નેટફ્લિક્સ ઉપર ‘ક્રાઉન’ વેબસીરીઝની છઠ્ઠી સીઝન રજૂ થઈ છે. પ્રિન્સેસ ડાયેનાનાં મૃત્યુ
સુધી લંબાતી આ છઠ્ઠી સીઝન મહારાણી એલિઝાબેથનાં બાળપણથી શરૂ થાય છે. એના બિમાર
પિતા અને એલિઝાબેથની બહેન માર્ગરેટ, પતિ ફિલિપ અને સંતાનો સાથેના સંબંધો વિશેની
આંટીઘૂંટી ધરાવતી આ વેબસીરીઝની કુલ છ સિઝન છે. આ છએ સિઝનના એપિસોડ જોતી વખતે
સૌથી પહેલો વિચાર એ આવે કે ભારતના કોઈ રાજકારણી કે રાજપરિવાર વિશે આવી કોઈ
વેબસીરીઝ બનાવી હોત જેમાં કેટલાક સત્યોને નિર્ભિક અને બેબાક રીતે રજૂ કરવામાં આવ્યા હોત તો
આપણા દેશમાં એ વેબસીરીઝ રજૂ થવા દીધી હોત ખરી? આપણી પાસે એવી કેટલીય ફિલ્મોના
દાખલા છે જેમાં લોકોની ‘ધાર્મિક’ લાગણી કે ‘જ્ઞાતિ’ની લાગણી દુભાઈ હોય, તોડફોડ થઈ હોય,
ફિલ્મ રજૂ ન થવા દીધી હોય… જેની સામે આ ‘ક્રાઉન’ એક એવી વેબસીરીઝ છે જેમાં બ્રિટિશ
રાજપરિવારની કેટલીય અજાણી વાતો વણી લેવાઈ છે. ક્યાંય, વિવેક ચૂકાયો નથી તેમ છતાં સત્ય
કહેવામાં કોઈ સમાધાન પણ કરવામાં આવ્યું નથી ત્યારે સમજાય કે પશ્ચિમને આપણા કરતાં વધુ
‘મુક્ત’ અથવા ‘તર્કબધ્ધ’ શા માટે માનવામાં આવે છે!
ડાયેનાનાં મૃત્યુ પછી એનું શબ લઈને પાછા ફરી રહેલા પ્રિન્સ ઓફ વેલ્સ સાથે ડાયેનાનો
કાલ્પનિક સંવાદ થાય છે, જેમાં ડાયેના એના પતિને કહે છે, ‘મને તમે જે રીતે હોસ્પિટલમાં મળ્યા એ
માટે આભાર. હું હંમેશાં ઈચ્છતી હતી કે તમે એક નોર્મલ માણસની જેમ વર્તો. ગમે તેટલા સુખી-
સંપન્ન કે વગ ધરાવતા માણસને પણ માનવીય લાગણીઓ હોય છે, હોવી જોઈએ એ વાત હું તમને
સમજાવી ન શકી. ખેર! મારા મૃત્યુ પછી તમને એટલું ચોક્કસ સમજાયું કે, હું જે કંઈ કરતી હતી એમાં
તમારું અપમાન નહોતું, પરંતુ મારા નોર્મલ હોવાની-માણસ હોવાની અને એક સામાન્ય વ્યક્તિ
હોવાની જાહેરાત હતી.’
આખી દુનિયામાં ડાયેના બ્રિટનના શાહી પરિવારમાં સૌથી પ્રિય વ્યક્તિ હતી, એનું કારણ
કદાચ એ હતું કે એણે ‘શાહી પરિવાર’ની રાજકુમારી હોવા છતાં એક સામાન્ય વ્યક્તિની જેમ
જીવવાનું, પોતાના સંતાનોની વહાલસોયી મા બનવાનું કે પોતાના મિત્રો સાથેનો સંપર્ક જાળવી
રાખવાનું પસંદ કર્યું. જ્યારે એને દુઃખ થયું ત્યારે એણે ફરિયાદ કરી-જાહેરમાં આંસુ પાડવાની હિંમત
દેખાડી, એટલું જ નહીં, પરંતુ જ્યારે પ્રિન્સ ઓફ વેલ્સ સાથે છૂટાછેડા થયા ત્યારે ડરીને, દબાઈને
ખૂણામાં બેસી જવાને બદલે પોતાના વિખરાયેલા વ્યક્તિત્વના ટૂકડાને સમેટીને ફરી બેઠા થવાની-
ઊભા થવાની અને ઊડવાની તાકાત ભેગી કરી.
આપણે બધા એવું માની બેઠા છીએ કે, લાગણી અથવા સંવેદનાનું જાહેર પ્રદર્શન કોઈ
નબળાઈ કે નિષ્ફળતાની નિશાની છે, પરંતુ સત્ય તો એ છે કે, માણસ હોવાની પહેલી શર્ત જ એ છે
કે, આપણે સુખ-દુઃખથી પર ન હોઈએ, અપેક્ષા રહિત ન હોઈએ અને આસક્તિ-લગાવ, ખેંચાણ કે
માલિકીભાવની કેટલીક નાની મોટી નબળાઈઓ આપણામાં હોય. મોટાભાગના લોકો હવે પોતાની
જાતને ‘સ્થિતપ્રજ્ઞ’ બનાવવાની કોઈ વિચિત્ર હોડમાં લાગી ગયા છે. આધ્યાત્મિક ગુરૂઓ, મોટિવેશનલ
સ્પીકર્સ અને પ્રાણિક હિલિંગ-આર્ટ ઓફ લિવિંગ-ફોરમ-ઈષા જેવી કેટલીય અલગ અલગ શાખાઓ
માણસને ‘જીવતાં’ શીખવવાનો પ્રયાસ કરે છે. કોઈ ખોટું કે સાચું નથી હોતું, પ્રત્યેક વ્યક્તિએ પોતાની
જીવનશૈલી પસંદ કરવાની હોય છે. આપણે બધા આપણી જરૂરિયાત, આવડત, સગવડ અને અંતે
હેસિયત મુજબ આપણી જીવનશૈલી પસંદ કરતા હોઈએ છીએ. અગત્યની વાત એ છે કે, આપણને
સૌને પસંદગી કરવાનો અધિકાર પરમતત્વો દ્વારા મળ્યો છે. એ બાબતમાં આપણે સંપૂર્ણ સ્વતંત્ર
છીએ, પરંતુ પ્રત્યેક પસંદગી સાથે એનું પરિણામ જોડાયેલું હોય છે એ વાત મોટાભાગના લોકોને
શીખવવામાં આવતી નથી-તેથી, એ લોકો જાણતા નથી કે પસંદગી કરવી અઘરી નથી, એની સાથે
જોડાયેલા પરિણામને સ્વીકારવું અને પચાવવું અઘરું છે.
પ્રિન્સેસ ડાયેના એની સાસુ અથવા ક્વિન એલિઝાબેથને કહે છે, ‘હું તમારી વિરુધ્ધ નહોતી,
હું, બસ ‘હું’ રહેવા માગતી હતી.’ આપણે બધા વ્યક્તિ સ્વાતંત્ર્યની વાતો કરીએ છીએ, પરંતુ જ્યારે
કોઈપણ વ્યક્તિ પોતાના જીવન અંગે નિર્ણય કરે કે ગમાઅણગમા ખુલ્લા અવાજે-મુક્ત રીતે પ્રગટ કરે
ત્યારે એ અવાજને દબાવી દેવાનું આપણું સૌથી પહેલું કર્તવ્ય હોય છે. નવી પરણીને આવેલી વહુ,
આગળ ભણવા માગતી-લગ્ન ન કરવા માગતી દીકરી, સંતાનો મોટાં થઈ ગયા પછી કામ કરવા
માગતી પત્ની કે સોલોટ્રીપ પર જવા માગતો પતિ, પોતાના મિત્રો સાથે કે મમ્મી સાથે થોડો સમય
વિતાવવા માગતો પુરુષ કે પછી માતા-પિતાના આગ્રહની વિરુધ્ધ જઈને પોતાને ગમતી દિશામાં
કારકિર્દી બનાવવા માગતું સંતાન… આ બધા વિદ્રોહી નથી, ફક્ત એમની પાસે પોતાનો મત છે અને
એ પોતાનો મત પ્રગટ કરવાની હિંમત ધરાવે છે. એ હિંમતને આપણો વિરોધ કે વિદ્રોહ માનવાને
બદલે એનો સ્વતંત્ર મત, એના વ્યક્તિત્વનો એક આગવો હિસ્સો માની શકીએ તો મોટાભાગની
સમસ્યાઓ-ખાસ કરીને કૌટુંબિક અને ઈમોશનલ સમસ્યાઓ ત્યાં જ પૂરી થઈ જાય.
આપણે બધા એવું માનીએ છીએ કે, ગુસ્સો કરવો, અણગમો વ્યક્ત કરી દેવો, કશુંક
સ્વીકારવાની કે કરવાની ના પાડવી એ બધું શિષ્ટાચારની વિરુધ્ધ છે. આ શિષ્ટાચાર આપણને ‘અંગ્રેજો’
એ આપ્યો, કદાચ! આપણા દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા સદીઓ પહેલાંથી હતી જ… પતિ સાથે
વનવાસ જવાની પસંદગી સીતાએ કરી, દ્રૌપદીએ સ્વયંવરમાં કર્ણને નકાર્યો, વિભિષણે ભાઈનો સાથ
નહીં આપવાનું પસંદ કર્યું, ભરતે રાજગાદી પર નહીં બેસવાનો નિર્ણય કર્યો… આ સૌ પોતપોતાની
જગ્યાએ સ્વતંત્ર હતા, અને એમના વડીલોએ-પ્રજાએ એમના નિર્ણયને સ્વીકાર્યો. જો એક રાજા કે
લીડરનો નિર્ણય પ્રજા સ્વીકારતી હોય તો જનસામાન્યને પણ પોતાનો નિર્ણય કરવાનો અધિકાર હતો,
અને એ નિર્ણયને એમના ઘર-પરિવારમાં સ્વીકારવામાં આવતો હતો એ વાત આપણી પરંપરા સભ્યતા
અને અસ્મિતાનો હિસ્સો છે.
માણસ હોવામાં કશું ખોટું નથી… બલ્કે માણસ હોવાની પહેલી નિશાની જીવતા, ધબકતા
હોવાની એક માત્ર નિશાની એ છે કે, આપણે લડી-ઝઘડી શકીએ, રડી શકીએ, ગમા-અણગમા
અભિવ્યક્ત કરી શકીએ અને સામાન્ય હોવાનો આપણો અધિકાર જાળવી રાખીએ.