છેલ્લા થોડા સમયથી બોલિવુડમાં જેટલું પણ કામ થયું છે એમાંની મોટાભાગની સફળ
ફિલ્મોમાં દક્ષિણથી અભિનેતાઓને આમંત્રિત કરવા પડ્યા છે… વાર્તાઓ પણ દક્ષિણ કે હોલિવુડથી
‘પ્રેરિત’ હોય, અથવા જૂની હિન્દી ફિલ્મની રિમેક કરવાનો પ્રયત્ન ફરી ફરીને કરવામાં આવે છે. માત્ર
બોલિવુડમાં જ નહીં, બલ્કે ગુજરાતી ફિલ્મોમાં પણ ક્યાંક ક્યાંક ‘હિન્દી’ કે ‘દક્ષિણ’ જેવી ફિલ્મો
બનાવવાનો પ્રયત્ન જોવા મળે છે ત્યારે એક સવાલ એવો ઉઠે છે કે, આપણે ત્યાં ‘મૌલિક વિષયો’ કે
ઓરિજિનલ વાર્તાની તંગી છે? ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિ પાસે અગાધ જ્ઞાન અને અનેક
વાર્તાઓ છે. ઉપનિષદ્, મહાકાવ્યોથી શરૂ કરીને આધુનિક લેખકોની અનેક વાર્તાઓ ભારતની 18થી
વધુ ભાષાઓમાં લખાતી રહે છે ત્યારે આપણે કેમ આપણી કથા-વસ્તુ સાથે ફિલ્મો બનાવતાં
અચકાઈએ છીએ?
સો-બસ્સો-પાંચસો કરોડની બોક્સ ઓફિસના દાવા કરવામાં આવે ત્યારે અફસોસ
એવો થાય કે, જેટલી ફિલ્મો ચાલી, સફળ થઈ કે બોક્સ ઓફિસ ઉપર જેણે રેકોર્ડ તોડ્યા એમાંની કોઈ
ફિલ્મ ‘ક્લાસિક’ના વર્ગમાં મૂકી શકાય એવી નહોતી. સાહિત્ય, સિનેમા આ બે એવા સર્જન છે જેની
પાસે પેઢીઓ અને સદીઓ સુધી જીવવાનું વરદાન છે. સવાલ ‘મોગલ-એ-આઝમ’ કે ‘પ્યાસા’, ‘મેરા
નામ જોકર’નો નથી, એ વિષયો એ સમયના હતા, પરંતુ આજે પણ વિષયોની કમી તો નથી જ.
સાહિત્ય કૃતિ પરથી બનાવવામાં આવેલી ફિલ્મ ‘કમઠાણ’ને જોઈએ તેવો પ્રતિભાવ ન મળ્યો, તો
બીજી તરફ ‘વશ’ હિન્દીમાં રિમેક કરવામાં આવી, ત્યારે સવાલ એ થાય છે કે, શું આપણે ‘એનિમલ’
અને ‘વશ’ જેવી ફિલ્મો તરફ ઢસડાઈ રહ્યા છીએ? સંવેદનશીલ, ઋજુ, સંબંધોના તાણાંવાણાં ગૂંથતી
કે ખડખડાટ હસાવે તેવી ફિલ્મોમાં આપણને હવે રસ નથી પડતો?
આ જ પરિસ્થિતિ સંગીતમાં પણ થઈ રહી છે. ગીતના શબ્દો ઉપર ધ્યાન આપવામાં
કોઈને રસ જ નથી. 60-70 અને લગભગ 80ના દાયકા સુધી ફિલ્મી સંગીતની સાથે જોડાયેલી
કવિતાઓ અને ગણગણી શકાય તેવું સરળ-સહજ સંગીત પ્રેક્ષક માટે સૌથી મોટી ભેટ હતી. હજી
આજે પણ એ જ સંગીતને ફરી ફરીને રિમિક્સ કરવું પડે છે કારણ કે, ગીતના એવા શબ્દો આપણને
હવે મળતા નથી? ગીતકારો ખતમ થઈ ગયા છે કે, મહેનત કરવાની, ફિલ્મની સિચ્યુએશન સાથે
સ્વયંને જોડીને ગીત લખવાની એ શિદ્દત ખતમ થઈ ગઈ છે?
સતત હિન્દુસ્તાન-પાકિસ્તાનની લડાઈ, જાસૂસ, વોર્નના દ્રશ્યો, ઉથલી પડતી ગાડીઓ,
બોમ્બ બ્લાસ્ટ અને મશીનગન્સ, હેલિકોપ્ટરના દ્રશ્યો સાથે ફિલ્માવવામાં આવતી મોંઘી છતાં વાર્તા
વગરની ફિલ્મો ધીરે ધીરે આપણા સૌના મગજ પર એવી છવાઈ ગઈ છે કે, આપણને નાનકડી,
પારિવારિક વાર્તાઓ સાથે બનતી ફિલ્મો તો લગભગ ભૂલાઈ જ ગઈ છે. થિયેટરની પરિસ્થિતિ પણ
કોરોના પછી બહુ સારી તો નથી જ. મોટાભાગના મેકર્સ નાની ફિલ્મોને સીધી ઓટીટી પર રજૂ કરી
દેવામાં એક ‘સુરક્ષિત’ બિઝનેસની ગણતરી કરે છે. ફિલ્મ ન ચાલે તો થિયેટરના ભાડા, પબ્લિસિટી
અને એક્ટર્સના પ્રમોશન માટેના ખર્ચા માથે પડે, એના કરતા પોતે જે ભાવે ફિલ્મ બનાવી હોય એમાં
થોડાક ઉમેરીને પણ જો ઓટીટી ઉપર પ્રીમિયર થઈ શકે તો પૈસા ન ડૂબે, એ વિચારે આ
અનપ્રેડિક્ટેબલ માર્કેટમાં કોઈ સાહસ કરવા તૈયાર નથી. ઋષિકેશ મુખર્જી, બાસુ ભટ્ટાચાર્ય, ગુલઝાર
સાહેબ, બાસુ ચેટર્જી, સાઈ પરાંજપે જેવા નાના અને મજાની ફિલ્મો બનાવતા મેકર્સનો જમાનો તો
જાણે પૂરો જ થઈ ગયો હોય એમ હવે ફક્ત હિંસા, સેક્સ અને યુધ્ધ, જાસૂસીની ફિલ્મોનો પ્રેક્ષક ઉપર
મારો કરવામાં આવે છે.
જે ક્ષણથી બોલિવુડમાં સ્ટુડિયો અને કોર્પોરેટ્સનો પ્રવેશ થયો છે ત્યારથી ફિલ્મ
બનાવવી અને રિલીઝ કરવી એ નાના મેકર્સ માટે લગભગ અસંભવ બાબત બની ગઈ છે. મોટા
સ્ટાર્સ કરોડો રૂપિયાનું મહેનતાણું માગે છે, એ લોકો સ્ટુડિયો સાથે જ કામ કરવા ઈચ્છે છે. નાના
સ્ટાર્સ કદાચ ગંભીર અને સુંદર વિષયો પર કામ કરવા માગતા હોય તો પણ એમણે અંતે સ્ટુડિયોના
આસરે જવું પડે છે કારણ કે, થિયેટર અને સ્ટુડિયોનો એકમેક સાથે કરાર હોય છે. એક મોટી ફિલ્મ
રિલીઝ થતી હોય ત્યારે સારી ચાલતી નાની ફિલ્મોને ઉતારી લેવામાં આવે એવા દાખલા પણ ધીરે
ધીરે વધવા લાગ્યા છે. ફિલ્મ સ્ટુડિયો બનાવે એટલે માલિકી એની હોય. થિયેટરમાં રિલીઝ કરવી કે
ઓટીટી પર નાખી દેવી એનો નિર્ણય સ્ટુડિયોના માર્કેટિંગ વિભાગમાં બેઠેલા એવા લોકો કરે છે જેમને
કલા કરતા વધારે બિઝનેસમાં રસ હોય! વિક્રાંત મેસીની ‘બારવીં ફેલ’ કે અભિષેક બચ્ચનની ‘ઘુમર’,
માનવ કૌલની ‘ટ્રાયલ પીરિયડ’ અને શેફાલી શાહ, જયદીપ અહલાવતની ‘થ્રી ઓફ અસ’, શર્મિલા
ટોગાર અને અમોલ પાલેકરની ‘ગુલમોહર વિલા’ જેવી સુંદર અને સંવેદનશીલ ફિલ્મો સીધી ઓટીટી
પર રિલીઝ થઈ ગઈ. કોઈ પબ્લિસિટી કરવામાં આવી નહીં, એટલે મોટાભાગના લોકો સુધી આ
ફિલ્મો હજી પહોંચી જ નથી. જે લોકો નિયમિત ઓટીટી તપાસે છે અથવા સાચે જ સારી ફિલ્મો
જોવા માગે છે એ લોકો કદાચ આ ફિલ્મો સુધી પહોંચ્યા છે.
હવે તકલીફ એ છે કે, સ્ટુડિયો તો માત્ર આંકડા સમજે છે. થિયેટરમાં નિયમિત જનાર
પ્રેક્ષક તો પબ્લિસિટી ઉપર આધારિત હોય છે, એટલે એને જો ખબર જ ન પડે કે આવી કોઈ ફિલ્મ
રિલીઝ થઈ છે તો આવી સુંદર ફિલ્મોને પ્રેક્ષક મળતો નથી, ઓટીટી ઉપર આંકડા ન દેખાય એટલે
આપોઆપ ભૂમિતીના પ્રમેયની જેમ સાબિત થઈ જાય છે કે, નાની અને સંવેદનશીલ ફિલ્મો ચાલતી
નથી! ‘જવાન’, ‘પઠાન’ અને ‘એનિમલ’ જેવી ફિલ્મો એક સાથે અનેક શોઝમાં, અનેક થિયેટરમાં રજૂ
કરવામાં આવે છે. ભરપૂર પ્રચારને કારણે શુક્ર, શનિ, રવિનું ‘ઈનિશિયલ’ બુકિંગ દેખાય છે, અને ક્યારેક
બ્લેકના વ્હાઈટ કરવા માટે ખોટા આંકડા પણ બતાવવામાં આવતા હોય તો નવાઈ નહીં… આ
પરિસ્થિતિમાં એવું પ્રસ્થાપિત થતું જાય છે કે, હવે ‘આવી જ ફિલ્મો ચાલે છે.’
આપણે જો સાચે જ પ્રેક્ષક હોઈએ, સારી ફિલ્મો જોવા માગતા હોઈએ તો ભલે
ઓટીટી ઉપર, પરંતુ સંવેદનશીલ, પારિવારિક અને ઋજુ વિષયો ધરાવતી ફિલ્મોને સપોર્ટ કરવો પડશે,
બાકી આપણા માથે ‘એનિમલ’, ‘જવાન’ અને ‘પઠાન’ ઠોકાતી રહેશે અને ધીરે ધીરે આપણા પછીની
પેઢીને સુંદર, ક્લાસિક અને સંવેદનશીલ ફિલ્મો જોવાની તક પણ નહીં રહે.