રક્ત – વિરક્ત | પ્રકરણ – 23

શામ્ભવીને ઈન્ટરોગેશન રૂમમાં છોડીને રાધા હાંફળી-ફાંફળી પોતાના બેરેકમાં પાછી ફરી. શામ્ભવીનું ઝનૂન
જોઈને એ સમજી ગઈ હતી કે, હવે સત્ય શોધ્યા વગર એની દીકરી જંપવાની નથી. એ સાચે જ ડરી ગઈ હતી. જે
દિવસે શામ્ભવી સત્ય સુધી પહોંચી જશે એ દિવસે સત્યનો રાક્ષસ એની દીકરીને ગળી જશે એ વિચાર માત્રથી રાધા
ધ્રૂજી ઊઠી હતી.
બેરેકમાં જઈને એ પોતાના નાનકડા બિછાના પર આડી પડી ગઈ. આંખો મીંચીને એ ઈશ્વરનું નામ લેતી રહી.
એ રાત્રે બનેલી ઘટનાના ફ્લેસિઝ કોઈ ફિલ્મના ટ્રેલરની જેમ એની આંખ સામે ઘડી ઘડી દેખાતા રહ્યા.
એ અંધારી રાત, ઘરમાં દાખલ થયેલો એ માણસ-રૂમની છત પર કોઈના પગલાંનો અવાજ સાંભળીને પોતે
છત પર પહોંચી ત્યારે એણે જોયેલું દ્રશ્ય… અને એ પછી… ઉફ! રાધા એનાથી આગળ યાદ કરી શકી નહીં.
કમલનાથને આ બધું જણાવવાનો અર્થ નહોતો, પરંતુ શામ્ભવીને આગળ વધતી રોકવી પડે, શું કરવું એ રાધાને
સમજાયું નહીં!
એણે જેલ ટ્રાન્સફરની અરજી આપી હતી, જો પોતે અહીંથી ચાલી જાય તો કદાચ, શામ્ભવીનું ઝનૂન ઘટી
જાય… એમ વિચારીને એણે સોલંકીને ફરી સિફારિશ કરી… આંખો મીંચીને પડેલી રાધા એ જ્યારે આંખ ઊઘાડી ત્યારે
સોમી એની બાજુમાં બેઠી હતી. એને એકીટસે જોઈ રહી હતી. રાધા સહેજ ઝંખવાઈ ગઈ. એણે ફિક્કુ સ્મિત કરવાનો
પ્રયાસ કર્યો, પણ સોમીએ એને પકડી પાડી, ‘તારી દીકરી સામે બધું ઊઘડી ગયું છે, ખરું ને? એ હવે તને કોઈપણ રીતે
બહાર કાઢવા માગે છે…’
રાધાએ ગભરાઈને સોમીનો હાથ પકડી લીધો, ‘સોમી એ નથી જાણતી કે જે માણસ એ રાત્રે મરી ગયો એના
વિશે હજી કોઈને ખબર નથી. એનું ખૂન મારા હાથે થયું છે એ વાત પણ જો ક્યાંક પહોંચી જશે તો… કમલે મને
જીવતી રાખવા માટે આ ચાર દિવાલોમાં કેદ કરી છે. જે દિવસે એ વાત બહાર પડશે એ દિવસે હું તો મરીશ જ, પણ
ચૌધરી પરિવારની કોઈ વ્યક્તિ જીવતી નહીં રહે…’ રાધા રડવા લાગી, ‘મારી દીકરી સત્ય શોધવા નીકળી છે, પણ સત્ય
ખૂબ કડવું છે, ભયાનક છે.’ એ ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી હતી. સોમી હળવે હાથે એની પીઠ પર હાથ પસવારવા લાગી.
રાધા બોલતી રહી, ‘નથી જોઈતું મારે સત્ય, નથી નીકળવું મારે બહાર… હું અહીં જ સલામત છું. મારો પરિવાર ત્યાં
સુધી જ સલામત છે જ્યાં સુધી હું અહીં છું…’
‘હું હમજું છું, બુન પણ હવ એ છોડી કોઈને ગાંઠે એમ નથ. એ ધાર્યું જ કરશે અને હાચું કહું? ભગવોને ઈને
ન્યાય કરવા જ મોકલી છે… હવ તાર બહાર નીકળવાનો ટેમ થઈ ગયો. ઈ તને કાઢશે… કોઈનું કંઈ નુકસાન નહીં થાય.
મારું મન કહે છે કે એ છોકરી તમારા પરિવારને બચાવશે…’
રાધાએ ડૂસકા ભરતાં કહ્યું, ‘તું સમજતી નથી, સોમી. એ માણસ…’
‘અરે! ચ્યોરની એ માણસ, એ માણસ કર્યા કરે છે. છે કોણ એ માણસ?’ સોમીએ પૂછ્યું.
‘રાજકારણમાં પહોંચ છે એની. અંડરવર્લ્ડમાં જબરજસ્ત કનેક્શન્સ છે. રાક્ષસ છે એ. જે મર્યો છે એ એનો
સગો ભાઈ હતો. એ રાક્ષસ જાણતો નથી કે એનો ભાઈ મરી ગયો છે. એ હજી એને શોધતો હશે…’ રાધા આટલું કહેતાં
કહેતાં તો ધ્રૂજવા લાગી, ‘એને ખબર પડશે કે એનો ભાઈ મરી ગયો છે તો એ તબાહી લાવશે…’
‘ખબર તો પડશે ને? આજે નહીં તો કાલે…’ સોમીએ કહ્યું.
‘હું નથી ઈચ્છતી કે શામ્ભવી આમાં…’ રાધા આખેઆખી ધ્રૂજતી હતી, એનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ
ગયું હતું, ‘મારી દીકરી મૂરખ છે.’

‘ના, બહાદુર સ. હિંમતવાળી સ.’ સોમીએ કહ્યું, ‘તું તારે ચિંતા મૂકી દે. ભગવોનનું નોમ લે ને ઈને હિંમત
આલ. ઈ તારી હિંમતે લડી શકશે. તું જ પોણીમાં બેસી જઈશ તો ઈ ચ્યમની લડશે?’ એ પછી ક્યાંય સુધી સોમી
ધીરજથી રાધાને સમજાવતી રહી, પણ રાધાના ગળે સોમીની વાત ઉતરતી નહોતી.

*

બ્રાઉન પેપરમાંથી નીકળેલા પુરાવાએ અનંતને હચમચાવી નાખ્યો હતો. આ બધી વિગતો શામ્ભવીને આપવી
કે નહીં, એનો નિર્ણય અનંત કરી શકતો નહોતો, પરંતુ આ પુરાવા એવા સ્ફોટક હતા, એવા ભયાનક હતા કે એ બધા
કાગળો અને ફોટા જોયા પછી અનંતને લાગ્યું કે, આ બધું શામ્ભવીને ન આપે તો પોતે ક્યાંક એની સાથે અન્યાય કરી
બેસશે. એણે ઊંડા શ્વાસ લઈને પોતાની જાતને સંયત કરી, પછી શામ્ભવીને ફોન લગાવ્યો.
જેલમાંથી નીકળીને શામ્ભવી ઘેર પહોંચી ગઈ હતી. એનું મગજ ચકરાવે ચડ્યું હતું, કોણ હોઈ શકે મોહિનીનો
બોયફ્રેન્ડ, એવું કોણ હોઈ શકે જેનાથી ચૌધરી પરિવારે ડરવું પડે? એના પિતાનો પાવર અને એમની પહોંચ શામ્ભવી
જાણતી હતી. એ પછી જો રાધા આટલું બધું ડરતી હતી, રાધાને બચાવવા માટે એણે જેલની ચાર દિવાલમાં છુપાવીને
રાખવી પડી હતી-તો, એ માણસ કેટલો પાવરફૂલ હશે એ વાત શામ્ભવી સમજવા લાગી હતી. માના મૃત્યુનું નાટક
કરવું પડે, એટલે રાધાના જીવને કેટલું જોખમ હશે એનો અંદાજ હવે શામ્ભવી લગાવી શકતી હતી. તેમ છતાં, એની
હિંમત તૂટી નહોતી, બલ્કે એણે વધુ ઝનૂનથી, વધુ બુધ્ધિ અને ગણતરીપૂર્વક એ માણસનો સામનો કરવાની તૈયારી
કરવા માંડી હતી.
કમલનાથને કંઈ પૂછવાનો મતલબ નહોતો, કારણ કે એ પોતાને ક્યારેય સત્ય કહેશે નહીં એટલું તો શામ્ભવી
સમજી શકતી હતી… એ મોહિનીના બધા કચ્ચા ચિઠ્ઠા, મનોમન ઉથલાવતી, ગણતરીઓ કરતી બેઠી હતી ત્યાં જ
અનંતના ફોનની રિંગ વાગી. ફોન ઉપાડવો કે નહીં એનો નિર્ણય કરવામાં થોડી સેકન્ડ વિતી ગઈ, પછી શામ્ભવીએ
ફોન રિસીવ કર્યો, ‘શામ્ભવી! તેં મારી પાસે જે માંગ્યું હતું એ મળી ગયું છે.’ અનંતે કહ્યું, શામ્ભવી આગળ બોલે એ
પહેલાં એણે ઉમેર્યું, ‘કંઈ પૂછતી નહીં. સપ્રાઈઝ છે.’
‘વ્હોટ સપ્રાઈઝ?’ શામ્ભવી અત્યારે કોઈ રોમેન્સના મૂડમાં નહોતી.
‘તેં મને શું કામ સોંપ્યું હતું? પેલી એક વસ્તુ લાવવાનું…’ અનંત કહી રહ્યો હતો, ‘તેં બહુ શોધી પણ, તને ના
મળી! શિવ પણ ન શોધી શક્યો… પછી મેં તને કહ્યું હતું કે, હું તને લાવી આપીશ… આપણે રિતુને મળ્યા હતા, એ જ
વસ્તુ માટે…’ અનંત બહુ સાચવીને એક એક શબ્દ વિચારીને બોલી રહ્યો હતો. કદાચ, આ ફોન કોઈ ટેપ કરતું હોય
કદાચ, શામ્ભવીના ફોન પર કોઈની નજર હોય તો એમની વાતચીતમાંથી કોઈ લિન્ક ના મળે એવી કાળજી સાથે એણે
શામ્ભવીને સમજાવવાનો પ્રયાસ કર્યો.
શામ્ભવી સમજી ગઈ, ‘ઓહ! તને મળી ગયું? પ્લીઝ… મને ક્યારે આપીશ?’ એણે ખુશ થવાનો અભિનય
કર્યો.
‘આજે સાંજે.’ અનંતે કહ્યું, ‘હું તને આઠ વાગ્યે પિક કરીશ. ડિનર એન્ડ સપ્રાઈઝ. ડન?’ એણે પૂછ્યું.
‘બિલકુલ… ડન!’ શામ્ભવીએ કહ્યું, ‘હું સપ્રાઈઝ માટે વેઈટ નથી કરી શકતી.’
‘સી યુ.’ કહીને અનંતે ફોન મૂકી દીધો. શામ્ભવી સમજી ગઈ કે અનંત એવું કંઈક લઈ આવ્યો હતો જેનાથી
એના કેસને મદદ મળે.

*

એ દિવસની પ્રેસ કોન્ફરન્સમાં દત્તાત્રેય શંકરરાવ મોહિતે, મહારાષ્ટ્રના હોમ મિનિસ્ટરે જાહેરાત કરી દીધી કે
સતારા બેંક રોબરીના આરોપીઓને પકડી પાડ્યા છે એટલું જ નહીં, પૂરતા પુરાવા અને એમની કબૂલાત સાથે એમને
ફરીથી પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવશે. બીજા દિવસની હેડલાઈન્સ મેળવીને સતારાના-મહારાષ્ટ્રના અને
નેશનલ મીડિયાના લોકો ગેલમાં આવી ગયા. એ વખતે પૂછાયેલા પ્રશ્નોના ‘બાબાસાહેબ’ ચાલાકીથી જવાબો આપતા
રહ્યા. એમણે વધારાની કોઈપણ માહિતી આપવાનું ટાળ્યું કારણ કે, એમની પાસે કોઈ માહિતી જ નહોતી!

એમણે જિલ્લાના પોલીસ વડાને તાકીદ કરી દીધી હતી કે, આરોપી ન પકડાય તો ગમે તેને પકડીને કબૂલાત
કરાવી લેવી. હવે પોલીસ કર્મચારીઓ હરકતમાં આવ્યા હતા. સતારા જિલ્લામાં 2011 સુધી મુસ્લિમોની વસતી ઘણી
વધારે હતી, પરંતુ ધીમે ધીમે બાબાસાહેબ જેવા હિન્દુ નેતાઓએ પોતાનો પાવર વધારીને એમને માટે જીવન મુશ્કેલ
કરી નાખ્યું. એક સર્વે મુજબ હવે સતારામાં 4.49 ટકાથી વધારે મુસ્લિમો નથી રહ્યા. જે રહ્યા છે એ બધા પુસેસાવલી,
ગુરુવર પીઠ, ખાટગુન, બુધવાર પેઠ મલ્હાર પેઠ, ન્યુ રાધિકા રોડ શુક્રવાર પેઠ, ભવાની પેઠ, સુરુર, સદર બજાર જેવા
વિસ્તારોમાં વહેંચાઈ ગયા છે. બાબાસાહેબે ‘જે મળે તેને શોધીને’ કબૂલાત કરાવવાની સૂચના આપી એટલે સતારા
પોલીસ માટે નક્કી જ થઈ ગયું કે, આ બધા મુસ્લિમ વિસ્તારોમાંથી માણસોને પકડીને કબૂલાત કરાવવાની છે.
પોલીસની ટુકડીઓ છૂટી છૂટી નીકળી પડી. એ સાંજ, અને મોડી રાત સુધી સતારાના મુસ્લિમ વિસ્તારોમાં કોમ્બિંગ
ચાલ્યું. સાત-આઠ હિસ્ટ્રી શીટર્સને પકડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા.
બીજા દિવસની સવાર સુધીમાં તો એ લોકો બેંક રોબરીનો ગુનો કબૂલ કરી લેશે એવા આત્મવિશ્વાસ સાથે
પોલીસ વડા અને બીજા ચુનંદા અધિકારીઓ સાથે બાબાસાહેબ મહેફિલ માણી રહ્યા હતા. એમનો ભાઈ ચિત્તુ-
ચિત્તરંજન ખોવાયો, ત્યારથી બાબાસાહેબે શરાબ અને નોનવેજની બાધા લીધી હતી. ભાઈ ન મળે ત્યાં સુધી
બાબાસાહેબ તો શરાબ પીવાના નહોતા, પરંતુ સતારાના પોલીસ અધિકારીઓ, લોકલ એમએલએ અને પક્ષના દબંગ
કાર્યકર્તાઓને પાર્ટી આપવામાં બાબાસાહેબને કોઈ વાંધો નહોતો…
પાર્ટી પૂરજોશમાં ચાલી રહી હતી. લાવણી ડાન્સર્સને બોલાવવામાં આવી હતી. સતારાના જ એક
ઉદ્યોગપતિના ફાર્મ હાઉસમાં કાન ફાડી નાખે એવા સંગીત સાથે લાવણી સિંગર ગાઈ રહી હતી, ‘અપ્સરા આલી
ઈંદ્રપુરીતુન ખાલી,
પસરલી લાલી, રત્નપ્રભા તનૂ લ્યાલી
તી હસલી ગાલી ચાંદની રંગમહાલી
અપ્સરા આલી પુનવચાંદનં ન્હાલી.’ મહારાષ્ટ્રમાં જેનું નામ પડે ને લોકોના માથા ઝૂકી જાય એવા અફસર અને
રાજકારણીઓ લાવણી નાચી રહેલી સ્ત્રીઓ પાછળ ગાંડા કાઢતા હતા ત્યારે બાબાસાહેબ એમના ભાઈના વિચારોમાં
ખોવાયેલા હતા. એક માણસ આ ભીડમાં ચૂપચાપ સરકીને બાબાસાહેબની પાસે, એમના પગની નજીક બેસી ગયો.
બાબાસાહેબનું ધ્યાન એના તરફ ગયું, પરંતુ જાણે એને જોયો જ ન હોય એમ બાબાસાહેબ સામે ચાલી રહેલું નૃત્ય
અને એમાં ઘેલાં કાઢી રહેલા આધેડ પુરુષોને જોતા રહ્યા. બાજુમાં બેઠેલા માણસે ધીમેથી કહ્યું, ‘અમારા માણસોને
પકડ્યા છે.’
‘હંમમ્.’ બાબાસાહેબે એની સામે જોયા વગર હોંકારો ભણ્યો.
‘આ નહીં ચાલે.’ એણે ઉશ્કેરાટમાં કહ્યું, ‘અમે તમારે માટે જીવ જોખમમાં નાખીએ ને તમે…’
‘કોઈને તો પકડવા પડે ને?’ બાબાસાહેબના ચહેરા પર ક્રૂર સ્મિત હતું.
‘પણ, અમારા માણસો…’ બાબાસાહેબના પગમાં બેઠેલા માણસે આજીજીપૂર્વક બાબાસાહેબ તરફ જોયું, ‘દર
વખતે અમારા માણસોને પકડીને એમની પાસે ગુનો કબૂલાવવામાં આવે છે… કેમ જાણે અમારી કોમના લોકો જ…’
‘શશશ…’ બાબાસાહેબે હોઠ પર આંગળી મૂકી, ‘ચાર-પાંચ જણાંની કુરબાનીથી જો તને 25 કરોડ મળતા હોય
તો સોદો ખોટો નથી.’
‘ભાડમાં જાય, 25 કરોડ.’ આટલું સાંભળતાં જ બાબાસાહેબની આંખો બદલાઈ ગઈ. સામેની તરફ જોઈ
રહેલા એ માણસને બાબાસાહેબનો બદલાયેલો મિજાજ હજી દેખાયો નહોતો. એ તો એમના તરફ જોયા વગર બોલી
રહ્યો હતો, ‘મારો ભાઈ પકડાયો છે. હું જાણું છું કે એ છોકરાએ કંઈ નથી કર્યું. મારો બનેવી, મારા દીકરાને ઉઠાવી ગયા
છે. એને છોડાવી દો…’
‘મારા ભાઈને પણ તું જ લઈ ગયો હતો. 13 વર્ષથી પત્તો નથી એનો. તું મારો ભાઈ લાવી આપ. હું તારો
ભાઈ પાછો આપીશ.’ બાબાસાહેબે કહ્યું, ‘ક્યારનો મારી નાખ્યો હોત તને, પણ તું જ જાણે છે કે એ ક્યાં છે…
મજબૂરી છે મારી.’ બાબાસાહેબે જાણે આખરી નિર્ણય લઈ લીધો હતો આજે, ‘તું અમદાવાદ જા. એને શોધી આવ.
બાકી તારા આખા પરિવારને ખતમ કરી નાખતા મને વાર નહીં લાગે.’
‘13 વર્ષથી શોધી રહ્યો છું એને…’ અત્યાર સુધી ઉશ્કેરાયેલો લાગતો માણસ અચાનક ગરીબડો થઈ ગયો, ‘તમે
તો જાણો છો.’
મોટા અવાજે વાગતા ગીતમાં એમના શબ્દો દબાઈ જતા હતા, પરંતુ બાબાસાહેબે એમનો ડાબો હાથ
બાજુમાં, પગ પાસે મૂકેલા માણસની ગરદન પર કસ્યો, એમના પહોળા પંજામાં એ માણસની ગરદન ભીંસાઈ ગઈ,
‘ના, તું શોધતો નથી એને.’ બાબાસાહેબનો અવાજ કોઈ જલ્લાદ જેવો ક્રૂર અને ઠંડો થઈ ગયો હતો, ‘શોધતો હોત તો
અત્યાર સુધીમાં મળી ગયો હોત.’ એમણે આખરી હુકમ ઉચ્ચાર્યો, ‘હવે જો દસ દિવસમાં મારા ભાઈની પાકી ભાળ
નહીં મળે તો આ બેંક રોબરીના કેસમાં તને પણ અંદર કરાવી દઈશ.’
‘દસ દિવસ? તેર-તેર વર્ષથી જેનો પત્તો નથી, એને દસ દિવસમાં ક્યાંથી શોધું?’ એ માણસે બાબાસાહેબના
પગ દબાવવા માંડ્યા, ‘અત્યાર સુધી તો તમે કોઈ દિવસ આવું નથી કર્યું. અચાનક શું થઈ ગયું છે તમને?’
‘ભૂત ભરાયું છે.’ બાબાસાહેબે કહ્યું, ‘મારો ભાઈ જોઈએ મારે. દસ દિવસમાં મારા ભાઈનો પત્તો લઈને આવ,
બસ! મારે કંઈ નથી સાંભળવું. તારા ભાઈને છોડાવવો હોય ને તારે જીવતા રહેવું હોય તો તારી પાસે દસ દિવસ છે…
જ્યાં ખોયો હતો ત્યાંથી તપાસ શરૂ કર… જા, અમદાવાદ જા!’
બાબાસાહેબના પગ પાસે બેઠેલો એ માણસ હવે સમજ્યો, કે બેંક રોબરી તો એક બહાનું હતું. એના આખા
પરિવારને ફસાવીને દત્તાત્રેય શંકરરાવ મોહિતે નામનો આ પાવરફૂલ માણસ એવી સ્થિતિ ઊભી કરવા માગતો હતો
જેમાં પોતે ફસાય, અને એના ભાઈને શોધવાની એને ફરજ પડે. બાબાસાહેબને બે હાથ જોડીને એ માણસ ઊભો
થયો, સામે હજીયે નાચ ચાલી રહ્યો હતો. ઓફિસર્સ, રાજકારણીઓ શર્ટ કાઢીને શરાબના ગ્લાસ લઈને બિભત્સ રીતે
નાચી રહ્યા હતા. એ દ્રશ્ય તરફ નજર નાખીને એ માણસ ફાર્મ હાઉસના મુખ્ય દરવાજાથી બહાર નીકળીને પોતાની
મોટર સાયકલ લઈને લોખંડના ગેટની બહાર નીકળી ગયો.
*

અનંતે એ સાંજે શામ્ભવીને પિકઅપ કરી ત્યાં સુધીમાં એની ધીરજ ખૂટી ગઈ હતી. પોતાની આસપાસની
લગભગ દરેક વ્યક્તિને શામ્ભવી સ્કેન કરી ચૂકી હતી. એ જેવી ગાડીમાં બેઠી કે તરત જ એણે અનંતને કહ્યું, ‘લાવ.’
અનંત એની અધિરાઈ સમજતો હતો, એણે પણ બીજી કોઈ વાત કર્યા વગર સનીએ આપેલું બ્રાઉન પેપરનું
કવર શામ્ભવીના હાથમાં પકડાવી દીધું. કવરમાંથી નીકળેલા કાગળો, રિપોર્ટ્સ અને ફોટા જોતાં જ શામ્ભવીનું મગજ
ફાટફાટ થવા લાગ્યું, ‘મને ખાતરી હતી કે, આમાં મોહિની સિવાય બીજા કોઈનો હાથ નહીં હોય. એ જ છે, સાલી!’
એણે અનંતની સામે જોયું ત્યારે એની આંખોમાં લાલ નસો ઉપસી આવી હતી, ‘હું આજે જ ઘરે જઈને…’
અનંતે એને વચ્ચે જ રોકી દીધી, ‘જરાક પણ ગંધ નહીં આવવા દેતી કોઈને. તું કંઈ પણ જાણે છે એવી ખબર
પડશે તો બધા સાવધ થઈ જશે. શાંત રહીને તપાસ કરવી પડશે. સૌથી પહેલાં તો આ માણસ કોણ છે એની તપાસ
કરવી પડશે. મેં સનીને કહ્યું છે, ફોટા પરથી એ શોધી કાઢશે. બીજું, એ રાત્રે શું થયું હતું એની પૂરી વિગતો ન મળે ત્યાં
સુધી આપણે કોઈ કન્ક્લ્યુઝન પર ન પહોંચી શકીએ. ખૂન પદ્મનાભે કર્યું, તારી મમ્મીથી થયું કે મોહિનીએ જ… કોને
ખબર!’ અનંતે ઊંડો શ્વાસ લઈને ઉમેર્યું, ‘કદાચ, કમલ અંકલે પણ…’ એણે વાક્ય અધૂરું છોડ્યું, પણ શામ્ભવી આખી
વાત બરાબર સમજી ગઈ. અત્યારે ઉશ્કેરાઈને ઘરમાં તમાશો કરવાનો કોઈ અર્થ નહોતો. એકાદ છેડો પણ હાથ લાગે તો
જ આ ગાંઠ ઉકેલી શકાય એમ હતી.
એ પછી મોડી રાત સુધી શામ્ભવી અને અનંત એકબીજા સાથે આ પરિસ્થિતિમાં કંઈ રીતે આગળ વધવું એની
સ્ટ્રેટેજી વિશે વાત કરતાં રહ્યા. લગ્ન, રોમેન્સ, પ્રેમ જેવી કોઈ વાત એ રાત્રે એમને માટે મહત્વની નહોતી. અનંત
જ્યારે શામ્ભવીને એના ઘેર ઉતારીને પાછો ગયો ત્યારે ઘરમાં પ્રવેશી રહેલી શામ્ભવીને જોઈને કમલનાથના ચહેરા પર
સ્મિત આવી ગયું. શામ્ભવી ધીમે ધીમે અનંતની નજીક જઈ રહી છે એ કમલનાથ માટે સારા એંધાણ હતા! બીજી
તરફ, ગાર્ડનના ગઝીબોના અંધારામાં બેઠેલી મોહિનીએ પણ શામ્ભવીને ઘરે આવતા જોઈ. કમલનાથની નજર પડી
હોય કે નહીં, મોહિનીની બાજ નજરથી એ બ્રાઉન પેપરનું કવર છૂપાઈ શક્યું નહીં. અનંતને મળવા ગયેલી શામ્ભવી
ફૂલ, ગિફ્ટ કે ચોકલેટના પેકેટને બદલે આવું બ્રાઉન પેપરનું કવર લઈને પાછી ફરી… એ જોઈને મોહિનીનું મગજ કામે
લાગી ગયું.
એ રાત્રે શામ્ભવી પોતાના રૂમમાં વારેવારે એ કાગળો, ફોટા, પોલીસ રિપોર્ટ અને પોસ્ટમોર્ટમના રિપોર્ટની
વિગતો તપાસતી રહી.

*

સફેદ પઠાણી પહેરીને એક માણસ સતારા શહેરની બહાર નીકળ્યો ત્યારે પૂર્વમાં સૂરજ ઊગવાની તૈયારી હતી.
આખી રાત નાચીને થાકેલા અફસરો, રાજકારણીઓ, પક્ષના કાર્યકરો પોતપોતાના ઘેર પહોંચીને ઊંઘવાની તૈયારી કરતા
હતા, જ્યારે બાબાસાહેબ નાહી-ધોઈ, અગરબત્તી કરીને સતારા એરપોર્ટ ઉપર પ્રાઈવેટ જેટમાં બેસવાની તૈયારી કરી
રહ્યા હતા.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *