરફ ગામડાંમાં પ્રેમને હજીયે ‘બોલવું’ કે ‘ફ્રેન્ડશીપ’ જેવા શબ્દોથી પ્રપોઝ કરવામાં આવે છે. મોબાઈલના પ્રવેશ સાથે ઘરમાં પુરાયેલી અને મા-બાપ કે મોટાભાઈની નિગરાનીમાં જીવતી છોકરીઓને એક અણસમજુ છૂટ મળી છે. એ લોકોને લાગે છે કે અમુક ઉંમરે પ્રેમમાં ન પડે અથવા કોઈ છોકરો પોતાને પ્રપોઝ ન કરે તો પોતાનામાં કંઈ ખૂટે છે ! પીયર ગ્રુપનું પ્રેશર એટલું બધું છે કે નવમા-દસમા ધોરણમાં ભણતી છોકરીઓ પણ ‘પ્રેમ’ના નામે મા-બાપને છેતરતી કે છોકરા સાથે બાઈક ઉપર ફરતી થઈ જાય છે.

સત્ય તો એ છે કે ‘પ્રેમ’ ક્યારેય અપવિત્ર કે ગંદો ન હોઈ શકે ! પ્રેમનો અર્થ જ શુદ્ધ અથવા પવિત્ર છે. એકબીજા માટે કાળજી કરવી, લાગણી રાખવી કે એકબીજા સાથે જીવન વિતાવવાના સપનાં જોવામાં કશું જ ખોટું નથી, પરંતુ એની સાથે સાથે જેણે ઉછેર્યાં, ભણાવ્યા કે જેણે બહેતર જીવન આપ્યું એવા માતા-પિતાનો વિચાર પણ ન કરવો એ ટ્રેન્ડ 70ના દાયકા પછી શરૂ થયો. ‘બોબી’માં મોટરસાઈકલ પર ભાગી જતા પ્રેમીપંખીડાએ વિદ્રોહનો સંદેશ આપ્યો. મોટાભાગના અણસમજુ છોકરાંઓ આમાંથી અવળો અર્થ કાઢીને ભાગ્યા તો ખરા, પરંતુ એમાંના ઘણા યુગલોના જીવન તહસનહસ થઈ ગયા.

1970ના પ્રેમ અને મિલેનિયમ પ્રેમમાં આસમાન જમીનનો ફેર છે. એ સમયનો પ્રેમ માર્કેટિંગનો પ્રેમ નહોતો. આજે જ્યારે આપણી ચારેતરફ જોઈએ છીએ ત્યારે સમજાય છે કે મિલેનિયમની પેઢી પ્રેમના માર્કેટિંગમાં સપડાઈ છે. કાર્ડ, ગિફ્ટ, ચોકલેટ્સ કે પ્રપોઝ કરવાની અવનવી રીતો એ પ્રેમ છે કે નહીં… કોને ખબર પરંતુ એનું માર્કેટિંગ ચોક્કસ જબરદસ્ત રીતે કરવામાં આવે છે. “પ્રેમ” એટલે માત્ર સ્ત્રી-પુરુષના પ્રેમ અથવા વેલેન્ટાઈન ડેની ચર્ચા નથી, મધર્સ ડે, ફાધર્સ ડે અને એવા બીજા ‘ખાસ’ દિવસોની ઉજવણી માર્કેટિંગની રમત છે. એ બહાને બજારમાં અનેક ચીજવસ્તુઓનો ઢગલો થઈ જાય છે. ગિફ્ટ, કાર્ડ કે ફૂલોનું વેચાણ થાય છે. સત્ય તો એ છે કે પ્રેમની અભિવ્યક્તિમાં વસ્તુનું મૂલ્ય ક્યારેય હોતું જ નથી. આજના સમયમાં પ્રેમ બદલાઈ ગયો છે, એની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. પ્રેમમાં રહેલી અપેક્ષાઓ અને એની અભિવ્યક્તિ પણ તદ્દન બદલાઈ ગઈ છે. નવી પેઢીના શબ્દો પણ બહુ રસપ્રદ હોય છે. ‘હુક અપ’, ‘કમિટમેન્ટ’, ‘એક્સ’, ‘બ્રેકઅપ’, ‘ડેટિંગ’ અથવા ‘નેટફ્લિક્સ એન્ડ ચીલ’ જેવા શબ્દોના અર્થ જાણે તો 60ના દાયકામાં જન્મેલા માતા-પિતાના હૃદય ધડકવાનું બંધ કરી દે !

વેલેન્ટાઈન ડે હોય કે પ્રપોઝ ડે, ફ્રેન્ડશીપ ડે, મિટિંગ ડે, કમિટમેન્ટ ડે કે બ્રેક અપ ડે… આજની પેઢી બધું ઉજવતા શીખી ગઈ છે. એમને માટે જિંદગી એક પાર્ટી છે અને પ્રેમ એ પાર્ટીની ઈન્ટ્રેસ્ટીંગ આઈટમ ! સાથે-સાથે એવું પણ સ્વીકારવું પડે કે 70ના દાયકામાં ભાગી જતા કે 80ના દાયકામાં ઈગો પ્રોબ્લેમ કરીને છૂટા પડી જતા પ્રેમીઓ કરતાં આ મિલેનિયમ પેઢીના છોકરાંઓ સંબંધોમાં વધુ સમજદાર અને સ્પષ્ટ છે. એમને જે નથી જોઈતું અથવા નથી કરવું એ વિશે સમયસર ચેતીને ખસી જતાં એમને આવડે છે. તૂટેલા સંબંધ પર ‘દેવદાસ’ બનીને ટાઈમ વેડફવા કરતાં આ પેઢી ‘મૂવ ઓન’ કરવામાં માને છે. ‘કબીરસિંગ’ કદાચ આજની ‘દેવદાસ’ છે, પરંતુ એમાં એક સૌથી મોટો અને જુદો ટ્વિસ્ટ એ છે કે પોતાને બરબાદ કરી રહેલા કબીરને એની જ પ્રેમિકા પાઠ ભણાવે છે ! કબીરસિંગ જેવી ફિલ્મોમાંથી કંઈ શીખવાનું નથી, એ વાતની આજની પેઢીને બરાબર ખબર છે. એ પેઢી આવી ફિલ્મોને માત્ર મનોરંજન તરીકે જુએ છે અને ઉહાપોહ કરતા જૂની પેઢીના માતા-પિતાને કહે છે, “જસ્ટ ચીલ, અમે આવું કંઈ કરવાના નથી !”

વેલેન્ટાઈન ડે હજી હમણાં જ વિત્યો છે. ઘણી જોડી બની હશે. ઘણાએ વળી બ્રેકઅપ માટે વેલેન્ટાઈન ડેની પસંદગી કરી હશે… પરંતુ અશોકકુમારના સમયમાં ઝાડની ડાળી પકડીને ઝૂલતી હિરોઈનથી શરૂ કરીને બે મિનિટમાં શારીરિક સંબંધ સુધી પહોંચી જતી નવી પેઢીની અભિનેત્રી સુધી પ્રેમ બદલાયો છે… આને પ્રગતિ કહેવાય કે નહીં, ખબર નથી !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *