હજી તો શામ્ભવી હમણાં જ ઘરમાં દાખલ થઈ હતી. ચાર વર્ષે ઘેર પાછી ફરેલી દીકરી સાથે સરખી વાતચીત
શરૂ થાય એ પહેલાં જ બાપ-દીકરી વચ્ચે ચકમક ઝરી ગઈ. શામ્ભવીએ પોતાના ભવિષ્યના પ્લાન વિશે ચર્ચા શરૂ કરી
એ પહેલાં તો કમલનાથે એની વાત કાપી નાખી…
ડાઈનિંગ રૂમમાંથી નીકળેલી શામ્ભવી સડસડાટ પગથિયાં ચડીને પોતાના રૂમમાં ગઈ. હજી ત્યાં મૂકેલી બેગ્સ
પર બેગેજ ટેગ્સ અને બિઝનેસ ક્લાસનો ‘પ્રાયોરિટી’ ટેગ પણ કાઢવાનો બાકી હતો ત્યાં તો શામ્ભવીએ પોતાનું
વોર્ડરોબ ખોલીને એમાંથી એક બીજું ટોપ બહાર કાઢ્યું. લૂઝ લીનનનું પેન્ટ કાઢીને પલંગ પર ફેંક્યું. કપડાં ઉતારીને એ
બાથરૂમમાં જઈને શાવર નીચે ઊભી રહી. એનું મગજ ફાટફાટ થતું હતું. કમલનાથે આજે જે રીતે એની સાથે વાત કરી
હતી એ સૂરમાં અને એ કડકાઈથી આજ પહેલાં ક્યારેય વાત નહોતી કરી. શામ્ભવીને સમજાયું નહીં કે એને જેલમાં
કામ કરવાની વાત કરીને એવો તે કયો મોટો ગુનો કરી નાખ્યો હતો! નાહીને તૈયાર થઈને શામ્ભવી વાળમાં બ્રશ ફેરવીને
સડસડાટ પગથિયાં ઉતરી.
‘અત્યારે ક્યાં જાય છે?’ ડ્રોઈંગ રૂમમાં બેસીને કોઈની સાથે ફોન પર વાત કરી રહેલી મોહિનીએ ફોન ચાલુ
રાખીને જ પૂછ્યું.
‘બહાર.’ શામ્ભવીએ જવાબ આપ્યો.
‘અગિયાર વાગવા આવ્યા છે…’ મોહિનીએ કહ્યું, ‘મોટાજીને ખબર પડશે તો…’
‘તો?’ શામ્ભવીએ ખભા ઉલાળ્યા, ‘તો શું?’ કહીને એ મુખ્ય દરવાજાની બહાર નીકળી ગઈ. સડસડાટ
પગથિયાં ઉતરીને પોર્ચમાં આવી. બંને તરફ ઊભેલા ગાર્ડ્ઝ શામ્ભવીને જોઈને થોડા સચેત થયા, પણ એ તો બેફીકર,
બેદરકાર ગેટ તરફ ચાલવા લાગી.
એ ગેટ પર આવી કે તરત લોખંડનો ગેટ ઈલેક્ટ્રોનિકલી ખૂલ્યો. શામ્ભવી બહાર નીકળી. એ ગુસ્સામાં હતી.
બહાર શિવની ગાડી ઊભી હતી. દરવાજો ખોલીને શામ્ભવી એમાં બેસી ગઈ. એક અક્ષર બોલ્યા વગર શિવે ગાડી
ડ્રાઈવ મોડમાં નાખીને આગળ લીધી. શામ્ભવીએ પગમાં પહેરેલા ચપ્પલ કાઢીને પલાંઠી વાળી દીધી, ‘સમજે છે શું
એમના મનમાં?’
‘મને હતું જ!’ શિવે ગાડી ચલાવતાં, શામ્ભવી તરફ જોયા વગર કહ્યું, ‘તું સીધી મારી પાસે આવી ત્યારે જ…’
‘અરે! તારા લીધે કંઈ નથી થયું.’ શામ્ભવીએ વધુ ઉશ્કેરાટ સાથે શિવ તરફ જોયું, ‘એમને મારા પીએચડી કરવા
સામે વાંધો છે. જેલમાં કામ કરવા સામે વાંધો છે.’ કહીને શામ્ભવીએ એક મુક્કો શિવની સીટ પર ફટકાર્યો, ‘એમાં પેલી
મોહિની! બરાબર લાગ જોઈને બળતામાં ઘી હોમે છે.’ કહીને એણે ચાળા પાડ્યા, ‘ધામધૂમથી લગ્ન કરીશું…’
‘તારો પ્રોબ્લેમ શું છે? બાપુ, મોહિની કે લગ્ન?’ શિવના ગાલમાં ખંજન પડ્યા.
હવે મુક્કો એની સીટ પર નહીં, એના બાવડામાં વાગ્યો, ‘એક વાત સમજી લે, શિવલા… હું પીએચડી કરીશ.
ક્રિમિનલ સાયકોલોજીમાં જ કરીશ… અને હા, જેલમાં કામ કરવાના મારા સપનાંને તારે પૂરું કરવાનું છે.’
‘હેં?!?’ શિવથી લગભગ બ્રેક મરાઈ ગઈ.
‘હેં શું? હા કહે…’ શામ્ભવીએ બીજો એક મુક્કો ઉગામ્યો, ‘મીડિયામાં કામ કરે છે, પ્રાઈમ ટાઈમ શો કરે છે.
આટલી ઓળખાણ છે તારી, મારે શું કામનું?’
‘અરે, પણ…’ શિવને ફરી એકવાર કંઈક ભયાનક બનવાનું છે એવો અંદેશો આવી ગયો.
‘તું મને જેલમાં લઈ જઈશ કે નહીં?’ શામ્ભવીએ પૂછ્યું. એનો મુક્કો હજી ઉગામેલો હતો. આંખોમાં ધમકી
હતી અને ચહેરા પર ગુસ્સો.
‘હું તને જેલમાં લઈ જઈશ કે નહીં એની મને ખબર નથી, પણ તું મને એક દિવસ જેલ ભેગો કરીશ એની મને
ખાતરી છે.’ શિવના ગાલમાં ખંજન પડતા હતા. એ ખડખડાટ હસી પડ્યો.
‘મારે અમદાવાદની જેલ જોવી છે.’ શામ્ભવીએ કહ્યું, ‘કાલે!’
‘આ કોઈ સિનેમા નથી, ઝૂ નથી…’ શિવ જરા ગંભીર થઈ ગયો, ‘એને માટે અરજી કરવી પડે, કારણ આપવું
પડે. તારા આઈડી અને બીજી વિગતોની તપાસ થાય. પછી રજા મળે તો મળે.’ એ થોડીક ક્ષણ ચૂપ રહ્યો, પછી એણે
કહી જ નાખ્યું, ‘આપણે અરજી કરીએ એટલે તરત જ તારા બાપુને ખબર પડ્યા વિના નહીં રહે. એમનું નેટવર્ક સ્ટ્રોંગ
છે.’
‘તો અરજી-ફરજી કર્યા વગર લઈ જા…’ શામ્ભવીએ દાદાગીરી કરી.
‘આ જેલ છે. મારા બાપનો બગીચો નથી કે આંટો મારવા નીકળી જઈએ.’ શિવ અકળાયો.
‘હું કંઈ જાણું નહીં. મારે આવતીકાલે સવારે જેલ જવું છે.’ શામ્ભવીએ કહ્યું.
‘ગાડી ઠોકીએ, બે-ચાર જણાંને મારીએ અને નહીં તો થોડો બિયર પીએ… કોઈને કોઈ તો લઈ જ જશે.’
હસતાં હસતાં શિવે કહ્યું, ‘જેલ!’
‘શિવ! આઈ એમ સીરિયસ.’ શામ્ભવીએ હાથ લંબાવીને શિવનો કોલર પકડ્યો, એને હચમચાવ્યો, ‘તું ગમે
એમ કરીને મને જેલ જોવા લઈ જાય છે.’ કહીને એણે શિવને થોડો ધક્કો માર્યો, ‘કાલે.’
એ પછી બંને જણાંએ એમની ફેવરિટ જગ્યાએ જઈને ચા પીધી, મોડી રાત સુધી શહેરના રસ્તાઓ ઉપર
રખડતા રહ્યા. શિવે શામ્ભવીને એના ઘેર ઉતારી ત્યારે રાતના પોણા બે થયા હતા.
ગુસ્સે થઈને ડાઈનિંગ રૂમમાંથી બહાર નીકળી ગયા પછી કમલનાથને લાગ્યું કે એમણે થોડી ઉતાવળ કરી
નાખી હતી. કારણ વગર ઉશ્કેરાઈને શામ્ભવી સાથે દલીલબાજીમાં ઉતરવાને બદલે જો એની સાથે શાંતિથી, પ્રેમથી
વાત થઈ શકી હોત. એમને બરાબર ખબર હતી કે શામ્ભવી એમની જ દીકરી હતી. જીદ અને ઝનૂન શામ્ભવીએ
એમની પાસેથી વારસામાં લીધા હતા. ચાર વર્ષે ઘરે આવેલી દીકરી સાથે જે રીતે ચકમક ઝરી એ પછી કમલનાથ જરા
ઉદાસ થઈ ગયા હતા. પોતાના રૂમમાં જઈને બાથરૂમમાં હાથ ધોતી વખતે સામેના મોટા ચમકદાર અરીસામાં
કમલનાથે પોતાનો ચહેરો જોયો. આઈનાની આજુબાજુ એલઈડી લગાવેલી હતી જેથી ચહેરા પર બરાબર પ્રકાશ પડે.
પોતાનો લાઈટમાં ચમકતો શ્યામવર્ણો, ખીલથી ખરબચડો થઈ ગયેલો, કરડો ચહેરો જોઈ રહેલા કમલનાથને એક ક્ષણ
માટે લાગ્યું કે એમના પિતા એમની સામે ઊભા છે.
કમલનાથના પિતા એને હંમેશાં કહેતા, ‘જેને કોઈ ન પહોંચે એને એનું પેટ પહોંચે.’ એમણે તો આ વાત
કમલનાથ માટે કહી હતી, પરંતુ આજે એ વાત કમલનાથના પોતાના જીવનમાં-એમના પોતાના સંતાન માટે પણ લાગુ
પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી.
મોઢું ધોઈને કમલનાથ પોતાના મીડિયા રૂમમાં જઈને ન્યૂઝ જોવા લાગ્યા. એમણે શામ્ભવીના રૂમનો દરવાજો
જોરથી બંધ થવાનો અવાજ સાંભળ્યો. નીચે ઉતરતા એના પગલાનો અવાજ પણ સાંભળ્યો તેમ છતાં એમણે
પોતાના રૂમનો દરવાજો ન ખોલ્યો.
થોડીક ક્ષણો બેચેનીમાં વિતાવ્યા પછી કમલનાથે ઘડિયાળ જોઈ, થોડું વિચાર્યું ને પછી અખિલેશ સોમચંદને
ફોન લગાવ્યો.
‘કોન્ગ્રેચ્યુલેશન!’ અખિલેશ સોમચંદે બીજી રિંગે ફોન ઉપાડી લીધો, ‘દીકરી ઘેર આવી ગઈ! તમે તો આનંદમાં
હશો!’
‘હમમ્!’ કમલનાથે માત્ર હોંકારો ભણ્યો, ‘હવે બંને જણાંએ એકબીજાને મળી લેવું જોઈએ.’ કહીને એમણે
ઉમેર્યું, ‘અનંત તૈયાર હોય તો…’
‘અનંત તો ક્યારનો શામ્ભવીને મળવા ઉત્સુક છે.’ અખિલેશ પણ ઉત્સાહમાં હતા.
‘તો આવતીકાલે ડિનર?’ કમલનાથને જરાય સમય નહોતો બગાડવો.
‘હું અનંતને પૂછી લઉ.’ કહીને અખિલેશે સુધારી લીધું, ‘અમે આવીશું. એણે કઈ બીજું કમિટ કર્યું હશે તો ચેન્જ
કરી નાખીશું. મને પણ લાગે છે કે છોકરાંઓને એએસએપી મેળવી જ દેવા જોઈએ.’
‘મળીએ.’ કહીને કમલનાથે ફોન મૂકી દીધો. એમને એક વિચિત્ર પ્રકારની ધરપત થઈ ગઈ. અનંત જેવા
હેન્ડસમ, સ્ટાઈલિશ અને ચાર્મિંગ છોકરાને મળ્યા પછી આ પીએચડી અને જેલમાં કામ કરવાનું ભૂત ચોક્કસ ઉતરી
જશે એ વાતની એમને ખાતરી હતી! હવે એમનો ઉભરો થોડો શાંત થયો. એમણે નિરાંતે દેશ-દુનિયાના સમાચારોમાં
ધ્યાન પરોવ્યું.
પોણા બે વાગ્યે શામ્ભવી પાછી ફરી ત્યારે કમલનાથના રૂમનો દરવાજો ખુલ્લો હતો અને લાઈટ ચાલુ હતી.
અત્યાર સુધી ફરીને શામ્ભવીનું મન પણ શાંત થયું હતું. શિવે એને સમજાવી હતી એટલે, કે પછી પિતાની લાગણીનો
વિચાર આવતા એને પણ લાગ્યું હતું કે, પોતે જરા બિનજરૂરી રીતે ઉદ્ધત થઈ ગઈ હતી.
પોતાના રૂમમાં જતાં પહેલાં શામ્ભવીએ ધીરેથી કમલનાથના રૂમમાં ડોકિયું કર્યું. કમલનાથનો રૂમ ત્રણ ભાગમાં
વહેંચાયેલો હતો. એક એમનો સૂવાનો બેડરૂમ જે ડાબી તરફ હતો. દરવાજામાંથી દાખલ થતા જ એમનો મીડિયા રૂમ
આવતો. જેમાં મોટું 85 ઈંચનું ટીવી હતું. સંગીત સાંભળવા માટે 6 સ્પીકર ધરાવતી સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ હતી.
સિનેમા જોવા માટે પ્રોજેક્ટર અને સ્ક્રીન હતા. રિક્લાઈન થઈ શકે એવી ચેર પર શરીર લંબાવીને કમલનાથ ન્યૂઝ
જોઈ રહ્યા હતા. એમના બેડરૂમ પછી આવતી મોટી અગાશી જેવી બાલકનીનો દરવાજો ખુલ્લો હતો, એટલે ફડફડાટ
આવતો પવન પડદા ઉડાડી રહ્યો હતો. ગેલેરીમાં લટકાવેલા ચાઈમનો સુમધુર અવાજ ટીવી પર ચાલતી કોઈ ડિબેટના
કર્કશ અવાજને વિંધીને અહીં સુધી સંભળાતો હતો.
શામ્ભવીએ દાખલ થઈને ધીમેથી કહ્યું, ‘બાપુ!’ કમલનાથે સૂતા સૂતા જ એમનો હાથ લાંબો કરીને શામ્ભવીને
બોલાવી. એ જમીન પર બેસી ગઈ. રિક્લાઈન ચેર પર બેઠેલા પિતાની છાતી પર માથું મૂકીને એણે પણ શરીર ઢીલું
છોડી દીધું. થોડીવાર એના વાંકડિયા વાળમાં આંગળીઓ ફેરવતા રહ્યા, કમલનાથ! એમણે ધીમેથી કહ્યું, ‘સોરી! મારે
તારા પર ગુસ્સે નહોતું થવું જોઈતું.’
‘સોરી. મારે પણ સામે જવાબ નહોતો આપવો જોઈતો.’ શામ્ભવીએ કહ્યું. એની આંખો ભીની થઈ ગઈ.
કમલનાથના પાતળા ચિકનકારીના ઝભ્ભામાં થઈને શામ્ભવીના આંસુ એમના છાતીના વાળ સુધી પહોંચી ગયાં.
‘બેટા! તારી મા હોત તો તને સમજાવત…’ કમલનાથ જ્યારે પણ ગૂંચવાતા કે ફસાતા ત્યારે એ ‘મા’નું કાર્ડ વાપરતા
અચકાતા નહીં, ‘એક જુવાન દીકરી આવી રીતે ગુનેગારોની વચ્ચે જઈને કામ કરે એ વાત એક બાપ માટે કેટલી
ચિંતાજનક છે એ તને ક્યાંથી સમજાય? આપણા કુટુંબની પ્રતિષ્ઠા અને એને કારણે આપણું અહિત ઈચ્છનારા
વિઘ્નસંતોષીઓ ઓછા નથી, બેટા! જેલ બહુ સલામત જગ્યા નથી.’ એમણે કહ્યું. શામ્ભવી સાંભળતી રહી. એની
આંખોમાંથી વહેતાં આંસુ કમલનાથનો ઝભ્ભો ભીંજવી રહ્યા હતાં, ‘ત્યાં અંદરઅંદર મારામારી થાય છે, ખુંખાર
ગુનેગારો વસે છે. એમાંના કેટલાય મારા દુશ્મન હશે. તું ત્યાં હોય, અને કોઈ તારા પર હુમલો કરે, તને નુકસાન કરે…’
સહેજ અટકીને કમલનાથે કહ્યું, ‘હવે કેટલા વર્ષ બચ્યાં છે મારા? તને એકવાર રંગેચંગે પરણાવી દઉ તો હું ય નિરાંતે
તારી મા પાસે જઈને એને કહી શકું કે મેં મારી જવાબદારી પૂરી કરી છે.’ શામ્ભવીએ હાથ લંબાવીને એની કોમળ
હથેળી પિતાના હોઠ પર મૂકી દીધી. કમલનાથે એની હથેળીમાં ચૂંબન કર્યું, પછી એનો હાથ પોતાના હાથમાં લઈ
લીધો, ‘આ હાથમાં મહેંદી મૂકાયેલી જોવી છે મારે. આ બંગલામાંથી તને વિદાય કરું એ સપનું જોતાં જોતાં ઉછેરી છે
તને.’ શામ્ભવી કશુંય બોલ્યા વિના પોતાનો હાથ પિતાની છાતીના વાળમાં ફેરવતી રહી અને કમલનાથની આંગળીઓ
શામ્ભવીના વાળમાં પોતાનો સ્નેહ વરસાવતી રહી.
*
કમલનાથનો ફોન મૂકીને અખિલેશે પોતાના દીકરા અનંતને ફોન લગાવ્યો. એમના વિશાળ બંગલામાં આવેલા નાનકડા ક્લબ
હાઉસ જેવા વિસ્તારમાં સ્નૂકર રમી રહેલા અનંતે પોતાના ફોન પર ‘ડેડ’ વાંચ્યું.
‘કાલે ડિનરનું આમંત્રણ આવી ગયું છે.’ અખિલેશ સોમચંદનો ઉત્સાહ સમાતો નહોતો.
‘વાઉ.’ કહીને એણે એના સ્નૂકર બોલને ક્યૂ સ્ટિકથી તાકીને હળવો ધક્કો માર્યો. લીલા રંગના મખમલ ઉપર
સરકતો બોલ જઈને ડાબા ખૂણાના પોકેટમાં પડ્યો, ‘મારે માટે શું ઈન્સ્ટ્રક્શન છે?’
‘આમ તો કંઈ નહીં… પણ, પહેલી જ મુલાકાતમાં એની પાછળ પાગલ નહીં થઈ જતો.’ પિતાએ જરા
ઠાવકાઈથી સલાહ આપી.
‘પણ, હું એની પાછળ પાગલ છું!’ અનંતના ચહેરા પર એક શરમાળ સ્મિત આવી ગયું, ‘તે દિવસે
પ્રભુદાસકાકાની પાર્ટીમાં એને જોઈ એ પછી…’
‘સમજી ગયો…’ અખિલેશે કહ્યું, ‘કમલનાથનું માગું આવ્યું ત્યારથી જ મેં તો તૈયારી શરૂ કરી દીધી છે. એ છોકરી
તને હા પાડે એટલો ડિસન્ટ રહેજે. રોમિયો ના બની જતો એની સામે.’ પિતાએ મજાક કરી.
‘બસ, ડેડ!’ અનંત હસવા લાગ્યો. એણે ખુશખુશાલ થઈને ફોન ડિસકનેક્ટ કર્યો. સોમચંદ’ઝનું આ ઘર એટલું
વિશાળ હતું કે, એક રૂમમાંથી બીજા રૂમમાં ફોન કરવો પડે. અખિલેશ સોમચંદના પિતા રૂપચંદ સોમચંદ અને એમના
પિતા સોમચંદ ઠક્કરે આ મકાન બાંધ્યું હતું. લગભગ સો વર્ષ થયા તેમ છતાં આ મકાનમાંથી કાંકરીય નહોતી ખરી! એ
જમાનામાં અંગ્રેજોની અસર નીચે બંધાયેલા આ હવેલીનુમા મકાનમાં વિશાળ બગીચો હતો. શાહીબાગ વિસ્તારમાં
આવેલા આ ત્રણ એકરના આ સુંદર રહેઠાણમાં સ્વિમિંગ પુલ, ક્લબ હાઉસ, અલગથી બનાવેલો પાર્ટી હોલ અને મંદિર
સહિત બધી જ સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. મોટેભાગે કિલ્લા જેવા આ વિસ્તારમાં કોઈને આમંત્રિત
કરવામાં આવતા નહીં, સોમચંદ પરિવારની અનેક હોટેલ્સમાંથી એકાદ હોટેલના બોલ રૂમ કે કોન્ફરન્સ રૂમમાં જ
એમના માનવંતા મહેમાનોને લંચ કે ડિનર માટેની વ્યવસ્થા ગોઠવાઈ જતી.
જે અત્યંત અંગત કે પારિવારિક મિત્ર હોય તો જ એમને ઘર સુધી આમંત્રિત કરવામાં આવતા, તેમ છતાં જ્યાં
સોમચંદ પરિવારના સૌના રૂમ અથવા રહેણાંક હતા એ વિસ્તારમાં પ્રવેશવાની તો કોઈને છૂટ નહોતી! રોકાઈ શકે
એવા જૂજ મહેમાનો માટે અલગ ગેસ્ટ હાઉસીસ હતાં અને એકાદ સાંજ હાઈ ટી કે રાતના ડિનર માટે આમંત્રિત
મહેમાનોને અલગ વિસ્તારમાં ટ્રીટ કરવામાં આવતા. ક્યારેક પુલ સાઈટ પર, ક્યારેક પાર્ટી હોલમાં તો ક્યારેક બગીચાની
ત્રણ જુદી જુદી લૉનમાંથી એકાદમાં આવા ડિનર વારંવાર યોજાતાં રહેતાં.
કમલનાથની દીકરી ‘હા’ ન પાડે ત્યાં સુધી એને ‘સોમચંદ હાઉસ’માં બોલાવીને પોતાના પત્તાં ઉઘાડવા
અખિલેશ હજી તૈયાર નહોતો, કદાચ એટલે જ એણે કમલનાથનું આમંત્રણ તરત જ સ્વીકારી લીધું. એકવાર અનંત
અને શામ્ભવી મળે, એ પહેલાં આ બાબતમાં કોઈપણ વિચાર નહીં કરવાની અખિલેશે ગાંઠ વાળી હતી.
જોકે, એના દીકરા અનંતે તો મનોમન શામ્ભવીને પોતાની ભાવિ પત્ની તરીકે પ્રસ્થાપિત કરી દીધી હતી. ગયા
વર્ષે પ્રભુદાસ પટેલના દીકરાના ડેસ્ટિનેશન વેડિંગમાં બંને જણાં ઈટાલીમાં ભેગાં થયા ત્યારે અનંતે આ ‘ફટાકડી’
શામ્ભવીને પહેલીવાર જોઈ હતી. બંને વચ્ચે ઔપચારિક ઓળખાણ થઈ, પણ શામ્ભવીનો મિજાજ અને મોજ
જોઈને અનંત એના પર ફીદા થઈ ગયો હતો. ત્યાં બીજા આવા જ પરિવારોના ‘નબીરાઓ’ અને ‘રાજકુમારીઓ’ પણ
હતાં. પ્રભુદાસ પટેલના દીકરાની બેચલર્સ પાર્ટીમાં શામ્ભવી અને અનંતે સાથે શરાબ પીધી હતી, થોડી વાતો કરી
હતી, સાથે ડાન્સ પણ કર્યો હતો… ફોન નંબર પણ એક્સચેન્જ થયા હતા, પરંતુ શામ્ભવી ત્યાંથી પાછી ન્યૂયોર્ક ચાલી
ગઈ ને અનંત અમદાવાદ પાછો ફર્યો.
એ પછી અનંતે બે-ચાર વાર શામ્ભવીને મેસેજ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શામ્ભવીએ ‘થેન્ક યૂ’, ‘ઓલ
ગુડ’ અથવા નાના મોટા ઔપચારિક જવાબો આપવા સિવાય એમની વાતચીતને આગળ વધારવામાં કોઈ રસ લીધો
નહોતો! અનંત નિયમિત રીતે શામ્ભવીને સોશિયલ મીડિયા પર ફોલો કરતો થયો હતો. એ એની ઈન્સ્ટા પોસ્ટ ચેક
કરતો… એની પળપળની ખબર રાખતો, પણ અનંતની આ દિવાનગીથી બેખબર શામ્ભવી પોતાની દુનિયામાં વ્યસ્ત
અને મસ્ત હતી.
બરાબર એ જ વખતે એક સરકારી ફંકશનમાં ભટકાઈ ગયેલા કમલનાથને અજાણ્યા હોવાનો ડોળ કરીને
અખિલેશે પોતાના દીકરા માટે ‘મેચ’ શોધે છે એવી માહિતી ડ્રોપ કરી હતી. કમલનાથે અખિલેશના એ લૂઝ બોલનો
કેચ પકડીને પોતાની દીકરી શામ્ભવી માટે માગું નાખ્યું હતું-જોકે, આવું થશે એની અખિલેશને ખાતરી હતી.
આવતીકાલે સાંજે, અખિલેશ સોમચંદ એના સૌથી નાના અને લાડકા દીકરા અનંતની વધુ એક ઈચ્છા પૂરી
કરી શકશે, એ વિચારે અખિલેશ ગેલમાં આવી ગયો.
(ક્રમશઃ)