‘ચૌધરી રેસીડેન્સ’ લખેલા વિશાળ બંગલાના લોખંડના મોટા ગેટ ઈલેક્ટ્રોનિકલી ખૂલ્યા અને ઈ ક્લાસ, સફેદ
મર્સિડિઝ, નંબર જીજે 1 કે સી 9999 બંગલાના કમ્પાઉન્ડમાં દાખલ થઈ. વોચમેનની કેબિનમાં લગાડેલા ઘડિયાળમાં
બરાબર દોઢ વાગ્યો હતો. રોજ આ જ સમયે, આ જ ગાડી, આ જ રીતે બંગલાના ગેટમાંથી પ્રવેશ કરતી. તેમ છતાં,
રોજની જેમ જ બંગલાના ગેટ પાસે આવેલી નાનકડી વોચમેન કેબિનમાંથી ચોકીદારે ફોન કરીને બંગલામાં ખબર
આપી દીધા, ‘સાહેબ આવી ગયા…’
મુખ્ય ગેટથી બંગલા સુધીનો ડ્રાઈવ-વે લગભગ સો મીટર લાંબો હતો. બંને તરફ નારિયેળી અને ખજૂરના
વૃક્ષો, એની પાછળ વિશાળ લૉન અને લૉનના કિનારે ઉગાડેલા જાતજાતના રંગીન ફૂલોના કુંડા પસાર કરતી મર્સિડિઝ
બંગલાના પોર્ચમાં આવીને ઊભી રહી. જૂની બ્રિટીશ ઈમારતોની જેમ બે થાંભલા પર બહાર કાઢેલી લિન્ટલ છતની
નાનકડી અગાશીની નીચે, બંગલાના મુખ્ય દરવાજાની વચ્ચે આવેલી પોર્ચની જમીનમાં માર્બલ જડીને સુંદર કમળની
ડિઝાઈન બનાવવામાં આવી હતી. લિન્ટલ છતને આધાર આપતા થાંભલા અને બંગલાના પગથિયાંની બરાબર વચ્ચે
આવીને ગાડી અવાજ કર્યા વગર ઊભી રહી. બંગલાનો દરવાજો ખોલીને તૈયાર ઊભેલા ઘરના મેનેજર કમ
હાઉસકીપર લલિતભાઈએ આગળ આવીને દરવાજો ખોલ્યો. કમલનાથ ચૌધરીએ ગાડીમાંથી પહેલાં જમણો પગ
બહાર મૂક્યો, પછી પોતે ગાડીમાંથી બહાર આવ્યા.
છ ફૂટ બે ઈંચ ઊંચા, પહોળા ખભા અને વેલ્ટબિલ્ટ શરીર ધરાવતા કમલનાથ ચૌધરીનો ચહેરો થોડોક કરડો
અને બહુ રૂપાળો કહી શકાય એવો નહોતો, પણ એમની આંખોમાં એક ચમક હતી. જાતમહેનતે કમાયેલા પૈસાની,
પાવરની અને એ પાવર સાથે જોડાયેલી એમની પ્રતિષ્ઠાની ચમક! અમદાવાદથી 20-25 કિલોમીટર દૂર શીલજથી
આગળ અને પલોડિયા ગામ પહેલાં મુખ્ય હાઈવે ઉપર આવેલા એમના આ ફાર્મ હાઉસના ફોટા લગભગ તમામ
ઈન્ટિરિયર ડિઝાઈનના મેગેઝિન્સમાં પ્રકાશિત થઈ ચૂક્યા હતા. કમલનાથ ચૌધરી, ગુજરાત પોલિટિક્સ અને
પાવરગેમનું બહુ મોટું માથું ગણાતા. 10 વર્ષ સુધી ઉદ્યોગ અને પછી હોમ મિનિસ્ટરી સંભાળ્યા પછી એમણે
સ્વેચ્છાએ રાજકારણ સંપૂર્ણપણે છોડ્યું ત્યારે એ 50 વર્ષના હતા. અહીં, ફાર્મ હાઉસમાં રહેવાનો નિર્ણય કર્યો એ પછી
એમણે જાહેરજીવનમાંથી લગભગ અદ્રશ્ય થઈ જવાનું પસંદ કર્યું હતું. હવે, પ્રેસ અને મીડિયાથી એ સંપૂર્ણપણે દૂર
રહેતા. જાહેર કાર્યક્રમોમાં, સામાજિક પ્રસંગોએ કે બીજે ક્યાંય પણ પોતાની તસવીરો ન ખેંચાય એ વિશે સાવધાન
રહેતા. કદાચ, કોઈએ તસવીર ખેંચી હોય તો એ મીડિયામાં ન પહોંચે એ માટે એમનો આખો સ્ટાફ કામે લાગી જતો.
આમ તો રાજકારણથી દૂર, પણ સીએમથી શરૂ કરીને રાષ્ટ્રીય કક્ષાએ પક્ષના દરેક નેતા સાથે એમને અંગત અને
પારિવારિક સંબંધો હતા. હજી સુધી, પક્ષને જ્યારે જરૂર પડે ત્યારે છુટા હાથે પૈસા વેરવામાં ‘કમલજી’ને જરાય અચકાટ
ન થતો. સહુ એમને માન આપતા અને એમનો પડ્યો બોલ ઝીલાતો, પણ કમલનાથ ભાગ્યે જ બોલતા. માથું
હલાવવાથી પતી જાય તો ‘હા’ કે ‘ના’ બોલવાની પણ એ તસ્દી ન લેતા.
બિલ્ડીંગ-કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં એમની કંપની રાધા કન્સ્ટ્રક્શનનું નામ આદરથી લેવાતું. રેડી મિક્સ
સિમેન્ટના પ્લાન્ટ્સ, ટાઈલ્સ બનાવવાની કંપની અને આખા ગુજરાતમાં સતત ચાલતી એમની કન્સ્ટ્રક્શન સાઈટ્સ
એમના ભાઈ પદ્મનાભ ચૌધરી સંભાળતા. દિવસ દરમિયાન ઓફિસમાં લાયઝનના જરૂરી કામ, અને જમીનના સોદા-
લીગલ પેપર્સ વર્ક ઉપર કમલનાથની નજર રહેતી પણ એ ભાગ્યે જ ચંચુપાત કરતા.
એમની ઓફિસમાં એ ન બોલાવે, ત્યાં સુધી કોઈને જવાની છૂટ નહોતી. એમના એક માત્ર સાથી સલાહકાર કે
સિક્રેટ કિપર-જે ગણો તે, લલિત સોલંકી હતા, જે છેલ્લા 45 વર્ષથી કમલનાથની સાથે જ હતા.
‘ગુડ આફ્ટરનુન, સાહેબ!’ લલિતભાઈએ સહેજ ઝૂકીને કહ્યું. જરાક જેટલું ડોકું હલાવીને કમલનાથે
અભિવાદન ઝીલ્યું. એ પગથિયાં ચઢીને બંગલાના દરવાજામાંથી અંદર પ્રવેશી ગયા. એ જેવા ઘરમાં પ્રવેશ્યા કે તરત
ફ્રીજમાં ઠંડો કરેલો ભીનો નેપકીન લઈને એક માણસ આગળ આવ્યો. કમલનાથજીએ નેપકીન લઈ ચહેરા પર થોડી
સેકન્ડ રાખ્યો. ચહેરો અને હાથ લૂછીને નેપકીન ટ્રેમાં પાછો મૂક્યો.
ડ્રોઈંગ રૂમમાં પ્રવેશ કરતાં જ સીધી નજર પડે એવી રીતે સોનાની ફ્રેમમાં જડેલો એક પાંચ બાય પાંચનો એક
ફોટો લટકતો હતો. એ ફોટામાં દેખાતી સ્ત્રી અત્યંત સુંદર, નમણી અને પહેલી નજરે જ સીધી સાદી ગૃહિણી દેખાતી
હતી. એક ક્ષણ માટે એ તસવીર તરફ જોઈ રહ્યા, કમલનાથ! પછી માથું ખંખેરીને જાણે વિચારો પણ ખંખેર્યા હોય
એમ, એમની પાછળ ઘરમાં પ્રવેશ કરી રહેલા લલિતભાઈને પૂછ્યું, ‘શામ્ભવીની ફ્લાઈટ?’
‘સાડા આઠે અમદાવાદ લેન્ડ થશે.’ લલિતભાઈએ કહ્યું. એમણે ખુરશી ખસેડી, કમલનાથ એમાં ગોઠવાયા અને
લલિતભાઈ બાજુની ખુરશીમાં બેઠા. 12 માણસ જમી શકે એવડા મોટા ડાઈનિંગ ટેબલ પર બે જ જણ માટે
ટેબલમેટ, ચાંદીના થાળી-વાડકા અને ગ્લાસ તૈયાર હતા. એક પછી એક વસ્તુઓ પીરસાતી ગઈ. કમલનાથ અને
લલિતભાઈ એક પણ અક્ષર બોલ્યા વિના જમતા રહ્યા. ભોજન પૂરું થયું એટલે પિત્તળનો જગ અને હાથ ધોવા માટેનું
વાસણ લઈને માણસ આવ્યો. કમલનાથના હાથ ધોવડાવ્યા. લલિતભાઈએ ઊઠીને નજીક આવેલા બેઝિનમાં હાથ
ધોયા.
ડાઈનિંગ રૂમમાંથી નીકળીને ડ્રોઈંગ રૂમમાં થઈને ઉપરની તરફ જતી સીડી પર પહેલું પગથિયું મૂકીને કમલનાથે
લગભગ હુકમની જેમ કહ્યું, ‘છ વાગ્યે.’ એ ઉપર ચાલી ગયા.
લલિતભાઈએ ફરી એકવાર પોતાના ફોનમાં ફ્લાઈટનું સ્ટેટ્સ ચેક કર્યું, પછી બંગલાના પાછળના ભાગમાં
આવેલી એમની નાનકડી બંગલી જેવી હોમ ઓફિસમાં ચાલી ગયા.
પોતાના રૂમમાં જઈને કમલનાથે વોક ઈન વોર્ડરોબમાં લટકતા ઝભ્ભો-લેંઘો પહેર્યા. વોશિંગ બાસ્કેટમાં પેન્ટ-
શર્ટ નાખીને એ એમના બેડરૂમ સાથે જોડાયેલા મીડિયા રૂમમાં બેસીને ન્યૂઝ જોવાનો એમનો રોજિંદો ક્રમ શરૂ કરતાં
પહેલાં આજે એમની નજર બાજુના રૂમ તરફ ગઈ.
એમણે એ રૂમના અધખુલ્લા દરવાજાને સહેજ ધક્કો માર્યો. રૂમમાં પ્રવેશ્યા. બિલકુલ સામે, મોવ અને સફેદ
દિવાલો ધરાવતા વૈભવી અને વિશાળ બેડરૂમના નાનકડા સિટીંગ એરિયામાં એક આખી દિવાલ પર લગાવેલી તસવીરો
જોતા એ થોડીકવાર ઊભા રહ્યા. એ તસવીરો શામ્ભવી ચૌધરીની હતી. શામ્ભવી, એમની એકની એક દીકરી. દિવાલ
ઉપર દીકરીના જન્મથી શરૂ કરીને એણે અમેરિકાથી મોકલાવેલી પોતાની અનેક તસવીરો લગાવવામાં આવી હતી.
એના જન્મદિવસની ઊજવણી, એના મિત્રો, એનું ડોગ, એમની અરબી ઘોડી મોનાલિસા, શામ્ભવી સાથેના વિદેશના
અનેક પ્રવાસોની કેટલીય સ્મૃતિઓ આ બધી તસવીરોમાં કેદ હતી. કમલનાથે હાથ લંબાવીને શામ્ભવીના છેલ્લા
ફોટાને સ્પર્શ કર્યો. આંગળીના ટેરવાં પર કાચની ઠંડી પરતનો સ્પર્શ થયો. કમલનાથની આંખો સહેજ ભીની થઈ…
ઝળઝળિયાંને પેલે પાર આવેલી તસવીરમાં દેખાતી શામ્ભવીનો ચહેરો અને નીચે ડ્રોઈંગ રૂમમાં હજી હમણાં જ
જોયેલા સોનાની ફ્રેમમાં જડેલા ફોટામાં દેખાતો ચહેરો એકબીજાથી જરાય જુદા નહોતા!
નીચે લટકતા ફોટામાંની સ્ત્રી જો થોડી નાની હોય, એના વાળને અંબોડાને બદલે છુટા છોડી દેવામાં આવે,
આછો મેક-અપ કરવામાં આવે તો આ બે ચહેરા એકમેકમાં એવા ભળી જાય, કે છુટા ન પાડી શકાય! જોનારની
આંખોને દ્રષ્ટિભ્રમ થઈ જાય એટલા સરખા હતા બે ચહેરા!
નીચે ડ્રોઈંગ વતહહભશ લટકતી તસવીર કમલનાથની પત્ની રાધાની હતીલ અહીં-આખી દિવાલ ભરીને
લટકતી તસવીરો શામ્ભવીની હતી! રાધાના ફોટાને હાર ચડાવવામાં આવ્યો ત્યારે કમલનાથ 50ના હતા અને
શામ્ભવી 13ની.
રાધાની ગેરહાજરીમાં કમલનાથે શામ્ભવીની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લીધી. શામ્ભવીને કોઈ દિવસ ‘મા’ની
ખોટ ન સાલે એ માટે રાજકારણ છોડીને પોતાનું આખું ટાઈમટેબલ શામ્ભવીના દિવસની આસપાસ ગોઠવી દીધું.
સવારે શામ્ભવી સ્કૂલે જાય ત્યારે કમલનાથ જાતે એને બસ સ્ટોપ સુધી મૂકી આવતા, એ 1 ને 40એ સ્કૂલેથી આવે એ
પહેલાં દોઢ વાગ્યે કમલનાથ ઓફિસથી ઘરે આવી જતા. બાપ-દીકરી સાથે લંચ કરે એ પછી શામ્ભવી પોતાની
પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ જતી અને કમલનાથ પાછા ઓફિસે ચાલી જતા. સાંજે શામ્ભવીનો કાર્યક્રમ જાણીને પોતાનો
કાર્યક્રમ ગોઠવતા ને રાત્રે શામ્ભવી પોતાના મોવ અને વ્હાઈટ દિવાલોથી રંગેલા, ટેડી અને ટોય્ઝથી ભરેલા, ફેરીલેન્ડ
જેવા રૂમમાં જઈને, ‘ગુડ નાઈટ’ કહે એ પછી જ, કમલનાથ પોતાના રૂમમાં જતા.
શામ્ભવી ભણવા માટે અમેરિકા ગઈ એ પછી પણ બાપ-દીકરી વચ્ચે રોજ એકવાર વાત થતી. હજારો
કિલોમીટર દૂરથી પણ શામ્ભવીની ઝીણી ઝીણી જરૂરિયાતો, શોખ કે ઈચ્છા પૂરી કરવા માટે કમલનાથ આસમાન-
જમીન એક કરી નાખતા. છેલ્લા ચાર વર્ષથી શામ્ભવી અમેરિકા હતી, પરંતુ દોઢ વાગ્યે ઘરે આવવાનો કમલનાથનો
ક્રમ તૂટ્યો નહોતો… આવતીકાલે દોઢ વાગ્યે ફરી એકવાર પિતા-પુત્રી સાથે જમશે! એમને વિચાર આવ્યો.
સાયકોલોજીમાં માસ્ટર્સ કરીને, ખૂબ સારા ગ્રેડ્સ સાથે આજે, ચાર વર્ષે શામ્ભવી પાછી આવી રહી હતી.
કમલનાથના હૃદયમાં ખૂબ ઉત્સાહ હતો. એમણે શામ્ભવી માટે છોકરો પણ જોઈ રાખ્યો હતો. અમદાવાદના એક
ગર્ભ શ્રીમંત પરિવારનો દીકરો! ચાર પેઢીથી જેમની શિક્ષણ ક્ષેત્રે, કલાના ક્ષેત્રમાં ઊંચી શાખ હતી એવા ‘સોમચંદ’
પરિવારનો દીકરો અનંત સોમચંદ. અમેરિકાથી એમબીએ ભણીને આવેલો અનંત હવે ફેમિલી બિઝનેસ સંભાળતો
હતો. હોટેલ્સ, ચેઈન ઓફ રેસ્ટોરાંઝ, અને વિદેશની ફૂડ બ્રાન્ચને ભારત લાવીને એની ફ્રેન્ચાઈઝ ચેઈન જેવી કેટલાયે
મોનોપોલી વ્યવસાયમાં સોમચંદ પરિવાર આગળ હતો. અનંત હેન્ડસમ હતો. કોઈપણ છોકરી એને જોતાંની સાથે
દિલ હારી જાય એવો સ્ટાઈલિશ, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બિઝનેસ મેગેઝિન્સ, ફેશન મેગેઝિન્સ, હોસ્પિટાલિટી
મેગેઝિન્સના કવર્સ પર અને ન્યૂઝ ચેનલ્સ, મીડિયામાં અનંત છવાયેલો રહેતો. સોશિયલ મીડિયામાં એના લાખો
ફોલોઅર્સ હતા. ભારતના મોસ્ટ એલિજિબલ બેચલર્સમાંના એક, અનંત સોમચંદને કેટલાય સમયથી કમલનાથે
મનોમન પોતાના જમાઈ તરીકે ‘બુક’ કરી રાખ્યો હતો. એના પિતા અખિલેશ સોમચંદ સાથે પણ એ વિશે વાત થઈ
ચૂકી હતી. હવે બંને સંતાનો મળે, અને એકમેકની સાથે જીવન જીવવાના માતા-પિતાએ કરેલા નિર્ણય પર સંમતિની
મહોર મારે એની જ રાહ જોવાતી હતી…
*
‘ઈડિયટ, ડફોળ, બુધ્ધિ વગરનો…’ ફોન પર એક તરફ જોરજોરથી શામ્ભવી બૂમો પાડતી હતી, ‘તું જો
એરપોર્ટ નહીં આવેને તો હું એરપોર્ટથી જ પાછી જતી રહીશ.’ એણે ધમકી આપી.
‘શેમ્બી! મારી વાત સાંભળ…’ બીજી તરફથી શિવ કહી રહ્યો હતો. લિનનું શર્ટ અને કાર્ગો પેન્ટ પહેરીને
ઊભેલા એ છોકરાના વાળ એક પોનીટેઈલમાં બાંધેલા હતા. દેખાવે જ ‘મીડિયા પર્સન’ કે ‘આર્ટિસ્ટ’ લાગતો એ છોકરો
એક નેશનલ ચેનલની ઓફિસની બહાર નીકળીને ધીમા અવાજે વાત કરી રહ્યો હતો.
‘કશું નથી સાંભળવું મારે.’ સામેથી શામ્ભવીએ કહ્યું, ‘તું મને એરપોર્ટ પર જોઈએ. સાડા આઠ વાગ્યે…’
‘સાડા સાતે મારો પ્રાઈમ ટાઈમ શો હોય છે… લાઈવ… એરપોર્ટ પર કેવી રીતે પહોંચું?’
‘હેલિકોપ્ટરમાં આવજે.’ શામ્ભવીએ પૂર્ણવિરામની જેમ કહ્યું, ‘એઈટ થર્ટી. એરપોર્ટ.’ ફોન ડિસકનેક્ટ થઈ
ગયો. હાથમાં ફોન પકડીને ઊભેલો શિવ બાઘાની જેમ ફોન સામે જોઈ રહ્યો. એને માટે આ કોઈ નવી વાત નહોતી.
શામ્ભવી-શેમ્બી, આ જ રીતે બાળપણથી એના ઉપર દાદાગીરી કરતી. સ્કૂલમાં બંને જણાં સાથે ભણ્યા હતા. શિવના
પિતા સલિલ દેસાઈ, નાગર બ્રાહ્મણ એક ઉચ્ચ હોદ્દા પર સરકારી ઓફિસર હતા. પોતાનું સંતાન શહેરની સારામાં
સારી સ્કૂલમાં ભણે એ એમની એક માત્ર ઈચ્છાને કારણે એમણે આ મોંઘીદાટ સ્કૂલમાં શિવનું એડમિશન કરાવ્યું હતું.
એ સ્કૂલમાં બધા નબીરા ભણતા, ને શિવ ઉચ્ચ મધ્યમવર્ગનો-ખાધેપીધે સુખી કહી શકાય એવા પરિવારનો દીકરો હતો.
એની નાની બેન પણ આ જ સ્કૂલમાં ભણતી, જે શામ્ભવીના ક્લાસમાં દાખલ થઈ ત્યારથી એ ત્રણ જણાંની દોસ્તી
જામી હતી. જોકે, શામ્ભવીથી બે વર્ષ મોટા શિવ સાથે એની દોસ્તી વધારે ગાઢ હતી. શિવની બેન સાક્ષી ક્યારેક
ફરિયાદ પણ કરતી, ‘તું મારી ફ્રેન્ડ છે કે, શિવની?’
‘અફકોર્સ, શિવની!’ શામ્ભવી બેશરમ થઈને કહેતી. જોકે, એથી સાક્ષી અને શામ્ભવીની દોસ્તીમાં કદી ફેર ન
પડ્યો. સાક્ષીના લગ્ન નાની ઉંમરે થઈ ગયા. ખૂબ સારા પરિવાર અને પારિવારિક મિત્રના દીકરાને જમાઈ તરીકે
મેળવીને શિવના પિતા સલિલભાઈ ખૂબ ખુશ હતા. હવે સાક્ષી ઓસ્ટ્રેલિયા રહેતી હતી, એક સંતાનની મા બની ચૂકી
હતી!
શિવ એના ગ્રેજ્યુએશનના દિવસો દરમિયાન પિતાના મિત્ર મુકેશ મલ્હોત્રાની ન્યૂઝ ચેનલમાં જોડાયો અને
શામ્ભવી ગ્રેજ્યુએશન માટે અમેરિકા ગઈ. બંને જણાંની દોસ્તી એટલી પાક્કી હતી કે એમની વચ્ચે હવે સ્ત્રી-પુરુષનો
કોઈ કોન્સેપ્ટ જ નહોતો. બંને જણાંએ પહેલી સિગરેટ, પહેલો દારૂ સાથે પીધાં હતાં. શામ્ભવીના બધા તોફાનો,
તરંગી વિચારો અને સ્ટુપિડ જેવી ધમાચકડીમાં શિવ એની સાથે રહેતો એટલું જ નહીં, જરૂર પડે ત્યારે પરિસ્થિતિ
સંભાળવાનું કામ પણ શિવના ભાગે જ આવતું. સાક્ષી પ્રમાણમાં ઢીલી અને માતા-પિતાથી ડરતી એક કહ્યાગરી છોકરી
હતી. સાક્ષી આ બંને જણના તોફાનમાં સામાન્ય રીતે ગેરહાજર રહેતી-પણ, શિવ અને શામ્ભવી એકબીજાના
અભિન્ન ક્રાઈમ પાર્ટનર્સ હતાં. શામ્ભવીના ‘બાપુ’ને ખબર ન પડે એવી રીતે ફેલાયેલું રાયતું લૂછી લેવાનું કામ હવે
શિવને એટલું સારી રીતે આવડી ગયું હતું કે, અમેરિકામાં પણ બે-ચાર વાર જ્યારે સમસ્યા ઊભી થઈ ત્યારે શામ્ભવીએ
શિવને જ ફોન કરીને ‘બાપુ’ને અષ્ટમપષ્ટમ સમજાવવાનું કામ નિઃસંકોચ સોંપી દીધેલી.
કમલનાથ ચૌધરીને આ દોસ્તી વિશે જાણ હતી, એમને કોઈ વિરોધ નહોતો. જોકે, શિવ અને કમલનાથ
એકબીજાની સામે ભાગ્યે જ આવતા, એવા પ્રસંગો જ ઓછા બનતા! કમલનાથ શિવનો લાઈવ શો ‘ટ્રુથ એન્ડ ડેર’
અચૂક જોતા. એમને શિવના રિસર્સ અને સત્ય બોલવાની એની હિંમત પર માન પણ હતું… ઊંડે ઊંડે કમલનાથને
ખબર હતી કે, શામ્ભવીને કોઈક વાત મનાવવી હોય, એના ગળે કોઈ એવી વાત ઉતારવી હોય જેમાં એનો વિરોધ હોય
તો એ કામ શિવ સિવાય બીજું કોઈ કરી ન શકે. શામ્ભવી પિતાને માન આપતી, એમને પ્રેમ કરતી ને બને ત્યાં સુધી
એમને દુઃખ ન થાય એવું વર્તન કરતી, પરંતુ કમલનાથની જીવનશૈલી, એમના નિયમો અને એમની ડિસિપ્લિન
શામ્ભવીને અકળાવતા. છાશવારે આવતા સેલિબ્રિટી, ગેસ્ટ્સ, રાજનેતાઓ સાથેના ડિનર્સમાં હાજર રહેવા માટે
શામ્ભવીને ક્યારેક સમજાવવી તો ક્યારેક પટાવવી પડતી. મોટેભાગે આવાં અઘરાં કામ માટે કમલનાથ શિવને અંગત
રીતે ફોન કરતા. ચાર વાક્યોમાં થઈ ગયેલી વાતચીત પછી શામ્ભવી સરસ મજાના સલવાર કમીઝ પહેરીને આવા
ડિનરમાં હાજર રહેતી ત્યારે કમલનાથના કરડા ચહેરા પર હળવું સ્મિત આવ્યા વગર રહેતું નહીં.
શિવ અને શામ્ભવીની વચ્ચે ચાર વર્ષનું આ અંતર પણ એમની અતૂટ દોસ્તીના કિલ્લામાંથી એક કાંકરોય
ખેરવી શક્યું નહોતું. આજે શામ્ભવી પાછી ફરી રહી હતી, ચાર વર્ષ ને બે મહિના પછી. સ્વાભાવિક હતું કે, એ શિવને
એરપોર્ટ પર જ જોવા, મળવા માંગતી હતી.
શિવનું મગજ કામે લાગ્યું, સાડા સાતનો શો આઠ વાગ્યે પૂરો થાય… ગાડીને બદલે મોટર સાઈકલ લઈને જાઉ
તો અડધો કલાકમાં એરપોર્ટ પહોંચી તો જવાય. સાડા આઠે લેન્ડ થાય, બહાર નીકળતાં આરામથી પોણા નવ થઈ
જાય! આમ પણ, શામ્ભવી એને એરપોર્ટ નહીં જુએ તો એનો જીવ લઈ લેશે એ વાતની શિવને ખબર નહીં, ખાતરી
હતી. એણે ઝડપથી શોની તૈયારી કરવા માંડી જેથી ‘ગુડનાઈટ, કાલે મળીશું, વધુ ટ્રુથ અને ડેર સાથે…’ કહેતાંની સાથે
ભાગી શકાય.
*
સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એમિરેટ્સની ફ્લાઈટ લેન્ડ થઈ બરાબર ત્યારે જ શિવે પાર્કિંગમાં
મોટર સાઈકલને સ્ટેન્ડ ચડાવ્યું.
છેલ્લી 15 મિનિટથી દીકરીની પ્રતીક્ષા કરી રહેલા કમલનાથ ચૌધરી, લલિત સોલંકી અને એની સાથે આવેલા
બોડીગાર્ડ્ઝનું ટોળું પોતપોતાના ફોન પર ‘ફ્લાઈટ લેન્ડેડ’ વાંચતા જ સતર્ક થઈ ગયા.
(ક્રમશઃ)