શામ્ભવી સવારે જાગી ત્યારે ફાર્મ હાઉસની તમામ ગેલેરીઝમાંથી દેખાતું પૂર્વનું આકાશ લાલ થઈ ગયું હતું. સૂર્ય
ઊગવાની તૈયારી હતી. થોડો જેટલેગ અને થોડા એક્સાઈટમેન્ટને કારણે શામ્ભવી આખી રાત ઊંઘી શકી નહોતી.
એના મગજમાં વારેવારે એક જ પ્રશ્ન સમુદ્રના મોજાં ખડક પર અથડાય એમ પછડાતો રહ્યો, ‘જેલમાં કામ કરવાની
વાતે બાપુ આટલા બધા ઉશ્કેરાઈ કેમ ગયા!’
એણે મનોમન નક્કી કરી લીધું હતું, જેલમાં કામ કરે કે નહીં, પણ જેલની મુલાકાતે તો એ ચોક્કસ જશે! આ
શામ્ભવીની પ્રકૃતિ હતી. બાળપણથી એને જે વાતની ‘ના’ પાડવામાં આવે એ વાત એને માટે ચેલેન્જ બની જતી.
એમાંય, જો એની સાથે કોઈ કડક થાય કે સખ્તાઈ કરે તો શામ્ભવીને કંટ્રોલ કરવી અશક્ય બની જતી.
*
શરૂઆતમાં ફાર્મ હાઉસમાં શિફ્ટ થયા ત્યારે કમલનાથે બે ઘોડા વસાવ્યા હતા. ઊંચી નસલની અરબી ઘોડી,
મોનાલિસા અને એક મોર્ગન ઘોડો, ઝેન… મોનાલિસા ઘોડી કમલનાથ માટે રિઝર્વ રહેતી. એમના સિવાય મોનાલિસા
પર કોઈ સવારી કરતું નહીં, અથવા મોનાલિસા કોઈને પોતાના પર સવારી કરવા દેતી નહીં! શામ્ભવીને કડક સૂચના
હતી કે, મોનાલિસાની આસપાસ પણ નહીં જવાનું.
શામ્ભવી 15 વર્ષની હતી ત્યારે એક દિવસ એણે વહેલી સવારે મોનાલિસાને ‘ઑફ હુક’ કરી. એને લગામ
પકડીને તબેલાની બહાર લઈ ગઈ. મોનાલિસા કંઈ સમજે એ પહેલાં શામ્ભવી એની ઉપર ગોઠવાઈ ગઈ હતી.
અજાણ્યા સવારથી મોનાલિસા ભડકી. એણે બંગલાની આસપાસ, લૉનમાં અને ડ્રાઈવ-વેમાં અંધાધૂંધ દોડવા માંડ્યું.
શામ્ભવીએ મદદ માટે કોઈને બૂમ ન પાડી, પણ મોનાલિસાની હાવળ સાંભળીને કમલનાથ, પદ્મનાભ, મોહિની
સહિત આખો સ્ટાફ જાગી ગયો. કમલનાથનો જીવ તાળવે ચોટી ગયો. એમણે મોનાલિસાને પાછી વળવા બૂમો પાડી,
પણ એ ભડકેલી હતી! લગભગ 12-14 મિનિટના સંઘર્ષ પછી, બે પગે જાળ થતી મોનાલિસાને કાબૂમાં લઈને
શામ્ભવીએ બંગલાનું ચક્કર માર્યું, એટલું જ નહીં એ પછી મોનાલિસા એના મૂળ માલિક કમલનાથ કરતાં પણ વધારે
શામ્ભવીની હેવાયી થઈ ગઈ!
શામ્ભવી બહાદુર હતી, એની જીદ અને ઝનૂનનો પ્રકાર સાવ વિચિત્ર હતો. એ એકવાર કશુંક નક્કી કરી લે, એ
પછી એનો વિચાર બદલવો કે એને પાછી વાળવી લગભગ અશક્ય જ હતું. આ વાત કમલનાથ બહુ સારી રીતે જાણતા
હતા ને કદાચ એટલે જ એ શામ્ભવીના આ ઝનૂનથી થોડા ડરતા પણ ખરા. એમને ભય હતો કે, આ છોકરીની જીદ
કોઈ દિવસ એને એવી મુશ્કેલીમાં મૂકી દેશે જેમાંથી એને બચાવવી અઘરી થઈ પડશે! જોકે, શામ્ભવીએ કોઈ દિવસ
કુટુંબની પ્રતિષ્ઠા કે પિતાનું ગૌરવ હણાય એવું કંઈ જ નહોતું કર્યું. એને માટે પિતાનો આદર અને ચૌધરી પરિવારની
ગરિમા સૌથી મહત્વના હતાં, પણ એકવાર જીદે ચડી જાય તો શામ્ભવી ધાર્યું કરે જ એ વાત કમલનાથને બરાબર ખબર
હતી.
શામ્ભવી પોતાના રૂમમાં જાગી, ત્યારે કમલનાથ રોજના નિયમ મુજબ ગાર્ડનમાં વૉક લઈ રહ્યા હતા. વૉકનો
સમય પૂરો થયો એટલે એમના રૂમમાં એમની સવારની ચા પહોંચી ગઈ.
કમલનાથે ઘડિયાળ જોઈ, એમણે ફોન ઉપાડીને સાબરમતી જેલના જેલર સુરેન્દ્ર સોલંકીને ફોન લગાડ્યો.
સોલંકી સાહેબ હજી જાગ્યા નહોતા. સવારના આઠ વાગ્યામાં આવેલો એક્સ હોમ મિનિસ્ટરનો ફોન એમને માટે
મોર્નિંગ અલાર્મથી ઓછો નહોતો.
‘યસ, સર!’ એમણે ફોન ઉપાડ્યો.
‘એક ફોટો મોકલું છું.’ કમલનાથ કોઈ ઔપચારિકતા વગર સીધેસીધા મુદ્દા પર જ આવી જતા. એ ઓછું
બોલતા, પણ જે કંઈ બોલે એનો તરત જ અમલ થવો જોઈએ એ એમનો આગ્રહ રહેતો, ‘આ છોકરી જો જેલ તરફ
આવે તો…’
‘ઘૂસવા નહીં દઉ.’ સોલંકી ઉત્સાહમાં આવી ગયા. સાહેબની શાબાશી મેળવવાની આ તક એ ગુમાવવા
માગતા નહોતા.
‘ના!’ કમલનાથે કહ્યું.
‘તો?’ સોલંકી ગૂંચવાયો.
‘એ મારી દીકરી છે. શામ્ભવી.’ કમલનાથ આગળ કંઈ બોલ્યા નહીં.
‘તમને જણાવું?’ સોલંકી સમજી ગયો.
‘હમમ્.’ કમલનાથે કહ્યું. ફોન ડિસકનેક્ટ થઈ ગયો. હવે એમને સહેજ ધરપત થઈ. શામ્ભવી જો એમની
ઈચ્છા વિરુધ્ધ જેલ તરફ જશે તો પણ એમની પાસે એ વાતની માહિતી એ જ ક્ષણે પહોંચી જશે એ વ્યવસ્થા ગોઠવી
દીધા પછી કમલનાથ નિરાંતે ઊભા થઈને પોતાનો રોજિંદો દિવસ શરૂ કરવાની તૈયારીમાં લાગી ગયા.
*
‘શું કર્યું તેં?’ શિવ અડધો ઊંઘમાં હતો, પણ શામ્ભવીનો અવાજ સાંભળીને સફાળો જાગ્યો, ‘આપણે કેટલા
વાગ્યે જઈએ છીએ?’ શામ્ભવીએ પૂછ્યું.
‘ક્યાં?’ શિવ કાચી ઊંઘમાંથી ઊઠવાને કારણે અકળાયો.
‘જેલ.’ શામ્ભવીએ કહ્યું.
‘તારા મગજમાંથી હજી ભૂત ઉતર્યું નથી?’ શિવે પૂછ્યું.
‘એ ભૂત નથી, મારું ડિસિશન છે. ઝનૂન છે. જીદ છે. નિર્ણય છે…’ શામ્ભવીએ કહ્યું, ‘મારે અહીંની જેલ
જોવી છે, આજે.’
‘સારું.’ શિવે વાત પતાવાના ઈરાદાથી કહ્યું, ‘હું જેલર સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ.’
‘વાત નહીં, મારે એન્ટ્રી જોઈએ.’ શામ્ભવીએ કહ્યું. શિવે જવાબ આપ્યા વગર ફોન મૂકી દીધો. એ પથારીમાં
પડ્યો પડ્યો વિચારતો રહ્યો. શામ્ભવી જિદ્દી હતી. એક વાર એણે મગજમાં નક્કી કરી લીધું એ પછી કરીએ જ છુટકો!
જો પોતે એને નહીં લઈ જાય તો શામ્ભવી આડા-તેડા રસ્તે, કોઈ ખોટા-સાચા માણસની સાથે જેલમાં પ્રવેશ કરવાનો
પ્રયત્ન કર્યા વગર નહીં રહે એની શિવને ખાતરી હતી. બીજો પ્રોબ્લેમ એ હતો કે, નવી સરકાર પછી ચુસ્ત બંદોબસ્ત
પાળવામાં આવતો. હવે જેલમાં પ્રવેશ કરવો સરળ નહોતો. પૂરેપૂરા પેપર વર્ક વગર આ મૂરખ છોકરીને અંદર કેમ લઈ
જવાય! ને, પેપર વર્ક કરવા જાય, ઓફિશિયલ અરજી કરે તો કમલનાથ ચૌધરી સુધી સમાચાર પહોંચ્યા વગર રહે
નહીં… ગૂંચવાતો, અકળાતો, શિવ ઓઢવાનું ફેંકીને ઊભો થયો. એના મગજમાં આ જિદ્દી બાલિશ ઈચ્છા કઈ રીતે
પૂરી કરવી એ માટેની શતરંજ ગોઠવાવા લાગી.
*
બ્રેકફાસ્ટ ટેબલ ઉપર શામ્ભવી એના પિતાની પ્રતીક્ષા કરી રહી હતી. ફાર્મ હાઉસમાં શિફ્ટ થયા પછી આ
ઘરમાં એક નિયમ હતો, પિતા-પુત્રી સાથે બ્રેકફાસ્ટ કરતાં. શામ્ભવી અમેરિકા હતી એ બધો સમય, રોજેરોજ કમલનાથ
એને બ્રેકફાસ્ટ ટેબલ પરથી વીડિયો કોલ કરતા. આજે ઘણાં વર્ષો પછી ફરી એકવાર પિતા-પુત્રી સાથે બ્રેકફાસ્ટ કરવાના
હતા.
કમલનાથ નીચે ઉતર્યા ત્યાં જ શામ્ભવીએ એમને કહ્યું, ‘મોડું થયું તમને.’ કમલનાથે હસતાં હસતાં કાન પકડ્યા.
એ એમની રોજિંદી ‘હેડ ઓફ ધ ટેબલ’ની સીટમાં ગોઠવાયા.
‘તમને બંનેને હસતાં જોઈને સારું લાગ્યું, હોં’ મોહિનીએ ફરી પાછી ગઈકાલની વાત યાદ કરી, ‘તું નથી હોતી
ત્યારે મોટાજીના ચહેરા પર ભાગ્યે જ સ્મિત આવે છે.’ મોહિનીએ ચાપલુસી કરી.
‘પણ, હું ન હોઉ ત્યારે અહીંયા સ્માઈલ કરવા જેવું કશું હોતું જ નથી…’ શામ્ભવીએ કાતર ચલાવી.
પદ્મનાભના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. કમલનાથે શામ્ભવીની સામે જોઈને આંખો સહેજ પહોળી કરી, પણ
એણે તો ખભા ઊલાળી દીધા. શામ્ભવી અને મોહિનીનું સમીકરણ કંઈક આવું જ હતું. મોહિની બોલ્યા વગર રહેતી
નહીં, ને શામ્ભવી એની વાત કાપ્યા વગર રહી શકતી નહીં! મોહિનીને એમ હતું કે, રાધાના ગુજરી ગયા પછી એ
શામ્ભવીની ‘મા’ બનીને કમલનાથનો સ્નેહ અને આદર જીતી શકશે, પણ શામ્ભવીએ કોઈ દિવસ મોહિનીને એ તક
આપી જ નહીં. એના મનમાં રાધાની જે છબિ હતી એમાં આમ પણ મોહિની બહુ ગોઠવાઈ શકે એમ હતી નહીં.
રાધા એક સીધીસાદી, સરળ અને સાલસ સ્વભાવની ગૃહિણી હતી. ઘરનો સ્ટાફ હોય કે મહેમાન, રાધા સૌ
માટે ‘અન્નપૂર્ણા’ હતી. કમલનાથનો પડ્યો બોલ ઝીલવો અને એમની વાતને કહ્યા વગર સમજી જવી એ રાધાની
ખૂબી હતી, જ્યારે મોહિની મોર્ડન અને ફેશનેબલ હતી. એ જાણતી હતી કે, બિઝનેસ અને ઘરનો કંટ્રોલ કમલનાથના
હાથમાં છે. રાધાના ગયા પછી પણ રસોડા અને ઘરની ઝીણી ઝીણી બાબતો પર કમલનાથની નજર રહેતી. એ
પદ્મનાભને ખૂબ પ્રેમ કરતા, પરંતુ મોહિની સાથે એક સલામત અંતર જાળવી રાખતા, જેને કારણે મોહિનીને આ ઘરમાં
કે પરિવારમાં જેવું જોઈતું હતું એવું મહત્વ મળી શક્યું નહોતું. એ થોડીક ઈર્ષાળુ હતી. વાત વધારીને કહેતી… ઘરના
બધા જ સભ્યો એની ‘સ્ટોરી’માંથી 30-40 ટકા બાદ કરી નાખતા!
પિતા-પુત્રી બ્રેકફાસ્ટ ટેબલ પર જાતભાતની વાતો કરતા રહ્યા, પણ શામ્ભવીએ ગઈકાલ રાતવાળી ‘જેલ’ની
વાત કાઢી નહીં અને કમલનાથે પણ એ દિશાનો દરવાજો ઊઘાડ્યો જ નહીં. એમણે ધીમે રહીને આજે રાતના
ડિનરની માહિતી શામ્ભવીને આપી, ‘રાત્રે કંઈ પ્લાન નહીં રાખતી.’
‘કેમ?’ શામ્ભવીએ પોતાના બેપરવાહ, બેફીકર અંદાજમાં પૂછ્યું.
‘મેં સોમચંદ ફેમિલીને ડિનર પર બોલાવ્યા છે.’ કમલનાથે કહ્યું. મોહિનીની આંખો ચમકી. પદ્મનાભ જાણતો
હતો એટલે એણે ધીમેથી સ્મિત કર્યું, ‘તું એના દીકરાને ઓળખે છે. ઈટાલીમાં મળેલા.’
‘કોણ, પેલો બોર?’ શામ્ભવીના સવાલ પર મોહિનીથી હસ્યા વગર રહેવાયું નહીં. એને કદાચ આ જ
પ્રતિભાવની કલ્પના હતી, ‘હું સાંજે શું કરીશ? એ સ્નોબ (નબીરા)ને ફોરેન કાર્સ, ફોનના લેટેસ્ટ મોડલ્સ, એઆઈ
અને શેર માર્કેટ સિવાય બીજા કોઈ વિષય પર વાત કરતાં નથી આવડતી.’
‘તું શીખવાડજે.’ કમલનાથે કહ્યું, ‘મેં એ લોકોને ઈન્વાઈટ કર્યા છે. હવે આ ઘરની હોસ્ટ તું છે.’
‘બાપુ…’ શામ્ભવીએ ફરિયાદના સૂરે કહ્યું, ‘હું નહીં રહું તો નહીં ચાલે?’
‘બેટા…’ કમલનાથે એ જ સૂરમાં શામ્ભવીને જવાબ આપ્યો, ‘નહીં ચાલે.’ મોહિની અને પદ્મનાભ હસી
પડ્યા. ગરમ ગરમ મસાલાવાળી પૂરી પીરસવા આવેલા જડીબેન પણ હસતાં હસતાં અંદર ચાલી ગયાં, ‘એ લોકો સાત
વાગ્યે આવવાના છે. જડીબેન સાથે મેનુ ડિસકસ કરી લેજે. બહાર ગઝીબોમાં ડ્રીંક્સ અને સ્ટાર્ટર્સ કરીશું. ડિનર અહીં
અરેન્જ કરાવજે.’ કમલનાથ ઊભા થઈ ગયા. શામ્ભવીને કહેવું હતું કે, પોતે આ બધું કરવા માગતી નથી, પરંતુ હજી
ગઈકાલે જ પિતાને નારાજ કર્યા હતા. અત્યારે ફરી દલીલમાં ઉતરવાને બદલે એણે સાંજની જવાબદારી પોતાના માથે
લઈ લેવાનું વધુ પસંદ કર્યું.
‘જી, બાપુ!’ એણે કમને કહ્યું. કમલનાથ એના માથે હાથ ફેરવીને બહાર નીકળી ગયા.
‘સોમચંદઝ્ 20 હજાર કરોડના આસામી છે.’ મોહિનીએ કહ્યું, ‘ને અનંત હેન્ડસમ છે.’ પદ્મનાભે તરત ઉધરસ
ખાધી. મોહિનીએ એને પાણી આપ્યું ત્યારે બંનેની આંખો મળી. પદ્મનાભે એને નજરના ઈશારાથી જ એ વાત બંધ
કરવાનું કહ્યું, પણ મોહિની અટકી નહીં, ‘તને જે બોર લાગે છે એ આજે દેશનો સૌથી એલિજિબલ બેચલર ગણાય છે.’
‘તો?’ શામ્ભવીએ ધારદાર નજરે મોહિની સામે જોયું, ‘મને એનામાં કે એની વાતમાં રસ નથી પડતો.’
‘તો કોની વાતમાં રસ પડે છે? પેલા પોનીટેઈલવાળા ન્યૂઝ રીડરની વાતમાં?’ કમલનાથના ગયા પછી હવે
કોઈની શેહ રાખવાની નહોતી એટલે મોહિનીએ પણ જવાબ આપી દીધો.
‘એનું નામ શિવ છે.’ શામ્ભવીએ ટેબલ પરથી ઊભા થતા એણે મોહિની સામે ફરી તીખી નજર નાખી, ‘એની
પોનીટેઈલમાં, એના પ્રાઈમ ટાઈમ ન્યૂઝમાં અને એની દરેક વાતમાં મને રસ પડે છે.’ એણે પૂછ્યું, ‘એની પ્રોબ્લેમ?’
મોહિની કંઈ બોલવા જાય એ પહેલાં શામ્ભવીએ કહ્યું, ‘તમને પ્રોબ્લેમ હોય તો પણ આઈ ડોન્ટ કેર.’ શામ્ભવી ત્યાંથી
નીકળી ગઈ.
‘આ મ્હોંફાટ છોકરી એક દિવસ તમને બધાને હેરાન કરશે, યાદ રાખજે.’ મોહિનીએ પોતાનો ગુસ્સો પદ્મનાભ
પર ઉતાર્યો. એ ચૂપચાપ બ્રેકફાસ્ટ કરતો રહ્યો.
*
જેલના વિઝિટર પાર્કિંગમાં ગાડી પાર્ક કરતી વખતે શિવે એક આઈડી કાર્ડ ભરાવેલો બેલ્ટ શામ્ભવીના હાથમાં
આપ્યો, ‘આ પહેરી લે.’ એણે કહ્યું. શામ્ભવીએ એ કાર્ડમાં રહેલું આઈડી જોયું. ફોટો શામ્ભવીનો હતો, પણ નામ કોઈ
મનીષા મહેતાનું હતું. શામ્ભવી એ કાર્ડ જોઈને હસવા લાગી. ‘તું પણ જુગાડુ છે.’ એણે કહ્યું, ‘તો મારે મનીષા મહેતા
બનીને આવવાનું છે એમ જ ને?’
‘તું ન કરાવે એટલું ઓછું છે!’ શિવ અકળાયેલો હતો અને થોડો ગભરાયેલો પણ, ‘એક દિવસ આવી જ કોઈ
જેલમાં તું મને મળવા આવશે એવું લાગે છે મને.’ એણે હસીને કહ્યું.
‘અરે! એવું થશે તો ટિફિન લઈને આવીશ, બસ?’ અલ્લડ શામ્ભવીને હજી આવા બનાવટી આઈડી કાર્ડથી
જેલમાં દાખલ થવાની ગંભીરતા વિશે કદાચ ખ્યાલ નહોતો આવ્યો.
‘કોઈપણ પ્રકારનો બકવાસ નહીં કરતી. દોઢડાહી નહીં થતી. ઝાઝી પૂછપરછ નહીં. ચૂપચાપ મારી સાથે સાથે ચાલતી
રહેજે. તું મારી આસિસ્ટન્ટ છે અને આપણે પત્રકાર તરીકે જેલની મુલાકાતે આવ્યા છીએ, સમજી?’ શિવે સૂચના આપી.
‘યસ સર.’ આખીય વાતને હજી મજાક જ સમજી રહેલી શામ્ભવીએ પોતાનો જમણો હાથ ઊંચો કરી સલામ
કરી.
‘જો, શેમ!’ શિવ એકદમ ગંભીર થઈ ગયો, ‘આ ગુનો છે. જો હું પકડાઈ જઈશ તો નોકરી પણ જશે અને
ફોર્જરીમાં સાચે જ જેલ થશે મને. પ્લીઝ, ‘હું ફસાઉ એવું કંઈ નહીં કરતી.’ એણે બે હાથ જોડ્યા.
શામ્ભવીએ એના બંને હાથ પોતાના બંને હાથમાં લઈ લીધા. થોડીક ક્ષણો એ શિવ સામે જોતી રહી. એ
શિવના હાથ છોડીને એને ભેટી પડી, ‘કંઈ નહીં કરું. મારે બસ એ જાણવું છે કે બાપુ મને જેલમાં આવવાથી રોકે છે
કેમ? આટલો બધો વિરોધ કરવો પડે એવું શું છે અહીંયા?’
‘હું તને એ જ જોવા લઈ આવ્યો છું.’ શિવ હજી ગંભીર હતો, ‘તારા બાપુ સાચા છે અને તારે આ પ્રકારનું કામ
ન જ કરવું જોઈએ એવું હું પણ માનું છું…’ શિવે ધીરેથી ઉમેર્યું, ‘આજે આ જગ્યા જોઈને તું પણ તારી જીદ છોડી
દઈશ એવી મને ખાતરી છે.’
બંને જણાં ગાડીમાંથી ઉતરીને જેલના મુખ્ય દરવાજે પહોંચ્યા. ડોકાબારી ખૂલી. બંનેના આઈડી અંદર ગયા.
શિવનું હૃદય ધક ધક કરી રહ્યું હતું. તપાસીને આઈડી પાછા આપવા આવેલા સંત્રીએ કહ્યું, ‘સાહેબ અંદર બોલાવે છે.’
ડોકાબારીમાંથી પ્રવેશીને અંદર દાખલ થયા પછી એમની પૂરી તપાસ કરવામાં આવી. ઈલેક્ટ્રોનિક સેન્સરમાંથી પસાર
થઈને એમણે બાસ્કેટ લઈને આવેલા એક સંત્રીને એમના ફોન આપી દીધા. હવે બંને જણાં જેલરની ઓફિસમાં
પ્રવેશ્યા.
શામ્ભવી કોઈ નાના બાળક જેવી ઉત્સુકતાથી ચારેતરફ જોતી હતી. દરેક વસ્તુને અડી જોવાની, એને નજીક
જઈને જોવાની એની કુતૂહલવૃત્તિ પણ એણે પરાણે કાબૂ રાખ્યો હતો. બંને જણાં જેલર ઓફિસમાં પ્રવેશ્યા.
‘આવો, મિસ. શામ્ભવી ચૌધરી.’ જેલરે કહ્યું. શિવના ચહેરા પરથી લોહી ઊડી ગયું. ડઘાયેલો, બઘવાયેલો શિવ
અંદર પ્રવેશ કરવો કે પાછા ભાગી જવું એની અસમંજસમાં બારશાખની વચ્ચે ઊભો રહી ગયો, સોલંકી હસી રહ્યો
હતો, ‘તમને કોણ નથી ઓળખતું? ખોટું આઈડી લઈને આવવાની ક્યાં જરૂર હતી?’
શામ્ભવીએ જરાય ડર્યા વગર કહી દીધું, ‘મારે ફક્ત જેલ જોવી છે, પણ બાપુએ કહી દીધું કે નથી જવાનું.
એટલે મારે…’
‘સર…’ શિવ કંઈ કહેવા ગયો, પણ જેલરે હાથ ઊંચો કરીને એને રોક્યો.
એ ખડખડાટ હસી પડ્યા, ‘ઈટ્સ ઓકે.’ એણે પૂછ્યું, ‘મેડમ તમારા ફ્રેન્ડ છે ને?’ શિવે ડોકું હલાવીને હા પાડી.
સોલંકીએ સંત્રીને કહ્યું, ‘જાઓ! મેડમને આખી જેલ બતાવો. છોટા ચક્કર, બડા ચક્કર, જ્યાં એમને ફરવું હોય ત્યાં
ફરવા દો. તમે સાથે રહેજો. મેડમનું ધ્યાન રાખજો.’ સંત્રીએ પગ ઠોકીને સલામ કરી. શામ્ભવી બહાર આવે એની રાહ
જોતો સંત્રી ઊભો રહ્યો. શિવ હજી બારશાખમાં જ ઊભો હતો, ‘જાઓ જાઓ! તમે પણ જાઓ.’ જેલર ફરી હસવા
લાગ્યા, ‘તમારું આઈડી તો સાચું છે.’ શિવ લગભગ જાન બચાવીને બહાર નીકળ્યો હોય એમ પરસેવે રેબઝેબ હતો,
જેલરની કેબિનની બહાર નીકળેલા શિવને શામ્ભવીના ખડખડાટ, મુક્ત હાસ્યની સાથે જ પાછળથી જેલરનો અવાજ
સંભળાયો, ‘અમારે વિશે કંઈ આડું-અવળું નહીં લખી નાખતા હોં…’
(ક્રમશઃ)