‘ચૌધરી રેસિડેન્સ’ પર એ રાત જાણે કોઈ ભયાવહ અભિશાપની જેમ ઉતરી હતી. સામાન્ય રીતે બધા ડાઈનિંગ ટેબલ પર
જમતા, પરંતુ એ દિવસે કોઈ નીચે ઉતર્યું નહીં. સહુએ પોતપોતાના રૂમમાં જમી લીધું એટલું જ નહીં, કોઈએ પોતાના રૂમનો દરવાજો
પણ ખોલ્યો નહીં. રોજ એકબીજાને ‘ગુડનાઈટ’ કહ્યા વગર છુટા નહીં પડનારા પિતા-પુત્રી પણ આજે પોતપોતાના રૂમમાં બંધ રહ્યાં.
*
રોજની જેમ પોતાનો રાતનો પ્રાઈમ ટાઈમ શો પતાવીને શિવ જ્યારે ઘરે જવા નીકળ્યો ત્યારે અચાનક એને એક વિચાર આવ્યો.
એણે પોતાનો સેલફોન કાઢ્યો. એણે એના અંગત મિત્ર, જીગરી દોસ્ત રવીન્દ્ર તોમરને ફોન કર્યો. રવીન્દ્ર આસિસ્ટન્ટ કમિશનર ઓફ
પોલીસ હતા. ઉંમરમાં શિવથી મોટા, પણ એને શિવ માટે ખાસ લાગણી, સ્પેશિયલ કોર્નર હતો. ઉંમરના ખાસ્સા પંદર વર્ષના તફાવત
છતાં એ બંને જણાં દોસ્ત હતા. એકબીજા સાથે એકદમ ખુલ્લા મને વાત કરી શકતા. રવીન્દ્રને ખાસ્સો વિશ્વાસ હતો, શિવ ઉપર, અને
શિવ પોતાની ખાનગીમાં ખાનગી વાત રવીન્દ્ર સાથે કરી શકતો.
‘શું વાત છે?’ રવીન્દ્રના અવાજમાં થોડો સૂરુર હતો, ‘બોટલ મેં ખોલી ને સુગંધ તને આવી ગઈ?’
‘ક્યાં છો તમે?’ શિવના અવાજમાં થોડી ગંભીરતા હતી એ સાંભળીને રવીન્દ્ર સાવધ થઈ ગયો, ‘ઈમ્પોર્ટન્ટ કામ છે.’
‘અત્યારે તો દોસ્તો સાથે બેઠો છું. ઓફ ડ્યૂટી છું ને પીધેલો પણ છું. સવારે વાત કરીએ તો ચાલે?’ એણે પૂરી પ્રામાણિકતાથી કહ્યું.
‘લોકેશન મોકલો, હું આવું છું.’ શિવે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો. રવીન્દ્રને નવાઈ તો લાગી, પણ એણે લોકેશન મોકલી આપ્યું.
એ એના બે દોસ્તો સાથે શરાબ પી રહ્યો હતો. એક મિત્રના ફાર્મ હાઉસ પર આ નાનકડી પાર્ટી ગોઠવાઈ હતી. લગભગ અડધો કલાકમાં
શિવ ફાર્મ હાઉસ પહોંચ્યો, ત્યાં સુધી રવીન્દ્ર ઉચાટમાં રહ્યો. શિવે કોઈ દિવસ આવું કર્યું નહોતું. પોતે મિત્રો સાથે છે એવું કહેવા છતાં શિવ
મળવાનો આગ્રહ રાખે એનો અર્થ એમ કે, વાત જરૂર ગંભીર હશે ને શિવ મુશ્કેલીમાં હશે… રવીન્દ્ર વિચારતો રહ્યો. શિવનું મોટરસાયકલ પાર્ક
થવાનો અવાજ આવ્યો કે તરત રવીન્દ્ર ઊઠીને બહાર આવ્યો. બંને ભેટ્યા. રવીન્દ્ર એને લઈને ફાર્મ હાઉસના એક બેડરૂમમાં પ્રવેશ્યો.
‘બોલ યાર! શું થયું?’ રવીન્દ્રએ સીધી મુદ્દાથી જ વાત શરૂ કરી.
‘કમલનાથ ચૌધરીને ઓળખો છે?’ શિવે પૂછ્યું.
‘એને કોણ નથી ઓળખતું? ‘એની સાથે કંઈ પંગો થયો છે? માણસ ખતરનાક છે. એકવાર છટકે તો છોડે નહીં. શું કર્યું તેં?’
‘મેં કંઈ નથી કર્યું કે મારે એની સાથે નથી પંગો થયો. મારે એની વાઈફના મર્ડર…’ શિવે સુધાર્યું, ‘ડેથની વિગતો જોઈએ છે.’
રવીન્દ્ર થોડીક ક્ષણ શિવની સામે જોઈ રહ્યો. પછી એણે ધીમેથી કહ્યું, ‘શું કામ પડે છે આમાં? તારે શું લેવાદેવા છે?’
‘શામ્ભવીની મા હતી…’ શિવે ફરી સુધાર્યું, ‘મા છે એ. અમે એને જોયાં…’ રવીન્દ્રની આંખો કોઈ ભૂત જોયું હોય એમ વિસ્ફારિત
થઈ ગઈ. એના કપાળ પર પરસેવો વળી ગયો. એણે જોરથી શિવનો હાથ દબાવ્યો અને એ જ વિસ્ફારિત આંખો સાથે ડોકું ધૂણાવ્યું, મોઢા
પર આંગળી મૂકી. ચૂપ રહેવાનો ઈશારો કર્યો, પણ શિવે કહ્યું, ‘અમે ખરેખર જોયાં એમને.’
રવીન્દ્રએ શિવના મોઢા પર હાથ દબાવી દીધો, ‘તેં કંઈ નથી જોયું. તું કંઈ નથી જાણતો.’ રવીન્દ્રએ બે હાથ જોડ્યા, ‘ફરી કોઈ
દિવસ આ વાત નહીં કાઢતો.’
‘પણ…’ શિવ કંઈ કહેવા ગયો, રવીન્દ્રએ એને બંને ખભેથી પકડીને હચમચાવી નાખ્યો. એણે ડોકું ધૂણાવીને ફરી એકવાર શિવને
‘ના’ પાડી, પછી ખભેથી જ પકડીને ઊભો કરી દીધો. ત્યાંથી જવાનો ઈશારો કર્યો. શિવ આગળ કંઈ બોલે એ પહેલાં રવીન્દ્ર એનો હાથ
ખેંચીને એને બહાર લઈ ગયો અને મોટર સાયકલ સુધી લઈ જઈને એનો હાથ છોડી દીધો.
‘હું આમાં તારી કોઈ મદદ નહીં કરી શકું.’ કહીને રવીન્દ્રએ ફરી એકવાર ચેતવણી આપી, ‘ને તું પણ, શામ્ભવીને કે બીજા કોઈની
મદદ કરવા માગતો હોય તો નહીં કરતો. બહુ ઊંડાં પાણી છે, દોસ્ત. એકવાર પગ લપસી જશે તો લાશ પણ હાથમાં નહીં આવે.’ કહીને
રવીન્દ્ર ઊંધો ફરીને ચાલવા લાગ્યો. ડઘાયેલો શિવ ત્યાં જ ઊભો રહ્યો.
*
મોડી રાત્રે લગભગ સાડા અગિયાર-બાર વાગ્યે ચૌધરી રેસિડેન્સની પાછળ આવેલા સર્વન્ટ ક્વાટરના એક રૂમના દરવાજા પર
હળવેથી ટકોરા પડ્યા. ઘસઘસાટ ઊંઘી ગયેલા જડીબહેને ઊઠીને દરવાજો ખોલ્યો. સામે ઊભેલી શામ્ભવીને જોઈને એ છળી ગયાં,
‘અહીં શું કરે છે? ફોન કર્યો હોત તો હું આવી જાત.’ બંગલાથી સર્વન્ટ ક્વાટરની વચ્ચે ઈન્ટર કનેક્ટિંગ લાઈન હતી. એના પર ફોન કરવાને
બદલે શામ્ભવી જાતે અહીંયા આવી એ જોઈને જડીબહેન ગભરાઈ ગયાં હતાં, ‘સાહેબ તો ઠીક છે ને?’ જડીબહેનના સવાલોના જવાબ
આપવાને બદલે દરવાજાને ધક્કો મારીને શામ્ભવી અંદર ઘૂસી ગઈ. બેઝીક સગવડો સાથેનો સાફસૂથરો રૂમ હતો એ. એક પલંગ, ટીવી,
ફ્રીજ, અટેચ્ડ બાથરૂમ અને બે કબાટ સાથે કોઈ મધ્યમવર્ગીય હોટેલના રૂમ જેવો.
‘મારી મા સળગી…’ શામ્ભવી અટકી, એણે થૂંક ગળે ઉતાર્યું ને પછી જડીબહેનની આંખોમાં આંખો નાખીને પૂછ્યું, ‘મારી માનો
એક્સિડેન્ટ થયો ત્યારે તમે ક્યાં હતાં?’
‘હું… હું તો લીમડો ચૂંટવા પાછળ…’ જડીબહેન છેલ્લાં તેર વર્ષથી જે જવાબ આપતાં હતાં એ જ જવાબ એમણે ફરી આપ્યો.
‘જડીમાસી, તમને ખબર છે… મારી મા આપઘાત કરે એવી નહોતી, આવડા મોટા બંગલામાં ફાયર સેફ્ટી નહોતી?’ એણે સામે
ઊભેલા જડીબહેનના બંને હાથ પકડીને એમને પોતાની બાજુમાં લગભગ ખેંચીને બેસાડી દીધાં, ‘મને સાચું કહો, જડીમાસી. તમે મારી
માને સળગતી જોઈ હતી?’
‘મેં… હું… મને…’ જડીબહેન જવાબ ન આપી શક્યાં.
‘જે સળગી ગઈ એ મારી મા જ હતી?’ શામ્ભવીએ જુદી રીતે સવાલ પૂછ્યો. જડીબહેન પત્થર જેવી આંખો સાથે એની સામે
જોતાં રહ્યાં, ‘તમારા સિવાય ઘરમાં કોઈ નહોતું? ડ્રાઈવર, ચોકીદાર, માળી, મોહિની, પદ્મકાકા… કોઈ નહીં?’ જડીબહેન હજી અવાક્
હતાં, ‘તમે એક્ઝેક્ટલી શું જોયું? ક્યાંથી જોયું? તમે દોડ્યાં નહીં? મારી મા ઉપર પાણી ન નાખ્યું?’ શામ્ભવી અત્યંત બેબાકળી, બેચેન
થઈને પૂછી રહી હતી. એણે જડીબહેનને હચમચાવી નાખ્યાં હતાં.
એક પણ શબ્દ બોલ્યા વિના જડીબહેન એની સામે જોતાં રહ્યાં. એમની આંખોમાંથી આંસુ સરવાં લાગ્યાં. એમણે શામ્ભવીના
માથા પર હાથ ફેરવ્યો. છુંદણા છુંદેલા એમના કરચલીવાળા હાથની હથેળીઓ ખરબચડી હતી, ‘બેટા! આ બધું હું પોલીસને કહી ચૂકી છું.
હવે તો એ દ્રશ્ય યાદ કરું છું તો જાણે મગજ બહેર મારી જાય છે… કંઈ યાદ નથી આવતું. બસ, એ આગની જ્વાળાઓ, રાધાબહેનની
ચીસો અને…’ એ રડવા લાગ્યાં. રડતાં રડતાં એ જમીન પર પડી ગયાં. અચાનક જ એમનું આખું શરીર કડક થઈ ગયું. મોઢામાંથી ફીણ
નીકળવા લાગ્યાં. એમનું શરીર જોરજોરથી ઝટકા ખાતું હતું. શામ્ભવી ગભરાઈ ગઈ. જડીબહેનને એપિલેપ્સી-વાઈ કે ફિટની બિમારી
હતી એ વાતની શામ્ભવીને કલ્પના સુધ્ધાં નહોતી. એણે આસપાસ જોયું. નજીક પડેલી સાણસી ઉપાડીને જડીબહેનની મુઠ્ઠી ખોલીને
એમાં પકડાવી. એમનું માથું સીધું કરીને પકડ્યું અને દાંતની વચ્ચે જીભ કચરાઈ ન જાય એ માટે પોતાના હાથમાં પકડેલી ચાવી એમના દાંત
વચ્ચે ભરાવી દીધી. ખાસ્સી સાત-આઠ મિનિટ સુધી જડીબહેનનું શરીર ઝટકા ખાતું રહ્યું. એમના મોંમાંથી ફીણ નીકળતું રહ્યું. એ શાંત
થયા ત્યારે એકદમ લસ્ત, બેહોશ જેવા થઈ ગયાં હતાં. શામ્ભવીએ ક્યાંય સુધી એમના સૂકા કપાળ પર ગાલની તરડાઈ ગયેલી ચામડી પર
હાથ ફેરવ્યા કર્યો. જડીબહેન એમ જ, જમીન પર પડ્યાં પડ્યાં રડતાં રહ્યાં, પણ હવે શામ્ભવીમાં વધુ સવાલો પૂછવાની હિંમત નહોતી
રહી.
*
એ આખી સાંજ અનંત શામ્ભવીને મેસેજ કરતો રહ્યો, પણ શામ્ભવીએ પોતાના ફોન તરફ જોયું સુધ્ધાં નહોતું. એક પછી એક
બનેલી ઘટનાઓને એ તપાસતી હતી. પોતાની જાતને જ પ્રશ્નો પૂછતી હતી અને એના ઉત્તરો શોધવાનો પ્રયાસ કરી રહી હતી.
એણે પોતાની સ્મૃતિને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો. દોઢ દાયકા પહેલાં બનેલી ઘટના એની આંખો સામે કોઈ ફિલ્મની પટ્ટીની જેમ
સરકવા લાગી. એ સ્કૂલમાં હતી. અચાનક સ્કૂલનો પ્યૂન એના ક્લાસમાં ચિઠ્ઠી લઈને આવ્યો. એને ઘરે લઈ જવા માટે લલિતભાઈ આવ્યા
હતા. એ ઘેર પહોંચી ત્યારે કમ્પાઉન્ડમાં અનેક લોકોની ભીડ હતી. સફેદ કપડાં પહેરેલા થોડાં લોકો જેમાંના કોઈકને એ ઓળખતી હતી
અને કોઈકને એણે ક્યારેક પોતાના ઘેર, પાર્ટીમાં કે બીજી-ત્રીજી જગ્યાઓએ જોયાં હતાં. એ ગાડીમાંથી ઉતરી કે સૌ એના તરફ જે રીતે
જોઈ રહ્યા હતા એનાથી શામ્ભવી ઝંખવાઈ ગઈ. સૌની આંખોમાં શામ્ભવી પ્રત્યે જાણે દયા, બીચારાપણાંનો ભાવ હતો.
‘આટલા બધા લોકો કેમ ભેગાં થયા છે?’ એણે લલિતભાઈને પૂછ્યું હતું. જવાબ આપ્યા વગર એના ખભે હાથ ફેરવતા
લલિતભાઈ એને સાચવીને, સંભાળીને ઘરની અંદર લઈ ગયા ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને એ અવાચક્ થઈ ગઈ હતી. અંદર પોલીસના
માણસો આંટા મારી રહ્યા હતા. રસોડાની દિવાલો કાળી ઢબ્બ દેખાતી હતી. બહાર આવેલા ભડકાને કારણે ડાઈનિંગ રૂમ અને ફ્રીજ પણ
સળગ્યા હશે એટલે ત્યાં પણ આગની નિશાનીઓ હતી. બારસાખો, બારીની ફ્રેમ બધું બળી ગયું હતું. ડ્રોઈંગરૂમમાંથી ફર્નિચર ખસેડી
લેવાયું હતું. જમીન ઉપર વાંસની ઠાઠડીમાં પગથી માથા સુધી સફેદ કપડું ઢાંકીને એક શરીર સૂતું હતું.
‘ક… કોણ છે આ? શું થયું?’ એ ડરીને જમીન પર બેઠેલા એના પિતાને ચોંટી પડી હતી. કમલનાથે એના માથા પર હાથ ફેરવતાં
જાતને સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો, ‘મા ક્યાં છે?’ એણે પિતા તરફ જોઈને ઘવાયેલા અવાજમાં પૂછ્યું હતું. કમલનાથે પગથી માથા સુધી
ઓઢીને ઠાઠડી પર સૂવાડેલા શરીર પર આંગળી ચીંધી હતી, એ રડી પડ્યા હતા.
શામ્ભવી એ શરીરનું મોઢું જોવા માટે કપડું હટાવવા ધસી હતી, પણ મોહિનીએ એનો હાથ પકડીને રોકી લીધી હતી. એણે ડોકું
ધૂણાવી ‘ના’ પાડીને શામ્ભવીને ત્યાંથી ખસેડવાનો પ્રયત્ન કર્યો હતો. પગ પછાડતી, રડતી, કકળતી, ચીસો પાડતી શામ્ભવીને કેટલા બધા
લોકોએ મળીને કંટ્રોલ કરવી પડી હતી. એ કોઈકના હાથમાં જ બેભાન થઈ ગઈ હતી, પછી જ્યારે જાગી ત્યારે ઘર ખાલી હતું… માનું શબ
ઘરમાંથી જઈ ચૂક્યું હતું. એક ભયાનક સન્નાટો, બળી ગયેલી દિવાલો અને ચહલપહલ કરતાં થોડા માણસો હતા.
*
અત્યારે પણ એ દ્રશ્ય યાદ આવતાં શામ્ભવીનું શરીર તપી ગયું. એ ભય, પીડા અને સુનકારની સાથે જોડાયેલા ખાલીપાની યાદ
એને ધ્રૂજાવી ગઈ. સાથે જ એને યાદ આવ્યું કે, એણે માનું મોઢું નહોતું જોયું, કે પછી એને જોવા દીધું નહોતું! એ મા જ હતી કે નહીં, એ
વિશે શામ્ભવીને સવાલ થયો…
*
રાધા ચૌધરીના શ્રાધ્ધની વિધિ પતી કે તરત એક જ મહિનામાં સૂતક ઉતારીને બધા આ નવા ઘરમાં, ફાર્મ હાઉસમાં શિફ્ટ થઈ
ગયા હતા. પિતાએ હોમ મિનિસ્ટર પદેથી રાજીનામું આપ્યું હતું. રાજકારણ સંપૂર્ણપણે છોડી દેવાની જાહેરાત કરી હતી ને એ જૂનું ઘર
બુલડોઝરથી જમીનદોસ્ત કરી દેવાયું હતું. હવે ત્યાં એક ખાલી પ્લોટ હતો, જેની ચારેતરફ તારની વાડ હતી. એ પ્લોટ કમલનાથ ચૌધરીએ
વહેંચ્યો નહીં કે પછી આવી ભયાનક ઘટનાને કારણે એ બુંદિયાળ પ્લોટ વેચાયો નહીં, કોને ખબર! પરંતુ છેલ્લા દસ વર્ષ કે વધુ સમયથી
અમદાવાદના પોશ ગણાતા વિસ્તારના એક ખાલી પ્લોટ તરફ કોઈ ગયું નહોતું!
*
‘માના પોસ્ટમોર્ટમના પેપર્સ હશે… કેસની ફાઈલો પણ હોવી જોઈએ… એક્સિડેન્ટ કેવી રીતે થયો, ગેસ ખુલ્લો હતો કે ઝાળ
લાગી… કોઈએ ષડયંત્ર કર્યું કે પછી સાચે જ અકસ્માત થયો…’ શામ્ભવીના મનમાં સવાલો નાગની જેમ ફેણ ઊંચકીને નાચતા હતા, ‘જો
એ મા નહોતી તો કોણ હતું?’ એને આ સવાલ પજવી રહ્યો હતો, ‘એવું શું બન્યું જેને કારણે માને મરેલી જાહેર કરવામાં આવી… એણે
પણ કોઈ દિવસ મને શોધવાનો, મને મળવાનો પ્રયત્ન ન કર્યો?’ શામ્ભવીને આ સવાલોના ઝાળાંમાં ફસાઈને ગૂંગળામણ થવા લાગી.
એના બેડરૂમમાં એ.સી. ચાલતું હોવા છતાં એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એવો અનુભવ થયો. એ ઊભી થઈને બારી પાસે ગઈ.
એણે પોતાના બેડરૂમની બારી ખોલી નાખી. બહાર દેખાતા બગીચા અને ખજૂરના વૃક્ષોની પેલી તરફ આવેલા સર્વન્ટ ક્વાટરમાંથી એને
એક પડછાયો બંગલા તરફ આવતો દેખાયો. એણે ધ્યાનથી જોયું, એ મોહિની હતી.
‘અત્યારે? મોહિની સર્વન્ટ ક્વાટર શા માટે ગઈ?’ એ સડસડાટ પોતાના રૂમમાંથી ઉતરીને પગથિયાં ઉતરી. લગભગ દોડતી એ
સર્વન્ટ ક્વાટર તરફ જવા લાગી. બંગલાથી 200 ફૂટ દૂર ગઈ હશે કે એણે મોહિનીને સામેથી આવતી જોઈ. શામ્ભવીને જોતાં જ
મોહિનીના ચહેરાનો રંગ ઊડી ગયો, ‘અહીં શું કરે છે?’ એણે પૂછ્યું.
‘આ જ સવાલ હું તને પૂછું છું… ને સર્વન્ટ ક્વાટર શું કામ ગઈ ‘તી?’ શામ્ભવીએ આંખો ઝીણી કરીને વેધક સવાલ પૂછ્યો,
‘પગમાં ચપ્પલ છે-એમ નહીં કહેતી કે, વૉક પર ગઈ ‘તી.’
‘માઈન્ડ યોર ઓન બિઝનેસ.’ મોહિની છેડાઈ પડી, ‘હું જ્યાં જાઉં ને જે કરું-મને સવાલ પૂછવાનો તને કોઈ હક્ક નથી.’ એ
ચાલવા લાગી, શામ્ભવીએ એનો હાથ પકડ્યો, ‘હાથ છોડ.’ મોહિનીએ હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ શામ્ભવીએ મજબૂતીથી
પકડેલો હાથ છૂટ્યો નહીં, ‘મારે મોટાજીને કહેવું પડશે.’
‘શું કહીશ?’ શામ્ભવી તદ્દન તોછડી અને ઉદ્દંડ થઈ ગઈ, ‘તું સર્વન્ટ ક્વાટરથી છુપાઈને આવતી હતી ને મેં તને પકડી એવું કહીશ?
કે પછી એવું કહીશ કે શામ્ભવીએ મારી ચોરી પકડી?’
‘શેની ચોરી ને શેની વાત? હું સર્વન્ટ ક્વાટર શું કામ જાઉં?’ મોહિનીએ પૂછ્યું.
‘હું પણ તને એ જ પૂછું છું…’ શામ્ભવીએ પોતાના હાથમાં પકડેલા મોહિનીના હાથને સહેજ મરડ્યો, ‘એક કામ કર… ચાલ!
આપણે બંને બાપુ પાસે જઈને એમને જ કહીએ કે, શું થયું! તું ક્યાં ગઈ ‘તી એ મને નથી કહેવું ને, એમને કહેજે…’ કહીને શામ્ભવી
ચાલવા માંડી. પાતળી, ડાયેટ કરીને ઘસાઈ ગયેલી કાયાવાળી મોહિનીએ રોકવાનો પ્રયત્ન કર્યો, પણ શામ્ભવીની પાછળ ઢસડાયા વગર
એનો છુટકો નહોતો.
એણે ધીમેથી કહ્યું, ‘હાથ છોડ, પ્લીઝ.’ શામ્ભવીએ હાથ છોડીને અદબ વાળી, ‘હું સર્વન્ટ ક્વાટર જ ગઈ હતી. એની પાછળના
ગેટથી બહાર નીકળીને એક જણને મળવા ગઈ હતી.’ મોહિનીએ ઝંખવાતા અવાજે કહ્યું, ‘પ્લીઝ! પદ્મનાભને, મોટાજીને આમાં નહીં
નાખ. બહુ મોટું થશે. હું ફસાઈ જઈશ.’
‘એક જણ? કોણ? શું નામ એનું?’ શામ્ભવી એમ છોડે એવી નહોતી.
‘મારો બોયફ્રેન્ડ છે… આઈ… આઈ હેવ રિલેશનશિપ.’ મોહિનીએ હાથ જોડ્યાં, ‘પ્લીઝ! સમજવાનો પ્રયત્ન કર. પદ્મનાભ
હવે… આઈ મિન… એટલે કે…’ શામ્ભવી થોડીક ક્ષણો એની સામે જોઈ રહી, પછી ખભા ઊલાળીને ચાલવા લાગી. મોહિની એની
પાછળ દોડી, ‘કોઈને નહીં કહેતી, પ્લીઝ…’ શામ્ભવી ચાલતી રહી ને મોહિની એની પાછળ દોડતી એને કરગરતી રહી.
બંને જણાં લગભગ ઘર પાસે પહોંચી ગયા ત્યારે શામ્ભવીએ એક ક્ષણ રોકાઈને કહ્યું, ‘નહીં કહું. પણ એક શર્ત છે.’
‘બોલ.’ મોહિનીએ નીચું જોઈને કહ્યું.
(ક્રમશઃ)