રાતના નવ વાગ્યે શામ્ભવી અને અનંત મળવાના છે એ જાણ્યા પછી શિવને કોઈ રીતે ચેન નહોતું પડતું. જો
અનંત શામ્ભવીની મદદ કરશે તો શામ્ભવી અજાણતાં જ એના પર વધુ આધારિત થઈ જશે, આભારવશ શામ્ભવી
જાણે-અજાણે લગ્નની હા પાડી બેસે, તો એ નવાઈ નહીં એ વિચાર માત્ર શિવને વિચલિત કરી રહ્યો હતો. સાડા
આઠનો પ્રાઈમ શો પતાવીને એ સીધો બહાર નીકળ્યો. બાઈક ઉપર બેસીને એણે ‘ચૌધરી રેસિડેન્સ’ની દિશા પકડી.
ત્યાં પહોંચતાં સુધી શિવના મનમાં અનેક વિચાર આવી ગયા. શામ્ભવીને પામવાનો કે જીતવાનો એક માત્ર રસ્તો રાધા
ચૌધરીની મુક્તિ છે, એ વાત હવે શિવને સમજાઈ ગઈ હતી. રવીન્દ્ર કે બીજું કોઈપણ મદદ કરવા તૈયાર હોય કે નહીં,
જીવનું જોખમ હોય કે કોઈપણ સમસ્યા ઊભી થાય-શામ્ભવીની માને ન્યાય અપાવવાની એની લડતમાં પોતે એની
સાથે રહેશે, એ નિર્ણય શિવ કરી ચૂક્યો હતો.
એણે પોતાના તરફથી તપાસ કરવાની શરૂ કરી. એના પત્રકાર મિત્રો, ક્રાઈમ રિપોર્ટિંગ કરતા-વિશ્વાસ કરી
શકાય એવા સહકર્મચારીઓને કામે લગાડ્યા પછી શિવ પાસે એક એવી વિગત આવી જે સાંભળીને શિવ ચોંકી ઊઠ્યો.
જે દિવસે રાધા ચૌધરીનો એક્સિડેન્ટ થયો-એ બળીને મૃત્યુ પામ્યા એની આગલી રાત્રે કમલનાથ ચૌધરીના જૂના
બંગલામાં એક ગમખ્વાર ઘટના બની હતી. બહારથી ધસી આવેલા કોઈ અજાણ્યા માણસને રાધા ચૌધરીએ પકડી
પાડ્યો હતો, બૂમાબૂમ કરીને રાધાએ ઘરના લોકોને એકઠા કર્યા ત્યારે રાતના સાડા અગિયાર થયા હતા. બહાર પ્રાઈવેટ
ગાર્ડ અને પોલીસનો પહેરો હોવા છતાં આ માણસ ઘરની અંદર કેવી રીતે ઘૂસ્યો એ મહાઆશ્ચર્યની ઘટના હતી, એથી
વધુ આશ્ચર્યની ઘટના એ હતી કે, પોલીસ એ માણસને અરેસ્ટ કરવા માટે પહોંચે એ પહેલાં એ માણસ ગૂમ થઈ ગયો
હતો. હોમ મિનિસ્ટરને ઘેર પહોંચેલા ઉચ્ચ અધિકારીઓને કહેવામાં આવ્યું કે, એ અજાણ્યો માણસ પકડાઈ ગયો પછી
ગન બતાવીને ત્યાંથી ભાગી ગયો! આમ તો કોઈના માન્યામાં ન આવે, પરંતુ હોમ મિનિસ્ટરના સ્ટેટમેન્ટ પછી બીજી
શંકા કરવાની કોઈની હિંમત ન થઈ. પોલીસે એને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો, રાધા ચૌધરીએ આપેલા વર્ણન પરથી
સ્કેચીસ તૈયાર કરાવ્યા, પરંતુ કોઈ ઓફિશિયલ ફરિયાદ ન થઈ. ફરિયાદ ન કરવા માટેનું કારણ એવું આપવામાં આવ્યું કે,
હોમ મિનિસ્ટરના ઘરમાં આવી ઘટના બને એ રાજ્યની તમામ પોલીસ માટે શરમજનક બાબત હતી. મીડિયા આ
વાત ચગાવે તો શાસક પક્ષ માટે સવાલો ઉભા થાય. વાત દબાવી દેવામાં આવી હતી. ઘરના લોકોનું કહેવું હતું કે, એ
માણસને રાધા ચૌધરી સિવાય કોઈએ જોયો નહોતો. એના વર્ણનની વિગતો કાચી નોંધમાં હતી. જ્યાંથી એ બધી
વિગતો શિવનો એક પત્રકાર મિત્ર અશોક જાની શોધી લાવ્યો હતો. એ સમયના પોલીસ ઈન્સ્પેક્ટર, જે હવે રિટાયર્ડ
હતા, એ અશોક જાનીના અંગત દોસ્ત હતા-એટલે આ બધી વિગતો તો મળી, પરંતુ પોલીસ સ્ટેશનના રેકોર્ડમાં કે
બીજી કોઈ જગ્યાએ આવી કોઈ નોંધ મળી નહીં… આ બધી વિગતો આપતી વખતે શિવના મિત્ર અશોક જાનીએ એને
વોર્નિંગ આપી, ‘પાણી ઊંડું છે, તરતાં આવડતું હોય તો જ ઉતરજે. થોડી મિનિટોમાં જે માણસ ગૂમ થઈ જાય, એનું
નામ કે બીજી કોઈ વિગતો ન જડે અને એના ગૂમ થયાની ફરિયાદ એનો પરિવાર કે બીજું કોઈપણ ન નોંધાવે… આ
બધું એકબીજા સાથે જોડીને વિચારીશ તો સમજાશે કે, ચૌધરીઓએ જબરજસ્ત ખેલ ખેલ્યો હોવો જોઈએ. તું જે
બાઈને શોધે છે એણે એકલીએ જ આ માણસને જોયો છે, અથવા એવું ચૌધરીઓનું કહેવું છે… એટલે સમજ! એ
બાઈ, રાધા ચૌધરી જે જાણે છે એ કોઈ એવું ભયાનક સત્ય છે જે બહાર આવે તો વિસ્ફોટ થાય.’ કહીને અશોકે છેલ્લી
ચેતવણી ઉચ્ચારી હતી, ‘કોણ જાણે એ માણસ જીવતો ભાગ્યો કે ચૌધરીના ઘરમાં એનું હાડપિંજર દટાયેલું પડ્યું હશે!
જે કરે તે વિચારીને કરજે, ભાઈ!’
‘પણ, રાધા આન્ટી પરિવારને નુકસાન થાય એવું શું કામ કરે?’ શિવે પૂછ્યું હતું, ‘એમને માટે કમલનાથ અંકલ
અને ફેમિલીથી વધુ મહત્વનું શું હોઈ શકે?’
‘સત્ય!’ અશોક જાનીએ એક જ શબ્દમાં જાણે શિવના પગ નીચે બોમ્બ ફોડ્યો હતો, ‘ચૌધરી પરિવારની
પ્રતિષ્ઠા, પતિ માટેનો પ્રેમ અને પોતાની જિંદગી કરતાં પણ મોટું એવું કોઈ સત્ય… જે રાધા જાણે છે. એણે એ સત્ય
છુપાવવામાં કમલનાથ અને ચૌધરી પરિવારનો સાથ આપવાની ના પાડી હશે.’ અશોકે ઊંડો શ્વાસ લઈને કહ્યું, ‘એની
સજા ભોગવી રહી છે એ બાઈ, દોઢ દાયકાથી. સત્ય બહુ ખતરનાક રોગ છે, એકવાર જાણી લો પછી મનમાં રહેતું નથી
ને જીભ પર આવે તો જીવ લઈ લે છે…’
‘શું હોઈ શકે એ સત્ય?’ શિવે એના મિત્ર અશોક સાથે ચર્ચા કરતાં પૂછ્યું.
‘કમલનાથનું કોઈ રહસ્ય.’ અશોકે કહ્યું, ‘કે પછી પરિવારના કોઈ એવા વ્યક્તિનું કાળું સત્ય, જે કમલનાથ માટે
બહુ મોટી સમસ્યા બની શકે…’
‘પણ, રાધા આન્ટી તો પત્ની છે એમના…’ શિવ હજી સમજી શક્યો નહોતો, કે પછી જે જાણ્યું તેને સ્વીકારી
શકતો નહોતો, ‘કોઈ પત્નીને ફસાવે?’
‘અર્થ એમ થયો બેટા, કે કમલનાથ જે વ્યક્તિને બચાવવા માગતા હતા એ પત્ની કરતાં વધુ અગત્યની, વધુ
વહાલી કે પછી એવી વ્યક્તિ હતી જેને ન બચાવે તો કમલનાથ પોતે ડૂબી જાય…’ અશોક ઝીણી આંખો કરીને
વિચારમાં પડ્યો. એ જ્યારે ઊંડા વિચારમાં ગરકાવ થતો ત્યારે એની આંખો ઝીણી થઈ જતી અને ભવાં સંકોચાઈ
જતાં, ‘રાજકીય રહસ્ય, બિઝનેસનું રહસ્ય કે પછી કોઈ પ્રેમિકા…’ આંખો વધુ ઝીણી કરીને અશોકે ઉમેર્યું, ‘કે એનો
ભાઈ?’
‘પદ્મનાભ અંકલ?’ શિવે પૂછ્યું.
‘શશશ…’ નાક અને હોઠ ઉપર આંગળી મૂકીને અશોક જાનીએ ડોકું ધૂણાવ્યું, ‘નો મોર ગેસિસ! જેટલું વધારે
વિચારીશ એટલાં વધારે નામ ઉમેરાતાં જશે તારા લિસ્ટમાં…’ ચાની કિટલીના બાંકડા પરથી ઊભા થતાં અશોકે ઉમેર્યું,
‘અત્યારે તો તારી શામ્ભવીને આટલી જ ડિટેલ્સ આપ. જોઈએ, એ આટલું જાણીને શું કરે છે.’
‘એટલે?’ શિવે પૂછ્યું.
‘અરે, એના સગા બાપનો કિસ્સો છે. આટલું જાણ્યા પછી એ કદાચ તને જ ખોટો ઠેરવે અથવા માના પ્રેમ
કરતાં પિતાનો પ્રેમ જીતી જાય અથવા બે-ચાર ધમકીઓ કે ગાડીનો એકાદ નાનો એક્સિડેન્ટ એને ડરાવી મૂકે, એ પછી
તારી શામ્ભવી આ વાત જ પડતી મૂકે દે એવું પણ બને.’ અશોકના ચહેરા પર સ્મિત આવી ગયું, ‘જેમ એના બાપ માટે
પત્નીથી મહત્વનું કોઈ બીજું હતું એવી જ રીતે શામ્ભવી માટે પણ એના બાપનું મહત્વ એની મા કરતાં વધી જાય તો
એ…’ અશોકે વાક્ય અધૂરું છોડી દીધું, ‘તું પણ આમાં બહુ પર્સનલી ઈન્વોલ્વ નહીં થતો, એવું ના થાય કે ક્યાંક
શામ્ભવીને થોડા દિવસ પછી આ રમતમાંથી રસ ઊડી જાય ને તું હોળીનું નારિયેળ બની જાય.’ કહીને અશોકે શિવનો
ખભો થપથપાવ્યો. એ ત્યાંથી નીકળી ગયો, શિવ તરત જ ઊભો થઈને બાઈક પર ગોઠવાયો.
પોતાના હાથમાં આવેલો મોટા ગૂંચવાડાનો એક છેડો લઈને શિવ ઉત્સાહમાં એ બધી વાત શામ્ભવીને કહેવા
‘ચૌધરી રેસિડેન્સ’ તરફ જઈ રહ્યો હતો, ત્યારે ઘરના ગઝીબોમાં બેઠેલાં શામ્ભવી અને અનંત પણ આવી જ કોઈ વાત
કરી રહ્યા હતા.
એમને પોતાના ફર્સ્ટ ફ્લોરના રૂમની બારીમાંથી જોઈ રહેલા કમલનાથને મનોમન આનંદ થયો. આમ જ જો
બંને જણાં મળતાં રહેશે તો શામ્ભવી ધીમે ધીમે અનંત તરફ ઢળવા લાગશે એવી એમને ખાતરી હતી. ડીનર પછી એ
પોતાના રૂમમાં ન્યૂઝ જોતા રહ્યા, ને નીચે ગઝીબોમાં અનંત જે ન્યૂઝ લઈને આવ્યો હતો એ જોઈને શામ્ભવીની
આંખો ચાર થઈ ગઈ.
રાધા ચૌધરી નામની કોઈ મહિલા કેદીની કોઈ વિગતો જ નહોતી. અનંતે એના હેકર દોસ્તની મદદથી પોલીસ
રેકોર્ડ અને નેશનલ લેવલ પર ક્રાઈમ બ્યૂરોના બધા જ પોર્ટલ ફેંદી માર્યા હતા, પરંતુ છેલ્લા 20 વર્ષમાં આવો કોઈ કેસ
ક્યાંય નોંધાયો નહોતો. રાધા ચૌધરીના એક્સિડેન્ટલ ડેથની વિગતો મળતી હતી, પરંતુ સાબરમતી જેલના કેદીઓના
લિસ્ટમાં પણ ‘રાધા ચૌધરી’નું નામ ક્યાંય નહોતું. અનંત જે ફાઈલ્સ લઈને આવ્યો હતો એમાં એક ફાઈલ, એણે જ્યારે
ખોલીને શામ્ભવી સામે મૂકી ત્યારે એની આંખો પહોળી થઈ ગઈ. આ વિગતો લઈને આવેલો અનંત પણ આઘાતને
કારણે ચૂપ હતો. શામ્ભવીએ ફાઈલ ખોલીને એના પાનાં પલટવા માંડ્યા… એક પછી એક પાનાં ઉપર
એફઆઈઆરની જે વિગતો હતી, જે પુરાવા અને સાક્ષીઓની જુબાની હતી એ વાંચતાં વાંચતાં શામ્ભવીની
આંખોમાંથી આંસુ સરવા લાગ્યાં. અનંતે એનો હાથ પકડ્યો, ‘આ વાંચ્યા પછી મને પણ સમજાયું કે, તું સાચી છે.’ એણે
ખૂબ સ્નેહ અને સહાનુભૂતિથી ઉમેર્યું, ‘તારી જગ્યાએ હું હોઉ તો મને પણ આટલી જ તકલીફ થાય.’
‘અમારા ઘરમાં કોઈએ, કદી આ ઘટના વિશે ચર્ચા જ નથી કરી. હું કંઈ જાણતી નથી…’ શામ્ભવીએ કહ્યું,
‘મોહિની, પદ્મકાકા, બાપુ, જડીબેન, લલિતકાકા બધા જ જાણે છે, પણ કોઈએ મને…’ એની આંખોમાંથી હજી પાણી
વહી રહ્યાં હતાં.
‘રડવાથી કંઈ નહીં થાય.’ અનંતે કહ્યું, ‘વ્યવસ્થિત સ્ટ્રેટેજીક પ્લાન બનાવવો પડશે. પહેલાં તો આવો કેસ છે
એવું સાબિત કરવું પડશે અને પછી કેસને ટ્રાયલ સુધી લઈ આવવો પડશે. રાધા ચૌધરી મર્યા નથી, જીવે છે એ કઈ રીતે
સાબિત કરીશું?’ એણે પૂછ્યું, ‘તારા બાપુ કોઈ દિવસ આ વાત બહાર નહીં આવવા દે. તારે એમની સામે, તારા
પરિવાર સામે લડવું પડશે, તૈયાર છે તું?’ અનંતે એકવાર ફરી શામ્ભવીને ચકાસી.
‘હું લડીશ.’ શામ્ભવીએ કહ્યું, ‘ઓકે’ અનંતે કહ્યું, ‘તો પછી આપણે એક વકીલ જોઈશે. એક એવો માણસ જે
સૌથી પહેલાં તો રાધા ચૌધરી જીવે છે એ વાત સાબિત કરે… પછી કેસ ખોલે અને આપણા માટે લડે.’ ઊંડો શ્વાસ
લઈને એણે ઉમેર્યું, ‘તારા બાપુ સામે, મારા પપ્પા સામે કોણ ઊભું રહેશે? એવી કોઈ વ્યક્તિ નહીં મળે કારણ કે,
પૈસાથી, ધમકીથી કે પોલિટિકલ પ્રેશરથી આ લોકો એને ચૂપ કરી દેશે, પણ એક વ્યક્તિ છે… હું ઓળખું છું એને. એ
જરૂર આપણી મદદ કરશે.’ અનંતે કહ્યું, ‘મારી ફ્રેન્ડ છે. લંડનમાં મારી સાથે ભણતી હતી. બેરિસ્ટર છે, મોટા મોટા કેસ
અને મર્જર્સ પર કામ કરે છે, પણ આપણો કેસ ચોક્કસ લડશે.’
‘મારે એને મળવું છે, હમણાં જ.’ શામ્ભવીએ કહ્યું. અનંત એની સામે જોતો રહ્યો, પછી થોડો વિચાર કરીને
એણે ફોન કાઢ્યો. ગઝીબોની બહાર જઈને બે મિનિટ વાત કરી, પાછા આવીને એણે શામ્ભવીને સામે ઈશારાથી જ
કહ્યું, ‘ચાલ!’ શામ્ભવીએ ફોન કરીને કમલનાથને જણાવી દીધું કે એ અનંત સાથે બહાર જઈ રહી છે. કમલનાથે ખુશી
ખુશી ‘હા’ પાડી. બંને જણાં બહાર નીકળ્યા…
એક તરફ અનંતની રેન્જ રોવર સ્પોર્ટ ‘ચૌધરી રેસિડેન્સ’ની બહાર નીકળી, એની બે જ મિનિટ રહીને શિવની
બાઈક ‘ચૌધરી રેસિડેન્સ’ના ગેટમાંથી દાખલ થઈ. ગેટ ઉપર જ એને ચોકીદારે કહ્યું, ‘બેબી સાહેબ તો હમણાં જ બહાર
ગયાં.’
‘અત્યારે?’ શિવે ઘડિયાળ જોઈ. સાડા દસ ઉપર થઈ ગયા હતા. ગરાજમાં ઊભેલી અનેક ગાડીઓમાં
શામ્ભવીની મીનીકુપર અને ટુ સીટર પોર્શ બંને જોઈને શિવે પૂછ્યું, ‘ગાડી તો અહીં જ પડી છે.’
મોટા ઘરોના રહસ્યો જાણતાં ચોકીદાર, ડ્રાઈવર અને ડોમેસ્ટિક હેલ્પના માણસો પાસે એમનો એક રસપ્રદ
પ્રતિભાવ હોય છે. ચોકીદારે મોઢું મલકાવીને કોઈ મોટા રહસ્યનું ઉદઘાટન કરતો હોય એમ કહ્યું, ‘અનંતભાઈ સાથે
ગયા છે… એમની ગાડીમાં.’
શિવને કોઈકે છાતીમાં મુક્કો માર્યો હોય એમ દુઃખી આવ્યું. પોતાના પહોંચતાં પહેલાં અનંત અહીંયા પહોંચી
ગયો, એટલું જ નહીં એ શામ્ભવીને લઈને નીકળી ગયો… જો આમ જ ચાલતું રહ્યું તો શામ્ભવી માટેની આટલાં
વર્ષોથી પંપાળેલી ઝંખના જીવનભરનો અફસોસ બનીને રહી જશે. એ વિચાર માત્રથી શિવને આંખે અંધારાં આવી
ગયાં. થોડું વિચારીને એણે શામ્ભવીને ફોન કર્યો, ‘હાય, શેમ! ઘરે છે?’
‘અ… ના.’ શામ્ભવીના અવાજમાં અચકાટ હતો. એને નખશીખ ઓળખતાં શિવને સમજાઈ ગયું કે, શામ્ભવી
અચાનક આવેલા ફોનથી સહેજ ગૂંચવાઈ ગઈ છે, ‘બહાર છું.’ સામાન્ય રીતે પોતાની પળપળની વિગતો આપતી
શામ્ભવીએ પોતે ક્યાં છે એ કહેવાનું ટાળ્યું એ વાતે શિવને ફરી એકવાર તકલીફ થઈ. પોતાને સાંભળવું હોય કે નહીં,
બધી જ વાતો કહેતી, પોતાની વાતમાં પરાણે ધ્યાન આપવાનો આગ્રહ રાખતી શામ્ભવી આજે શિવને ટાળી રહી
હતી!
‘બહાર, ક્યાં?’ શિવે પણ પરિસ્થિતિ ક્યાં સુધી જાય છે એનો તાગ લેવાનો પૂરો પ્રયાસ કરી જોયો, ‘કોની સાથે
છે?’
‘મારી એક ફ્રેન્ડ આવી છે અમેરિકાથી. એને લઈને ડિનર પર આવી છું.’ શામ્ભવીએ કહ્યું. સામાન્ય રીતે
શામ્ભવી આવી કોઈપણ પરિસ્થિતિમાં શિવને પહોંચી જવાનો આગ્રહ કરે, એની ઈચ્છા વિરુધ્ધ પોતે જ્યાં હોય ત્યાં
એને બોલાવે, પણ આજે એણે કહ્યું, ‘મોડું થશે…’
એ પછી આગળ કોઈ વાત કરવાની શિવને ઈચ્છા ન થઈ. શામ્ભવી જુઠ્ઠું બોલી, એણે શિવને ટાળ્યો એ વાતે
નિરાશ અને હતાશ થઈ ગયેલા શિવને આટલાં વર્ષોની દોસ્તી પર પહેલીવાર પ્રશ્નાર્થચિહ્ન દેખાયું, ‘સારું, કાલે વાત
કરીએ.’ કહીને શિવે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો.
એ ઘરે પહોંચ્યો ત્યારે સલિલભાઈએ જમવાનો આગ્રહ કર્યો, પણ શિવ સીધો પોતાના રૂમમાં જઈને પલંગ પર
પછડાયો. ઘણો પ્રયત્ન કરવા છતાં એની આંખમાંથી બે-ચાર આંસુ તો સરી જ પડ્યાં.
*
‘હું તમારી વાત સમજું છું, પણ આપણી પાસે કોઈ પુરાવા નથી. આપણે શેના આધારે આ કેસ દાખલ
કરીએ?’ અનંતની ફ્રેન્ડ રિતુ અગ્રવાલે આખી વાત સાંભળ્યા પછી કહ્યું, ‘હું તમારા ઈમોશન સમજું છું. તમારી વાતમાં
ભરોસો પણ કરું છું, પણ મે’મ આપણે કેવી રીતે સાબિત કરીએ કે તમે તમારા મધરને જોયાં છે.’
‘આપણે સર્ચ વોરન્ટ કઢાવીએ. જેલમાં તપાસ કરીએ…’ આટલું બોલતાં જ શામ્ભવીને સમજાઈ ગયું કે,
જેલમાં તો પોતે જઈ આવી હતી. એનો એ ફેરો કેટલો ફોગટ અને હાસ્યાસ્પદ પૂરવાર થયો હતો એ વાત શામ્ભવીને
યાદ આવી ગઈ, ‘તો? કંઈ નહીં થઈ શકે?’ એણે પૂછ્યું. એની આંખોમાં આંસુ આવી ગયાં. એણે અનંત તરફ જોયું,
‘મારી મા આવી જ રીતે, જેલમાં જ…’
‘એક રસ્તો છે…’ રિતુને નિરાશ થઈ ગયેલી શામ્ભવીની દયા આવી ગઈ, ‘કોઈક કારણસર તમારા મધર જો
બહાર આવીને પોતે પોતાની જાતને જાહેર કરે, આઈ મીન ઈફ શી સેઈઝ શી ઈઝ રાધા ચૌધરી તો…’ સહેજ
અચકાઈને રિતુએ કહ્યું, ‘યુ નોટ વ્હોટ આઈ મીન.’ થોડીક ક્ષણ માટે શામ્ભવી વિચારતી રહી. રિતુએ ઉમેર્યું, ‘તમે કોઈક
રીતે એમને સંદેશો મોકલી શકો, ઈમોશનલી ટચ કરી શકો… એક મા જે અત્યાર સુધી ચૂપ હતી એ કદાચ તમારે
માટે…’
‘હું કરીશ.’ શામ્ભવી ઊભી થઈ ગઈ. એની આંખોમાં દ્રઢ નિર્ધાર હતો. એણે અનંત સામે જોયું, ‘હું એને
મજબૂર કરીશ. મારા સોગંધ આપીશ. મને ખબર છે એ મને બહુ પ્રેમ કરે છે. એની આંખોમાં જોયું હતું મેં એ
દિવસે…’ શામ્ભવીએ કહ્યું, ‘આઈ વિલ ડુ ઈટ. શી વિલ ડુ ઈટ.’ એ રિતુની ચેમ્બરની બહાર નીકળી ગઈ.
અસમંજસમાં ઊભો થઈ ગયેલો અનંત પણ અનિશ્ચિતતામાં ખભા ઊલાળીને, રિતુ સામે સ્માઈલ કરીને ચેમ્બરની
બહાર નીકળી ગયો.
*
બીજે દિવસે સવારે દુકાન ખૂલે તે પહેલાં શામ્ભવી માધુપુરાની એ જ દુકાનની બહાર ઊભી હતી. એના
હાથમાં 50 હજારની થોકડી જોઈને સામે ઊભેલો દુકાનદાર પીગળી ગયો. એણે ફરી એકવાર શામ્ભવીને એના
સપ્લાય ટ્રકમાં જેલમાં દાખલ કરવાની તૈયારી બતાવી. માલ ગોઠવાઈ રહ્યો હતો ત્યારે જ શામ્ભવી ટ્રકમાં બેસી ગઈ.
ટ્રક જ્યારે જેલની અંદર દાખલ થઈ ત્યારે શામ્ભવી પરસેવે રેબઝેબ હતી. એનું હૃદય ચાર ગણી ઝડપે ધબકી
રહ્યું હતું. સ્ત્રીઓની જેલના રસોડાના દરવાજા પાસે ટ્રક ઊભી રહી ત્યારે શામ્ભવી ટ્રકમાંથી બહાર નીકળીને રસોડાના
નાનકડા દરવાજામાંથી દાખલ થઈ. કોણ જાણે કેમ એને ભરોસો હતો, ને એ ભરોસો સાચો પડ્યો. એ દિવસે એણે જે
જગ્યાએ બેસીને રાધા ચૌધરીને શાક સમારતી જોઈ હતી એ જ જગ્યાએ, એવી જ રીતે બેસીને રાધા શાક સમારી
રહી હતી. શામ્ભવીએ આમતેમ જોયું, થોડે દૂર ઊભેલી સ્ત્રીઓ હજી સામાન આવે ત્યાં સુધી નિરાંતે ટોળટપ્પા કરી
રહી હતી. રસોડામાં કોઈ નહોતું એટલે શામ્ભવી સીધી રાધા સામે જઈને ઊભી રહી. દીકરીને સામે જોતાં જ રાધાની
આંખોમાં ભય અને પ્રેમ બંને એકસામટા છલકાયાં. એણે હાથ ઊંચો કર્યો, પણ રાધા કઈ બોલે એ પહેલાં શામ્ભવીએ
એક એન્વેલપ એના હાથમાં પકડાવ્યું.
‘હું જાણું છું તું મારી મા છે… હું એ પણ જાણું છું કે, 13 વર્ષથી તારો કેસ ટ્રાયલ પર નથી આવ્યો. કોઈ
ચાર્જશીટ નથી, કોઈ પોલીસ ફરિયાદ નથી. તું ચૂપચાપ અહીંયા પડી છે, તારી પોતાની ઈચ્છાથી કે કોઈના પ્રેશરથી
એની મને નથી ખબર, તું કોને બચાવે છે કે પછી કોઈએ તને ફસાવી છે એની પણ મને નથી ખબર… પણ, એક વાત
કહી દઉં, હું તને અહીંથી બહાર કાઢીશ. શામ્ભવીના અવાજમાં દ્રઢ નિર્ધાર હતો, તારે બહાર નીકળવું પડશે, મારા
માટે.’ રાધા ચોધાર વહેતી આંખે શામ્ભવીને સાંભળી રહી હતી, ‘આ એન્વેલપમાં મેં તને એક પત્ર લખ્યો છે એ
વાંચજે. હું તારા જવાબની રાહ જોઈશ.’ એટલું કહીને શામ્ભવી સડસડાટ જે દરવાજેથી આવી હતી એ જ દરવાજેથી બહાર
નીકળી ગઈ. ટ્રક ઉપડી જાય એ પહેલાં એણે ફરી પાછા પોતાની જગ્યાએ ગોઠવાઈ જવાનું હતું.
(ક્રમશઃ)