‘શામ્ભવી કંઈ અપસેટ છે, આજકાલ?’ માધવીએ પાણી માપવા માંડ્યું.
‘એમ?!’ મોહિનીએ સામે ઢાલ ધરી, ‘એણે પોતે કહ્યું તમને?’
‘એ મને ક્યાંથી કહે?’ માધવીએ સહજ રહેવાનો પ્રયત્ન કરતાં કહ્યું, ‘ભાઈ સાથે વાત કરી હતી, એણે! તમારા
ફેમિલીમાં કોઈ મર્ડર થયું હતું, એની તપાસ કરવી છે એને… ઓર મે બી, મેં કદાચ કંઈ ખોટું સાંભળ્યું…’ માધવી હસી,
‘આમ તો દરેક પરિવારમાં કંઈને કંઈ રહસ્ય હોય જ, પણ કેટલાંક રહસ્યો પરિવારની અંદર રહે ત્યાં સુધી સેફ હોય છે.
ક્યારેક મીડિયાના હાથમાં કે કોઈ દુશ્મનના હાથમાં આવી જાય તો…’
‘આમ તો કશું છે જ નહીં, એટલે એવો ડર નથી.’ મોહિનીએ સાવધાનીથી કહ્યું. એણે ધીમે રહીને માધવીને
પણ સમજાવી દીધી, ‘શામ્ભવી બહુ નાની છે, જિંદગી જોઈ નથી એણે. મોટાજીએ લાડ કર્યા છે, હથેળીમાં પગ
મૂકાવ્યો છે એને, એટલે એમનું એક જ સ્વરૂપ જોયું છે એણે… પણ, કમલનાથ ચૌધરી જે દિવસે પરિવારની પ્રતિષ્ઠા કે
ઘરના કોઈ વ્યક્તિના હિત ઉપર જોખમ જોશે ને એ દિવસે મીડિયા કે દુશ્મન… બધાયનું આવી બનશે.’ એણે હસીને
ઉમેર્યું, ‘અત્યારે રમે છે શામ્ભવી, એટલે રમી લેવા દો. વાત કંઈ સિરિયસ હશે તો મોટાજી જોઈ લેશે.’ એણે માધવીને
ચેતવણી આપી, ‘તમે આનાથી દૂર રહેજો! શું છે કે, આવનારા દિવસોમાં આપણો સંબંધ બદલાશે. મોટાજીને કદાચ
ખબર પડે કે તમે પણ આમાં રસ લો છો કે, શામ્ભવીને ઉકસાવો છો તો…’ એણે ખભા ઉલાળીને કહી નાખ્યું, ‘યુ નો
વ્હોટ આઈ મીન!’
માધવી કંઈ જવાબ આપે એ પહેલાં મોહિનીની અપોઈન્ટમેન્ટ માટે બોલાવવા આવી ગયા. માધવી મનમાં
સમસમીને રહી ગઈ. એને એક વાત સમજાઈ ગઈ કે, કમલનાથ ચૌધરી, એનો ભાઈ, મોહિની અને પરિવારનો દરેક
સભ્ય આ મુદ્દા પર એકબીજાની સાથે હતા, એટલે જે કંઈ થયું હશે એ વિશે બધા જાણતા હોવા જોઈએ અને જે કંઈ
થયું છે એમાં સૌ સહભાગી છે, એટલે કોઈ એક જણને ફસાવી નહીં શકાય એટલું જ નહીં, કોઈ એક ફસાશે તો
બાકીના એની મદદે આવીને ઊભા રહેશે. આટલું સમજાઈ ગયા પછી માધવીએ આ કિસ્સાથી અને ચૌધરી પરિવારથી
દૂર રહેવાનું નક્કી કરી લીધું. ત્યાં પડેલું ‘વૉગ’ મેગેઝિન ઉપાડીને એણે પાનાં પલટવા માંડ્યા. પલટાતાં પાનાંની સાથે
સાથે એના મનમાં પણ વિચારોનો ઉતાર-ચઢાવ ચાલતો રહ્યો. કોઈપણ રીતે અનંતને પછાડી દેવો, અખિલેશ
સોમચંદના સામ્રાજ્યની એક માત્ર વારસ બની જવાનું એનું સપનું હવે કંઈ રીતે પૂરું કરવું એ વિશે એના મનમાં
નવેસરથી ગણતરીઓ શરૂ થઈ ગઈ.
*
બાથરૂમનું બારણું બંધ કરીને ધડકતા હૃદયે રાધા ચૌધરીએ કવર ખોલ્યું. કવરમાં એક ચિઠ્ઠી હતી અને મા-
દીકરીની એક જૂની તસવીર. જેમાં રાધાએ શામ્ભવીને પોતાના હાથમાં ઉપાડી હતી. ચિઠ્ઠીમાં જે લખ્યું હતું, એ
વાંચતાં રાધાના હૃદય પર કરવત ચાલી રહી હોય એમ એની લાગણીઓ વહેરાઈને વહેતી રહી.
‘મા, મને ખાતરી છે કે તું મારી મા છે, પણ એ નથી જાણતી કે તું શા માટે તારી ઓળખાણ છુપાવે છે, કોણ
તને મજબૂર કરે છે? પણ, હું એક વાત જાણું છું કે તેં જે કર્યું છે એ બલિદાન છે, સમર્પણ છે… પણ, જેના માટે કર્યું
છે, એ એને યોગ્ય છે ખરા? એ તારી દીકરી કરતાં પણ વધારે મહત્વના છે? જેને માટે તેં મને એકલી છોડી દીધી એ
લોકો, કોઈપણ હોય, તેં એમના માટે મને છોડી દીધી? મા, હું એકલવાયું બાળપણ જીવી છું. પહેલા પીરિયડ્સ, પહેલો
બોયફ્રેન્ડ અને અંધારી રાતોના ડરામણા સપનાંની વચ્ચે મને સમજાવવા, સ્નેહ કરવા કે સાથ આપવા માટે તું નહોતી.
એક દીકરી માટે પોતાની માથી વધારે નજીકની દોસ્ત બીજી કોણ હોય? હું આજે પણ એકલી છું, તારા વગર… તું છે
તો પણ, હું મા વગરનું જીવન જીવી રહી છું. મારી વાત સાંભળવા, રડવા-હસવા, લાડ કરવા માટે પાછી આવ મા,
પાછી આવ, મને તારી જરૂર છે. હું લડીશ તારા માટે. નક્કી તારે કરવાનું છે કે તારી મજબૂરીનું વજન વધારે છે કે,
તારી મમતાનું મહત્વ! હું તારા જવાબની રાહ જોઈશ. મને વિશ્વાસ છે કે, આ વાંચ્યા પછી તું મારો સંપર્ક કર્યા વગર
નહીં રહી શકે. જો આઠ દિવસમાં તું મને સંપર્ક નહીં કરે તો હું માની લઈશ કે, તેં મને છોડી દીધી છે. એ પછી કોઈ
દિવસ તને પરેશાન કરવા કે પ્રશ્નો પૂછવા નહીં આવું. તારી એકલવાયી અભાગી દીકરી, શામ્ભવી.’
આટલું વાંચતાં વાંચતાં રાધા ચૌધરી ધ્રૂસકાં ભરતી રડવા લાગી. વિતેલા દિવસોના અનેક દ્રશ્યો એની નજર
સામે આવ્યાં, ધૂંધળા થઈને વિખેરાઈ ગયાં. પોતાની દીકરી સાવ એકલી કઈ રીતે ઉછરી હશે એ વિચાર એને સતત
પજવતો રહ્યો હતો. એ મજબૂરીના દબાણમાં ચૂપ રહી આટલા વર્ષો, પણ આ વર્ષોમાં એક રાત પણ એ શામ્ભવીનો
વિચાર કર્યા વિના ઊંઘી શકી નહોતી, પરંતુ આ પત્રએ એની અંદરની મમતાને ઢંઢોળીને જગાડી હતી, ને આજે
મજબૂરી ઉપર મમતાની જીત થઈ હતી.
આખો દિવસ રાધા ચૌધરી ઉદાસ, વિચારમગ્ન અને ચૂપચાપ રહી… એના મનમાંથી એ ચિઠ્ઠી અને પેલી
તસવીર કોઈ રીતે ખસતા નહોતા. રાત્રે જ્યારે એ પોતાના નાનકડા બિસ્તર પર આડી પડી ત્યારે એની બાજુમાં સૂતેલી
રાનીએ એને પૂછ્યું, ‘આજે ફરી આવી હતી તારી દીકરી?’ રાધાએ ચોંકીને એની સામે જોયું, ‘ઈતના તો સમજ હી
સકતી હું. આટલા વખતથી ઓળખું છું તને, કોઈ વાત તને વિચલિત નથી કરતી. પહેલીવાર તને ઉદાસ જોઈ જ્યારે
તારી દીકરીને તેં પહેલીવાર જોઈ. એ પછી કેટલાંય દિવસો સુધી તું ઉદાસ રહી જ્યારે એ તને મળવા આવી ને આજે
ફરી પાછી એ જ ઉદાસી…’ રાનીએ વહાલથી પોતાનો હાથ લંબાવીને રાધાનો ગાલ પસવાર્યો, ‘એની વાત માની કેમ
નથી જતી? કોઈ લડવા તૈયાર છે તારે માટે… તું બહાર નીકળી શકીશ.’
‘હવે કેટલાં વર્ષ બાકી છે, જિંદગી તો અહીં જ પૂરી થઈ.’ રાધાએ નિરાશ, ઉદાસ અવાજે કહ્યું. એ છત તરફ
જોઈ રહી હતી. બહારની લાઈટનો પ્રકાશ બેરેકની છત પર પહોંચીને ફેલાઈ જતો હતો. વચ્ચે વચ્ચે અંધારાના ટુકડા
અને પ્રકાશના ચકરડાથી બેરેકની છત કંઈ વિચિત્ર જ લાગી રહી હતી.
‘એટલે જ કહું છું.’ રાનીએ એને સમજાવી, ‘જેટલાં વર્ષ છે એટલાં તારી દીકરી સાથે વિતાવ. મારા પરિવારે તો
મને છોડી જ દીધી છે. એ બધા માને છે કે મેં ફ્રોડ કર્યું છે, હું ગુનેગાર છું. સત્ય કોઈને નથી સાંભળવું.’ રાનીએ
નિઃશ્વાસ નાખ્યો, ‘પણ કોઈ તારી રાહ જુએ છે, તારામાં ભરોસો કરે છે, તને ઝંખે છે, તારા માટે ઝૂરે છે… એને
ભેટીને, માથે હાથ ફેરવીને, કપાળ ચૂમીને વિતેલા વર્ષોનો હિસાબ સરભર કરવાનું મન નથી થતું, તને?’ આ સાંભળી
રહેલી રાધા ફરી રડવા લાગી.
રાધાના રડવાનો અવાજ સાંભળીને એની બીજી તરફ સૂતેલી સોમી પણ જાગી ગઈ. આટલાં વર્ષોમાં એણે
રાધાને ભાગ્યે જ રડતી જોઈ હતી. કોઈ પત્થરની મૂર્તિની જેમ, ચાવી દીધેલા પૂતળાની જેમ, સવારથી સાંજ ચૂપચાપ
પોતાનું કામ કરીને રાત્રે પથારીમાં પડતી રાધા જે રીતે રડી રહી હતી એ રીતે જોઈને સોમીને પણ વાત સમજાઈ ગઈ.
એણે હાથ લંબાવીને રાધાનો હાથ પકડ્યો, ‘હિંમતવાળી છોકરી છે તારી. ગમે તેમ કરીને પહોંચી તારા સુધી… ને હાચું
કહું? હું તો નસીબમાં બહુ માનું. હવે તારા બહાર નીકળવાનો ટેમ થઈ ગ્યો સે. એટલે જ આ છોડીને ભગવાન અહીં
સુધી લઈ આવ્યો સે. માની જા એની વાત. અંત ઘડીએ આપણું માથું જણેલાના ખોળામાં હોય તો મુક્તિ થાય…
સમજે છે? ઈ લેવા આવી સે, બોલાવે સે તને… હવે, જે ગુનો તેં કર્યો નથ એની સજા ભોગવવાનું છોડ. કહી દે એને
બધું હાચે હાચું. ઈ કરસે તારો ઉધ્ધાર.’
મોડી રાત સુધી રાની અને સોમી ધીમા અવાજે રાધાને સમજાવતાં રહ્યાં. એમણે રાધાને દીકરીની ચિઠ્ઠીનો
જવાબ આપવા માટે તૈયાર કરી દીધી.
અત્યાર સુધી પોતાનું અસ્તિત્વ ભૂલીને, ચૂપચાપ કોણ જાણે કયા ગુનાની સજા ભોગવી રહેલી રાધા સવારે
જાગી ત્યારે એના મનમાં એક નવો જ સૂર્યોદય થયો હતો. બાકી રહેલા વર્ષોમાં જેટલો સમય મળે એટલો, દીકરી સાથે
વિતાવવાની એક નવી ઝંખના, નવી તરસ જગાડી હતી રાનીએ એના મનમાં!
*
રોજની જેમ ‘ચૌધરી રેસિડેન્સ’ના બધા સભ્યો બ્રેકફાસ્ટ માટે ડાઈનિંગ ટેબલ પર ગોઠવાયાં. બ્રેકફાસ્ટ
પીરસાવાનો શરૂ થયો કે મોહિનીએ વાત ઉપાડી, ‘માધવી સોમચંદ મળી હતી મને.’ કોઈએ એની સામે જોયું નહીં.
પદ્મનાભ, કમલનાથ, અને ખાસ કરીને શામ્ભવીએ તો જાણે સાંભળ્યું જ ન હોય એવી રીતે સૌ પોતાની પ્લેટમાં
પીરસાતા નાસ્તા સાથે વ્યસ્ત રહ્યા. જોકે, મોહિનીએ એની પરવાહ કર્યા વગર કહી જ નાખ્યું, ‘આ શામ્ભવી કારણ
વગર આપણને મુશ્કેલીમાં નાખશે. ભાભીજીના મર્ડરની…’ મોહિનીએ અટકીને, જીભ બહાર કાઢી-જાણે ભૂલ થઈ ગઈ
હોય એવા અભિનય કરીને એણે સુધાર્યું, ‘ભાભીજીના એક્સિડેન્ટની તપાસ કરે છે આ. સોમચંદના દીકરાને પણ
ઈનવોલ્વ કર્યો છે. એમને માટે આ કોઈ થ્રિલર નવલકથા કે સિનેમાની સ્ટોરી જેવું છે, પણ આબરુના ધજાગરા થશે ને,
મીડિયા રવાડે ચડશે એ અલગ.’ હવે કમલનાથે એની સામે જોયું. મોહિનીનો ચહેરો તો યથાવત્ રહ્યો, પણ એના
મનમાં મોટું સ્મિત આવી ગયું. એનાથી બોલવામાં ભૂલ થઈ ગઈ કે એણે જાણી જોઈને ભૂલ કરી, એ વિશે અસ્પષ્ટ
પદ્મનાભે એની સામે જોઈને ચૂપ રહેવાનો ઈશારો કર્યો.
કમલનાથે આ બધું જોયું, પછી ધીમેથી પૂછ્યું, ‘આ સાચું છે, શામ્ભવી?’
‘બાપુ… એક્ચ્યુઅલી… આઈ મીન…’ શામ્ભવીને થોથવાતી, શબ્દો શોધતી, અટવાતી જોઈને મોહિનીને મજા
પડી ગઈ. એ, પદ્મનાભ અને કમલનાથ ત્રણેય જણાં શામ્ભવી તરફ જે નજરે જોઈ રહ્યાં હતા એનાથી શામ્ભવી
વિંધાઈ ગઈ, ‘બાપુ! મા જીવે છે ને? હું જેલમાં જે સ્ત્રીને મળી એ મા જ છે. એને કોણે જેલમાં નાખી, શું કામ
નાખી, એણે કેમ વિરોધ ના કર્યો, એનો ગુનો શું છે?’ શામ્ભવીએ સહેજ અટકીને ઉમેર્યું, ‘એ પોતાના ગુનાની સજા
ભોગવે છે કે કોઈને બચાવવા માટે એને ધકેલી દીધી છે… આ બધું મારે જાણવું છે. હું તપાસ કરીશ. મારી મા માટે
લડીશ. એને આ ઘરમાં પાછી લઈ આવીશ.’ શામ્ભવી એક શ્વાસે બોલી ગઈ. મોહિની પલક પણ ઝબકાવ્યા વગર
કમલનાથ સામે જોઈ રહી હતી. શામ્ભવીના આ બધા વાક્યોની સાથે કમલનાથના હાવભાવ બદલાવા જોઈતા હતા,
પરંતુ એ તો શાંત, સ્વસ્થ હતા.
‘ભલે!’ કમલનાથે નિરાંતે ઓરેન્જ જ્યુસનો ગ્લાસ ઉપાડ્યો, ‘તને જે યોગ્ય લાગે તે કર.’ આટલું સાંભળતાં જ
મોહિનીનું બ્લડપ્રેશર વધી ગયું. એણે ધાર્યું હતું કે, કમલનાથ વિરોધ કરશે, શામ્ભવીને અટકાવશે, ધમકાવશે, પરંતુ એવું
કશું જ થયું નહીં, બલ્કે કમલનાથે આગળ કહ્યું, ‘હું જેલમાં તારી સાથે આવ્યો. આપણે તપાસ કરી. એવી કોઈ સ્ત્રી ત્યાં
છે જ નહીં. એ જાણ્યા પછી પણ જો તારે ન જ માનવું હોય, તો ભલે. આ ઘરના લોકોનો સ્નેહ, મારા પ્રેમની સામે
તને તારો ભ્રમ મોટો લાગતો હોય, તો ભલે. તને જેમ યોગ્ય લાગે એમ કર.’ કહીને કમલનાથ ઊભા થઈ ગયા, ‘એક
સૂચના આપી દઉં તને, તું જે કંઈ કરી રહી છે એમાં બદનામીના છાંટા જો ચૌધરી પરિવાર પર ઉડ્યા કે મીડિયામાં કોઈ
બદનક્ષીના ન્યૂઝ ચગ્યા તો હું તને માફ નહીં કરું.’
સામાન્ય રીતે ડ્રોઈંગ રૂમમાં આવીને પરિવારની સાથે ટેબલ પર બેસતા લલિતભાઈ આજની ચર્ચા સાંભળીને
ડ્રોઈંગ રૂમની બહાર જ ઊભા રહી ગયા હતા. લલિતભાઈને જોઈને કમલનાથે કહ્યું, ‘પ્રતિષ્ઠા કમાતાં વર્ષો લાગે છે,
ગૂમાવવામાં મિનિટો પણ નથી લાગતી. જે કંઈ થયું એ પછી મેં રાજકારણ અને જાહેરજીવન છોડી દીધું કારણ કે, મારા
પરિવાર પર કોઈ આંગળી ઉઠાવે એ મારાથી સહન નહીં થાય. તું ગમે એટલી વહાલી હોય, પણ તારે લીધે જો
બદનામી થશે, મીડિયામાં કંઈ ચગશે કે પરિવારની પ્રતિષ્ઠા પર આંચ આવશે તો હું જીવનભર તારી સાથે વાત નહીં કરું.
નિર્ણય તારો છે… પિતા અને પરિવાર વધુ મહત્વના છે કે, તારા મગજનું ફિતુર.’ આટલું કહીને એ સડસડાટ ડ્રોઈંગ
રૂમની બહાર નીકળી ગયા. બહાર જ ઉભેલા લલિતભાઈ એમની પાછળ પાછળ નીકળીને પોર્ચમાં ઉભેલી ગાડીનો
આગલો દરવાજો ખોલીને ગોઠવાઈ ગયા. ઓફિસ પહોંચ્યા ત્યાં સુધી લલિતભાઈ કે કમલનાથ બેમાંથી કોઈ એક શબ્દ
પણ બોલ્યું નહીં.
લલિતભાઈએ જે કંઈ સાંભળ્યું હતું એ પછી એમના મગજમાં ચાલુ થઈ ગયેલા ચકડોળમાં અનેક પ્રશ્નો ગોળ
ગોળ ફરી રહ્યા હતા. તો બીજી તરફ, કમલનાથ એની દીકરીને ઓળખતા હતા. શામ્ભવી એમ સહેલાઈથી નહીં માને
એ વાતની એમને ખાતરી હતી. હવે એ પોતાની તપાસ કરે, અને એમાં એ ખોટી પડે તો જ આ વાતનો નીવેડો આવી
શકે એ સમજી ગયેલા કમલનાથે પોતાની ચેમ્બરમાં બેસીને 2010-11ની આસપાસ જેટલા લોકો મોટા પદ પર હતા
એવા બે-ચાર મિત્રોને ફોન કરીને પોલીસ રેકોર્ડ્સ બહાર ન જાય એ વાતે સાવધ રહેવાની વિનંતી કરી. શામ્ભવી જે કરી
રહી છે એમાં એને કોઈપણ પ્રકારની માહિતી ન મળે એનું ધ્યાન રાખવાની તાકીદ કરી. છતાં, કમલનાથ બેચેન હતા.
આ પરિસ્થિતિમાં જો ખરેખર શામ્ભવી સત્યનો એકાદ છેડો પણ શોધી કાઢે તો ગૂંચ ઉકેલતા વાર નહીં લાગે એ
વાતનો એમને ભય લાગવા માંડ્યો.
ચેમ્બરમાં થોડીવાર આંટા માર્યા પછી અંતે એમણે સોલંકીને ફોન કર્યો, ‘મિટિંગ અરેન્જ કરો.’ એમણે ત્રણ જ
શબ્દોમાં સૂચના આપી.
દસમી મિનિટે એ ગાડીમાં હતા. ગાડી અમદાવાદ શહેરની બહાર સરખેજ વિસ્તારના એક મહોલ્લાની બહાર
ઊભી રહી ગઈ. કમલનાથે ગાડીમાંથી બહાર નીકળીને રિક્ષા કરી. મહોલ્લા અને શેરીઓ વટાવતી રિક્ષા એક નાનકડા
મકાન સામે આવીને ઊભી રહી ગઈ. કમલનાથ ગેટ ખોલીને દાખલ થયા, એમણે આજુબાજુ નજર નાખી. બાર-
સાડા બારના સુમારે રસ્તો સૂમસામ હતો. ઓટલાના બે પગથિયાં ચડીને એમણે મુખ્ય દરવાજાને ધક્કો માર્યો. દરવાજો
ખુલ્લો જ હતો. કમલનાથે અંદર જઈને કડી બંધ કરી. લૉક ચેક કર્યું.
એ ડ્રોઈંગ રૂમમાંથી બેડરૂમ તરફ આગળ વધ્યા. બેડરૂમમાં બેઠેલી સ્ત્રીને જોઈને એમના ચહેરા પર હળવું
સ્મિત આવ્યું. એ સ્ત્રી થોડીક ક્ષણ કમલનાથને જોઈ રહી, પછી ઊભી થઈ. કમલનાથની નજીક આવી. કમલનાથે
પોતાનો હાથ લંબાવીને એનો હાથ પકડ્યો અને એને ખેંચીને આલિંગનમાં લઈ લીધી, ‘રાધા!’ કમલનાથનો અવાજ
અને આંખો બંને ભીના થઈ ગયાં.
‘ના.’ રાધાની આંખોમાંથી પણ આંસુ વહેતાં રહ્યાં, ‘મારો કોઈ વાંક નથી, મેં કંઈ નથી કર્યું. મેં તો એને
ટાળવાની બહુ કોશિશ કરી, પણ એ… તમારી દીકરી છે, જિદ્દી.’ કહેતાં કહેતાં રાધાના ચહેરા પર સ્મિત આવી ગયું,
આંખો હજી ભીની હતી.
એને પોતાનાથી સહેજ દૂર કરીને કમલનાથે પત્નીના ચહેરાને જોયો, ‘જાણે થોડાં વર્ષો પછીની શામ્ભવીને
જોઈ રહ્યો હોવ એવું લાગે છે.’ એમના અવાજમાં ભારોભાર સ્નેહ અને અપરાધભાવની છાંટ હતી, ‘મારા કરતાં
વધારે તારી દીકરી છે. તેં પણ ક્યાં માન્યું હતું મારું? હવે જો…’
‘હું સમજાવીશ એને. પાછી વાળીશ. જે થઈ ગયું એ બદલી નહીં શકાય. જેલમાં વિતાવેલા વર્ષો પણ પાછા
ક્યાં મળશે મને? કોઈ ઉથલપાથલ નથી કરવી મારે. બધું જેમ ચાલતું હતું એમ જ…’ રાધાએ પોતાનાથી એક ફૂટ
ઊંચા કમલનાથના બંને ખભે હાથ મૂક્યા, ‘જે પ્રતિષ્ઠા બચાવવા માટે તમે ઝઝૂમ્યા, આટલું બધું છોડી દીધું એ પ્રતિષ્ઠાને
આંચ નહીં આવવા દઉં હું.’ એણે વહાલથી કહ્યું, ‘પણ એ સચ્ચાઈ જાણ્યા વગર નહીં રહે એટલે એને બહારથી કંઈ
ખબર પડે એ પહેલાં તમે જ સાચું કહી દો.’
‘મારી હિંમત નથી.’ કમલનાથે પત્નીના બંને હાથ પોતાના હાથમાં લીધા, ‘એ ગમે તેમ કરીને તારા સુધી
પહોંચશે, ત્યારે તું જ કહી દેજે…’ એમણે હાથ જોડીને પત્નીને વિનંતી કરી, ‘બસ! હવે બધું તારા હાથમાં છે. હું હાથ
જોડું છું તને. તારું બલિદાન ને મારો ત્યાગ નકામા ન થાય એ જોવાની જવાબદારી સોંપું છું તને.’
‘હું એ જવાબદારી સ્વીકારું છું.’ રાધાએ કહ્યું. બંને એકમેકને જોતાં રહ્યાં. પછી એક કોન્સ્ટેબલે દરવાજા પર ટકોરા
માર્યા, ‘મેડમ, ટાઈમ થઈ ગયો છે.’ રાધા ઊભી થઈ અને ધીમા પગલે ચાલતી બહાર ઊભેલી પોલીસ વાનમાં ગોઠવાઈ ગઈ.
વાન ત્યાંથી નીકળી ગઈ.
એ સૂના ઘરમાં, એકલવાયા ઓરડામાં કમલનાથ ક્યાંય સુધી બેસી રહ્યા. પછી ઊભા થઈને ભાંગેલા પગે ને તૂટેલા હૃદયે
ગાડીમાં ગોઠવાયા. ગાડી ફરી પાછી ‘ચૌધરી રેસિડેન્સ’ તરફ નીકળી ગઈ.
(ક્રમશઃ)