‘અત્યારે નહીં…’ ‘શરૂ ના કરીશ…’ ‘એકની એક વાત કેટલીવાર કહીશ ?’ ‘ચૂપ રહે…’ ‘બકવાસ ના કર…’ ‘જસ્ટ
શટ અપ’ આ શબ્દો આપણે કેટલીવાર કહ્યા અને સાંભળ્યા છે. સામાન્ય રીતે કોઈપણ માણસ અણગમતી વાત, કે
અણગમતા સૂરમાં આપણે ન સાંભળવી હોય એવી વાત શરૂ કરે એટલે આપણે એને તરત જ બંધ કરવાનો પ્રયત્ન કરીએ
છીએ. આ વર્તન સ્વાભાવિક છે. મોટાભાગના લોકોને અણગમતી વાત સાંભળવી ગમતી નથી… એક જ વાત એકથી
વધારે વાર કહેવામાં આવે તો પણ આપણને એ સાંભળવાનો કંટાળો આવે છે અથવા ચીડ ચડે છે !
માતા-પિતાની વાત હોય કે જીવનસાથીની, બોસની વાત હોય કે કોઈ પડોશીની, સહઅધ્યાયીની કે શિક્ષકની…
જ્યારે પણ આપણને ‘સલાહ’ આપવામાં આવે ત્યારે આપણને લાગે છે કે, એ વ્યક્તિ આપણને ‘ટોકે’ છે. કોઈ કારણ વગર
ટોકતું કે સલાહ આપતું નથી એ વાત આપણું મન સ્વીકારવા તૈયાર નથી હોતું. મોટાભાગના લોકોને એવું લાગે છે કે એમને
જે કંઈ સલાહ આપવામાં આવે છે અથવા એમની વર્તણૂક વ્યક્તિત્વને કે વિચારોને બદલાવ લાવવા માટેના જે સૂચનો
કરવામાં આવે છે એ નકામા છે અને એમણે પોતાના સ્વભાવ કે વ્યક્તિત્વમાં, વર્તણૂકમાં કે વ્યવહારમાં કશું જ બદલવાની
જરૂર નથી બલ્કે, સામેના માણસે પોતાના સમજવાની કે પોતાની વાતને સ્વીકારવાની જરૂર છે. દરેક વખતે આ વાત
સાચી નથી હોતી, કેટલીકવાર આપણે સાચે જ ખોટા હોઈએ છીએ. આપણી વર્તણૂક કે વ્યવહાર સાચે જ સુધારવાની
જરૂર હોય છે, પરંતુ આપણને કોઈની કહેલી વાત સાંભળવા કે સમજવાનું કાં તો સમય નથી હોતો અને કાં તો આપણો
અહંકાર આપણને સામેની વ્યક્તિની વાત સાંભળવા કે સમજવા દેતો નથી.
આપણને સુધારવાનો કે સલાહ આપવાનો પ્રયત્ન કરનાર દરેક વ્યક્તિ આપણી વિરોધી ન પણ હોય. એ દરેક
વ્યક્તિને આપણને ઉતારી પાડવામાં કે ટોકવામાં જ રસ હોય એવું જરૂરી નથી. સૌથી મહત્વની વાત એ છે કે આપણને
જ્યારે પણ કંઈ કહેવામાં આવે, સૂચના કે સલાહ આપવામાં આવે ત્યારે આપણું પહેલું રિએક્શન અથવા પ્રતિભાવ એવો
હોય છે કે, ‘પહેલાં જાતને તપાસો…’ અથવા ‘પહેલાં પોતે સુધરો…’ અથવા ‘તમે જે કર્યું છે એ પછી તમને આ કહેવાનો હક્ક
નથી…’ આ પ્રતિભાવ બહુ હાસ્યાસ્પદ છે કારણ કે, જેણે ભૂલ કરી હોય એને સલાહ આપવાનો અધિકાર સૌથી વધારે
હોવો જોઈએ. જે માણસે પોતે ભૂલ કરી હોય એને જ ખબર હોય કે પોતાની ભૂલનું પરિણામ કેટલું ભયાનક આવ્યું અને
એની પીડા એણે પોતે અને એની આસપાસના કેટલા લોકોએ, ક્યાં સુધી ભોગવવી પડી છે… જેણે ભૂલ કરી છે અથવા જે
જીવનમાં ક્યારેક ખોટા રહ્યા છે કે પડ્યા છે, એ જ્યારે સલાહ આપે છે ત્યારે એને ઉતારી પાડવાને બદલે કે એને એની ભૂલ
વારેવારે યાદ કરાવીને ‘ચૂપ’ કરી દેવાને બદલે જો એની વાત સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે કદાચ એ ભૂલ કરતા
પહેલાં જ અટકી જઈએ.
આજકાલ સોશિયલ મીડિયા ઉપર એક જબરજસ્ત ટ્રેન્ડ ચાલ્યો છે કે, કોઈપણ વ્યક્તિને એના ભૂતકાળની કોઈ
વાત યાદ કરાવીને, ‘ચોપડાવીને’ કે એના ભૂતકાળમાંથી કશુંક ખોદી કાઢીને એના વિશે ખરાબ લખવું… જ્યારે કોઈ વ્યક્તિ
સોશિયલ મીડિયા ઉપર કઈ સારું શેર કરવાનો પ્રયત્ન કરે ત્યારે એ વ્યક્તિને અપમાનિત કરવી… નવાઈ લાગે એવી વાત છે,
પરંતુ આપણને હવે સારામાંથી પણ ખરાબ શોધવાની ટેવ પડવા લાગી છે ! કેટલાક લોકોને બીજી વ્યક્તિ વિશે ખરાબ કે
ઘસાતું લખીને એક વિચિત્ર જાતની મજા આવતી હોય છે. આમાં કશું મેળવી લેવાનું નથી. બીજાની સારી વાત કાપી
નાખ્યાનો વિકૃત આનંદ લઈને કેટલાક લોકો ‘જીત્યા !’ એવું માને છે. જે સારાઈને, સાચી સલાહને કે કોઈ સારી વાતને પણ
કડવાશમાં ફેરવી શકે એને ક્ષમા કરવા સિવાય, એની દયા ખાવા સિવાય બીજુ શું થઈ શકે ? ટીકા, વિરોધ, સલાહ સાચે જ
મદદરૂપ હોય છે, જો એને સાચી રીતે અને સારા ઉદ્દેશ્યથી રજૂ કરવામાં આવે તો ! દરેક વખતે આવું નથી હોતું… ખાસ
કરીને, સોશિયલ મીડિયામાં તો દરેક ટીકા કરનાર કે સલાહ આપનાર સાચા અને શુધ્ધ ઉદ્દેશથી નથી જ લખતા એ આપણે
બધા જ જાણીએ અને સમજીએ છીએ.
એની સામે, કેટલાક લોકો સાચે જ આપણું સારું ઈચ્છે છે. એમની રીત સાચી હોય કે નહીં, વાત જરૂર સાચી
હોય છે. માતા-પિતાનો અનુભવ હોય કે શિક્ષકની સૂચના, મિત્રની સલાહ હોય કે જીવનસાથીની કાળજી… આપણે આ
બધી બાબતોને લેબલ આપી દઈએ છીએ, ‘કચકચ’ અથવા ‘કકળાટ’. લોકો સતત આપણી પ્રશંસા કર્યા જ કરે અથવા
આપણામાં માત્ર ગુનો જ જુએ એવો આગ્રહ તો બેવકૂફી છે. આપણામાં અનેક અવગુણો છે. આપણે આ અવગુણને જોઈ
શકતા નથી અથવા જોવા માગતા નથી. ક્યારેક કોઈની સલાહ કે ટીકા, કોઈનો વિરોધ કે વઢ આપણને સ્પષ્ટ અને સાચું
જોવામાં મદદ કરે છે. ‘સાંભળવા’માં આપણો અહંકાર ઘવાતો નથી, બલ્કે ક્યારેક આપણું સ્વમાન ન ઘવાય, આપણને
નુકસાન ન થાય કે આપણે કોઈ પીડા ન ભોગવવી પડે એવો આપણા સ્વજનનો ઉદ્દેશ હોય છે.
જો સ્વજનને, પ્રિયજનને ‘સાંભળી’ શકીએ તો કદાચ જીવનના ઘણા પ્રસંગો અને સંબંધો વધુ મહેનત કર્યા વગર
‘સંભાળી’ શકીએ.