મુંબઈના જુહુ, પવનહંસ એરપોર્ટ ઉપર એક સિક્સ સીટર પ્રાઈવેટ જેટ ઉડવાની તૈયારીમાં હતું. એમાં ચાર
જણાં હતા. એક માણસ, જે બાકીના ત્રણનો બોસ-સાહેબ દેખાતો હતો એણે ખાદીના સફેદ લેંઘો-ઝભ્ભો પહેર્યા
હતા. પગમાં કોલ્હાપુરી ચપ્પલ સાથે એ સાદગીની મૂર્તિ દેખાતો હતો. એના જમણા હાથના કાંડામાં રુદ્રાક્ષની
માળાઓ લપેટાયેલી હતી અને ડાબા હાથમાં લેધર બેલ્ટ સાથે ભારતીય બનાવટની મોટા ડાયલની ઘડિયાળ હતી.
ટિન્ટેડ ગ્લાસવાળા ચશ્મામાંથી દેખાતી એની આંખો કોઈ બાજ કે વાઘની આંખ જેવી શિકારી અને ઝનૂની હતી.
ક્લિન શેવ્ડ, ગાઢી મૂછો સાથેનો એનો અત્યંત સોહામણો, દેખાવડો કહી શકાય એવો ચહેરો જોઈને એની ઉંમરનો
અંદાજ લગાવવો અઘરો હતો. ફાઈલો જોતી વખતે એના ચહેરા પર આવતું સ્મિત કોઈપણ સ્ત્રીને ચૂંબકની જેમ
ખેંચી શકે એવું, સહજ અને આકર્ષક હતું.
સહુ પ્રાઈવેટ જેટમાં પ્રવેશ્યા, એના ત્રણ માણસો પાછળની સીટમાં ગોઠવાયા. ઝભ્ભો-લઘ્ઘો પહેરેલો માણસ
મુખ્ય સીટ પર ગોઠવાયો. એની સામે ખૂલેલા ટેબલ પર 15થી 20 સરકારી ફાઈલનો ઢગલો હતો. વિમાને ટેકઓફ
કર્યા પછી એની સાથેના ત્રણ માણસમાંથી એક ઊભો થયો, ઝભ્ભો-લેંઘો પહેરેલા માણસની પાસે આવીને ઊભો રહ્યો,
ને એક પછી એક ફાઈલની વિગતો સમજાવવા લાગ્યો. એ માણસ ફાઈલના પાના ઉથલાવતો રહ્યો, જરૂર લાગે ત્યાં
સહી કરતો. દત્તાત્રેય શંકરરાવ મોહિતે. એને જ્યાં યોગ્ય ન લાગે ત્યાં ફાઈલ બંધ કરીને મૂકી દેતો, અર્થ એ હતો કે એ
ફાઈલમાં મૂકાયેલી પ્રપોઝલ અત્યારે અને અહીંયા જ ખારીજ થઈ ચૂકી હતી.
મુંબઈથી ઉડેલી ફ્લાઈટ સતારા જિલ્લાના કરાડ એરપોર્ટ પર લેન્ડ થઈ. ઝભ્ભો-લેંઘો પહેરેલો માણસ ઊભો
થયો. એણે ઝભ્ભો સરખો કર્યો, વાળમાં હાથ ફેરવ્યો, વોશરૂમમાં જઈને પોતાનો ચહેરો જોયો, બહાર આવીને
ફ્લાઈટનો દરવાજો ખૂલવાની પ્રતીક્ષા કરવા લાગ્યો.
દરવાજો ખૂલ્યો કે કરાડ એરપોર્ટ પર ઊભેલા આઈએએસ, આઈપીએસ ઓફિસર્સ, સતારા જિલ્લાના
મહત્વના લોકો એ માણસનું સ્વાગત કરવા આગળ વધ્યા. પ્લેનમાંથી બહાર પડેલી નાનકડી સીડી પરથી એ માણસ
નીચે ઉતર્યો કે, સતારા જિલ્લાના કલેક્ટરે આગળ આવીને નમસ્તે કર્યા, ‘સ્વાગત આહે, બાબાસાહેબ!’
‘ગાઉકર!’ પ્લેનમાંથી ઉતરેલા માણસે સ્નેહથી કલેક્ટરના ખભે હાથ મૂક્યો, ‘કશે આહાત? સઘળા બરોબર
ચાલલા આહે, કી ગરબડ?’ એ હસી પડ્યો.
‘ગરબડ કશી, બાબાસાહેબ? તમારા રાજમાં ગરબડને તો સ્થાન જ નથી.’ કલેક્ટરે કહ્યું. એ પછી આઈપીએસ
અને બીજા ઓફિસર્સે આવીને વારાફરતી બાબાસાહેબનું સ્વાગત કર્યું. ઓફિસર્સ, બાબાસાહેબના ત્રણ માણસો અને
બાબાસાહેબ સાથે સૌ બહાર નીકળ્યા ત્યારે એરપોર્ટ પર સ્વાગત કરવા એકઠા થયેલા લોકોની ભીડ જોઈને
બાબાસાહેબના ચહેરા પર પેલું સહજ, આકર્ષક સ્મિત આપોઆપ પ્રગટ્યું.
‘બાબાસાહેબ ઝિંદાબાદ…’ ‘બાબાસાહેબ અમર રહો.’ ના નારા લગાવતી ભીડના હાથમાં પોસ્ટર્સ અને સફેદ
કપડામાં સિંહના કેસરી ચિત્રવાળા ત્રિકોણ ઝંડા હતા. એરપોર્ટથી સરકિટ હાઉસ સુધી અનેક લોકો એ ઝંડા હલાવતા,
પોસ્ટર ઝુલાવતા બાબાસાહેબનું સ્વાગત કરવા, એમની એક ઝલક નિહાળવા ઊભા રહ્યા હતા. ખુલ્લી જીપમાં
આગલી સીટ પર ઊભા રહીને હાથ હલાવતા બાબાસાહેબ સૌનું અભિવાદન કરતા સતારા સરકિટ હાઉસ પહોંચ્યા
એમાં લગભગ એક-સવા કલાક થઈ ગયો. સરકિટ હાઉસ પહોંચીને બાબાસાહેબ જીપમાંથી નીચે ઉતર્યા. એમના ત્રણ
માણસો એમની પાછળ પાછળ દાખલ થયા. બાકીના ઓફિસર્સ કોન્ફરન્સ રૂમમાં જઈને બેઠા.
બાબાસાહેબ કોન્ફરન્સ રૂમમાં પ્રવેશ્યા ત્યારે એક વિચિત્ર પ્રકારનો સન્નાટો હતો. ટેબલની મુખ્ય સીટ ઉપર
ગોઠવાતા બાબાસાહેબે પૂછ્યું, ‘બેંક રોબરીના કેસનું શું થયું? છ દિવસ થયા. પોલીસ પાસે હજી કોઈ ક્લૂ નથી.
પબ્લિક મારા માથે માછલાં ધુએ છે… મીડિયા હાથ ધોઈને પાછળ પડ્યું છે.’
‘સર! સીસીટીવી ફૂટેજમાં કશું જ દેખાતું નથી. એમણે દાખલ થતાની સાથે સીસીટીવી કેમેરાના સ્ક્રીન પર સ્પ્રે
પેઈન્ટ માર્યો છે. રોબરીમાં વપરાયેલી ગાડી, એ લોકોએ બે કિલોમીટર દૂર છોડી દીધી છે એટલે સ્નીફર ડોગ એનાથી
આગળ જતા નથી.’ સતારા જિલ્લાના ડીજીએ નિરાશ સ્વરમાં કહ્યું. બાબાસાહેબના ચહેરા પર એ સોહામણું સ્મિત
ફરી ધસી આવ્યું.
‘અમે પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ સર, પણ…’ કલેક્ટરના અવાજમાં નિષ્ફળતા સ્પષ્ટ સંભળાતી હતી.
‘130 કરોડની ચોરી છે.’ બાબાસાહેબનો અવાજ સહેજ કડક થયો. એમની શિકારી આંખોમાં ક્યાંક એક
વિચિત્ર ઝનૂન ધસી આવ્યું, ‘બેંકમાં આટલી કેશ છે, મોટામોટા માણસોના લોકર છે એની પૂરી માહિતી સાથે ઘૂસ્યા
હતા આ લોકો. કેટલા માણસ હતા એની પણ ખબર નથી-કરણાર કાય તુમ્હી?’ એમણે અલ્ટિમેટમ આપ્યું, ‘તમારી
પાસે બે દિવસ છે. સાચા ચોર ન મળે તો કોઈને પકડીને પણ કબૂલાત કરાવી લો. મારે મીડિયાને જવાબ આપવાનો
છે.’
એ પછી બીજી વહીવટી ચર્ચાઓ થતી રહી, પણ બાબાસાહેબના મગજમાંથી બેંક રોબરીની વાત એક ક્ષણ
માટે પણ હટી નહીં. બધી ચર્ચાઓ પૂરી થઈ પછી બાબાસાહેબે રૂમમાં જઈને એમના બે સેલફોન ટેબલ પર મૂક્યા.
એમની નાનકડી હેન્ડબેગમાંથી ત્રીજો સેલફોન બહાર કાઢ્યો, એક નંબર લગાડ્યો, ‘દત્તુ.’ એમણે કહ્યું.
‘બોલા સાહેબ.’ સામેથી એક કરડો, ઘસાયેલો અવાજ સંભળાયો.
‘કાય બોલાય ચ?’ બાબાસાહેબના અવાજમાં તલવારની તેજ ધાર હતી, ‘મારો હિસ્સો હજી સુધી મને
પહોંચ્યો નથી.’ એમણે ઉમેર્યું, ‘એકવાર માથા પરથી હાથ લઈ લઈશ તો ભગવાન પણ નહીં બચાવી શકે.’ સામેના છેડે
રહેલો માણસ હસવા લાગ્યો, ‘પહેલીવાર ધંધો કરો છો મારી સાથે?’ એને બાબાસાહેબની બીક નહોતી એવું લાગ્યું,
‘પહોંચાડી જ દઈશ… વાતાવરણ જરા ઠંડું થાય તો રોકડા રૂપિયા લઈને નીકળાય. ચેકિંગ થાય તો તું જ ફસાઈશ.’
આટલા મોટા માણસને ‘તું’ કહીને સંબોધનાર વ્યક્તિ એની ખૂબ નિકટ હશે એ સમજી શકાય એવું હતું. એ માણસે
સાવ નિરાંતમાં કહ્યું, ‘આજ સુધી તારી સાથે બેઈમાની નથી કરી, પછી ઉતાવળો કેમ થાય છે?’
‘બેઈમાની નથી કરી… પણ, તારી ઈમાનદારી પર ભરોસો નથી મને.’ બાબાસાહેબનો અવાજ અચાનક
ગળગળો થઈ ગયો. ચિત્તુને લઈને ગયો હતો તું, ક્યાં મૂકી આવ્યો-એ ક્યાં જતો રહ્યો એ હજી સુધી નથી શોધી શક્યા
આપણે. બાબાસાહેબની કરડાકી, ઈગો, પાવર બધું જ જાણે આ એક નામ બોલતાં બોલતાં મીણની જેમ પીગળી ગયું,
‘ક્યાં છે મારો ચિત્તુ? તારી સાથે ગયો હતો… 13 વર્ષ થયા એ વાતને. એના કોઈ સમાચાર, અતોપતો નથી. કેવી રીતે
ભરોસો કરું તારા પર?’
‘હજાર વાર કહી ચૂક્યો છું તમને. મને હોટેલમાં મૂકીને એ નીકળી ગયો. ગર્લફ્રેન્ડને મળીને આવું છું! કહીને
ગયો હતો. હું રાહ જોતો રહ્યો… એ આવ્યો જ નહીં.’ સેલફોન ઉપર સામેના છેડે રહેલા માણસે જરાક અકળાઈને
કહ્યું, ‘દસ હજાર વાર કહી હશે આ વાત મેં તમને. તુઝા માઝ્યાવર વિશ્વાસ જ નાહી.’
‘કશ કરણાર વિશ્વાસ?’ બાબાસાહેબ ઉશ્કેરાઈ ગયા, ‘ભાઈ હતો મારો… દીકરાથી ય વધારે. તારી સાથે ગયો
હતો અમદાવાદ…’
‘મારી નાખો મને. એક ગોષ્ટ સંપૂ દે. માઝા આણિ તુમચા દોઘાંચા સુટકા કરા…’ ગુસ્સે થઈને એ માણસે ફોન
મૂકી દીધો. બાબાસાહેબ એમના પલંગમાં બેસી પડ્યા. ટેબલ પર પડેલા બે સેલફોનમાંથી એક ફોન ઉપાડીને એમણે
પિક્ચર ગેલેરીમાં જઈને ચિત્તુ ઉર્ફે ચિત્તરંજનના ફોટા જોવા લાગ્યા. આજે પણ એ ફોટા જોતાં એમની આંખોમાં
આંસુ આવ્યાં. ફોટામાં દેખાતા અતિશય હેન્ડસમ, બેફિકર અને સ્ટાઈલિશ યુવાનના ગાલ પર હાથ ફેરવીને એમણે
પૂછ્યું, ‘કુઠે આહેસ તુ, ચિત્તુ? જ્યાં હોય ત્યાંથી પાછો આવ… હું તારી રાહ જોઉ છું.’
*
‘જય અંબે ટી સ્ટોલ’ પર અનંતની તરફ પીઠ કરીને બેઠેલો સની એને કહી રહ્યો હતો, ‘કવર ખોલીને જોઈ
લેજે બ્રો! મેં જોયું ત્યારે મારી ફાટી ગઈ, તું જુએ તો કદાચ તને હાર્ટએટેક આવે…’
‘છે શું?’ અનંતે પણ કાનમાં બ્લૂટુથ ચડાવ્યા. એ પણ જાણે કોઈની સાથે વાત કરતો હોય એવો ડોળ કરવા
લાગ્યો, ‘કમલનાથનું કોઈ સ્કેન્ડલ છે કે પછી…’
એનું વાક્ય પૂરું થાય એ પહેલાં સનીએ કહ્યું, ‘આ રેકોર્ડ્ઝ પોલીસ પાસે છે તો ખરા, પણ એવિડેન્સ તરીકે રજૂ
કરવામાં નહોતા આવ્યા. કોઈક પ્રાઈવેટ ડિટેક્ટિવે પાડેલા ફોટા છે આમાં… સાથે સાથે…’ સનીને લાગ્યું કે કાઉન્ટર પર
બેઠેલો માણસ કેલ્ક્યુલેટર પર હિસાબ કરતો હોવાની એક્ટિંગ કરતાં કરતાં એની સામે જોઈ રહ્યો છે. એ ગભરાયો.
વાત કરતાં કરતાં જ ઊભો થયો, ‘ઓકે સર… મૈં અભી પહોંચતા હું… બીસ મિનિટ સર…’ કહીને એણે ટેબલ પર સો
રૂપિયાની નોટ મૂકી અને કવર જાણે ભૂલી જ ગયો હોય એમ બેધ્યાનપણે વાતો કરતો કરતો ટી સ્ટોલની બહાર નીકળી
ગયો.
બીજી તરફ, અનંત વાતો કરવાની એક્ટિંગ કરતો રહ્યો. પછી પાંચ-દસ મિનિટ રહીને ઊભો થયો. એ કાઉન્ટર
તરફ ગયો, ચાના પૈસા ચૂકવ્યા અને પાછા ફરતાં જાણે અચાનક નજર ગઈ હોય એમ એણે કહ્યું, ‘અરે યે કવર ભૂલ
ગયા…’ કાઉન્ટર પરનો માણસ કે વેઈટર કશું સમજે એ પહેલાં અનંતે કવર ઉપાડી લીધું, એ સનીની પાછળ દોડ્યો,
‘અરે… બ્રો… ઓ મિસ્ટર…’ અનંત દોડતો ‘જય અંબે ટી સ્ટોલ’ની બહાર નીકળીને, એ નાનકડી ગલી વટાવીને મેઈન
રોડ પર આવ્યો, કદાચ કોઈ પીછો કરતું હોય તો એને પણ કવરનો આ કિસ્સો સાચો જ લાગે એ માટે આ બધા સમય
દરમિયાન એણે સનીને શોધવાનો અભિનય ચાલુ રાખ્યો. એણે પાછળ વળીને જોયું, ‘જય અંબે’માં અનંત દાખલ થયો
ત્યારે ટી સ્ટોલની બહાર ઊભો રહીને સિગરેટ પી રહેલો એક માણસ અનંતની પાછળ પાછળ ગલી વટાવીને મુખ્ય
રસ્તા સુધી આવ્યો હતો. ઈન્ટેલિજન્ટ અને શાર્પ અનંતને તરત જ ખ્યાલ આવી ગયો કે આ માણસ સનીનો પીછો
કરી રહ્યો હતો. હવે, મુખ્ય રસ્તા પર આવીને પણ અનંતે આમતેમ જોયું. સની ક્યાંય દેખાયો નહીં. એણે કવર
ખોલીને અંદરથી કોઈ કાર્ડ કે વિગતો શોધતો હોય એવો અભિનય કર્યો. એમાંથી એક વિઝિટિંગ કાર્ડ નીકળ્યું, સનીએ
કહ્યું હતું એમ જ એણે એ કાર્ડ ધ્યાનથી જોયું, પછી ફરી પાછું કવરમાં નાખીને એ ગાડીમાં ગોઠવાઈ ગયો. અત્યાર
સુધીમાં અનંતને બે લીટર પરસેવો થઈ ગયો હતો. એનું આખું શર્ટ, કપાળ, વાળની અંદરના સ્કાલ્પ પણ ભીનાં થઈ
ગયા હતા. એણે આવું કોઈ દિવસ કર્યું નહોતું. ગાડીનું એસી અને ફેન ફૂલ સ્પીડમાં ચાલુ કરીને એ થોડો સમય માટે
ગાડી ચલાવતો રહ્યો. બ્રાઉન પેપરના એ કવરને અડવાની હજી એની હિંમત નહોતી.
એ સીધો ઓફિસે ગયો. પોતાની કેબિનમાં દાખલ થઈને એણે દરવાજો બંધ કર્યો, ફફડતા જીવે એણે એ બ્રાઉન
પેપરનું કવર ખોલ્યું. અંદરથી જાણે સળગતા અંગારા નીકળી પડ્યા હોય એમ અનંત ડઘાઈ ગયો. મોહિનીની સાથે એક
અત્યંત હેન્ડસમ દેખાતા, વેલબિલ્ટ છોકરાના અંગત ફોટા, એફઆઈઆર, અને લાશની સાથે રાધાનો ડીએનએ મેચ
નથી થતો એવી સ્પષ્ટ વિગતો સાથેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ. એટલું ઓછું હોય એમ, ઘરના લોકોના સ્ટેટમેન્ટ્સ જે
એકબીજાથી જુદા પડતા હતા. કોઈકે કહ્યું હતું, માણસ ચોરી માટે ઘૂસ્યો હતો. પદ્મનાભે કહ્યું એ ઊંઘમાં હતો. એને કંઈ
ખબર જ નથી. મોહિનીએ કહ્યું કે, એ અવાજ સાંભળીને જાગી… એને જોનાર એક માત્ર વ્યક્તિ રાધા હતી, એવું
પોલીસ રિપોર્ટ્સમાંથી ફલિત થતું હતું. અનંતને નવાઈ લાગી કારણ કે, જે દિવસે રાત્રે એ માણસ ઘૂસી આવ્યો એના
બીજા દિવસે, એને નજરે જોનાર એક માત્ર વ્યક્તિનું મૃત્યુ થયું… પોલીસ રિપોર્ટમાં સંદિગ્ધ વિગતો હતી.
આત્મહત્યાને અકસ્માત વચ્ચે ક્યાંક સમાધાન શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ફાઈલ એક અઠવાડિયામાં
ક્લોઝ થઈ ગઈ. ન માણસ પકડાયો, કે ન રાધાના મૃત્યુનું સાચું કારણ બહાર આવી શક્યું. અનંતે ઘરમાં ઘૂસી આવેલા
એ માણસનો સ્કેચ જોયો, જે મોહિની સાથેના માણસની તસવીર જોડે થોડો મેચ કરતો હતો.
અનંત ગૂંચવાઈ ગયો. આ બધી વિગતો શામ્ભવીને આપવી કે નહીં, એનો નિર્ણય બહુ અઘરો હતો, પરંતુ
પોલીસ ચોપડે ચઢેલા અને નહીં ચઢેલા આ બધા પુરાવા તપાસતા અનંતને એક વાતની ખાતરી થઈ ગઈ, શામ્ભવી
તદ્દન ખોટી નહોતી, આ કેસને પહેલી નજરે જોતાં જ એમાં ઘણા લુપ હોલ્સ જોઈ શકાતા હતા.
*
જેલમાં મા-દીકરીની મુલાકાત હૃદયસ્પર્શી હતી. રિતુ અગ્રવાલની આંખોમાં પણ આંસુ આવી ગયાં હતાં, ‘હું
આજે સત્ય જાણ્યા વગર અહીંથી જવાની નથી…’ શામ્ભવી જીદે ચડી હતી. રાધા એને સમજાવીને થાકી હતી, પરંતુ
એની કોઈ દલીલ, કોઈ વિનંતી શામ્ભવીને માન્ય નહોતી.
રાધાએ ધીમા અવાજે છેલ્લી વાર કહ્યું, ‘બેટા, હું કમલની પત્ની છું, કમલ એ ઘરના વડીલ છે. ઘરના કોઈપણ
વ્યક્તિની નાનીમોટી ભૂલ થાય કે એના પર મુશ્કેલી આવે તો એને બચાવવાની જવાબદારી મારી અને તારા બાપુની
છે. સમજી લે કે પરિવારમાં એક બહુ મોટી સમસ્યા ઊભી થઈ હતી. કોઈ એકનો ભોગ લેવાશે એવું નક્કી હતું… તારા
બાપુ માટે ડાબી આંખ ફોડવી કે જમણી, એવો પ્રશ્ન હતો.’
‘કોણ?’ શામ્ભવીની ધીરજ ખૂટી ગઈ હતી. એ હવે સમજાવટ કે સ્ટોરી, કશુંય સાંભળવા તૈયાર નહોતી, ‘કોણ
હતું એ?’ એણે પૂછ્યું, ‘જેને બચાવવા માટે તને…’ અત્યંત ચતૂર અને હોંશિયાર છોકરીના મગજનું ડેટા પ્રોસેસિંગ શરૂ
થઈ ચૂક્યું હતું, ‘એક મિનિટ, એક મિનિટ… મોહિની માટે તો બાપુ કંઈ કરે નહીં. હું બહુ નાની હતી. એનો અર્થ એમ
થયો કે, પદ્મકાકા…’ રાધાની આંખો ઝૂકી ગઈ અને શામ્ભવીની આંખો ચમકી ઊઠી, ‘યસ!’ એણે કહ્યું, ‘પદ્મકાકા, ફોર
શ્યોર.’ એનું મગજ વધુ ઝડપથી, વધુ તેજ ચાલવા લાગ્યું, ‘ઘરમાં ઘૂસી આવેલો માણસ એટલે… બાપુનો કોઈ
રાજકીય રાઈવલ?’ રાધા કશું જ બોલ્યા વગર શામ્ભવી સામે જોતી રહી, શામ્ભવી આગળ ને આગળ ઝડપથી
વિચારતી હતી. એણે કહ્યું, ‘પણ રાજકીય રાઈવલ હોય તો પદ્મકાકા શા માટે એને…’ એણે આંખો ઝીણી કરીને પૂછ્યું,
‘મોહિની?’ આ નામ બોલતાં જ એને અડધી રાત્રે સર્વન્ટ ક્વાર્ટરથી પાછી આવતાં પકડાયેલી મોહિનીનો ચહેરો યાદ
આવી ગયો, ‘મોહિનીનો બોયફ્રેન્ડ?’ રાધાએ જવાબ ન આપ્યો, પણ એની આંખો પહોળી થઈ ગઈ, કપાળ પર
પરસેવો વળી ગયો. કપાળ પર પરસેવાના બૂંદ ચમકવા લાગ્યાં, ‘યસ… એ જ!’ કડીમાં કડી ગોઠવાતી જતી હતી.
રાધાએ ન આપ્યા છતાં મળી ગયેલા જવાબના સમર્થન પછી ઉશ્કેરાટમાં ઊભી થઈને આંટા મારી રહેલી શામ્ભવીએ
મા તરફ જોઈને કહ્યું, ‘મોહિનીને મળવા આવ્યો હતો એ માણસ… તેં પકડ્યો… પદ્મકાકાએ એને…’ એણે ડોકું
ધૂણાવ્યું, ‘ઓહ નો! એટલે, એ મરી ગયો… કોણ હતો એ?’
‘પ્લીઝ, બેટા!’ જે સવાલો ઉપર છેલ્લા 13 વર્ષથી વિસ્મૃતિની ધૂળ ચડી ગઈ હતી એ સવાલોના જવાબો
આટલી સરળતાથી શોધી રહેલી દીકરીની બુધ્ધિ પર એક વાર તો રાધાને ગૌરવ થયું, પણ બીજી તરફ એ ડરી ગઈ,
‘અહીં જ અટકી જા.’ એણે બે હાથ જોડ્યા, ‘જે કંઈ થયું એ ભયાનક હતું. હવે તું અહીં નહીં અટકે તો જે કંઈ થશે એ
એનાથી પણ વધારે ભયાનક હશે.’ રાધાની આંખોમાંથી ફરી આંસુ વહેવાં લાગ્યાં, ‘તને કંઈ પણ થશે તો હું જીવી નહીં
શકું.’
‘મને કંઈ નહીં થાય મા… બસ! મને એનું નામ આપી દે.’ શામ્ભવીએ ઉશ્કેરાઈને રાધાને બંને ખભેથી પકડી
લીધી… રિતુએ એને છોડાવે તે પહેલાં ઈન્ટરોગેશન રૂમનો દરવાજો ખૂલ્યો. સોલંકી પ્રવેશ્યો. એની આંખોમાં સમય
પૂરો થઈ ગયાની નોટિસ હતી. રાધા પણ મનોમન ઈચ્છતી હતી કે, હવે આ ચર્ચા અહીં જ પૂરી થઈ જાય તો સારું.
શામ્ભવી જે રીતે સાચા જવાબો શોધીને એક પછી એક પગથિયું ચડી રહી હતી એ રીતે પૂર્ણ સત્ય સુધી પહોંચતા એને
વાર નહીં લાગે, એ ભયથી રાધા ધ્રૂજી ઊઠી હતી. એ ઊભી થઈ ગઈ… સોલંકી બહાર નીકળ્યો, રાધા પણ એની
પાછળ પાછળ ચાલવા લાગી. શામ્ભવીને ભેટ્યા વગર, વહાલ કર્યા વગર રૂમની બહાર નીકળી રહેલી રાધાને પોતાની
પાછળથી શામ્ભવીનો અવાજ સંભળાયો, ‘તું ગમે તેટલું છુપાવ-સત્યની લાશ સપાટી પર આવ્યા વગર રહેશે નહીં. હું
શોધી કાઢીશ કે એ કોણ હતો, હું શોધી કાઢીશ કે તને શા માટે ફસાવવામાં આવી ને કોણે ફસાવી…’
બહાર નીકળતી રાધાએ પાછળ ફરીને જોયું, એની આંખોમાં રહેલી કરુણા, આજીજી અને આંસુના પૂરમાં એ
જાણે બોલ્યા વગર શામ્ભવીને કહી રહી હતી, ‘અટકી જા બેટા… રોકાઈ જા. જે સત્યોને દાટીને અત્યાર સુધી આપણો
પરિવાર સલામત રહી શક્યો છે એ સત્યો જો ખૂલી જશે તો ચૌધરી પરિવારના એક એક સભ્યને માથે મોત તાંડવ
કરશે…’
(ક્રમશઃ)