પરિણામની જવાબદારી: ઓપ્શન નથી

  • આપણને બધું તૈયાર, ગોઠવેલું અને વ્યવસ્થિત જોઈએ છે, પણ એ કોઈ બીજી વ્યક્તિએ કરવું પડે! એ બીજી વ્યક્તિ ગોઠવે ત્યારે પણ એણે આપણી અનુકૂળતા મુજબ ગોઠવવું જોઈએ એવો આપણો આગ્રહ હોય છે. આપણે કશું નહીં કરવાનું ને તેમ છતાં થવું તો આપણી મરજી મુજબ જ જોઈએ એવી આપણી અપેક્ષા છે 

આપણે બધા ‘સમય નથી’ની ફરિયાદ સતત કરતાં હોઈએ છીએ. સાવ નાનકડાં, શાળાએ જતાં બાળકથી શરૂ કરીને વૃદ્ધ વ્યક્તિ સુધીના ઘણાબધા લોકોની આવી ફરિયાદ હોય છે કે એમને જેવો જોઈએ એવો સમય નથી મળતો. રમવા, વાંચવા, કસરત કરવા, સંગીત સાંભળવા કે પોતાની જાત સાથે સમય વિતાવવા માટે સમય નથી એની ફરિયાદ લગભગ બધાંની હોય છે, ત્યારે ‘મેનેજમેન્ટ’ બહુ મહત્ત્વનો શબ્દ બની જાય છે. આપણે બધાં મેનેજમેન્ટમાં નબળા માણસો છીએ. સેલ્ફ હેલ્પના પુસ્તકો વાંચીએ છીએ, મોટા માણસોની આદતો અને સફળ થયેલા લોકોની જીવનશૈલી વિશે વાંચીને ખૂબ ઇન્સપાયર થઈએ છીએ, પરંતુ એ થોડાક સમય માટે મન પર સવાર થતી ધૂન છે. આપણા બધાંની મૂળ પ્રકૃતિ આળસુ છે. ગરમ પ્રદેશમાં રહેતાં હોવાને કારણે આપણા શરીરમાં ઊર્જા અમસ્તીય ઓછી હોય છે. વળી, ભારતીય માતા-પિતાનો ઉછેર એક બાળકને નબળું અને આધારિત બનાવવાનો એવો પ્રયત્ન છે જે એને ક્યારેય સ્વતંત્ર નિર્ણય કરતાં શીખવતો નથી!

આપણે બધા ‘ફેમિલી વેલ્યુઝ’ના ગુણગાન કરીએ છીએ. પિતાની આજ્ઞા માનીને, ભાઈને ગાદી આપીને ચાલી ગયેલા રામ આપણા માટે આદર્શ પુત્ર છે. કૃષ્ણ આપણને ત્યાં સુધી જ ગમે છે, જ્યાં સુધી એ બાળસ્વરૂપે લીલા કરે. યાદવાસ્થળીનો કૃષ્ણ કે મહાભારતનો કૃષ્ણ આપણો આરાધ્ય કેમ નથી? કારણ કે આપણને સાહસ, શૌર્ય કે એની સાથે જોડાયેલા પરિણામો વિશે ભય છે. નિર્ણય કરીને એનું પરિણામ જે આવે તે ભોગવી લેવાની આપણી માનસિક તૈયારી નથી. આપણને બધું પ્લેઝન્ટ જોઈએ છે. ફેમિલી વેલ્યુઝ ભલે આપણને રામાયણમાં મળે, પરંતુ એ માત્ર સાંભળવા પૂરતી છે. મોરારિબાપુની કથામાં બેઠેલો શ્રોતા ચોધાર આંસુએ રડતો હોય, પરંતુ જો એ જ માણસને ખબર પડે કે એનો ભાઈ દાગીનામાં કે ઘરમાં થોડોક ભાગ વધારે લઈ ગયો છે, તો જંગે ચડતા એને વાર લાગતી નથી! એવી જ રીતે જો પોતે ભાઈ તરીકે, પિતા તરીકે, મા તરીકે કે પત્ની તરીકે નિર્ણય કરવાનો હોય તો આપણે રામને વધુ યાદ કરીએ છીએ, કૃષ્ણને કે એની ગીતાને એ વખતે યાદ કરવાનું આપણને અઘરું પડે છે. બીજાને સલાહ આપવાની હોય ત્યારે આપણને ગીતા અચૂક યાદ આવે છે. ‘પોતાનાં અને પારકાં નહીં જોવાનાં આવું કૃષ્ણએ કહ્યું છે’ એ વાત આપણે બીજાને કહીએ છીએ, પણ આપણા જીવનમાં આવી કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે આપણે નિર્ણયની જવાબદારી સહજતાથી બીજાના ખભે મૂકી દઈએ છીએ, ‘તમે જ કહો હું શું કરું?’ અંગત ઝઘડામાં પણ આપણને આર્બીટ્રેશન જોઈએ છે.

આપણા અંગત ઝઘડા કે સમસ્યાઓ આપણે જાતે મેનેજ નથી કરી શકતા, કારણ કે એમાં ડિસિઝન લેવું પડે છે, ડિસિઝન સાથે પરિણામ જોડાયેલું છે અને પરિણામ ભોગવ્યા વગર જીવી શકાતું નથી. આપણે નિર્ણય લેતાં નથી, કારણ કે પરિણામ ભોગવવું નથી. આપણને બધું તૈયાર, ગોઠવેલું અને વ્યવસ્થિત જોઈએ છે, પણ એ કોઈ બીજી વ્યક્તિએ કરવું પડે! એ બીજી વ્યક્તિ ગોઠવે ત્યારે પણ એણે આપણી અનુકૂળતા મુજબ ગોઠવવું જોઈએ એવો આપણો આગ્રહ હોય છે. ટૂંકમાં, આપણે કશું નહીં કરવાનું ને તેમ છતાં થવું તો આપણી મરજી મુજબ જ જોઈએ એવી આપણી અપેક્ષા છે. સત્ય એ છે કે આવું કોઈ પેકેજ ક્યાંય ઉપલબ્ધ નથી.

આપણે લીસ્સા જીવનના માણસો છીએ. માખણની જેમ, શીરાની જેમ જિંદગીના લોંદા ફટાફટ ગળા નીચે ઉતરવા જોઈએ. ગાંઠ જ્યાં પડે ત્યાંથી કાપી નાખવાનું અનુકૂળ છે. બાકી ગૂંચ ઉકેલવી કે ગાંઠ ખોલવી એ આપણી પ્રકૃતિ નથી, કોણ જાણે કેમ! કોઈ બીજી વ્યક્તિએ કરેલી ગોઠવણમાં આપણે સહજતાથી ગોઠવાઈ પણ શકતા નથી. કોઈ પ્લાનિંગ કરે એને પ્રશ્ન પૂછ્યા વગર કે શંકા ઊભી કર્યાં વગર સ્વીકારી લેવાની આપણી તૈયારી નથી. તેમ છતાં પાછું કશું પણ આપણી ધારણા કે ગોઠવણ બહારનું આપણને મંજૂર નથી. જો એવું કંઈ પણ થાય તો આપણું મેનેજમેન્ટ ખોરવાઈ જાય છે, જે ખરેખર આપણે કર્યું જ નથી. આપણને લાગે છે કે આપણી સાથે કશું ખોટું થવું જોઈએ જ નહીં. આપણી જિંદગી પાણીના રેલાની જેમ સડસડાટ વહેવી જોઈએ. આપણે માત્ર સુખ જ ડીઝર્વ કરીએ છીએ એવું માનવામાં આપણને જરાય શરમ 
નથી આવતી?

બીજી તરફ, એક મહત્ત્વની બાબત એ પણ છે કે અચાનક આવી પડેલી સમસ્યા સાથે કામ પાડવાની આપણામાં આવડત જ નથી. સમસ્યા પ્લાનિંગ સાથે આવે તો જ આપણને ફાવે! તકલીફ પણ પહેલાંથી કહીને આવવી જોઈએ. આપણી દુનિયા આગોતરા જામીન પર ગોઠવાયેલા ને ગુનો કરવામાં પાવરધા લોકોની દુનિયા છે. આપણે ભૂલ કરીએ છીએ, જાણીજોઈને ગુનો કરીએ છીએ, પરંતુ એ સ્વીકારવાનું આવે ત્યારે ખોટું બોલી દઈએ છીએ! એનો આરોપ, એની જવાબદારી બીજા પર નાખી દઈએ છીએ. ફરી એક વાર, પરિણામ ભોગવવાની તૈયારી નથી માટે!

જિંદગી મેનેજ કરવી એ કોઈ બિઝનેસ નથી. ગણતરીઓ સાથે કેલ્યુલેટેડ રિસ્ક લઈને જીવી શકાતું નથી. શેર માર્કેટમાં સેફ ઇન્વેસ્ટમેન્ટ, બેંકની સેફ ફિક્સ ડિપોઝિટ અને ઇન્વેસ્ટમેન્ટ માટે ખરીદેલી પ્રોપર્ટી સગવડ આપી શકે, સલામતી આપી શકે, પણ જિંદગી જીવવાની મજા તો અચાનક આવી પડેલા સવાલો મેનેજ કરવામાં જ રહેલી છે. આવતી કાલ સવારથી તમારા વિશે તમને બધી જ ખબર હોય તો જીવવાની મજા આવશે ખરી? તમારું ભવિષ્ય રજેરજ, સાચેસાચું તમને ખબર પડી જાય તો કોઈ મિસ્ટ્રી, કોઈ રહસ્ય, કોઈ આશ્ચર્ય જ નહીં રહે. પછી? શું મેનેજ કરીશું આપણે? મેનેજમેન્ટ માત્ર માણસો મેનેજ કરવાની કે વ્યાપાર મેનેજ કરવાની કળા નથી. મેનેજમેન્ટનો અર્થ જ વ્યવસ્થા છે અને વ્યવસ્થા એ કોઈ ‘કાયમી અવસ્થા’ નથી એટલી સમજણ તો આપણને સૌને હોવી જ જોઈએ.

આપણે વ્યવસ્થા ગોઠવવામાં પાવરધા છીએ, પણ એ વ્યવસ્થામાં ટકી રહેતાં આપણને આવડતું નથી. બાળઉછેરથી લઈને ઘરમાં રહેલા વડીલોની જીવનશૈલી મેનેજ કરવા સુધી બધે જ આપણે કંઈક ને કંઈક ગૂંચવાતાં રહીએ છીએ. લગ્ન હોય કે શિક્ષણ, ઘરનો પ્રસંગ હોય કે પ્રવાસનું આયોજન. આપણને કોઈ એવી વ્યક્તિ જોઈએ છે જે આપણા માટે મેનેજ કરી શકે! આ ટૂર ઓપરેટર્સ પણ એટલે જ સફળ છે, કારણ કે ક્યાં જમવું, ક્યાં રહેવું એવી કોઈ ચિંતા કર્યા વગર આપણે પ્રવાસની મજા માણવી હોય છે. જીવનમાં પણ આવું જ છે. આપણે કોઈ પણ જવાબદારી લીધા વિના જીવનનો પ્રવાસ કરવો છે. આપણે માટે કોઈ મેનેજ કર્યા કરે એટલું જ આપણને જોઈએ 
છે, કદાચ!

જિંદગી આપણી છે, તો એના નિર્ણયો પણ આપણા હોવા જોઈએ. સમસ્યા પણ આપણી, તો એનો ઉકેલ પણ આપણો જ હોવો જોઈએ. સતત કોઈ બીજું આપણી મદદે દોડી આવે, આપણા બદલે નિર્ણય કર્યા કરે, આપણી ગૂંચ ઉકેલ્યા કરે, આપણા સંબંધો સુધાર્યા કરે કે આપણા બદલે જીવ્યા કરે, તો આપણે શું કરીએ છીએ?