જામનગરથી સો કિલોમીટર અંતરિયાળ જામજોધપુર. એની નજીક ત્રાફા ગામ. ત્રાફામાં એક
સમાજનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ત્રાફાની આસપાસથી વીસેક હજાર જેટલા લોકો
ડાયરો સાંભળવા, કાર્યક્રમ માણવા, પ્રસાદ લેવા આવ્યા, પરંતુ માઈકમાંથી સતત જાહેરાત કરવી પડતી
હતી કે, ‘પાનમસાલા ખાઈને અહીં-તહીં થૂંકશો નહીં’ તેમ છતાં આખા મંડપના ખૂણેખૂણા
પાનમસાલા ખાઈને થૂંકેલા લાલ ડાઘાથી ગંદો થઈ ગયો હતો.
ભારતના કોઈપણ શહેરના કેટલાય રસ્તાઓ ઉપર, દુકાનોમાં, હોસ્પિટલમાં કે જાહેરસ્થળોએ
આવી જાહેરાત લખેલી વંચાય છે, તેમ છતાં એ જ જાહેરાતની નીચે આપણને પાનની પીચકારીઓથી
લાલ થયેલી દીવાલો જોવા મળે છે. આપણા દેશમાં મંદિરથી શરૂ કરીને હોસ્પિટલ, રેલવે સ્ટેશનથી
શરૂ કરીને એરપોર્ટ અને સિનેમા હોલથી શરૂ કરીને ઓફિસમાં આવા પાન અને તમાકુના ડાઘા જોવા
મળે છે. ટ્રાફિકમાં આપણી આગળ જઈ રહેલો માણસ વાંકો વળીને થૂંકે ત્યારે આપણા પર છાંટા ઉડે
એ અનુભવમાંથી ઘણા પસાર થયા હશે. હાઈવે પર ફૂલસ્પીડમાં આપણી આગળ જતી ગાડીનો
દરવાજો ખૂલે અને એમાંથી એક ડોકું બહાર નીકળીને થૂંકે એવી ભયજનક પરિસ્થિતિમાં પણ ઘણા
મૂકાયા હશે. આ જ ગુજરાતીઓ, ભારતીયો વિદેશ જઈને ક્યાંય થૂંકતા નથી, એ કેટલી નવાઈની વાત
છે! વિદેશ ફરીને આવેલા બધા લોકો એક વાત વારંવાર કરે છે, ‘ત્યાં ચોખ્ખાઈ બહુ છે’ જ્યારે એમની
આંખોમાં બીજા દેશોની ચોખ્ખાઈ પરત્વે અહોભાવ જોઈએ ત્યારે એક સવાલ જરૂર થાય, આપણા
દેશમાં ગંદકી કોણ કરે છે? કોઈ બહારથી આવીને, અજાણ્યા લોકો તો ગંદકી કરતા નથી-થૂંકતા નથી.
આપણે જાતે, આપણા દેશમાં, રાજ્યમાં, શહેરમાં, ગલીમાં, ઓફિસમાં કે સરકારી પ્રોપર્ટીમાં થૂંકીને
આપણા જ દેશમાં ગંદકી કરીએ છીએ.
આપણે આપણા ડ્રોઈંગરૂમમાં થૂંકીએ છીએ? ઘરમાં, અહીં-તહીં થૂંકીએ છીએ? જો ઘરમાં ન
થૂંકાય એવી આપણને ખબર પડતી હોય તો શહેરમાં, ગમે ત્યાં, રસ્તા ઉપર, મકાનની સીડીમાં આપણે
કેમ થૂંકીએ? કેટલાક મકાનોના ખૂણામાં ભગવાનના ફોટાવાળા ટાઈલ્સ લગાવવામાં આવે છે, ત્યારે
એવું વિચારવામાં આવે છે કે, માણસો ભગવાનના ફોટા પર નહીં થૂંકે! પરંતુ, જેને થૂંકવું છે એને તો
ભગવાન પણ દેખાતો નથી!
બીજી એક સમસ્યા પબ્લિક ટોઈલેટની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શૌચાલય તો બંધાવે છે,
પરંતુ શૌચાલયની મેનર્સ કોણ શીખવશે? હવે દેશના દરેક હાઈવે પર લગભગ દર દસ કિલોમીટરે એક
શૌચાલય છે. દરેક પેટ્રોલ પંપ પર શૌચાલય-વોશરૂમ હોવો જ જોઈએ એવો કાયદો છે. સાથે જ
ટોલનાકા પર, એરપોર્ટ, રેલવે સ્ટેશન, મોલ બધે વોશરૂમ હોય છે, પરંતુ આપણે આપણા ઘરના
ટોઈલેટ કે વોશરૂમ જે રીતે વાપરીએ એ રીતે રાષ્ટ્રીય સંપત્તિના વોશરૂમ વાપરવાનું આપણને ફાવતું
નથી. જાણી જોઈને ફ્લશ ન કરવો, સેનિટરી પેડ્સ ગમે ત્યાં ફેંકી દેવા કે બાળકોના ડાયપર
ડસ્ટબિનમાં નાખવાને બદલે બાથરૂમમાં જ મૂકીને જતા રહેવું આપણા માટે સાવ સામાન્ય બાબત
છે. આપણા પછી પણ કોઈ આ બાથરૂમ વાપરવાનું છે એવો વિચાર કેટલા લોકોને આવે છે?
ટેબલ મેનર્સની જેમ ટોઈલેટ મેનર્સ પણ હોય છે, જે શીખવવાનું મોટાભાગના માતા-પિતા
ભૂલી જાય છે અથવા એમને પોતાને જ આવડતા નથી. ખાસ કરીને, સ્ત્રીઓના વોશરૂમમાં જે ગંદકી
અને અસ્વચ્છતા જોવા મળે છે એ જોઈને આપણને વિચાર આવે કે, આ સ્ત્રીઓ એમના ઘર અને
એમના ઘરના ટોઈલેટ પણ આવા જ રાખતી હશે? આમ આપણે મોટી મોટી વાતો કરીએ છીએ,
‘ગુજરાતી જ્યાં જાય ત્યાં સફળ થાય’ એવું કહીને ગર્વ અનુભવીએ છીએ, પરંતુ આ જ ગુજરાતીઓ
ગાડીનો કાચ ઉતારીને પ્લાસ્ટિકની બોટલ રસ્તા પર ફેંકી દે છે ત્યારે એમની અસ્મિતા અને સભ્યતાને
કોઈ આંચ નહીં આવતી હોય?
નવાઈની વાત એ છે કે, કોણે શું પહેરવું, શું ખાવું અને કેમ જીવવું એ વિશે આપણી પાસે ઘણા
અભિપ્રાયો છે. સમાજ જ્ઞાતિ-જાતિના નિયમો, વર્ગ અને ક્લાસના કાયદા કડક રીતે પળાવવા મરણિયો
થઈ જાય છે. કેટલાક સમારંભોમાં વક્તાને સૂચના આપવામાં આવે છે કે, ‘પ્રેમલગ્ન કે ન્યાત બહાર
લગ્ન કરવા વિરુધ્ધ ખાસ સલાહ આપજો!’ અથવા, ‘છૂટાછેડા અને સાસુ-વહુના સંબંધો વિશે ખાસ
વાત કરજો’ પરંતુ, કોઈ વક્તા કે સંત સ્ટેજ કે વ્યાસપીઠ પરથી રાષ્ટ્રીય સંપત્તિ જેવા આ શૌચાલયો
અને મકાનોના ખૂણા રંગવા વિશે વાત નથી કરતા. વ્યસનમુક્તિની ઝુંબેશ ઠેર ઠેર ચલાવવામાં આવે
છે, પરંતુ ગંદકીના આ વ્યસનમાંથી આપણા સમાજને મુક્ત કરવાનું બીડું કોઈ ઊઠાવે છે?
પબ્લિક ટોઈલેટમાં ફ્લશ ન કરે તો દરવાજો જ ન ખૂલે એવી કોઈ ટેકનોલોજી શોધાય તો કેવું!
વોશરૂમમાં સીસીટીવી ન મૂકી શકાય, પરંતુ ત્યાં કોઈ એક વ્યક્તિને નોકરીએ રાખી શકાય જે સૌને
ફ્લશ કરવા, સેનિટરી પેડ્સ કે ડાયપરને ડસ્ટબિનમાં ફેંકવાની ફરજ પાડી શકે! જો પબ્લિક ટોઈલેટ
સારી રીતે ન વાપરે તો એને બહાર જવા દેતા પહેલા દંડ કરવામાં આવે એવી કોઈ વ્યવસ્થા ન થઈ
શકે? ટ્રાફિકમાં સિગ્નલ તોડે એનો મેમો આવે છે એવી જ રીતે રસ્તા ઉપર થૂંકે એને પણ મેમો મળવો
જોઈએ કે નહીં? મકાનના સીસીટીવીમાં થૂંકતા પકડાય એને દંડ કરવો જોઈએ… પરંતુ આવું કશું થતું
નથી. કાયદા બનાવવામાં આવે તો પણ પાળવામાં આવતા નથી. કોઈ આવા કાયદા પાળવાનો
આગ્રહ રાખે તો એ વેવલા, ચીકણા અને કચકચિયા છે!
આપણે જેમ વિદેશ જઈને ઈમ્પ્રેસ થઈ જઈએ છીએ એવી જ રીતે વિદેશીઓ જ્યારે ભારત
આવે છે ત્યારે એમને સૌથી પહેલાં આપણી ગંદકી દેખાય છે. કચરાના ઢગલા, ઠેર ઠેર થૂંકના ડાઘા
અને પબ્લિક ટોઈલેટની ગંદકીની ઈમેજ આપણા દેશની બ્રાન્ડ બની જાય છે. આપણે ગમે તેટલો
વિકાસ કરીએ, ટેકનોલોજીમાં ગમે તેટલા આગળ વધીએ અને જીડીપીના આંકડા ગમે તેટલા વધે પણ
જો અંગત સ્વચ્છતા-પર્સનલ હાઈજિનમાં આપણા દેશને શિક્ષણ નહીં આપવામાં આવે તો આપણે
ગંદકી અને થૂંક સમ્રાટ બનીને રહી જઈશું.