વિશ્વની મહાસત્તા મનાતા અને આધુનિક ગણાતા અમેરિકામાં ડલાસની કોપેલ હાઈસ્કૂલમાં
એક અમેરિકન છોકરાએ શાન નામના એક ભારતીય છોકરાને માર્યો, એનું ગળું દબાવવાની કોશિશ
કરી અને જમીન ઉપર નાખીને ઘસડ્યો. એ ઘટનાએ અમેરિકામાં ચકચાર જગાવી છે. રેસિઝમનો
આ પહેલો કિસ્સો નથી. આજથી થોડા દિવસ પહેલાં બફેલો સ્ટેટમાં એક આફ્રિકન વ્યક્તિએ સ્ટોરમાં
ઘૂસીને આડેધડ ગોળી ચલાવી, દસ અમેરિકનોને મારી નાખ્યા હતા. એની પહેલાં થોડીક કોરિયન
મહિલાઓને ‘ચાઈનીઝ’ માનીને એક આફ્રિકન વ્યક્તિએ કોવિડ ફેલાવવાના આક્રોશ બદલ એમની
હત્યા કરી. ડલાસના એક સેલોં માં એશિયન મહિલાઓને બેરહેમીથી માર મારવામાં આવ્યો…જે દેશ
માનવ અધિકારની લડાઈ લડતો હતો એ દેશમાં હવે છાશવારે આવા કિસ્સા બને છે.
ભારતીય છોકરાનું નામ જાહેર થયું, પણ એની સાથે ગેરવર્તન કરનાર છોકરાનું નામ ગુપ્ત
રાખવામાં આવ્યું છે, જેની સામે આજથી થોડા વર્ષો પહેલાં યહૂદીઓના દેવળ પર મજાકમાં ફટાકડો
ફોડવાનો પ્લાન કરનાર ગુજરાતી છોકરો આકાશ દલાલ હજી જેલમાં છે…
મોટાભાગના લોકોને અમેરિકા બહુ જ આકર્ષે છે. એક ડોલરના 75 રૂપિયા ગણીને મનોમન
ખુશ થતા, અમેરિકામાં કમાવા આવેલા ભારતીય, મેક્સિકન, ચાઈનીઝ, ઉઝબેકિસ્તાની કે
કઝાકિસ્તાની, પાકિસ્તાની કે કોરિયન અને વિયેતનામી લોકો માટે આ રંગભેદની માનસિકતાનો
ખતરો વધુને વધુ ભયજનક બનતો જાય છે. અમેરિકા દુનિયાને પોતાનો જે ચહેરો બતાવે છે એમાં
યુએનની પરિષદો અને માનવ અધિકારના મોટા બણગાં ફૂંકવામાં આવે છે. દુનિયામાં બનતી ઘટનાઓ
ના ન્યાયાધીશ બની બેઠેલા આ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર સત્તામાં આવી ત્યારથી (વ્હાઇટ)
‘અમેરિકન’ના મગજમાં એક વિચિત્ર પ્રકારના ઝેરના બી રોપાયાં. અમેરિકાની સમૃદ્ધિ અને એની
સગવડોનો પહેલો અને આખરી અધિકાર મૂળ અમેરિકન (વ્હાઈટ્સ)નો છે એ વાતે ડોનાલ્ડ ટ્રમ્પ
ચૂંટણી જીત્યા એટલું જ નહીં, એમની સરકાર રહી એ દરમિયાન એમણે આ રંગભેદને એટલો બધો
ભડકાવ્યો કે હવે એ સમસ્યાને કારણે આજનું અમેરિકા એક ભયાનક સ્થિતિમાં પહોંચ્યું છે. અમેરિકન
પ્રજા, જે ખુશમિજાજ અને મળતાવડાપણા માટે વિખ્યાત હતી એ અસુરક્ષિત અને વૈમનસ્યનો શિકાર
બની છે.
કોવિડ પછી અહીંના લોકોની અસુરક્ષિત માનસિકતામાં વધારો થયો છે.
આજથી પહેલાં પણ અમેરિકાની બહારથી આવીને કમાતા વિદેશીઓ પરત્વે વિરોધનો સૂર
હતો. સુરતના લેઉવા પટેલ અને ચરોતરના કડવા પટેલોએ મોટેલ, ગેસ સ્ટેશન, સબવે, ડંકીન,
ગ્રોસરી સ્ટોર અને અન્ય નાના મોટા બિઝનેસ પર જમાવેલી એકહથ્થુ સત્તા વિશે અમેરિકનો નારાજ
હતા, પરંતુ સાથે સાથે અમેરિકન પ્રજાને એવો પણ ખ્યાલ હતો કે, ભારતીય લોકો જેટલી મજૂરી કરે
છે એટલી મહેનતનું કામ અમેરિકન મૂળ ધરાવનાર પ્રજા નહીં કરી શકે. રોજિંદી જરૂરિયાતો જેવી કે
પ્લમ્બિંગ, કન્સ્ટ્રક્શન, સામાન્ય મજૂરી (હેન્ડીમેન) અને સ્ટોર્સમાં કલાકો ઊભા રહીને કરવી પડતી
મજૂરી માટે આ અમેરિકન પ્રજા મેક્સિકન અને ભારતીય લોકો પર આધારિત હતી. સમય સાથે
પરિસ્થિતિ પલટાઈ અને ટ્રમ્પની સરકારે અહીંની પ્રજાને બહારથી આવીને સમૃદ્ધ થયેલા
વિદેશીઓની ધીરે ધીરે વિરુદ્ધ ઉશ્કેરવાનું કામ કર્યું.
એ પછી કોવિડના સમયમાં પ્રજાને સધિયારો આપવા માટે બાઈડેનની સરકારે છૂટા હાથે
આર્થિક સપોર્ટની લહાણી કરી, જેને કારણે ફરિયાદનો અવાજ દબાયો પણ સરકારની તિજોરીની
હાલત બગડી. અત્યારે આખા અમેરિકામાં સ્ટાફની અછત છે. મોટેલ હોય કે ડૉક્ટરનું ક્લિનિક,
લગભગ આખું અમેરિકા અત્યારે સ્ટાફની અછત સાથે ગમે તેમ કરીને ગાડું ગગડાવી રહ્યું છે.
બાઈડેનની સરકારે છૂટા હાથે બધાંને મદદ આપી એને કારણે અત્યારે મૂળ અમેરિકન પ્રજા પાસે
એટલા ડોલર આવે છે કે એમની રોજિંદી જરૂરિયાતો માટે એમને કામ કરવાની જરૂર નથી. જે લોકો
કામ નથી કરતાં એ નવરા છે , જે નવરા છે એ સૌને લાગે છે કે અમેરિકા “એમનું” છે અને વિદેશથી
આવીને વસેલા સૌ એમના ભાગની સમૃદ્ધિ લૂંટી રહ્યા છે !
ભારતીય અને પાકિસ્તાની, કોરિયન અને ચાઈનીઝ વચ્ચેનો તફાવત અહીંની મૂળ પ્રજા
(ઓછું ભણેલી અને પ્રમાણમાં સ્લો) સ્પષ્ટ રીતે જાણતી કે જોઈ શકતી નથી. એમને તો બધા સરખા
જ લાગે છે…ઉશ્કેરાયેલા મગજ એમને આવા છમકલાં કરવા તરફ ધકેલે છે.
સાચું પૂછો તો અમેરિકાની મૂળ પ્રજા જેને રેડ ઈન્ડિયન કે લેટીન અમેરિકન કહેવાય છે એવા
લોકો આ દેશમાં પહેલેથી જ બહુ ઓછા હતા. જે હતા એ અભાં અને આદિવાસી જેવા હતા.
અમેરિકા સતત એની સગવડો અને સમૃદ્ધિ માટે બહારના લોકો પર આધારિત રહ્યું છે. અહીં
ઉત્પાદન ઓછું અને આયાત વધુ થાય છે. જે પ્રખ્યાત બ્રાન્ડ્સની વસ્તુઓ દુનિયાભરના લોકો
અમેરિકામાંથી સસ્તા ભાવે ખરીદે છે એ બ્રાન્ડ્સ મૂળ અમેરિકન નથી!
એવી જ રીતે અમેરિકામાં આઈટી માટે વિદેશીઓ ઉપર આધારિત રહેવું પડે છે. આ બધા
છતાં અમેરિકાનો નાગરિક અત્યારે માને છે કે, બહારના લોકોએ આવીને મૂળ અમેરિકનના અધિકારો
પર તરાપ મારી છે.
કોવિડ પહેલાં સ્થિતિ આટલી ખરાબ નહોતી, પરંતુ કોવિડ પછી અસુરક્ષા અને
અસલામતીની ભાવના અનેકગણા વધી ગયા છે. ‘ફરીથી કોવિડ થશે તો શું થશે’ એ વિચારમાત્રથી
બીનજરૂરી સંગ્રહ વધવા લાગ્યો છે. કોવિડના સમયમાં મળેલી મદદને કારણે બજારમાં ખરીદ શક્તિ
ઉમેરાઈ, પરંતુ હવે એ બજારો ઠંડા પડવા લાગ્યા છે. આ લખાય છે ત્યારે સેનસેક્સ 12 હજાર
પોઈન્ટનો ધક્કો ખાઈને અમેરિકનોના શ્વાસ અધ્ધર કરી રહ્યું છે. તો બીજી તરફ, બાઈડન સરકારે
ઉદાર હાથે વહેંચેલી મદદ હવે ટૂંક સમયમાં બંધ થશે એવું સૌ સમજે છે. જો એ મદદ બંધ થશે તો શું
થશે ? એના વિચારથી અમેરિકા ભયાનક મંદીનો ભય અનુભવી રહ્યું છે. પ્રમાણમાં uninformed
અમેરિકન માટે બધા ભારતીય કે પાકિસ્તાની ટેરરિસ્ટ અને કોરિયન કે ચાઇનીઝ પેન્ડેમિકનું કારણ
લાગે છે. વિમાનમાં એરપોર્ટ પર કે નાના મોટા સ્ટોર્સમાં પણ હવે રેસિઝમના આવા અનુભવની બહુ
નવાઈ નથી રહી, પરંતુ કોપેલની આ high સ્કૂલની ઘટનાએ અમેરિકાને ચોંકાવ્યું છે કારણ કે, અત્યાર
સુધી રેસિઝમ ટીનએજ બાળકો સુધી પહોંચ્યું નહોતું, બલ્કે અમેરિકામાં જન્મેલા તમામ નાગરિકો
‘અમેરિકન’ છે, એવો એક વણલખ્યો સ્વીકાર નવી પેઢીના વિચાર-વ્યવહાર અને વર્તનમાં જોવા
મળતો હતો. અમેરિકામાં જેને ‘બુલી’ કહેવાય એવી ઘટનાઓ છૂટપુટ બનતી હશે, પરંતુ આ છોકરા
શાન સાથે અમેરિકન છોકરાએ કરેલું વર્તન આખા દેશના પાયાને ધ્રૂજાવી ગયું છે.
ભારત હોય કે મહાસત્તા,
આપણને જે નથી દેખાતા એવા રંગ, ધર્મ, ભાષા, જ્ઞાતિ, જાતિ અને પ્રાંતના વિખવાદો
માણસ જાતને ઉધઈની જેમ વળગ્યા છે.વોટ બેંકના નામે પોતાના રોટલા શેકતા રાજકારણીઓ
ભારતીય હોય કે અમેરિકન, એમને ઝાઝો ફરક પડતો નથી પરંતુ જો એક માણસ બીજા માણસની
સાથે સહિષ્ણુતા અને સમજણથી નહીં વર્તી શકે તો વિશ્વ શાંતિની મોટી મોટી વાતો કરવાથી કોઈ
શાંતિ કે વિકાસ શક્ય બનશે નહિં.
માનવ અધિકાર અને જિંદગીનું મૂલ્ય એક સામાન્ય માણસે કરવું પડશે. રાજકારણના પ્યાદા
બનવાને બદલે જાતે વિચારીને વિશ્વશાંતિ માટે પોતે જ પ્રયાસ કરવો પડશે.