‘જૂન 3, 1897… હવે આ સંબંધ મારા પત્રોમાં પડઘાશે. હંમેશાં સંભળાતો રહ્યો છે તેમ ક્યારેક
સ્પષ્ટ, સૌ સાંભળી શકે તેમ અને ક્યારેક ધીમી સરગોશીની જેમ, માત્ર તું જ સાંભળી શકે એ રીતે! હવે આ
સંબંધ જુદો છે. મારા તમામ ગીતોમાં, મારા શબ્દોમાં અને એ શબ્દોની વચ્ચે રહેલી ખાલી જગ્યામાં હવે તું
ડોકાય છે. હું પળેપળ પ્રતીક્ષા કરું છું એક ક્ષણની જ્યાં તારી યાદને બદલે તું હોય. હું હવે અરીસામાં મારી
આંખોની જગ્યાએ તારી આંખોને જોઈ શકું છું. હવામાં તારો સ્પર્શ અનુભવી શકું છું અને મારા ઓશિકાની
બાજુમાં તારી સુગંધને અનુભવતો હું આખી રાત જાગું છું…’
આ પત્ર છે રેઈનર મારિયા રિલ્કેનો. એન્દ્રાસ સલોમેને લખેલો.
રિલ્કે 21 વર્ષનો હતો અને પરિણીત સલોમે 36 વર્ષની. એ બંને પહેલીવાર મળ્યા ત્યારે મિત્રો તરીકે
મળ્યા હતા, પરંતુ મે 31થી જૂન પહેલીની બે દિવસનો પ્રવાસ એમને નિકટ લઈ આવ્યો. એ લોકો એ પછી
ભાગ્યે જ મળ્યા, પરંતુ 35 વર્ષ સુધી એમણે એકબીજાને પત્રો લખ્યા જે પ્લેટોનિક, ક્રિએટિવ, અધ્યાત્મિક,
બુધ્ધિજીવી અને રોમેન્ટિક પત્રોનો એક અનોખો ખજાનો છે.
આજના જમાનામાં હવે પત્રો લખાતા નથી. પોસ્ટકાર્ડ અને ઈનલેન્ડ લેટર તો જાણે કોઈ
મ્યુઝિયમમાં મૂકવાની વસ્તુ બની ગયા છે. એક માણસ કોઈકનો વિચાર કરીને કશુંક લખે, એ પત્ર જેને
સંબોધીને લખાયો હોય ત્યાં સુધી પહોંચે, એ વ્યક્તિ વાંચે અને જવાબ આપે ત્યાં સુધીની પ્રતીક્ષાથી શરૂ
કરીને પત્ર સાથે જોડાયેલી સંવેદના-ઈમોશન્સ હવે આપણે ભૂલતા જઈએ છીએ. વ્હોટ્સએપના જમાનામાં
બધું ઈન્સ્ટન્ટ બને છે, પ્રેમ પણ અને બ્રેકઅપ પણ-વ્હોટ્સએપ ઉપર જ પતી જાય છે ત્યારે જરાક પાછળ
ફરીને જોઈએ તો ટાગોર અને એમની અર્જેન્ટિનાની પત્રકાર મિત્ર વિક્ટોરિયા ઓકેમ્પોના પત્રો પણ ઉત્તમ
પત્રોનો એક સંગ્રહ છે.
1924માં ટાગોર વિશ્વભ્રમણ કરી રહ્યા હતા. યુરોપથી પેરુ જતાં એમની તબિયત બગડી અને
એમને વિક્ટોરિયા ઓકેમ્પો પોતાની સાથે સેન્ટ ઈસિદ્રો લઈ આવી. અર્જેન્ટિનામાં આ એમની પહેલી
મુલાકાત હતી. વિક્ટોરિયાને ટાગોર ‘વિજયા’ કહીને બોલાવતા. એમણે ઓકેમ્પો પર 30થી વધુ કવિતાઓ
લખી છે. એ કવિતાઓનો સંગ્રહ 1926માં એમણે વિક્ટોરિયા ઓકેમ્પોને મોકલ્યો હતો. એમણે એકબીજાને
20 વર્ષો સુધી પત્રો લખ્યા. 1913માં ટાગોરને નોબેલ પ્રાઈઝ મળી ચૂક્યું હતું. 1930માં ઓકેમ્પોએ
ટાગોરના ચિત્રોનું પ્રદર્શન યોજ્યું, પરંતુ ટાગોર ગયા નહીં. એ પછી એ લોકો ક્યારેય ન મળ્યા. ટાગોરે પોતાના
અંતિમ દિવસોમાં વિક્ટોરિયા ઓકેમ્પોને વારંવાર ભારત બોલાવ્યા, પરંતુ તેઓ ન આવ્યા.
‘આ લખું છું ત્યારે મને અચાનક અહેસાસ થાય છે, તને પણ થયો જ હશે કે આપણી વચ્ચે
એક પ્રગાઢ સંબંધ છે. એને મૈત્રી કહેવાય કે પ્રણય એની ચર્ચામાં હું નથી પડતો, પરંતુ એક અનિયંત્રિત
શક્તિએ-જેના વિશે હું થોડુંક સમજી શકું છું અને થોડુંક અનુભવી શકું છું, એણે આપણને એકબીજા
તરફ આકર્ષિત કર્યાં. એક પળ આવી જ્યારે આપણી વચ્ચેથી એક પડદો હટી ગયો અને આપણે
એકમેકની આંખોમાં કોઈ અપરાધના ભાવ વિના કે ભય વિના જોઈ શકે. એ પળ આપણી વચ્ચે સત્ય
હતી. એ પછીની અનેક પળોમાં આપણે એકમેકને ઓળખ્યા, પામ્યા અને સમજી શક્યા. તું જીવન
તરફ જતાં માર્ગ પર પ્રજ્જવલિત રોશનીની જેમ મારી સાથે ચાલતી રહી છે.’ આ જવાહરલાલ
નહેરુનો પત્ર છે. લેડી એડવિના માઉન્ટ બેટનને. એમની દીકરી પામેલાએ એકમેકને લખેલા કેટલાક
પત્રો પ્રકાશિત કર્યા, પરંતુ એમના તમામ પત્રો કે એડવિનાની ડાયરી પ્રકાશિત થઈ શકે એમ નહોતા
અથવા કદાચ બ્રિટિશ સરકાર એ પ્રકાશિત કરવાની પરવાનગી આપે એમ નહોતી કારણ કે, એમાં
વિભાજનના કેટલાંક સત્યો બહાર આવી જશે એવી બ્રિટિશ સરકારને ભીતી હતી. આજે પણ એ
પત્રો વિશે કોઈ કશું જાણતું નથી!
1840માં એલિઝાબેથ બેરેટ નામની એક દુબળી-પાતળી, પરંતુ જેની કલમની તાકાત
જબરજસ્ત હતી એવી એક કવયિત્રીને રોબર્ટ બ્રાઉનિંગ નામના એક કવિનો પત્ર મળ્યો. જેમાં એમણે
લખ્યું હતું, ‘આ કવિતાઓ વાંચીને હું તને પ્રેમ કરવા લાગ્યો છું. હું તને જાણતો નથી, પણ જાણવા માગું છું.
એકવાર તને નજીકથી જોવા માટે હું છેક તારા ઘર સુધી આવ્યો. તને બાલ્કનીમાં બેઠેલી જોઈને પાછો વળી
ગયો. મને લાગ્યું કે, મારે તારા એકાંતને સ્પર્શ કરીને તને પજવવી નથી. હું તને તારી કવિતાઓથી ઓળખું છું,
સ્પર્શું છું… તારા સુધી પહોંચતો રહું છું. તું મારા સુધી ક્યારે આવીશ? હંમેશ માટે તારો થઈ ગયેલો રોબર્ટ
બ્રાઉનિંગ.’
એલિઝાબેથ રોબર્ટ બ્રાઉનિંગથી છ વર્ષ મોટી હતી. સતત બિમાર રહેતી, પણ એમની વચ્ચેના આ
પત્ર વ્યવહારે એલિઝાબેથને સાજી કરી એટલું જ નહીં, એનામાં જીવવાની ઈચ્છા જાગી. એમણે એકમેકને
લખેલા 573 પત્રો છે જે પ્રકાશિત થયા છે. એમાંની કેટલીક કવિતાઓ છે. અત્યાર સુધી પોતાના વાચકોના
પત્રોને ફાયર પ્લેસમાં નાખી દેતી આ છોકરી રોબર્ટના પત્રોની પ્રતીક્ષા કરવા લાગી. વિક્ટોરિયન સમયની
રૂઢિચુસ્તતાની વચ્ચે રોબર્ટ બ્રાઉનિંગે એની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. શિયાળામાં એલિઝાબેથની
તબિયત ખૂબ ખરાબ રહેતી એમણે વસંતમાં એમણે લગ્ન કરવાનું નક્કી કર્યું. પોતાની એક નોકરાણીને લઈને
ચર્ચ જવાના બહાને એ બહાર નીકળી. 12 સપ્ટેમ્બર, 1846ના દિવસે એણે લગ્ન કર્યાં અને ઘેર પાછી ફરી.
પિતાને કહેવાનું સાહસ ન કરી શકી એટલે એક દિવસ ઘરેથી નીકળી ગઈ, અને રોબર્ટ બ્રાઉનિંગ
પાસે પહોંચી ગઈ. જે છોકરી ઘરમાંથી નીકળી નહોતી શકતી, પથારીમાંથી ઊઠી નહોતી શકતી એણે પ્રેમના
સહારે પેરિસ, યુરોપના બીજા કેટલાય શહેરો રોબર્ટ બ્રાઉનિંગનો હાથ પકડીને પ્રવાસ કર્યો. એટલું જ નહીં,
એક દીકરાને જન્મ આપ્યો. બંનેએ સાથે મળીને અનેક સર્જન કર્યાં. 1961માં ફ્લોરેન્સમાં એલિઝાબેથ
બિમાર પડી અને એણે પ્રાણ ત્યાગી દીધા, પરંતુ એ મોત નહોતું, પ્રેમથી સંપૂર્ણ સંતુષ્ટ જીવનનો અંત હતો.
પત્રોનો આ પ્રેમ કવિતા સાથે જોડાયેલા આ અતૂટ સંબંધોમાં પ્રેમીઓ ભાગ્યે જ એકબીજા સાથે
સમય વિતાવી શકે, પરંતુ એથી એમના પ્રેમમાં કોઈ ફેર નથી પડ્યો બલ્કે એમના વિરહને કારણે વિશ્વને ઉત્તમ
સર્જનો મળ્યા. પત્રો સ્વરૂપે અને કવિતાઓ સ્વરૂપે.