રક્ત – વિરક્ત | પ્રકરણ – 20

‘હું લંડન સ્કૂલ ઓફ લૉમાં ભણી છું… એકવાર અપિયર થવાના લાખ રૂપિયા લઉં છું…’ રિતુ અગ્રવાલે કહ્યું,
‘યોર સોમી-ફોમી, વ્હોટએવર… હું એના માટે કેસ નહીં લડું.’ શામ્ભવી એની સામે બેઠી હતી. આંખોમાં અપેક્ષા અને
એક વિનંતી લઈને આવી હતી, એ!
સોમી સાથે ફોન પર વાત થયા પછી શામ્ભવીએ નક્કી કરી લીધું કે, એ માને મળવા જેલમાં જશે, પરંતુ શિવે
સમજાવ્યા પછી એણે ફરી એકવાર ટેમ્પોમાં બેસીને જવાના ખતરનાક આઈડિયાને બદલે પોતાની સાથે વકીલ લઈને,
કોઈ બીજા બહાના હેઠળ જેલમાં પ્રવેશ કરવાનું નક્કી કર્યું. એને ખબર જ હતી કે, પોતે જેલમાં જશે, એ વાતની
પિતાને ખબર પડ્યા વગર નહીં રહે-તેમ છતાં માને શોધવાના બહાનાને બદલે એણે વધુ ગળે ઉતરે એવું બહાનું
વિચારી લીધું.
એ રિતુ અગ્રવાલને મળવા આવી હતી, પરંતુ રિતુએ પૂરી વાત સાંભળ્યા વગર સોમીનો કેસ લડવાની ચોખ્ખી
ના પાડી. શામ્ભવીએ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ‘સોમી તો કવર છે આપણું. આપણે માને મળવા જવાનું છે.’
રિતુ સાંભળતી રહી, ‘હું ડિરેક્ટિવ મારી મોમને મળવા જાઉં તો કદાચ કોઈક એલર્ટ થઈ જાય. મારા ફાધરને ખબર પડે
તો વાત વધી જાય, એટલે…’ કહીને એણે ઉમેર્યું, ‘ફીની ચિંતા નહીં કરતી, હું તને મ્હોં માગ્યા પૈસા આપીશ.’
‘વેલ.’ રિતુએ ખભા ઊલાળ્યા, ‘હું એકવાર આવીશ, અનંત માટે થઈને. અમારી ફ્રેન્ડશિપ માટે. પછી
જોઈશ…’ એણે પૂરી સ્પષ્ટતાથી અને એક વ્યવસાયિક વકીલની જેમ કહી નાખ્યું, ‘મને બધું કરેક્ટ લાગશે તો જ હું
તારી સાથે આ એડવેન્ચરમાં જોડાઈશ. બાકી…’
‘ઓકે.’ શામ્ભવીએ એની વાત સ્વીકારી લીધી. રિતુએ જેલમાં કેદીને મળવાનું રેગ્યુલર ફોર્મ ડાઉનલોડ કર્યું,
ભર્યું, અરજી કરી, પોતાના વકાલાત નામા સાથે સોમીની વિગતો મૂકી. એ પછી હવે તો પરમિશનની રાહ જ જોવાની
હતી, એ વાતની શામ્ભવીને ખબર હતી, ‘રિતુ! એક વાત પૂછું?’ શામ્ભવીએ અજાણતાં જ રિતુના અંગત જીવનમાં
ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો.
‘હંમમ્.’ રિતુ પોતાના લેપટોપના સ્ક્રીનમાં વ્યસ્ત હતી.
‘અનંત કેવો છોકરો છે?’ આ સવાલ સાંભળતાં જ રિતુની નજર લેપટોપમાંથી હટીને શામ્ભવીની આંખોમાં
પરોવાઈ. એણે શામ્ભવીની આંખોમાં કશુંક શોધવાનો પ્રયાસ કર્યો. શામ્ભવીએ કહ્યું, ‘તને તો ખબર જ હશે. અમારા
પેરેન્ટ્સ મેટ્રિમોનિયલી વિચારે છે, આઈ મિન એ લોકો ઈચ્છે છે કે…’
‘…તમે પરણી જાઓ?’ રિતુની આંખમાં ક્યાંક હળવી વેદના, થોડોક રિજેક્ટ થયાનો ભાવ એ સંતાડી ન શકી,
‘સારો છોકરો છે.’ એણે કહ્યું, ‘કેરિંગ, નાઈસ, લવિંગ અને સીધો. આટલાં અમીર બાપનો દીકરો હોવા છતાં એને કોઈ
દિવસ આડાઅવળા લફરાંમાં ફસાતો જોયો નથી મેં. સિમ્પલ છે. ગુડ હસબન્ડ મટિરિયલ.’
‘હંમમ્.’ શામ્ભવીએ ડોકું ધૂણાવ્યું, ‘જોને, એના ઘરમાંથી ના પાડી તો પણ મારી મદદ કરવા તૈયાર છે.’
‘ડુ યુ લવ હીમ?’ રિતુએ વેધક સવાલ પૂછી નાખ્યો.

‘ના ના… હજી તો હું એને ઓળખતી પણ નથી. દોસ્તી પણ નથી, કદાચ અમારી વચ્ચે.’ કહીને શામ્ભવીએ
પૂછ્યું, ‘ડુ યુ?’ રિતુ એની સામે જોઈ રહી, થોડીક ક્ષણો બંને એકબીજાની આંખોમાં જોતાં રહ્યાં, પછી રિતુએ નજર
ઝુકાવી દીધી, ‘આઈ થિન્ક, યુ ડુ.’ શામ્ભવીએ કહ્યું, ‘તું પ્રેમ કરે છે અનંતને?’
‘શું ફાયદો?’ રિતુના અવાજમાં નિરાશા હતી, ‘એ અબજોપતિનો દીકરો છે. એના મા-બાપ જ્યાં પરણાવશે
ત્યાં જ પરણશે. એના લગ્ન એક બિઝનેસ ડીલ હશે, ને મારા તો ફાધર જ નથી. અમારી પાસે કોઈ પેઢીઓથી ચાલ્યો
આવતો પૈસો, સરનેમ કે રેપ્યુટેશન નથી. એના મા-બાપ કોઈ દિવસ મારી સાથે…’ રિતુની આંખોમાં ઝળઝળિયાં
આવી ગયાં, ‘તમે બે એકબીજા સાથે ફિટ છો.’
‘લગ્ન કોઈ દિવસ બિઝનેસ ડીલ ના હોય. બે જણાંએ સાથે જીવવાનું હોય, કંઈ એમઓયુ નથી કરવાનો.’
શામ્ભવી હસી. એણે પૂછ્યું, ‘અનંત શું ઈચ્છે છે, એની ખબર છે તને?’
‘વેલ! એ પણ મને નથી ખબર.’ રિતુને પોતાને પણ નવાઈ લાગી કે, બીજી જ વાર મળી રહેલી આ છોકરી
સાથે પોતે આટલી સાહજિકતાથી ખુલ્લા મને કઈ રીતે વાત કરી શકતી હતી! શામ્ભવીમાં કશુંક એવું હતું કે, એને
મળનાર દરેક વ્યક્તિ એની સાથે ખુલ્લા મને વાત કરી શકતી. શામ્ભવી કોઈપણ વ્યક્તિને પોતાની નજીક લાવી શકતી
અથવા એ વ્યક્તિના મનમાં દાખલ થઈ શકતી. એની સહજતા, સરળતા અને ખુલ્લા મને વાત કરવાની આવડત
કોઈને પણ પોતાના બનાવી લેતી! રિતુ પણ શામ્ભવીના આ જાદુમાં દાખલ થઈ ગઈ, ‘પૂછવાની હિંમત નથી થતી
મારી. એ ના પાડશે એના વિચાર માત્રથી હું ડરી જાઉં છું.’ રિતુ પ્રમાણમાં દેખાવડી હતી. કાન સુધીના એપલ કટ વાળ
અને વર્ષો સુધી ઈંગ્લેન્ડ રહેવાને કારણે ત્વચા ગોરી હતી. પ્રમાણમાં પાતળી અને નાજુક હતી. એક્સેન્ટમાં અંગ્રેજી
બોલતી. બ્લેક પેન્ટ અને બ્લેઝરમાં આકર્ષક દેખાતી, પણ એના આખા વ્યક્તિત્વમાં આત્મવિશ્વાસનો અભાવ એ
છુપાવી શકતી નહોતી. ચોથા ધોરણમાં હતી ત્યારે માતા-પિતાના ડિવોર્સ થયા, પપ્પા સાથે લંડનમાં મોટી થઈ. એમનું
મૃત્યુ થયું એ પછી હવે ભારત આવીને મમ્મી સાથે રહેતી હતી. એની પ્રેક્ટિસ સારી ચાલતી હતી, પરંતુ એનો પરિવાર
એક સામાન્ય ઉચ્ચ મધ્યમવર્ગનો પરિવાર હતો ને એમાંય પિતાના મૃત્યુ પછી તો એની પાસે કોઈ એવી ઓળખ કે
એટલા પૈસા નહોતા જેનાથી એ સોમચંદ પરિવારના દીકરાને પરણવાના સપનાં જોઈ શકે!
‘તારે પૂછવું જોઈએ એને…’ શામ્ભવીએ ફરી એકવાર સાહજિકતાથી કહ્યું, ‘કોને ખબર, તું એને પૂછે તો મને
પણ મારો જવાબ મળી જાય.’ એણે રિતુના ખભે ધબ્બો માર્યો, ‘એ તને હા પાડે તો મારી સાથે ફસાયો છે એવી મને
ખબર પડે!’ એ હસવા લાગી.
‘તું આવી બધી વાતો આટલી સરળતાથી કેવી રીતે કરી લે છે?’ રિતુથી પૂછાઈ ગયું, ‘તને ડર નથી લાગતો. કોઈ
રિજેક્ટ કરે, ના પાડે કે આપણે જેને ચાહતા હોઈએ એ આપણને નથી ચાહતા એવી ખબર પડે તો…’
‘તો શું?’ શામ્ભવીએ વચ્ચે જ એની વાત કાપી નાખી, ‘ના પાડવાનો અધિકાર બધાને છે અને કોઈ એક
વ્યક્તિનો અસ્વીકાર આપણા વ્યક્તિત્વનું રિજેક્શન નથી. વેજ અને નોનવેજ ખાનારા બે જુદા લોકો આર્ગ્યુમેન્ટ કરે
તો બંનેને લાગે કે બંને સાચા છે… એથી બેમાંથી કોઈ ખોટું કે સાચું નથી પૂરવાર થતું. કોઈ એક માણસને આપણા માટે
પ્રેમ ન હોય, તેથી બીજાને પણ નહીં હોય… ત્રીજાને પણ નહીં હોય… એવું માની લેવાની કંઈ જરૂર છે?’ શામ્ભવીએ
પૂછ્યું. રિતુ એની સામે અપલક જોઈ રહી. કેટલી સાચી વાત છે આની! રિતુ વિચારતી રહી. શામ્ભવીએ આગળ કહ્યું,
‘પ્રેમ બહુ પર્સનલ બાબત છે. કોને થાય, કોની સાથે થાય, ક્યારે થાય ને ક્યારે પૂરો થઈ જાય. એ બધું જ કોઈ એક
વ્યક્તિના હાથમાં નથી હોતું. પ્રેમ બે જણાં વચ્ચે હોય, અને દરેક નિર્ણય બે જણાંના હોવા જોઈએ, સમજી?’ રિતુએ
કોઈ ભોળા બાળકની જેમ ડોકું ધૂણાવ્યું. શામ્ભવી હસતી રહી, ‘આવીશ ને મારી સાથે? મારી માનો કેસ લડીશ ને
તું?’ રિતુએ ફરી ડોકું ધૂણાવ્યું. રિતુને અચાનક આ છોકરી ગમવા લાગી હતી. એનું ખુલ્લાપણું, એની સરળતા,
પોતાની માને બચાવવા માટેનું એનું ઝનૂન અને સાથે જ જિંદગી વિશેના શામ્ભવીના વિચારોએ રિતુને પ્રભાવિત કરી
દીધી હતી.

*

‘બોલ?’ શિવની સામે બેઠેલી શામ્ભવી એને પૂછી રહી હતી, ‘તું મારી સાથે છે કે નથી?’ એણે વહાલથી
શિવનો હાથ પકડ્યો, ‘ના પાડીશ તો દુઃખ નહીં થાય મને…’ એણે કહ્યું.
‘તારી સાથે નહીં રહું તો ક્યાં જઈશ?’ શિવથી કહેવાઈ ગયું, ‘તું તપાસ શરૂ કરે એ પહેલાં મારી વાત સાંભળી
લે. કેટલીક ડિટેલ્સ એવી છે જે તારે જાણવી જોઈએ.’ એણે કહ્યું. એ પછી પત્રકાર અશોક જાનીએ આપેલી બધી
વિગત એણે શામ્ભવીને જણાવી, એ રાત્રે બહારથી ધસી આવેલા કોઈ અજાણ્યા માણસને રાધા ચૌધરીએ પકડી પાડ્યો
હતો, બૂમાબૂમ કરીને રાધાએ ઘરના લોકોને એકઠા કર્યા ત્યારે રાતના સાડા અગિયાર થયા હતા. બહાર પ્રાઈવેટ ગાર્ડ
અને પોલીસનો પહેરો હોવા છતાં આ માણસ ઘરની અંદર કેવી રીતે ઘૂસ્યો એ મહાઆશ્ચર્યની ઘટના હતી, એથી વધુ
આશ્ચર્યની ઘટના એ હતી કે, પોલીસ એ માણસને અરેસ્ટ કરવા માટે પહોંચે એ પહેલાં એ માણસ ગૂમ થઈ ગયો
હતો… એ પછી બીજા દિવસે રાધા ચૌધરીનો એક્સિડેન્ટ થયો…
શામ્ભવી સાંભળતી રહી, પછી એણે કહ્યું, ‘આ બધી વિગત છે મારી પાસે.’ હવે ડઘાઈ જવાનો વારો શિવનો
હતો, ‘ઓફિસિયલ એફઆઈઆર, એ માણસના સ્કેચિસથી શરૂ કરીને મારી માનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ મળી ગયો
છે મને. એ કાગળોના આધારે જ અમે કેસ કરવાના છીએ.’ શિવની આંખો પહોળી થઈ ગઈ. પોતાની આટઆટલી
ઓળખાણો છતાં જે પોતે ન કરી શક્યો એ એક જ દિવસમાં કરીને શામ્ભવીએ એને ચોંકાવી દીધો હતો. શામ્ભવીએ
આગળ કહ્યું, ‘હું તારો ગુસ્સો-પઝેસિવનેસ સમજી શકું છું, પણ અત્યારે તો મારે માટે જે મારી મદદ કરે એ બધા જ
મારા દોસ્ત! આ બધું મને અનંતે મેળવી આપ્યું છે. એવિડેન્સિસના લિસ્ટથી શરૂ કરીને મારી માના મૃત્યુનો છેલ્લો
રિપોર્ટ-જેને એક્સિડેન્ટ કહીને કેસ ક્લોઝ કરવામાં આવ્યો એ છેલ્લામાં છેલ્લું પેપર છે મારી પાસે.’ શિવ કશું બોલવા
ગયો એ પહેલાં પોતાના હાથમાં પકડેલા શિવના હાથને શામ્ભવીએ વહાલથી પસવાર્યો, ‘આ બધા પેપર્સ, લૉયર અને
લડી લેવાની હિંમત હોવા છતાં, તારા વગર કશું નહીં થઈ શકે.’ એની આંખોમાં આંસુ હતાં, ‘તું દોસ્ત છે મારો-સાથી.
તારા વગર મારો આત્મવિશ્વાસ, મારી હિંમત ખૂટી પડે છે અને હું પોતે-અધૂરી બની જાઉં છું, શિવ!’
શિવ એની સામે જોતો રહ્યો… શામ્ભવીની આંખોમાં સચ્ચાઈ હતી. એ પહેલેથી જ આવી હતી, જે મનમાં
હોય એ જ જીદ પર અને જે જીદ પર હોય એ જ એના વર્તન અને વ્યવહારમાં દેખાતું. આજે જ્યારે આટલી વાત
થઈ, ત્યારે શિવે હિંમત કરીને પૂછી નાખ્યું, ‘ને અનંત? તમારા લગ્ન નક્કી થઈ રહ્યાં છે…’
‘થયાં તો નથી ને?’ શામ્ભવીના ચહેરા પર સ્મિત આવી ગયું, ‘કમલનાથ ચૌધરીની એકની એક દીકરી છું, હું!’
શામ્ભવીએ કહ્યું, ‘અનંત સાથે એની સરનેમ માટે લગ્ન નહીં કરું.’ જાણે શિવની લાગણી થોડી સમજાઈ હોય એમ
શામ્ભવીએ એની આંખમાં આંખ નાખીને કહ્યું, ‘મારા લગ્ન માણસ સાથે થશે, બેંક બેલેન્સ, સરનેમ, પ્રતિષ્ઠા, ડિગ્રી
કે…’ એણે વાત અધૂરી છોડીને ઉમેર્યું, ‘હું જેવી છું તેવી સ્વીકારે અને મારા સંઘર્ષમાં, મારા સુખ-દુઃખમાં સાથ આપે
એવો જીવનસાથી જોઈએ છે મારે! ટ્રોફીની જેમ સોસાયટીમાં લઈને ફરી શકાય એવો ગળે પહેરવાનો હીરાનો હાર
નથી જોઈતો.’ શિવની આંખોમાં પણ ઝળઝળિયાં આવી ગયાં. શામ્ભવીની વાત સાંભળતાં સાંભળતાં એ ઈમોશનલ
થઈ ગયો. વાત જરા ગંભીર થઈ ગઈ હતી એટલે શામ્ભવીએ શિવના ગાલ પર એક હળવી થપાટ મારી, ‘તું
બાળપણનો દોસ્ત છે મારો. હું શું કરીશ, ક્યારે કરીશ ને શું નહીં કરું… એ બધું મારાથી વધારે તું જાણે છે. મને મારાથી
વધારે ઓળખે છે તું, નહીં કે?’ કહીને શામ્ભવીએ હાથ પહોળા કર્યા. બંને જણાં ભીની આંખે ભેટી પડ્યા.

શામ્ભવીને ભેટીને ઊભેલા શિવથી કહેવાઈ ગયું, ‘શેમ, આજ પછી મારી સાથે ક્યારેય જુઠ્ઠું નહીં બોલતી. હું
મારી જાત કરતા તારા પર વધારે વિશ્વાસ કરું છું. મારો વિશ્વાસ નહીં તોડતી. હવે આવું કરીશ તો માફ નહીં કરું તને.’

*

રિતુએ કરેલી અરજી મંજૂર થઈ ગઈ હતી. સોમીના વકીલ તરીકે રિતુ આજે જેલમાં એને મળવા જવાની હતી.
રિતુ અને શામ્ભવી જેલના દરવાજે પહોંચ્યા ત્યારે સંત્રીએ પરમિશનનો કાગળ વાંચીને કહ્યું, ‘મેડમ! પરમિશન તો
વકીલની છે. કમ્પેનિયન નથી લખ્યું.’ સંત્રીની આંખોમાં સાફ દેખાતું હતું કે એ શામ્ભવીને ઓળખી ગયો હતો એટલું
જ નહીં, એને મળેલી કડક સૂચના પ્રમાણે વર્તી રહ્યો હતો.
‘મારે સોલંકી સાહેબને મળવું છે.’ શામ્ભવીએ કહ્યું.
‘સાહેબ તો નથી.’ સંત્રીએ રોકડું પરખાવ્યું, ‘આ મેડમ અંદર જઈ શકશે. તમારે અહીં જ રાહ જોવી પડશે.’
અહીં સુધી આવ્યા પછી બસ થોડા મીટર દૂર પોતાની પ્રતીક્ષા કરી રહેલી મા સુધી નહીં પહોંચી શકાય એ
વિચારે શામ્ભવી ફ્રસ્ટ્રેટ થઈ ગઈ. એણે સંત્રીની આંખોમાં જોયું, ‘હું જાણું છું. સોલંકી સાહેબ અંદર જ છે. મારે એમને
મળવું છે. તમે નહીં જવા દો તો હું તમને ધક્કો મારીને અંદર જઈશ.’ શામ્ભવીની આંખોમાં દેખાતી જ્વાળાએ
સંત્રીને લગભગ દઝાડી મૂક્યો.
ડોકાબારી બંધ કરીને અંદર ગયો, એક મિનિટ કરતા ઓછા સમયમાં પાછો ફર્યો, ‘ચાલો!’ કહીને એણે ઉમેર્યું,
‘સોલંકી સાહેબના રૂમ સુધી જવાની પરમિશન છે. અંદર જવા નહીં મળે.’ શામ્ભવી જવાબ આપ્યા વગર રિતુનો
હાથ પકડીને ડોકાબારીમાંથી દાખલ થઈ ગઈ. સોલંકીના રૂમના દરવાજે ઊભેલા સંત્રીને ગણકાર્યા વગર અંદર જઈને
એ સોલંકીની સામે ખુરશીમાં ગોઠવાઈ ગઈ.
‘સોલંકી અંકલ’ શામ્ભવીએ તાત્કાલિક સંબંધ ઊભો કર્યો, ‘તમે તો બધું જાણો છો. મારે એકવાર માને મળવું
છે.’ કશું જ છુપાવ્યા વગર સોલંકીની આંખમાં આંખ નાખીને એણે સત્ય કહ્યું, ‘તમારે દીકરી છે?’ એણે પૂછ્યું. સોલંકી
એની સામે જોઈ રહ્યો. એક દીકરીએ માથી વિખુટા રહીને 14 વર્ષનો વનવાસ ભોગવ્યો છે. પહેલાં બે વાર આવી
ત્યારે મારી માએ તો મને ઓળખવાની જ ના પાડી દીધી. હવે એ મને મળવા તૈયાર છે, ત્યારે તમે…’ શામ્ભવીને
એક્ટિંગ કરવાની જરૂર ના પડી. એની આંખોમાંથી આપોઆપ આંસુ વહેવાં લાગ્યાં, ‘તમે જ કહો. જીવતી હોવા છતાં
જેને મારી નાખી છે એવી મારી માને મળવાનો, એને ભેટવાનો, એના આશીર્વાદ લેવાનો મને હક્ક નથી? મારા ગાલ
પર હાથ ફેરવવાનો, મને ચૂમવાનો, મને ભેટીને રડવાનો હક્ક એને નથી?’ આટલું સાંભળતાં તો સોલંકીની આંખોમાં
પણ આંસુ આવી ગયાં, છતાં શામ્ભવી કહેતી રહી, ‘હું સમજી શકું છું કે જે કંઈ થયું હશે એની પાછળ અનેક રહસ્યો
હશે. કદાચ, ચૌધરી પરિવારમાંથી તમને કડક સૂચના હશે કે મને, મારી માને મળવા ન દેવી. તેમ છતાં, હું તમને હાથ
જોડીને વિનંતી કરું છું. એકવાર…’ શામ્ભવી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.
‘બેટા!’ કાનપટ્ટી પર ધોળા વાળ આવી ગયા હતા, પરંતુ સોલંકી કઈ શામ્ભવીના પિતાની ઉંમરનો નહોતો,
તેમ છતાં શામ્ભવીએ એને ભીતરથી વલોવી નાખ્યો હતો, ‘અહીં ઠેરઠેર કેમેરા છે. તું તો જાણે છે…’
‘બધું જાણું છું, તેમ છતાં ગેરવ્યાજબી માગણી કરું છું.’ શામ્ભવીએ કહ્યું, ‘તમને તમારી દીકરીના સમ. મને
એકવાર મારી માને મળવા દો.’

‘પણ, એ તો…’ સોલંકી સહેજ અચકાયો, પછી એણે મન મક્કમ કરીને કહ્યું, ‘એમને આ જેલમાંથી શિફ્ટ કરી
નાખ્યા છે.’ એની આંખો નીચી થઈ ગઈ. એના ચહેરા પર સ્પષ્ટ લખ્યું હતું કે એ જુઠ્ઠું બોલી રહ્યો છે.
‘એક વાર…’ શામ્ભવીની આંખોમાં જે આજીજી અને આંસુ હતાં એનો ભાર સોલંકી ઉપાડી શક્યો નહીં,
‘છેલ્લી વાર…’
‘શામ્ભવીબેન!’ સોલંકીએ હાથ જોડ્યા, ‘મારી નોકરી જશે.’ સોલંકીની આંખોમાં દયાની સાથે સાથે ભય
હતો, ‘પ્લીઝ! હું મજબૂર છું. તમે કેમેરામાં દેખાયાં તો કદાચ હું જીવતો ન રહું એવું પણ બને.’ સોલંકીએ ગળગળા
થઈને કહ્યું, ‘કદાચ તમે તમારી માને મળી લો, એ તમને સ્વીકારે-તમને ખબર પડી જાય કે એ જીવે છે તેમ છતાં, પણ
તમે કંઈ જ કરી નહીં શકો. બહુ જ પાવરફૂલ છે બધાં.’ એણે ફરી હાથ જોડ્યા, ‘જાઓ અહીંથી… તમારી જિંદગી પણ
જોખમમાં આવી જશે. એક ભાઈ તરીકે, તમારા વેલવિશર તરીકે કહું છું.’
બંનેની વાત સાંભળી રહેલી રિતુ સ્તબ્ધ થઈ ગઈ હતી. એને એવી ખબર હતી કે, એ જે કેસ હાથમાં લેવાની
છે એ પેચીદો છે, સામેના લોકો કદાચ પાવરફૂલ હશે, સાક્ષીઓ ટેમ્પર થશે, ધમકીઓ મળશે… પરંતુ, જેલર પણ
જેનાથી ડરે છે એ કયા લોકો હશે, કોણ હશે અને આ કેસ સાથે કેવી રીતે જોડાયેલા હશે એ વિચારે રિતુ ભીતરથી ધ્રૂજી
ગઈ. એણે કહ્યું, ‘તું અહીં બેસ. હું જાઉં છું સોમીને મળવા. આઈ વિલ મેનેજ સમથિંગ.’
‘ના… મારે આવવું છે.’ શામ્ભવીએ જીદ કરી. એણે સોલંકી સામે જોયું, ‘કપડાં બદલીને, ચહેરો ઢાંકીને, બીજી
કોઈ રીતે… તમે જ રસ્તો બતાવો. મારે અંદર જવું છે. મારી માને મળવું છે. નહીં તો હું અહીં જ નસ કાપી નાખીશ.’
કહીને એણે સોલંકીના ટેબલ પર પડેલું પેપર કટર ઉપાડી લીધું. સોલંકી એની સામે જોઈ રહ્યો. આ છોકરીની હિંમત
અને ઝનૂન સામે એની મજબૂરી, નોકરી અને ભય બધું જ એને વામણું લાગ્યું.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *