ઘરે પહોંચીને શિવ પલંગમાં પછડાયો, એની આંખમાંથી આંસુ સરી ગયાં. આજે શિવને ખૂબ દુઃખ થયું હતું.
આટલાં વર્ષોથી જેની સાથે જેન્ડર બાયસ વગરની ગાઢ મિત્રતા હતી, જેનાથી ક્યારેય કશુંય છુપાવ્યું નહોતું, ને એણે
પણ શિવથી કશું છુપાવ્યું નહોતું એવી એની બેસ્ટ ફ્રેન્ડ-પોતે જેને દિલ ફાડીને પ્રેમ કરતો હતો, એવી શામ્ભવી આજે
એની સાથે જુઠ્ઠું બોલી. એ પણ, અનંત માટે! એ અનંતની સાથે હતી તેમ છતાં એણે કહ્યું કે એ એની ફ્રેન્ડ સાથે ડિનર
કરી રહી છે. શિવે વિચાર્યું, એ કહી શકી હોત કે એ અનંત સાથે છે! આજ પહેલાં પણ એના નાના-મોટા ફ્લર્ટિંગ અને
ફ્લિંગના કિસ્સાઓ શિવ જાણતો હતો. એણે કોઈ દિવસ શામ્ભવીને બાંધવાનો, રોકવાનો કે એના માલિક થવાનો
પ્રયાસ નહોતો કર્યો, કદાચ એટલે જ એમની દોસ્તી પણ આજ સુધી ટકી હતી. શિવે પોતાની જાતને જ પૂછ્યું, ‘અનંત
સાથે એના લગ્નની વાત ચાલે છે એમાં તું વિચલિત થઈ ગયો છે?’ એના મને જવાબ આપવાને બદલે એને સવાલ
પૂછ્યો, ‘અબજોપતિની દીકરી છે. રાજકુમારીની જેમ ઉછરી છે. દોસ્તી સુધી બરાબર છે, પણ જમાઈ તરીકે
કમલનાથ ચૌધરી એની દીકરી માટે આવો ફટિચર પત્રકાર ક્યારેય પસંદ નહીં કરે એની તને ખબર નહોતી?’ શિવની
આંખોમાંથી આંસુ સરતાં રહ્યાં. ‘જિંદગીમાં પૈસા જ સૌથી મહત્વના છે?’ ફરી પાછો એના મને જ જવાબ આપ્યો,
‘સૌથી મહત્વના ન હોય તો પણ પૈસા મહત્વના છે.’ પછી એના મને ફરી પ્રશ્ન કર્યો, ‘શામ્ભવી જે રીતે ઉછરી છે એ
લાઈફસ્ટાઈલ આપી શકીશ તું? ક્યાં એની મિની કૂપર, મર્સિડિસ, પોર્શ અને રેન્જરોવર અને ક્યાં તારું ફટફટિયું?
દોસ્તીમાં મજા આવે આ બધી, પણ જિંદગીમાં જ્યારે બિલો ચૂકવવાના આવે ત્યારે રિયાલિટી ચેક થઈ જાય. પ્રેમ હવા
થઈ જાય ને પ્રશ્નો શરૂ થઈ જાય.’
શિવની ભીતર જાણે બે માણસો સામસામે દલીલ કરી રહ્યા હતા, ‘પણ હું શામ્ભવી વગર નહીં જીવી શકું.’
એની ભીતરના એક વ્યક્તિએ કહ્યું. એની ભીતરનો જ બીજો માણસ હસ્યો, ‘ને શામ્ભવી પૈસા વગર નહીં જીવી શકે.’
આવા બધા વિચારો કરતો, રડતો, દુઃખી થતો શિવ ક્યારે ઊંઘી ગયો એની એને પોતાને પણ ખબર ન પડી.
બીજે દિવસે સવારે શિવ જાગ્યો ત્યારે સાડા અગિયાર થઈ ગયા હતા. એનો ગઈકાલ રાતનો મૂડ એટલો ખરાબ
હતો કે, સલિલભાઈએ એને જગાડવાની કોશિશ ન કરી. શિવ જાગ્યો, ત્યારે એણે જોયું કે, મોડી રાત્રે શામ્ભવીના બે
ફોન હતા, જે મિસ થઈ ગયા… એને એકવાર ઈચ્છા થઈ કે, એ શામ્ભવીને ફોન કરીને ગઈકાલ રાતની ઘટના વિશે
સ્પષ્ટ વાત કરી લે. એ જુઠ્ઠું શું કામ બોલી, એ અનંત સાથે ક્યાં ગઈ હતી એ વિશે મન ખોલીને ચર્ચા થઈ જવી
જોઈએ-એવું શિવને એકવાર લાગ્યું, પછી એણે મન વાળી લીધું. શામ્ભવી જ જો વાત કરવા ન માંગતી હોય, તો પોતે
શું કામ ફોન કરવો જોઈએ! ક્યાંક એનો ઈગો તો ક્યાંક ગઈકાલ રાતની ઘટનાનું દુઃખ, એને ફોન કરતા રોકી રહ્યાં હતાં.
શિવે આખો દિવસ એણે શામ્ભવીના ફોન ના ઉપાડ્યા. શામ્ભવી હાર્યા વગર એનો સંપર્ક કરવાનો પ્રયાસ
કરતી રહી. એની ઓફિસની લેન્ડલાઈન ઉપર પણ શામ્ભવીએ ફોન કર્યો, જે રિસિવ કરવાની શિવે ના પાડી દીધી. એ
દિવસનો પ્રાઈમટાઈમ શો પતાવીને શિવ સીધો ઘરે ગયો. ફરી એ જ રીતે ખાધા વગર પોતાના રૂમમાં જઈને સૂઈ
ગયો.
‘શામ્ભવીના ફોન નથી ઉપાડતો, તું?’ સલિલભાઈએ એના રૂમમાં આવીને પૂછ્યું.
‘હંમમ્’ શિવે કહ્યું.
‘કેમ?’ સલિલભાઈએ પૂછ્યું.
‘એ અમારા બેનો પ્રોબ્લેમ છે.’ શિવે કહ્યું, એ પડખું ફરી ગયો. વાત પૂરી થઈ હતી.
બીજે દિવસે શિવ મોડો ઊઠ્યો. શિવ નિત્યક્રમમાંથી પરવાર્યો ત્યાં સુધીમાં લંચ ટાઈમ થઈ ગયો હતો.
સલિલભાઈ સાથે એ ટેબલ પર જમવા બેઠો ત્યારે સલિલભાઈના ફોન પર રિંગ વાગી. સલિલભાઈએ ક્ષણવાર શિવની
સામે જોઈ ને પછી ફોન ઉપાડ્યો. કશું જ બોલ્યા વગર એમણે ફોન શિવના હાથમાં આપી દીધો. હવે વાત કર્યા વગર
છુટકો નહોતો.
શિવ કંઈ બોલે એ પહેલાં શામ્ભવી તૂટી પડી, ‘મારો ફોન નથી ઉપાડતો?’ ગઈકાલે જુઠ્ઠું બોલવા બદલ ગિલ્ટી
ફિલ કરવાને બદલે શામ્ભવીએ ઉલ્ટાનો શિવને ધમકાવ્યો, ‘ક્યાં હતો ગઈકાલે?’
‘તારે શી પંચાત?’ શિવ ચીડાઈ ગયો. ગઈકાલ રાતના દુઃખનો હેંગઓવર હજી સાવ ઉતર્યો નહોતો એટલે
એનાથી કહેવાઈ ગયું, ‘એક તો પોતે જુઠ્ઠું બોલે છે ને ઉપરથી મારી સાથે લડે છે?’
‘શિવ!’ શામ્ભવીના અવાજમાં હવે ગિલ્ટ-અપરાધભાવની લાગણી ઉતરી આવી, ‘હું… અનંત સાથે…’
‘ખબર છે મને. મેં તને મદદ કરવાની ના પાડી એટલે તું એની પાસે દોડી.’ શિવના અવાજમાં ઈર્ષા હતી,
અહમ્ ઘવાયાની પીડા અને બાળપણની મિત્રએ કરેલા છળની ફરિયાદ હતી, ‘હું આવ્યો હતો. તારે માટે મહત્વની
માહિતી લઈને.’ કહીને શિવે છણકો કર્યો, ‘પણ તને મારાથી વધારે ભરોસો પેલા અનંત ઉપર છે.’ કહીને શિવે ઉમેર્યું,
‘છોડ! એ જ કરશે તારી મદદ… તારે મારી જરૂર નથી.’
‘એવું નહીં બોલ.’ શામ્ભવીના અવાજમાં પ્રામાણિક દુઃખ હતું, ‘અનંત મને એની એક ફ્રેન્ડને મળવા લઈ ગયો
હતો. એ લૉયર છે. આપણી મદદ કરશે.’
‘આપણી?’ શિવે વ્યંગમાં પૂછ્યું, ‘આપણે સાથે છીએ? હું, તું ને અનંત? ટુ સીટરમાં ત્રણ જણાં? જરા ક્રાઉડેડ
નહીં થઈ જાય?’
‘શિવ!’ શામ્ભવીએ ફરી એકવાર એને મનાવવાનો પ્રયાસ કર્યો, ‘હું કંઈ એના પ્રેમમાં નથી…’ આટલું સાંભળતાં
જ શિવને જાણે હાશ થઈ. એણે જે રીતે શ્વાસ લીધો એનાથી એ નિરાંત અને એ રાહત શામ્ભવી સુધી પહોંચી ગયાં.
એ હસી પડી, ‘તું સ્ટુપિડ છે. હું પ્રેમમાં પડું તો સૌથી પહેલાં તને કહું એટલો તને ભરોસો નથી?’
‘તું મારા પ્રેમમાં પડ ને મને જ સૌથી પહેલાં કહે… એ વાતની હું વર્ષોથી રાહ જોઉં છું.’ શિવને કહેવું હતું,
પણ એ કંઈ બોલ્યો નહીં. એણે માત્ર હોંકારો ભણ્યો.
‘જો શિવ! એ છોકરી, લૉયર… રિતુ અગ્રવાલનું કહેવું છે કે, આ કેસ ફરી ખોલી શકાય, પણ એને માટે માએ
આપણને સહકાર આપવો પડે. પોતે જીવે છે એ વાતની સાબિતી મા સિવાય કોણ આપી શકે? એ પછી હું એને
મળવા ગઈ હતી.’ શામ્ભવીએ કબૂલાત કરી, ‘તારા જ પેલા માધુપુરા વાળા કરિયાણા સ્ટોરના ટેમ્પોમાં બેસીને… એને
ચિઠ્ઠી આપી આવી છું. આઈ એમ શ્યોર એ રિસ્પોન્સ કરશે.’
‘વ્હોટ રબીશ? તું ફરી પાછી જેલમાં ગઈ હતી? ટેમ્પોમાં બેસીને?’ માંડ ઠંડો પડેલું શિવનું મગજ ફરી છટક્યું.
એને અશોક જાનીની વાતો યાદ આવી ગઈ. અશોકે ગઈકાલે કહ્યું હતું, ‘સત્ય બહુ ખતરનાક રોગ છે. એકવાર જાણી લો
પછી મનમાં રહેતું નથી ને જીભ પર આવે તો જીવ લઈ લે છે…’ શિવ મનોમન ધ્રૂજી ગયો. શામ્ભવીને કંઈ થાય, એ
વિચાર માત્ર એને માટે કોઈ દુઃસ્વપ્ન જેવો હતો.
‘હા ગઈ હતી… ને સેફ પાછી પણ આવી ગઈ છું.’ શામ્ભવી સહજ હતી, ‘મને વિશ્વાસ છે મારી મા મારી
ચિઠ્ઠી વાંચ્યા પછી રહી નહીં શકે. એ ચોક્કસ મને મળવાનો પ્રયત્ન કરશે.’
‘પણ, એ પહેલાં મારે તને કંઈ કહેવું છે. વેરી ઈમ્પોર્ટન્ટ.’ શિવે કહ્યું, ‘ફોન પર નહીં.’
‘હું તારા ઘરે આવું છું.’ શામ્ભવીએ કહ્યું. શિવ કંઈ જવાબ આપે એ પહેલાં ફોન ડિસકનેક્ટ થઈ ગયો.
સલિલભાઈ શિવની સામે વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા. બાપ-દીકરો બંને ખડખડાટ હસી પડ્યા.
‘તમે બંને નહીં સુધરો.’ સલિલભાઈથી કહેવાઈ ગયું. મોટેભાગે તો શામ્ભવીએ ઘરની આસપાસથી જ ફોન
કર્યો હશે, એવી એને ખબર હતી. એટલે એ કોઈપણ ક્ષણે આવી પહોંચશે એવી તૈયારી સાથે શિવ ઉતાવળે જમવા
લાગ્યો.
*
સોલંકીની ચેમ્બરમાં બેઠેલી રાધાની આંખોમાં પાણી હતાં. સામાન્ય રીતે ક્રૂર અને સ્વાર્થી ગણાતો સોલંકી પણ
આજે સહેજ ઢીલો, ઈમોશનલ થઈ ગયો હતો, ‘બેન! હું તમારી વાત સમજું છું. જેલ ટ્રાન્સફર તો થઈ જશે, પણ
જ્યાં સુધી હું શામ્ભવીબેનને ઓળખી શક્યો છું ત્યાં સુધી એ તમારો પીછો નહીં છોડે.’ સોલંકીએ ધીમેથી કહ્યું, ‘આમ
તો તમારા ઘરની વાત છે, પર્સનલ! પણ તમે રજા આપો તો એક સલાહ આપું?’ રાધાએ ‘હા’ માં ડોકું ધૂણાવ્યું.
સોલંકીએ કહ્યું, ‘તમે એમને બેસાડીને સાચું કહી દો.’ રાધાની આંખો પહોળી થઈ ગઈ, એ છળી ઊઠી. સોલંકીએ એને
આશ્વાસન આપતા અવાજે કહ્યું, ‘રાધાબેન, આ દોડપકડનો ખેલ બહુ લાંબો નહીં ચાલે. જે દિવસે એને ખબર પડી
જશે એ દિવસે તમે જવાબ આપવાની સ્થિતિમાં, ગુનેગારના પિંજરામાં ઊભા હશો. અત્યારે તમે સામેથી એને કહેશો
તો કદાચ, એ તમારી વાત સમજી શકશે, સ્વીકારી શકશે. આમ તો બહુ સમજદાર છે.’
‘સોલંકીભાઈ! સાચું કહેવા જતાં મારો જ પાલવ બળશે. મારા જ ઘરના વ્યક્તિ…’ એ ચૂપ થઈ ગઈ. થોડીક
ક્ષણો સોલંકીની કેબિનમાં એમ જ, મૌન છવાયેલું રહ્યું. રાધા નીચું જોતી પોતાની સાડીના પાલવને આંગળી પર
લપેટતી-ઉકેલતી રહી. એણે ધીમેથી કહ્યું, ‘હું એને સાચું કહી દઉં એ પછી જો એ ગુનેગારને સજા અપાવવાની જીદ
પકડે, મને ઘરે પાછી લઈ જવાનો આગ્રહ રાખે… તો બધું અટવાઈ જાય. આટલા વર્ષની અમારી તપસ્યા નકામી થઈ
જાય. સાહેબે રાજકારણ છોડ્યું ને મેં ઘર! 14 વર્ષના વનવાસ પછી એ છોકરીને કેમ સમજાવું કે હવે કશું જ બદલી
શકાય એમ નથી.’ રાધાબેનની આંખમાંથી એક આંસુ એમના ગાલ પર સરી પડ્યું, ‘તમે મારી જેલ બદલી નાખો.’
એણે બે હાથ જોડ્યા.
‘મને શરમમાં નાખો છો, બેન! હાથ ના જોડો…’ સોલંકીએ સામા હાથ જોડ્યા, ‘તમે કહેશો એમ કરીશ.’ રાધા
ઊભી થઈ. ફરી નમસ્તે કરીને એ સોલંકીની કેબિનની બહાર નીકળી ગઈ. એ જ્યારે બહાર નીકળી ત્યારે સોલંકીની
કેબિનની બારીએ ઊભી રહીને એમની વાતચીત સાંભળી રહેલી સોમીની આંખો પણ ભીંજાઈ ગઈ.
રાધા જેવી કેબિનમાંથી બહાર નીકળીને ચોગાનમાં પહોંચી કે સોમી, રાની, મંજુ અને તસ્લીમા એને ઘેરી
વળ્યાં. કશું જ બોલ્યા વગર રાધા આગળ વધીને સોમીને ભેટી, એનું ડૂસકું છૂટી ગયું. સોમી એની પીઠ પર હાથ
ફેરવતી રહી. આ ચારેય સ્ત્રીઓ રાધાની વેદનાને બરાબર સમજતી હતી. આ જગતમાં એવું કોણ હોય જેને પોતાને
ઘેર જવાનું મન ન હોય. પરિવાર સાથે સમય વિતાવવાની ઝંખના ન હોય! અત્યાર સુધી મન મારીને જીવી રહેલી રાધા
એકવાર દીકરીને મળી એ પછી એનું મન પણ ફરી ફરીને દીકરીને મળવા, એને વહાલ કરવા ઝંખી રહ્યું હતું. એ
જાણતી હતી કે, આ ઝંખના કદી પૂરી થવાની નથી…
‘એકવાર તારી છોડીને બોલાવીને એને હાચેહાચું કહી દે.’ સોમીએ પણ સોલંકી જેવી જ સલાહ આપી,
‘એવડી એ તારી પાછળ પાછળ ભમરડાની જેમ ફરતી રહેશે… ક્યાં સુધી ભાગીશ?’ હવે રાધાને પણ લાગ્યું કે, કંઈ
કહ્યા વગર જેલ ટ્રાન્સફર માગીને ભાગી જવાથી શામ્ભવીને આઘાત લાગશે. એ દુઃખી થશે… કદાચ, વધુ ઝનૂનથી
રાધાને શોધવાનો પ્રયત્ન કરશે. એના કરતા જે કંઈ બન્યું હતું એ એને જણાવી દેવામાં આવે તો કદાચ, એને
સમજાવવામાં વધુ સરળતા રહેશે. પછી એના જ મનમાં વિચાર આવ્યો, સત્ય જાણી લીધા પછી જો એ સાચા
ગુનેગારને સજા અપાવવાની જીદે ચડી તો?
રાધાએ એને નહીં મળવાનું તો નક્કી કરી લીધું, પરંતુ એક માનું હૃદય દીકરીને અસમંજસમાં, મૂંઝવણમાં કે
પ્રશ્નાર્થચિહ્ન સાથે છોડીને જવાની ના પાડતું હતું. અંતે, એણે જતાં પહેલાં એકવાર દીકરીને મળવાનું નક્કી કરી
લીધું. અત્યાર સુધી એના મનમાં ચાલી રહેલી બધી કશ્મકશના ઉત્તરો પોતે અહીંથી જાય એ પહેલાં એને મળી જ
જવા જોઈએ એવા નિર્ણય સાથે રાધાએ જેલમાંથી ફોન કરાવ્યો.
શિવના ઘરે પહોંચવા માટે ગાડી ચલાવી રહેલી શામ્ભવીએ એક અજાણ્યો નંબર પોતાના સેલફોનના સ્ક્રીન પર
જોયો, ફોન ઉપાડવો કે નહીં એવું એકાદ ક્ષણ માટે વિચાર્યું, પછી એણે ફોન રિસીવ કર્યો. સામેથી સંભળાયું, ‘આ કોલ
સાબરમતી જેલમાંથી તમને કરવામાં આવ્યો છે. તમે ફોન ઉપાડી શકો છો અથવા ડિસકનેક્ટ કરી શકો છો. સિક્યોરિટી
કારણોસર આ કોલ રેકોર્ડ કરવામાં આવી શકે છે.’ શામ્ભવીએ બેબાકળા થઈને ફોન રિસીવ કર્યો, ‘હલો… હલો મા.’
‘કુણ મા? મું તો સોમી બોલું સુ. વકીલનું કંઈ થ્યું?’ સોમીના ફોનને કારણે શામ્ભવીનું મગજ ઝડપથી ચાલવા
માંડ્યું. સોમી પાસે પોતાનો નંબર ક્યાંથી આવ્યો ને એ પોતાને ફોન શું કામ કરે, વકીલ વિશે કોઈ ચર્ચા જ નથી થઈ,
તો પછી સોમી શું કહી રહી હતી! શામ્ભવી ચૂપચાપ સાંભળતી રહી, ‘તેં કીધું તું કે તું મળવા આવવાની સે. તી ચ્યારે
આવવાની સે?’
‘હું?’ શામ્ભવી ગૂંચવાયેલી હતી, પણ એ ઝડપથી સોમીના આ ફોનમાં કહેવાતી વાતનો અર્થ કાઢવાનો પ્રયાસ
કરી રહી હતી, ‘આવીશ.’
‘તી, ચ્યારે?’ સોમીએ પૂછ્યું, ‘અહીં બધોંય તારી રાહ જોવે સે.’ સોમીએ જરાક ભાર દઈને કહ્યું, ‘બધોંય…
હમજી કે નહીં…’
‘હા, હા…’ શામ્ભવીએ કહ્યું, ‘કાલે આવીશ…’ કહીને એણે ઉમેર્યું, ‘તમારા વકીલની વાત થઈ ગઈ છે. એ પણ
મારી સાથે આવશે.’ શામ્ભવીને સમજાઈ ગયું કે જેલમાંથી કરવામાં આવતા ફોન રેકોર્ડ થઈ શકે છે-એટલા માટે કદાચ
સોમીએ આવી રીતે વાત કરી હશે.
‘હારુ, હારુ…’ સોમીએ કહ્યું, ‘ભગવાન તારું હારું કરસે હોં.’ ફોન મૂકીને શામ્ભવી વિચારવા લાગી. સોમીના
આ ફોનનો અર્થ હતો કે, રાધા એને મળવા માંગે છે… શામ્ભવીને લાગ્યું એનું હૃદય ઉછળીને ગળામાં આવી જશે.
એણે માને લખેલી ચિઠ્ઠીની અસર થઈ હતી. શામ્ભવીએ થોડીક ક્ષણોમાં કંઈ કેટલાંય સપનાં જોઈ નાખ્યાં. જે માને
પોતે ખોઈ ચૂકી હતી એ મા હવે ફરી એકવાર એના જીવનમાં પ્રવેશ કરશે એ વિચાર માત્રથી શામ્ભવીને રડવું આવી
ગયું. મા વગર વિતાવેલા દિવસોની યાદોથી એનું મન ઘેરાઈ ગયું.
શામ્ભવી 14 વર્ષની હતી, પહેલીવાર પીરિયડ્સ આવ્યા ત્યારે કોને પૂછવું, કોને કહેવું એની મૂંઝવણમાં એ
આખો દિવસ ને આખી રાત પોતાના રૂમમાં ભરાઈને બેસી રહી હતી. મોહિની સાથે એને તો પહેલેથી જ નહોતું
બનતું, એટલે એની સાથે વાત કરવાનો તો સવાલ જ નહોતો. પિતા બે દિવસ માટે દિલ્હી ગયા હતા… એણે
જડીમાસીને બોલાવ્યાં હતાં. અભણ જડીમાસીને જે સમજાયું એવું અને એટલું એમણે શામ્ભવીને સમજાવી, પરંતુ
માની હાજરીની ખોટ એ ક્ષણે શામ્ભવીના હૃદયમાં એટલી ઊંડી ઉતરી ગઈ કે આજે, અત્યારે આ ક્ષણે પણ એ
ઘટનાને યાદ કરતાં શામ્ભવીને વધુ રડવું આવ્યું.
એની દરેક બર્થડે ઉપર, એના જીવનની કોઈપણ મહત્વની વાત કે ઘટના હોય ત્યારે એણે માની ખોટ અનુભવી
હતી… પહેલી બે મુલાકાતોમાં તો રાધાબેને એને પુત્રી તરીકે સ્વીકારી જ નહોતી, હવે આજે જ્યારે એક દીકરી તરીકે
પોતાની માને મળવા જવાનું હતું ત્યારે શામ્ભવીના મનમાં ફરિયાદ, અભાવ, પીડાની સાથે સાથે મૃત્યુ પામેલી મા
જીવે છે એ વાતના આનંદની વિચિત્ર, મિશ્રિત લાગણીઓ હતી.
જેલમાં માને મળવા જતાં પહેલાં પિતાને જણાવવું કે નહીં એ વિશે પણ શામ્ભવી મૂંઝવણમાં પડી ગઈ…
પિતાને જણાવે તો એ ના પાડે, પછી ઉપરવટ થઈને જવાય નહીં એ વાતની શામ્ભવીને ખાતરી હતી, સાથે જ
પિતાને કહ્યા વગર જાય તો પણ એમને ખબર તો પડવાની જ હતી.
શિવના ઘરમાં દાખલ થઈ ત્યારે એ મૂંઝવણ શામ્ભવીના ચહેરા પર સ્પષ્ટ વાંચી શકાતી હતી. સલિલભાઈએ
દરવાજો ખોલ્યો, પણ શામ્ભવીએ હળવું સ્મિત કર્યું-ન કર્યું ને એ સીધી શિવના રૂમમાં ચાલી ગઈ, ‘શિવ! માનો ફોન
આવ્યો છે. એ મને મળવા તૈયાર છે.’
‘વ્હોટ?’ શિવ ડઘાઈ ગયો, ‘તું હજી એકવાર જેલમાં જવા માગે છે?’
‘ચોઈસ નથી…’ શામ્ભવીએ સહજતાથી ખભા ઊલાળ્યા, ‘મને ખબર છે તું નહીં આવી શકે. મારે એકલા જ
જવાનું છે. આઈ નો.’
શિવ કંઈ કહેવા ગયો, ‘શેમ…’ પણ, શામ્ભવીએ હાથ ઊંચો કરીને એને વચ્ચે જ રોકી દીધો. એ પછી શિવ કંઈ
બોલ્યો નહીં, શામ્ભવી જે ઈચ્છે છે તે કરીને જ રહેશે-એ વાત શિવથી વધુ કોણ જાણતું હતું! મા સુધી પહોંચવાનું આ
છોકરીનું ઝનૂન, કંઈપણ કરી છુટવાની એની તૈયારી અને પૂરી બહાદુરીથી સંજોગો સામે લડવાની એની હિંમતને શિવ
ચહેરા પર સ્મિત અને મનમાં આદર સાથે જોતો રહ્યો.
(ક્રમશઃ)