શ્રી જગન્નાથ મંદિરમાંથી દર વર્ષે રંગેચંગે રથયાત્રા નીકળે છે. રથ પર સવાર
શ્રીકૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રાજીનાં દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. ધ્યાનથી
જોવામાં આવે તો ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ છે. રથયાત્રાની
ત્રણે મૂર્તિઓનો ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે. તેની પાછળ એક કથા જોડાયેલી
છે. તે કથા પ્રમાણે રાજા ઇન્દ્રદ્યુમ્ન પોતાના પરિવાર સાથે નીલાંચલ સાગર પાસે
ઓરિસ્સામાં રહેતા હતા. એક વાર રાજા ઇન્દ્રદ્યુમ્નને ઇચ્છા થઈ કે ભગવાન
જગન્નાથ,બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવવામાં આવે. આ વિચાર સતત તેમના
મનમાં ચાલ્યા જ કરતો હતો. એક દિવસ તેઓ આ જ વિચારમાં ડૂબેલા હતા. એવામાં
સમુદ્રમાં એક મોટું કાષ્ઠ (લાકડું) તરતું જોયું. તેમને આંતરિક પ્રેરણા મળી કે આ
કાષ્ઠમાંથી જ મૂર્તિઓનું નિર્માણ કરીએ તો! પરંતુ એક સમસ્યા ઊભી થઈ, તે હતી
યોગ્ય શિલ્પીની શોધ. એવું કહેવાય છે કે જગન્નાથ સ્વામીએ દેવતાઓના શિલ્પી
વિશ્વકર્માને રૂપ બદલીને નરેશની પાસે મોકલ્યા. વૃદ્ધ વ્યક્તિનો સ્વાંગ રચીને વિશ્વકર્મા
રાજા પાસે આવ્યા. આ વૃદ્ધ શિલ્પીએ રાજા સમક્ષ એક શરત મૂકી કે, તે મૂર્તિ તો
બનાવશે, પરંતુ એકવીસ દિવસ સુધી તેમના કામમાં કોઈ બાધા ન આવવી જોઈએ.
રાજાએ શરતનો સ્વીકાર કર્યો, પછી વિશ્વકર્મા હાલમાં જ્યાં જગન્નાથજીનું મંદિર
છે, તેની પાસે જ એક ઘરમાં મૂર્તિનિર્માણના કામ માટે કાષ્ઠ સાથે જતા રહ્યા. રાજાનો
પરિવાર જાણતો નહોતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે? ઘણાં દિવસો સુધી તે ઘરનાં દ્વાર
બંધ રહ્યાં. મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધ શિલ્પી ખાધાપીધા વગર કેવી રીતે કામ કરી
શકશે? પંદર દિવસ વીત્યા પછી તેમને લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ભૂખને કારણે અત્યાર સુધી
તો મૃત્યુ પામ્યા હશે. મહારાણીએ રાજાને પોતાની શંકા જણાવી, તેથી મહારાજાએ દ્વાર
ખોલાવતાં ત્યાં વૃદ્ધ શિલ્પી ન હતા, પરંતુ તેમના દ્વારા અર્ધનિર્મિત ત્રણ મૂર્તિઓ હતી.
આ જોઈ રાજા અને રાણી દુઃખી થઈ ગયાં. તે ક્ષણે જ ભવિષ્યવાણી થઈ કે, “હે નરેશ!
દુઃખી ન થશો, અમે આ જ રૂપમાં રહેવા માગીએ છીએ. મૂર્તિઓને દ્રવ્ય વગેરેથી પવિત્ર
કરીને તેની સ્થાપના કરાવો.”
એવું માનવામાં આવે છે કે એક વાર દેવી સુભદ્રા પોતાની સાસરીમાંથી દ્વારિકા
આવ્યાં હતાં. તેમણે પોતાના બંને ભાઈઓને નગરદર્શનની ઇચ્છા જણાવી. શ્રીકૃષ્ણ
અને બલરામે તેમને એક રથ પર બેસાડયાં અને તેઓ અલગ-અલગ રથ પર સવાર
થઈ ગયા. સુભદ્રાના રથને વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ-બહેનો
નગરયાત્રા પર નીકળી પડયાં.
જગન્નાથજીના મંદિર (ઓરિસ્સા)માં પહેલીવાર રથયાત્રા થઈ, એ પછી 140
વર્ષ પહેલાં મહંત નરસિંહદાસજીએ 1878ની અષાઢી બીજના દિવસે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો.
આ મંદિરનો ઇતિહાસ 450 વર્ષ જુનો છે. આ ઇતિહાસની જો વાત કરીએ તો આ
મંદિરની સ્થાપના સારંગજીદાસે કરી હતી. જગન્નાથ મંદિર પહેલા હનુમાનજીનું મંદિર
હતું. આ મંદિરના નિર્માણ પાછળ એક આદેશ કારણભુત છે. સારંગજીદાસજીને
સપનામાં જગન્નાથજીની મૂર્તિ સ્થાપિત કરવાનો આદેશ મળ્યો હતો. જેથી તેઓ પુરીથી
નીમકાષ્ઠાની બનેલી મૂર્તિઓ લાવ્યા, અને સંપુર્ણ વિધિવિધાન સાથે આ મૂર્તિઓની
પ્રાણપ્રતિષ્ઠા કરાઇ. અષાઢી બીજના દિવસે એટલે કે 1 જુલાઇ 1978માં પ્રથમ
રથયાત્રા યોજાઇ હતી. 140 વર્ષ પહેલાં બહુ નાના પાયે શરૂ થયેલી રથયાત્રામાં
ભગવાનને બળદગાડામાં લઈ જવાતા હતા. જેમાં સાધુસંતો ભાગ લેતા હતા. તે સમયે
સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુસંતોનું રસોડું રાખવામાં આવતું હતું. બસ તે
સમયથી જ સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું. હવે સરસપુરની
તમામ પોળોના રહેવાસીઓ રથયાત્રામાં જોડાયેલા ભકતોને પ્રેમભાવથી જમાડે છે.
ભગવાન પોતાના મંદિરમાંથી નીકળીને સામાન્ય લોકોની વચ્ચે પહોંચી જાય, એ વિચાર કેટલો
રસપ્રદ છે! સહુ મંદિરમાં ભગવાનના દર્શન કરવા જાય, પરંતુ રથયાત્રામાં ભગવાન ભક્તને મળવા
નગરનો પ્રવાસ કરે છે. આજકાલ રાજનેતાઓ ‘શક્તિ પ્રદર્શન’ અને ‘રેલી’, ‘રોડ શો’ના નામે લોકોની
વચ્ચે જઈને પોતાની લોકપ્રિયતા ચકાસવાનો, પૂરવાર કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે એના મૂળ કદાચ
‘રથયાત્રા’માં રહેલાં હશે? કૃષ્ણના અનેક સ્વરૂપો સાથે નગરયાત્રા જોડાયેલી છે એટલે કૃષ્ણ વધુ
લોકપ્રિય અને લોકાભિમુખ વ્યક્તિ હશે, એવું માની શકાય? વિઠોબાની પાલખી પણ નગરમાં પ્રવાસ
કરે છે. ગેડ માધવપુરમાં કૃષ્ણની મૂર્તિ મંદિરની બહાર આવે છે અને દર વર્ષે રુક્મિણી વિવાહનો પ્રસંગ
યોજાય છે! આજે પણ, હજારો વર્ષો પછી એમના ગાંધર્વ લગ્નને યાદ કરવામાં આવે છે.
એ રીતે જોવા જઈએ તો કૃષ્ણની કેટલી બધી વાતો એમના સમયથી વહેલી અને એમણે
લીધેલા નિર્ણયો ઘણી રીતે મોર્ડન કહી શકાય. કૃષ્ણને જ્યારે જાણ થઈ કે એમની બહેન એમના જ
મિત્ર અર્જુનને પ્રેમ કરે છે ત્યારે એમણે પોતાની બહેનને પોતાના મિત્ર સાથે લગ્ન કરવાની છૂટ
આપી, એટલું જ નહીં, એમના લગ્નમાં મદદ કરી.
બલરામને જ્યારે ખબર પડી કે, સુભદ્રા કોઈ સાધુ સાથે ભાગી ગઈ છે ત્યારે
બલરામ અત્યંત ગુસ્સે થયા. એ વધુ ક્રોધિત થયા જ્યારે એમને એ જાણ થઈ કે સાધુ
વેશધારી બીજું કોઈ નહીં, પણ અર્જુન જ હતો. બલરામે ક્રોધિત થઈને રાડ પાડી, ‘હું
એમની પાછળ જઈને સુભદ્રાને ઘેર લઈ આવીશ.’ કૃષ્ણએ પૂછ્યું, ‘શા માટે? શું તમને એ
નથી સમજાતું કે સુભદ્રા એને પ્રેમ કરે છે? એનું અપહરણ નથી કરવામાં આવ્યું. તમે
જોયું નહીં કે, જે રથમાં બેસીને એ બંને જણાં નગરની બહાર ગયા એ રથ સ્વયં સુભદ્રા
ચલાવી રહી હતી અને એના ચહેરા પર અવર્ણનીય આનંદ અને સ્મિત હતા.’
બલરામે અંતે અચકાતા અચકાતા પણ સ્વીકાર કરી લીધો કે પોતાનું જીવન
કોની સાથે વિતાવવું એ અધિકાર સુભદ્રાનો જ હોઈ શકે.
સુભદ્રાની સાથે ઈન્દ્રપ્રસ્થના દ્વાર પર પહોંચીને અર્જુન અસમંજસમાં પડી ગયો.
દ્રૌપદીએ તો પહેલેથી જ કહી દીધું હતું કે, એના પાંચમાંથી એક પણ પતિની પત્ની
ઈન્દ્રપ્રસ્થમાં નહીં વસે. હવે સુભદ્રાને ક્યાં લઈ જવી એ પ્રશ્ન મુશ્કેલ હતો. એ દ્વારિકા
પાછી જઈ શકે એમ નહોતી. પોતાની અસમંજસ દૂર કરવા માટે નવદંપતિએ કૃષ્ણની
સલાહ માંગી. કૃષ્ણની સલાહ અનુસાર સુભદ્રાએ ગોપીના વેશમાં દ્રૌપદીના કક્ષમાં
પ્રવેશ કર્યો. પોતાને અને પોતાના પતિને શરણ આપવાની વિનંતી કરી. એણે પોતાની
ઓળખ છુપાવતા કહ્યું, હું એની સાથે મારું ઘર છોડીને આવી ગઈ છું. હવે મારી પાસે
જવાની કોઈ જગ્યા નથી અને મને ડર લાગે છે કે, એની પહેલી પત્ની મને મારા પતિ
સાથે નહીં રહેવા દે.
દ્રૌપદીએ સ્નેહપૂર્વક જવાબ આપ્યો, કશો વાંધો નહીં. તું મારી સાથે રહી શકે છે.
હું તને મારી બહેનની જેમ રાખીશ. આ સાંભળીને સુભદ્રાએ નીચી નજરે દ્રૌપદી સામે
સ્વીકાર કર્યો, ‘હું તમારી બહેન જેવી જ છું. હું કૃષ્ણની બહેન છું અને અર્જુન મારો પતિ
છે.’
દ્રૌપદીને છેતરાયાનો આભાસ થયો, પરંતુ એણે સુભદ્રાને ક્ષમા કરી અને
ઈન્દ્રપ્રસ્થમાં રહેવાની અનુમતિ આપી. એણે પોતાનાથી ચાર વર્ષ દૂર રહેવાના સમય
દરમિયાન સુભદ્રાને અર્જુન સાથે શરીરસંબંધ બાંધવાની અનુમતિ પણ આપી. સમય
જતાં અર્જુન અને સુભદ્રાના દામ્પત્યમાં એક પુત્રનો જન્મ થયો જેનું નામ અભિમન્યુ
પાડવામાં આવ્યું.
કૃષ્ણ કથાઓ ખૂબ રોચક અને રસપ્રદ છે… આજે રથયાત્રાના દિવસે કૃષ્ણ સાથે અભિન્ન રીતે
જોડાયેલાં એમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને પણ યાદ કરીએ.