‘એ છોકરી નહીં માને.’ આ કહેતાં કહેતાં મોહિની ધ્રૂજી રહી હતી, ‘બધું બરબાદ થઈ જશે. પદ્મનાભને જેલમાં
જવું પડશે. એ પછી ચૌધરી રેસિડેન્સમાં મારે માટે જગ્યા નહીં રહે… હું રસ્તા પર આવી જઈશ, બરબાદ થઈ
જઈશ… કોણ જાણે કયા કાળમાં એ છોકરી આ ઘરમાં પાછી આવી છે, જ્યારથી આવી છે ત્યારથી સમસ્યાઓ પર
સમસ્યાઓ ઊભી કરે છે. મન તો થાય છે કે, એને મારી નાખું… પણ…’ મોહિની લગભગ ચીસો પાડી રહી હતી,
‘એને જોઉં છું ને મારું લોહી ઊકળી ઊઠે છે. એ જ વખતે એનો પણ નિકાલ કરી નાખ્યો હોત તો આ બધા લફરાં
ઊભાં જ ન થાત.’ એણે દાંત કચકચાવ્યા, ‘સાલી, હરામખોર, જિદ્દી…’
ઋતુરાજ અને મોહિની અમદાવાદની એક વૈભવી હોટેલના રૂમમાં અર્ધનગ્ન હાલતમાં પલંગમાં પડ્યાં હતાં.
ઋતુરાજ રજાઈ ફેંકીને ઊભો થયો. એણે બાજુમાં પડેલા ચશ્મા ઊઠાવીને પહેર્યા. એક પણ શબ્દ બોલ્યા વગર એણે
પેન્ટ પહેરવા માંડ્યું. મોહિનીના આ કકળાટ અને ઉશ્કેરાટની ઋતુરાજ ઉપર કોઈ અસર જ નહોતી. મોહિનીએ વધુ
ઉશ્કેરાઈને એને કહ્યું, ‘સાંભળે છે તું? આ છોકરીનું શું કરીશું?’
‘કશું નહીં.’ કહીને ઋતુરાજે કાળજીપૂર્વક સાઈડમાં મૂકેલું પોતાનું શર્ટ ઉપાડીને પહેરવા માંડ્યું.
‘વ્હોટ ડુ યુ મીન બાય, કશું નહીં…’ મોહિની ઊભી થઈ. એનો ચહેરો જાતભાતની સર્જરીઝને કારણે યુવાન
લાગતો હતો, પરંતુ એનું શરીર એની ઉંમરનું ચાડી ખાતું હતું. બાવડાની નીચેની ચામડી ઢીલી પડી ગઈ હતી, જાંગની
ચરબી ઉપર કરચલીઓ હતી. એણે તરત જ બાજુમાં પડેલું ડ્રેસિંગ ગાઉન ઉપાડીને પહેરી લીધું, પછી ઋતુરાજની
પાસે જઈને એણે પાછળથી પોતાના બંને હાથ ઋતુરાજની છાતી પર લપેટ્યા.
‘છોડ! શર્ટમાં કરચલી પડશે.’ કહીને ઋતુરાજે એના હાથ ઝટકાવી નાખ્યા.
મોહિની ચીડાઈ ગઈ, ‘મારા જીવન-મરણનો પ્રશ્ન છે ને તને શર્ટની પડી છે?’ એણે ઉશ્કેરાઈને ઋતુરાજને
પોતાના તરફ ફેરવ્યો, એના બંને કોલર પકડ્યા, એને હચમચાવી નાખ્યો, ‘એ બહાર આવશે તો સાથે સત્ય પણ બહાર
આવશે.’
‘રબ્બીશ.’ ઋતુરાજે અરીસામાં જોઈને વાળ સરખા કર્યા, ‘એ મોઢું નહીં ખોલે. એને પતિની પ્રતિષ્ઠા અને
દીકરીની જિંદગી વહાલી છે. એ જાણે છે કે, આ બાજુ એનું મોઢું ખૂલ્યું ને પેલી બાજુ કમલનાથ નાગો થઈ જશે.
દીકરીની જિંદગી જોખમમાં આવી જશે.’ કહીને એણે મોહિની તરફ જોયું, ‘એને ડર ન હોત તો અત્યાર સુધી ચૂપચાપ
જેલમાં પડી રહી હોત?’ એણે ઉશ્કેરાયેલી, ચિંતિત, ભયભીત મોહિનીના ગાલ પર હળવેથી ટપલી મારી, ‘ચીલ કર,
ચીલ…’
‘તને મારી કોઈ ચિંતા નથી?’ એણે ઋતુરાજની સામે જોઈને આર્ત સ્વરે પૂછ્યું, ‘આ શરીર સિવાય કોઈ
ચીજમાં રસ નથી તને?’
‘ઓનેસ્ટલી કહું તો હવે તારા શરીરમાં પણ રસ નથી.’ ઋતુરાજ દરવાજા તરફ ચાલવા લાગ્યો. એણે ચાલતાં
ચાલતાં અટકીને, સહેજ પાછળ ફરીને જોયું, ‘બુઢ્ઢી થઈ ગઈ છે, તું.’ પછી હસતાં હસતાં ઉમેર્યું, ‘ચામડી જવાન કરી
શકાય, જિસ્મ જવાન નથી થતું…’
‘ઋતુરાજ…’ મોહિનીએ લગભગ રાડ પાડી.
‘બાય.’ કહીને ઋતુરાજ દરવાજો ખોલવા જતો હતો ત્યાં મોહિનીએ એને પકડ્યો.
‘હું બધાને કહી દઈશ… તારા બાપને, મોટાજીને… તને ખુલ્લો પાડી દઈશ.’ મોહિનીએ ધમકી આપવાનો
પ્રયત્ન કર્યો.
ઋતુરાજ હસવા લાગ્યો, ‘શ્યોર.’ એણે ખભા ઊલાળીને કહ્યું, ‘આવો બધો કચરો મગજમાંથી કાઢ બાકી, તને
રસ્તા પર લાવવા માટે એ છોકરીની જરૂર નહીં પડે.’ કહીને એણે ક્રૂર આંખો મોહિનીની આંખોમાં પરોવી, ‘શું કહીશ
તું? કે હું અને તું…’ એ હસ્યો, ‘તારા મોટાજી, તારો વર અને ચૌધરી પરિવારના નોકરો સુધ્ધાં જાણે છે કે, હું પહેલો
નથી.’ કહીને એણે મોહિનીના વાળ પકડ્યા. મોહિનીથી સીસકારો થઈ ગયો, ‘મને ખુલ્લો પાડવા જઈશ તો જે રહસ્ય
આટલાં વર્ષોથી જેલની દિવાલો પાછળ રાધાના હૃદયમાં દટાયેલું પડ્યું છે એ બજારમાં આવી જશે… એ રાત્રે પેલો તને
મળવા આવ્યો હતો. એને રાધાએ જોયો… પદ્મનાભે…’ મોહિનીએ હળવેકથી ઋતુરાજના હોઠ પર પોતાની હથેળી
ઢાંકી દીધી.
‘શશશશ…’ મોહિનીએ આવડતી હતી એટલી કામકલા પોતાની આંખોમાં છલકાવી, ‘દિવાલોને પણ કાન હોય
છે. આ વિશે કદી બોલતો નહીં.’
‘હું તો નહીં જ બોલું, પણ તું જો આમ જ એ છોકરીથી ડરતી રહી તો એક દિવસ તું જ બધું ઊંધું પાડી
દઈશ.’ કહીને ઋતુરાજે રૂમનો દરવાજો ખોલી નાખ્યો, જેથી આગળ વાતચીતની શક્યતા ન રહે, ‘ચૂપચાપ જે થાય
છે તે થવા દે. જરાક પણ દોઢડાહી થઈશ ને તો આખી લંકા ભડકે બળશે. સૌથી પહેલાં તારો ધણી મરશે એટલું યાદ
રાખજે… આપણે બધા જેનાથી ડરીને ચૂપ બેઠા છીએ ને એ માણસ નથી, જલ્લાદ છે. આજ સુધી એને ખબર નથી
કે, એનો ભાઈ તને મળવા આવ્યો પછી ક્યાં ગયો? અરે! એને તો એ પણ ખબર નથી કે, એનો ભાઈ મરી ગયો છે કે
ભાગી ગયો છે. એ રાક્ષસ ભૂતની જેમ શોધે છે એના ભાઈને, 14 વર્ષથી. જે દિવસે એને ખબર પડશે ને…’
‘શશશશ…’ મોહિનીએ ફરી પાછી હથેળી ઋતુરાજના હોઠ પર મૂકીને ડોકું ધૂણાવ્યું, ‘બસ! હું કંઈ નહીં કરું.’
કહીને એણે ઋતુરાજને હળવો ધક્કો મારી દીધો. એ બારણાની બહાર નીકળ્યો કે મોહિનીએ બારણું બંધ કરી દીધું.
ઋતુરાજના ગયા પછી મોહિની ફરી પલંગમાં આડી પડીને વિચારવા માંડી. એ રાત, એ વખતે બનેલી ભયાનક ઘટના
અને ઘટના સાથે જોડાયેલા બધાં જ પાત્રો એની સામે કોઈ ભૂતાવળની જેમ નાચવા લાગ્યાં. એરકન્ડીશન રૂમમાં એને
પરસેવો વળ્યો. એના શ્વાસ તેજ થઈ ગયા. ગૂંગળામણ થવા માંડી. એણે પોતાના બંને કાન અને આંખો બંધ કરીને
જોર જોરથી ચીસો પાડવા માંડી. થોડીક ક્ષણો એમ જ વિતી ગઈ પછી એ સહેજ ઠંડી પડી. ઊભા થઈને મોહિનીએ
પોતાની પર્સમાંથી એન્ટિડિપ્રેસન્ટ ગોળી કાઢી, ગળા નીચે ઉતારી અને ત્યાં જ, એ જ પલંગમાં આંખો મીંચીને
ઊંઘવાનો પ્રયાસ કરવા લાગી.
*
સ્ત્રીઓનાં ટોઈલેટના રસ્તે રાધાને બહાર કાઢીને સીસીટીવીના બ્લાઈન્ડ સ્પોટ્સ પાસેથી પસાર કરીને એને
ઈન્ટરોગેશન રૂમમાં લઈ આવવામાં આવતી હતી, ત્યારે જ રાધા સમજી ગઈ હતી કે આ આખી કસરત શા માટે
કરવામાં આવે છે? એક પણ પ્રશ્ન પૂછ્યા વિના એ મહિલા સંત્રી સાથે ચૂપચાપ ચાલતી રહી.
ઈન્ટરોગેશન રૂમમાં પ્રવેશતાં જ એણે શામ્ભવીને બેઠેલી જોઈ. માને જોતાં જ શામ્ભવી ઊભી થઈને દોડી.
એ રાધાને ભેટી પડી. આટલાં વર્ષો પછી દીકરીનો સ્પર્શ અનુભવી રહેલી રાધા પણ પોતાની જાતને રોકી શકી નહીં.
એની આંખોમાંથી આંસુ વહેતાં હતાં. એનો સ્નેહભર્યો હાથ મૃદુતાથી શામ્ભવીની પીઠ પર ફરતો હતો. શામ્ભવી
માના ખભે માથું મૂકીને કોઈ નાના બાળકની જેમ છુટ્ટા મોઢે રડી રહી હતી. એની સાથે આવેલી રિતુ અગ્રવાલ અને
મહિલા સંત્રી પણ, મા-દીકરીનું આ મિલન જોઈને ઈમોશનલ થઈ ગયાં. એમની આંખોમાં પણ પાણી આવી ગયાં,
‘આઈ મિસ્ડ યુ મા, આઈ મિસ્ડ યુ…’ શામ્ભવી કહેતી રહી, ‘મારી જિંદગીની દરેક ક્ષણે મારા સુખમાં, મારા દુઃમાં,
મારી હાર-જીતમાં, ડિપ્રેશનમાં અને અચિવમેન્ટ્સમાં તારી હાજરી ખૂટી છે મને. તું જીવતી છે એ વાતની ખબર મને
ક્યારેય ન પડી હોત… મારો ઈશ્વર જ મને અહીં લઈ આવ્યો.’
‘તારો નહીં, મારો ઈશ્વર…’ રડતાં રડતાં રૂંધાયેલા અવાજે રાધાએ કહ્યું, ‘જેટલા દિવસ, જેટલી મિનિટ તું
મારાથી દૂર રહી છે ને બેટા, એ પ્રત્યેક પળે મેં તારી રાહ જોઈ છે. મારી રોજની પ્રાર્થનામાં મેં એક જ વસ્તુ માંગી છે,
એક વાર, એક વાર મારી દીકરીને મળું હું. એને ભેટું, એને વહાલ કરું… જોઉં એને, કેવડી મોટી થઈ છે…’ રાધા રડતી
રહી.
‘આપણી પાસે સમય ઓછો છે.’ મહિલા સંત્રીએ કહેવું પડ્યું. બંને જણાં ઝડપથી સ્વસ્થ થઈ ગયાં.
શામ્ભવીએ આંસુ લૂછીને ગંભીર ચહેરે રિતુ તરફ જોયું. રિતુ પોતાની વાત કહેવાની શરૂ કરે એ માટે એણે નજરથી જ
ઈશારો કર્યો.
‘મે’મ! હું વકીલ છું. અમે તમારો કેસ કોર્ટમાં…’ રિતુ હજી પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલાં રાધાએ હાથ ઊંચો
કરીને એને રોકી, ‘એવું કરવાનો વિચાર પણ નહીં કરતા. હું જ્યાં છું, જેમ છું એમ બરાબર છું.’ કહેતાં કહેતાં એની
આંખો ફરી ભરાઈ આવી, ‘મારું મોત આ ચાર દિવાલો વચ્ચે જ થશે. બની શકે તો મને અગ્નિદાહ આપવા જરૂર
આવજે.’ રાધાએ બે હાથ જોડ્યા, ‘ને બેટા! આજ પછી કોઈ દિવસ અહીંયા ના આવતી… તારો જીવ જોખમમાં
આવે કે તારા પિતાનું નામ ઉછળે એ મારે માટે મોતથી પણ બદતર થઈ જશે.’ એણે શામ્ભવીના બંને હાથ પકડી
લીધા, ‘બેટા, મારું બલિદાન, તારા પિતાનો ત્યાગ બધું એળે જશે. હવે અહીંથી બહાર નીકળવાની કોઈ શક્યતા
નથી… તું પ્રયત્ન પણ નહીં કરતી.’
‘પિતાનો ત્યાગ?’ શામ્ભવીની આંખો ઝીણી થઈ ગઈ, ‘એટલે બાપુ…’
‘જાણે છે. એમની ઈચ્છાથી અને એમની પરવાનગીથી જ હું અહીં…’ રાધા નીચું જોઈ ગઈ.
‘એટલે એમણે પુરાવી છે તને? એમનો કોઈ ગુનો છુપાવવા, એમણે કરેલી કોઈ ભૂલની સજા તને આપી?’
શામ્ભવી ઉશ્કેરાઈ ગઈ, ‘હું એમને માફ નહીં કરું. આજે ને આજે…’
રાધાએ સ્નેહથી શામ્ભવીનો ચહેરો પોતાની બે હથેળી વચ્ચે પકડ્યો, ‘તારા પિતા તો દેવ જેવા માણસ છે.
પરિવાર માટે એમણે જેટલું કર્યું છે એટલું કદાચ, કોઈ દીકરો, ભાઈ, પતિ કે પિતા ન કરી શકે. આખી જિંદગી એકલા
કાઢી એમણે…’ રાધાની આંખોમાં કમલનાથ માટેનો સ્નેહ અને આદર શામ્ભવીને સ્પષ્ટ વંચાયાં, ‘એમનો કોઈ વાંક
નથી. એમણે તો પોતાની ઝળહળતી રાજકીય કારકિર્દી છોડી, શહેર છોડીને દૂર જંગલમાં વસી ગયા. અમે બંને અમારો
વનવાસ ભોગવીએ છીએ, બસ! રામ-સીતાની જેમ સાથે નથી અમે-જુદાં જુદાં રહીને પોતપોતાનો વનવાસ કાપીએ
છીએ.’
‘પણ, કેમ? એવું શું છે જે તું મને કહેતી નથી ને બાપુ પણ છુપાવે છે.’ શામ્ભવી એમ સહેલાઈથી છોડે એમ
નહોતી, ‘કોના પાપની સજા ભોગવી રહી છે તું? તારે મને કહેવું જ પડશે મા… આજે હું સત્ય જાણ્યા વગર અહીંથી
જવાની નથી.’
‘મે’મ! એ દીકરી છે તમારી! એને નહીં કહો તો કોને કહેશો?’ રિતુએ પણ રાધાને સમજાવવાનો પ્રયાસ કર્યો,
‘અહીં સુધી પહોંચવા માટે એણે શું નથી કર્યું… સત્ય જાણવાનો અધિકાર છે એને.’
‘સત્ય?’ રાધાના ચહેરા પર કડવું સ્મિત આવી ગયું, ‘એ સત્ય તેજાબ જેવું છે. જેને અડશે એને બાળી મૂકશે. હું
બળી છું. એના પિતા હજીયે સળગી રહ્યા છે. હવે આ જ્વાળામાં મારી દીકરીનું ભવિષ્ય ભસ્મ થાય એ નહીં પોષાય
મને.’ રાધાએ ફરી હાથ જોડ્યા, ‘તું જા, બેટા… પ્લીઝ, અહીંથી જા.’
‘નહીં જાઉં.’ કહીને શામ્ભવીએ પોતાના બંને હાથ માના ખભે મૂક્યા, ‘જે ભસ્મ થવાનું હતું એ બધું ભસ્મ થઈ
ચૂક્યું. મારું બાળપણ, મારા પિતાની યુવાની ને તારી જિંદગી… તમારું લગ્ન… હજી શું બાકી રહ્યું છે? મા, મને સાચું
કહે. કોણ છે? કોણે કર્યું છે આ બધું? કોને બચાવવા માટે તમે બંને જણાં…’
‘એ તારે જાણવાની જરૂર નથી.’ રાધાનો અવાજ અચાનક કઠોર થઈ ગયો, ‘આપણે મળી લીધું. હવે મને
મરવાની છૂટ મળી ગઈ. તને મળ્યા પહેલાં મરી હોત તો મારો આત્મા અવગતે જાત…’ કહીને એ ઊભી થઈ ગઈ.
એણે મહિલા સંત્રી તરફ જોઈને કહ્યું, ‘ચાલો.’
શામ્ભવી દોડીને એની આગળ બંને હાથ પહોળા કરીને ઊભી રહી ગઈ, ‘હું તને અહીંથી નહીં જવા દઉં. તારી
સામે બે જ રસ્તા છે, એક, તારે મને બધું સાચું કહેવું જ પડશે, ને બીજો રસ્તો એ છે કે, તું જેલમાં મારા મૃત્યુના
સમાચાર સાંભળીશ. બહાર પણ નહીં આવી શકે, મારા શબને અગ્નિદાહ આપવા માટે પણ તારે તારી જાતને છતી
કરવી પડશે ને?’ એનું ગળું રૂંધાઈ ગયું. એ એટલી ઉશ્કેરાઈ ગઈ હતી કે, એનો આખો ચહેરો લાલ થઈ ગયો હતો.
આંખમાંથી આંસુ વહી જતાં હતાં. એ આખી ધ્રૂજતી હતી.
‘બેટા!’ રાધાથી એટલું જ કહી શકાયું… એની આંખોમાંથી પણ ફરી આંસુ વહેવા લાગ્યાં.
‘કહી દે મા… આજે હું સાંભળ્યા વગર અહીંથી જવાની નથી.’ શામ્ભવીની આંખોમાં કોઈ ભયાનક નિર્ધાર
હતો.
મા-દીકરી એકબીજાની આંખોમાં જોઈ રહ્યાં. એકની આંખોમાં ઘાયલ હરણની પીડા હતી જ્યારે બીજી, ઘોડે
ચડેલી લક્ષ્મીબાઈ જેવી સાહસિક વીરાંગના દેખાતી હતી. એક, હાથ જોડીને પરિસ્થિતિ સામે ઘૂંટણિયાં ટેકવી દેવા
વિનવી રહી હતી જ્યારે બીજી, પરિસ્થિતિ અને પ્રવાહ પલટી નાખવાના ઝનૂન સાથે આવનારી દરેક સમસ્યાનો
સામનો કરવા તૈયાર હતી.
*
અનંત અને અખિલેશ સેલ્સના ટોપ એક્ઝિક્યૂટિવ્ઝની ટીમ સાથે મિટિંગમાં હતા. અનંતના ફોન પર રિંગ
વાગી. અનંતે ફોન ડિસકનેક્ટ કર્યો. રિંગ ફરી વાગી, ‘કોનો ફોન છે?’ અખિલેશે પૂછ્યું.
પિતાની સામે હરફ ન ઉચ્ચારી શકતો અનંત શિયાંવિયાં થઈ ગયો, ‘ક… કોઈનો નહીં.’ એ પૂરું કરે એ પહેલાં
ફરી રિંગ વાગી. અનંત ડરી ગયો.
‘ગો આઉટ એન્ડ ટેક યોર કોલ.’ અખિલેશે હુકમ કર્યો.
અનંત ઊભો થઈને બહાર નીકળી ગયો. ફરી રિંગ વાગી. અનંતે ફોન રિસિવ કર્યો, ‘શું છે?’ એણે છણકો કર્યો,
‘હું ડેડ સાથે હતો…’
‘બ્રો! ઈમ્પોર્ટન્ટ છે એટલે જ આટલા કોલ કર્યા.’ સામે સનીએ કહ્યું, ‘તારે મને મળવું પડશે, આજે જ.’
‘એવું તે શું છે?’ અનંત ચીડાયેલો હતો. અખિલેશની સામે આવી કોઈપણ ગરબડ થાય પછી જે લેક્ચર
સાંભળવું પડતું એનાથી અનંતને ભયાનક ગુસ્સો આવતો, પણ પિતાની સામે એ કશું બોલી શકતો નહીં. આજે
સેલ્સની મિટિંગ પતે પછી શું થવાનું છે, એનો અનંતને ખ્યાલ હતો, ‘સાંજે ફોન કરીને આવીશ.’ એણે વાત ટાળી.
‘ઘરે નહીં આવતો.’ સનીનો અવાજ ડરેલો હતો. સામાન્ય રીતે મજાક કરતો રહેતો અને હસતો રહેતો સની
અત્યારે એકદમ ગંભીર હતો, ‘તારી ગાડી આપણી કોલેજ પાસેના સાંઈબાબાના મંદિર સામે પાર્ક કરી દેજે. એ પછી
આપણે સિગરેટ પીતા એ ગલીમાંથી પસાર થઈને પાછળ આવજે. ત્યાં એક નાનકડી ચાની દુકાન છે ત્યાં મળીશું.’
‘આર યુ મેડ? હમણાં જ કોઈ થ્રિલર ફિલ્મ જોઈ લાગે છે…’ અનંત વધારે ચીડાયો, ‘હું ચાલુ મિટિંગમાંથી
ઊભો થઈને આવ્યો છું. મારો બાપ મારી નાખશે, મને.’
‘બ્રો! તને ને મને કોઈ સાથે જોઈ જશે ને તો આપણા બેમાંથી એક નક્કી મરી જશે…’ કહીને સનીએ ઉમેર્યું,
‘હવે આના પરથી જો તને વાતની સિરિયસનેસ સમજાતી હોય તો…’ એણે વાત પૂરી કરી, ‘એઈટ પીએમ.’
ફોન મૂકીને અનંત ડઘાયેલો, બઘવાયેલો ઊભો રહ્યો. એને સમજાયું નહીં કે, સની એની સાથે કોઈ પ્રેન્ક કરતો
હતો, કે ખરેખર વાત એટલી ગંભીર હતી જેને માટે એમણે આવી રીતે છુપાઈને મળવું પડે! એણે સનીને રાધાના
કેસમાં જૂના પોલીસ રેકોર્ડ્સ શોધવાનું કામ સોંપ્યું હતું. એ રેકોર્ડમાં સનીને એવું શું મળ્યું હશે જેને કારણે એ આટલો
ડરી ગયો… અનંતને જાહેરમાં મળવા તૈયાર નહોતો એટલું જ નહીં, એણે કહ્યું કે જો બંને સાથે દેખાય તો બેમાંથી કોઈ
એકનો જીવ પણ જોખમમાં આવી શકે… એવું શું હશે? અનંત વિચારતો રહ્યો.
એ સેલ્સ એક્ઝિક્યૂટિવ્ઝ સાથેની મિટિંગમાં દાખલ તો થયો, પણ એનું મન હવે ત્યાંથી નીકળી ગયું હતું.
અખિલેશની આંખોમાં દેખાતો અણગમો જોયા પછી પણ, આજે પહેલી વાર અનંત બેધ્યાનપણે સનીના ફોન વિશે
વિચારતો રહ્યો.
એ પછીનો આખો દિવસ અનંત વારેવારે ઘડિયાળ જોતો રહ્યો, ક્યારે સાંજના સાત વાગે ને પોતે ઓફિસમાંથી
નીકળીને સનીને મળે એની પ્રતીક્ષામાં અનંતે દિવસ માંડ પૂરો કર્યો.
એણે સનીની સૂચના મુજબ ગાડી સાંઈબાબાના મંદિર સામે પાર્ક કરી. મંદિરની બાજુમાંથી પસાર થતી
નાનકડી ગલીમાંથી થઈને એ પાછળ, નાની વસ્તી-ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં પહોંચ્યો. જ્યાં સનીએ કહ્યું હતું એવી
એક ચાની દુકાન હતી. ‘જય અંબે ટી સ્ટોલ’ લખેલી એ દુકાનના એક બાંકડા ઉપર જઈને અનંત બેઠો. એ હજી
વિચારમગ્ન હતો. ત્યાં અચાનક સનીના અવાજે એને ચોંકાવી દીધો, ‘બ્રો…’ સની એની સામે નહીં, એની પાછળ
બેઠો હતો. અનંતને નવાઈ લાગી. એ ઊભો થવા ગયો, પણ સનીએ એને કહ્યું, ‘ઊભો ના થતો. બેસી રહે અને મારી
વાત સાંભળ.’ સનીના કાનમાં બ્લ્યૂટૂથ હતું. એ જાણે ફોનમાં કોઈ સાથે વાત કરી રહ્યો હોય એવો ડોળ કરતાં એણે
કહ્યું, ‘2010ના બધા પોલીસ રેકોર્ડ કાઢ્યા છે મેં. ઝીણામાં ઝીણી વિગતો, જેટલી મને મળી શકે એટલી લઈને આવ્યો
છું. હું અહીંથી ઊભો થઈશ અને બહાર નીકળી જઈશ. મારા ટેબલ ઉપર મૂકેલું કવર જાણે ભૂલી ગયો હોઉં એમ હું
નીકળી જઈશ. તું પણ ઊભો થજે. કવર જોજે અને જાણે આપવા મારી પાછળ દોડતો હોય એમ બહાર નીકળી
જજે. એ કવર તારે માટે છે…’
‘શું છે એમાં?’ અનંતે ધીમા અવાજે પૂછ્યું.
‘જોઈ લે, બ્રો… મેં જોયું તો મારી ફાટી ગઈ, હવે તું જોઈશ તો તને હાર્ટએટેક આવશે…’
(ક્રમશઃ)