રિશી કપૂરઃ ‘ખુલ્લમ ખુલ્લા’ જીવનની ખાટી-મીઠી કથા

જેની સ્મશાન યાત્રામાં હજારો લોકો જોડાયા હોત, એવા એક ઓલટાઈમ સ્ટારની
સ્મશાન યાત્રા 20 લોકો સાથે સંપન્ન થઈ ગઈ! કોરોનાના કપરાકાળ દરમિયાન 30 એપ્રિલ,
2020ના દિવસે રિશી કપૂરનું મૃત્યુ થયું ત્યારે એમના પરિવાર સિવાય કોઈનેય સ્મશાન યાત્રામાં
સામેલ થવાની પરવાનગી મળી નહીં! પોતાના પુત્ર રણબીર કપૂરના લગ્ન જોવા માટે એ જીવ્યા
નહીં, એવી જ રીતે એમની ફિલ્મ ‘શર્માજી નમકીન’ અધૂરી રહી અને એનું બાકીનું શુટિંગ પરેશ રાવલ
સાથે પૂરું કરવામાં આવ્યું. એમના પછી થોડા જ દિવસોમાં એમના ભાઈ રાજીવ કપૂરનું પણ નિધન
થયું. એમની બાયોગ્રાફી જે મીના ઐયર સાથે મળીને એમણે લખી છે એનું નામ ‘ખુલ્લમ ખુલ્લા’
(અનસેન્સર્ડ) છે. રિશી કપૂરના સ્વભાવ મુજબ એમણે એ પુસ્તકમાં એમના જીવનની બધી જ વાતો
ખુલ્લા દિલે લખી છે. એમના સંબંધો, જીવનના પ્રશ્નો, સમજદારી અને ગેરસમજણો વિશે એમણે
સાચા અર્થમાં ખૂલીને અભિવ્યક્ત કર્યું છે.

રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’માં રાજ કપૂરની બાલ્યઅવસ્થાનું પાત્ર ભજવીને
રિશી કપૂરે ડેબ્યૂ કર્યું, 1973માં ‘બોબી’ અને 2021માં ‘શર્માજી નમકીન’ (એમના મૃત્યુ પછી) રિલીઝ
થઈ. 48 વર્ષની કારકિર્દીમાં રિશી કપૂરે લગભગ બસ્સો ફિલ્મોમાં કામ કર્યું, જેમાંથી મોટાભાગની
સુપરહિટ ફિલ્મ પૂરવાર થઈ. બે નેશનલ એવોર્ડ અને ચાર ફિલ્મફેર સાથે રિશી કપૂર એક બોક્સ
ઓફિસ સક્સેસફૂલ સ્ટાર પૂરવાર થયા. એમણે પોતાની બાયોગ્રાફીની શરૂઆતમાં જ લખ્યું છે, ‘એક
પ્રસિધ્ધ પિતાનો પુત્ર અને પ્રસિધ્ધ પુત્રનો પિતા હું બંનેની વચ્ચે અલ્પવિરામ જેવો છું! 16 વર્ષની ઉંમરે ‘મેરા
નામ જોકર’ અને ‘કપૂર એન્ડ સન્સ’માં 90 વર્ષના રોમેન્ટિક દાદાની ભૂમિકા સુધી મારી કારકિર્દી વિસ્તરી છે. હું
પૃથ્વીરાજ કપૂરનો પૌત્ર છું, રાજ કપૂરનો દીકરો છું, નીતુ કપૂરનો પતિ, રિધ્ધિમા અને રણબીરનો પિતા છું, હું
રિશી કપૂર છું… હું નસીબદાર જન્મ્યો અને જીવનભર નસીબદાર રહ્યો!’ એમની બાયોગ્રાફીના પહેલા પાને
આખા કપૂર ખાનદાનની તસવીરો મૂકવામાં આવી છે. વૃધ્ધ શશી કપૂર, સંજના કપૂર, કરણ, કુણાલ,
કૃષ્ણ, રાજીવ, રણબીર, કરિના, કરિશ્મા, રણધીર, નીતુ, રિશી કપૂર પોતે, પૃથ્વીરાજ અને
પૃથ્વીરાજના પુત્રની તસવીરો જોઈને આપણને સમજાય કે આ પરિવારમાં કેટલી સેલિબ્રિટીઝ એક
સાથે જીવી!

એમના એક પ્રકરણ ‘ડ્રીમ રન, ડિફીટ એન્ડ ડિપ્રેશન’માં એમણે લખ્યું છે, સપ્ટેમ્બર,
2010માં શબાના આઝમીએ મને એની 60મા જન્મદિવસની પાર્ટીમાં આમંત્રણ મોકલાવ્યું હતું. મેં મારી
શુભેચ્છા સાથે લખ્યું હતું, ‘હું આવી નહીં શકું કારણ કે, સાઉથ આફ્રિકામાં મારી ફિલ્મોના રિટ્રોસ્પેક્ટિવ શોનું
આયોજન કરવામાં આવ્યું છે’. 40 વર્ષની મારી કારકિર્દી મારી નજર સામેથી પસાર થઈ ગઈ. કેટલાય
દિગ્દર્શકો, લેખકો અને અભિનેતાઓ સાથે મેં કામ કર્યું. મારા ઝઘડા પણ બહુ થયા… એકવાર સંજય
ખાને પરમેશ્વર ગોદરેજની પાર્ટીમાં મારા મોઢા પર દારૂ ફેંક્યો હતો. અમે ખૂબ ઝઘડ્યા અને એ
વખતે કદાચ પોલીસ બોલાવવી પડી હોત. એણે ફેકેલા ગ્લાસને કારણે કદાચ મારી આંખને નુકસાન
થયું હોત! સંજય પોતે એક્ટર હતો અને એને ખબર હતી કે, અમારો ચહેરો જ અમારો વ્યવસાય છે,
પરંતુ એ ખૂબ જ ગુસ્સાવાળો માણસ હતો અને જ્યારે એને ગુસ્સો આવતો ત્યારે એનો કાબૂ રહેતો
નહીં. જોકે, બીજે દિવસે એણે અને ઝરીને મારી માફી માગી અને મેં પણ સામે માફી માગી! એવી
જ રીતે ‘ઝંઝીર’ રજૂ થઈ એ જ વર્ષે ‘બોબી’ રિલીઝ થઈ. હું હવામાં હતો અને સલીમ-જાવેદ પણ એ
દિવસોમાં સુપરસ્ટાર કહેવાતા હતા. મારી ફિલ્મ દિલ્હીમાં રજૂ થઈ એ દિવસે એક ફેને પોતાનું શર્ટ
ખોલીને બ્રા ઉપર ઓટોગ્રાફ માગ્યા હતા. સલીમ સાહેબ સાથે મારા સંબંધ સારા હતા, પરંતુ જાવેદ
સાહેબ સાથે એકવાર એવી ચણભણ થઈ, ને મારા સ્પષ્ટ વક્તા સ્વભાવને કારણે મેં એમને કહેલું, ‘તમે
કાગળ પર કઈ પણ લખો, જ્યાં સુધી તમને એક એક્ટર ન મળે ત્યાં સુધી તમારું કંઈ થઈ શકે નહીં…’ એમણે
જવાબ આપેલો, ‘તમે તો કઠપૂતળી છો, અમે લખીએ એ જ બોલો છો! ‘ જોકે, એ પછી જાવેદ સાહેબ
સાથેના સંબંધો અત્યંત હૂંફાળા અને પ્રેમાળ રહ્યા.

રણબીર મારા સ્વભાવ વિશે ઘણીવાર કોમેન્ટ કરે છે, ખાસ કરીને મારી ટ્વિટરબાજી
વિશે એને વાંધો છે. અમારી વચ્ચે એવા સંબંધ નથી કે, અમે ખૂલીને એકબીજાની ભૂલ બતાવી
શકીએ. એ એની માની વધુ નજીક છે… રણબીર સાથેના મારા સંબંધ એક્ઝેટલી એવા છે જેવા મારા,
રાજ કપૂર સાહેબ સાથે હતા. અમારી વચ્ચે એક ઈમોશનલ અંતર છે, છતાં એ મને ખૂબ પ્રેમ કરે છે
એવી મને ખાતરી છે.

એમણે નીતુ કપૂર વિશે લખ્યું છે, ‘મારા જીવનની મહત્વની સ્ત્રી…’ ‘ઝહરીલા ઈન્સાન’ના
સેટ પર એ લોકો પહેલીવાર મળ્યા. ત્યાર પછી ઘણા લાંબા સમય સુધી એમનું ડેટિંગ ચાલતું રહ્યું.
બંને જણાં લગ્ન કરવા માગતા હતા, પરંતુ રિશી કપૂરની ઈમેજને કારણે નીતુજીના મમ્મી રાજી સિંહ
થોડા અચકાતા હતા. અંતે રાજ કપૂર સાહેબે જાતે માગું નાખીને દિલ્હીમાં એમની સગાઈ કરાવી.
નીતુ પાસે તો વીંટી પણ નહોતી. એણે રવિ મલ્હોત્રાની વીંટી મને પહેરાવી, જેના ઉપર ‘આર’
કોતરેલો હતો!

હું અને નીતુ જ્યારે ડેટિંગ કરતા હતા ત્યારે એકબીજાને ‘બાબા’ કહીને બોલાવતા હતા
જે સમયાંતરે નાનું થઈને ‘બોબ’ થઈ ગયું. હાલમાં પણ નીતુ ક્યારેય મને નામથી નથી બોલાવતી તે
મને બોબ જ કહે છે. હું ઘરમાં હોઉં ત્યારે બધા ઘરમાં રહે એવો મારો આગ્રહ હોય છે એટલું જ નહીં,
નીતુ સતત મારી આસપાસ હોય એવો પણ મારો દૂરાગ્રહ હોય છે. એણે હંમેશાં મારી વિચિત્રતાઓ
અને મિજાજના અપડાઉન સાથે અડજેસ્ટ કર્યું છે એવું મારે સ્વીકારવું જોઈએ.

લગ્ન પછી રોમેન્ટિક હીરો તરીકે ટકી રહેવું અઘરું પડશે, એવી મને દહેશત હતી. જાણે-
અજાણે આવા નેગેટિવ વિચારો મારા મનમાં ફરતા હતા અને તે દ્રઢ થઈ ગયા, કારણ કે મારા લગ્ન
થયા તે જ વર્ષે ‘કર્ઝ’ રિલીઝ કરવામાં આવી, જે ખાસ સફળ રહી નહીં. તેની આગળ ‘જમાને કો
દિખાના હૈ’ તો નિષ્ફળ સાબિત થઈ જ હતી. હું તેના કારણે નીતુને દોષ દેતો હતો. હું કહેતો કે,
લગ્નના કારણે મારી ફિલ્મો ચાલતી નથી! હું એટલો બધો નિરાશામાં જતો રહ્યો કે ફેનની સામે,
કેમેરાની સામે જોવાની પણ મારી હિંમત થતી નહોતી. હું એટલા માટે આ વાતનો ઉલ્લેખ કરું છું
જેથી નીતુનો સહકાર અને એની સમજણ વિશે જણાવી શકાય. સ્વાભાવિક રીતે જ મારા માતા-
પિતા પણ ખૂબ ચિંતિત હતા. તેઓ મને ફાર્મ હાઉસ પર લઈ ગયા અને ત્યાંથી શિરડી પણ લઈ ગયા.
પાપાએ ભગવદ ગીતાના શ્લોક દ્વારા મને વાસ્તવિકતા સ્વીકારવા અને નિરાશામાંથી બહાર
આવવાની સમજ આપી પણ હું કોઈ જ પ્રતિક્રિયા આપવા તૈયાર નહોતો. નીતુ તે વખતે પ્રેગનન્ટ
હતી અને રિધ્ધિમાને જન્મ આપવાની હતી. તેણે મારી આ મનઃસ્થિતિનો સામનો કરવાનો હતો.
ધીમે ધીમે હું મારા મિત્રો, સાથીઓ અને પરિવારજનોની મદદથી હતાશામાંથી બહાર આવી ગયો.
મને ખબર છે કે, આ દરમિયાન તેને કેવી ભયાનક અને અપમાનજનક સ્થિતિમાંથી પસાર થવું પડ્યું
હશે, પરંતુ એણે કોઈ દિવસ ફરિયાદ કરી નથી કે, નથી કોઈ દિવસ પોતાની કારકિર્દી છોડવી પડી એ
વિશે અફસોસ વ્યક્ત કર્યો.

રિશી કપૂરનું આ પુસ્તક ‘ખુલ્લમ ખુલ્લા’ હવે ગુજરાતી ભાષામાં પ્રગટ થઈ રહ્યું છે. રવિ
ઈલા ભટ્ટ દ્વારા અનુવાદિત આ પુસ્તક રિશી કપૂરના જીવનની કેટલીક એવી વાતો આપણા સુધી
લઈ આવે છે જેને વિશે આપણને ખાસ જાણ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *