ઉનાળામાં ગુજરાતની ગરમીનો પારો 45 ડિગ્રી ઉપર જતો રહે છે. મે મહિનાના અંતમાં અને જૂનમાં તો બપોરે
રસ્તા પર સોંપો પડી જાય છે. સાંજના આઠ-સાડા આઠ વાગ્યા સુધી હવા પણ ઠંડી થતી નથી ત્યારે અમારા બિલ્ડીંગના
એક ફ્લેટમાં રહેતા 72 વર્ષનાં માસી સવારે સાડા દસ થાય તે તરત એમના તમામ પ્લાન્ટ્સને લીલા કપડાથી ઢાંકી દે છે.
સાંજ પડતાં એ બધાં કપડાને કાઢીને વળી પાછા પ્લાન્ટને ખુલ્લા કરે છે. પહેલો વરસાદ આવે તો બધા પ્લાન્ટને બરોબર
પાણી મળે એ માટે ખસેડીને કુંડા બહારની તરફ લઈ આવે છે. તો વળી શિયાળામાં અમુક કુમળા પ્લાન્ટને રાત્રે ઘરની અંદર
લઈ લે છે !
એક દિવસ મેં એમને પૂછ્યું, આ બધી મહેનતનો અર્થ શું ? એમણે જે જવાબ આપ્યો તે સાંભળીને મને પ્રકૃતિ
સાથે જોડાયેલા કેટલાક મહાન રહસ્યોની સમજણ પડી એમ કહુ તો ખોટું નથી. એમણે મને જવાબ આપ્યો, ‘વિજ્ઞાને
સાબિત કર્યું છે કે એમનામાં જીવ છે. એમને પણ ઠંડી, ગરમી લાગે. જેમ આપણને વરસાદ જોઈને નાહવાનું મન થાય
એમ એમને પણ થાય પણ એ ચાલી શકતા નથી એટલે જાતે જઈ શકે નહીં.’ એમણે કહ્યું. મેં પૂછ્યું, ‘પણ આ તો બધા
ખુલ્લા આકાશ નીચે ઉગનારા, છોડ છે. એમને વળી ઘરની અંદર લેવાની કે ગરમીના સમયમાં ઢાંકવાની ક્યાં જરૂર છે ?’
એ માસીએ મને જે સમજાવ્યું, એ આપણે બધાએ સમજવા જેવું છે. એમણે કહ્યું, ‘આપણે પણ પહેલાં જંગલી જ હતા.
જંગલોમાં રખડતા અને ખુલ્લા આકાશ નીચે સૂઈ જતા. જે મળે તે ખાઈ લેતા. પછી આપણે ઘર વસાવ્યું, નગરો
વસાવ્યા… હવે આપણે વરસાદમાં પલળીએ કે બહુ ગરમી લાગે તો શું થાય છે ? આ છોડ કે વૃક્ષોનું પણ એવું જ છે. તમે
એકવાર એને સુરક્ષિત રીતે લાડકોડથી ઉછેરો પછી એ પણ થોડા કોમળ અને અસહિષ્ણુ બની જાય છે. ઘરમાં ઉછરતા છોડ
અને જંગલમાં, બેફામ મુક્ત રીતે ઉગતા અને ઉછરતા છોડ વિશે એટલો જ ફેર છે જેટલો ઘરનો પાળેલો કૂતરો અને શેરીમાં
રખડતો કૂતરો…’
એમની વાત સાંભળ્યા પછી મારું મન વિચારે ચડ્યું. વૃક્ષની જેમ આપણે પણ પ્રકૃતિનું સર્જન છીએ અને સાચું
પૂછો તો આપણો પણ પ્રકૃતિ સાથે સીધો સંબંધ હતો. આપણા વડવાઓ જંગલોમાં, ગુફાઓમાં જીવ્યા જ છે. ખુલ્લું
આકાશ, વરસતો વરસાદ, ટાઢ કે તાપ સાથે આપણું શરીર એ રીતે ગોઠવાયેલું હતું કે બદલાતી ઋતુ સાથે આપણું શરીર
અને મન બંને એડજેસ્ટ કરી લે. આપણે ધીરે ધીરે એ એડજેસ્ટમેન્ટ, પ્રકૃતિ સાથેનો સંબંધ ઓછો કરતા ગયા. બંધ
બારીઓ, પડદા, ધૂળથી દૂર રહેવું અને બાળકોને પણ રેતી કે કાદવમાં ન રમવા દેવા. જંગલોમાં કે રણમાં પણ આપણને
એરકન્ડીશન ટેન્ટ જોઈએ છે. સમય સાથે આપણે કૃત્રિમ થતા ગયા. વધુ સુંવાળા અને વધુ પ્રોટેક્ટેડ જીવવા લાગ્યા. હવે
પરિસ્થિતિ એ છે કે આપણને પ્રકૃતિ સાથે નહીં, પરંતુ અકુદરતી વાતાવરણમાં વધુ ફાવવા લાગ્યું છે. એરકન્ડીશન, તડકાને
કવર કરતા છજ્જા, ફોલ્સ સિલિંગ કે બીજી સગવડોએ આપણને આપણી મૂળ પ્રકૃતિથી, ટાઢ, તાપ, વરસાદ સહેવાની
આપણી ક્ષમતાથી દૂર કરી દીધા છે. આપણે એટલા કોમળ થઈ ગયા છીએ કે ડસ્ટ, પોલન કે બીજી નાની નાની વસ્તુઓની
આપણને એલર્જી થવા લાગી છે. પ્રકૃતિના પાંચ તત્વોથી બનેલું આપણું શરીર એ પાંચ તત્વોથી ડરતું થઈ ગયું છે. ભીતર
અને બહારનું બેલેન્સ ખોરવાઈ ગયું છે. જળ, વાયુ, પૃથ્વી, આકાશ અને અગ્નિના પંચમહાભૂત સાથે આપણો સંબંધ જાણે
કપાઈ ગયો છે. કદાચ એટલે જ, આપણે અપ્રાકૃતિક અથવા અકુદરતી બનવા લાગ્યા છીએ.
વન્ય પ્રાણીઓ આજે પણ કુદરતી જીવન જીવે છે. આદિવાસીઓ આજે પણ એમના જીવનમાં બહારના લોકોને
દખલ દેવા દેતા નથી, કારણ કે એમને પ્રકૃતિ સાથેનો સંબંધ તૂટી જાય એ પોષાય એમ નથી. જંગલમાં વસતા પ્રાણીઓ
આજે પણ ચાટીને પોતાના ઘા રૂઝવે છે. આપણાં શરીરમાં પણ જાતે જ સાજા થવાની એક ઈનબિલ્ટ સિસ્ટમ ગોઠવેલી
છે. દવા લગાડો કે નહીં, આપણી ચામડી પર થયેલો ઘા એની મેળે રૂઝાયા વગર રહેતો નથી. આપણને થયેલા રોગો જો
દવા ન કરવામાં આવે તો પણ અમુક સમયે શરીરને સાજુ કરવાની પ્રકૃતિ ધરાવે છે, પરંતુ આપણે બધા જ ધીમે ધીમે વધુને
વધુ રાસાયણિક વાતાવરણ તરફ ઢળતા જઈએ છીએ. સનસ્ક્રીન લગાવવાથી શરૂ કરીને વાળને ઢાંકવા, છત્રી ઓઢવી,
રેઈનકોટ પહેરવા કે ઠંડીના સમયમાં ઘરની અંદર હિટર ચલાવીને, ગરમીના સમયમાં એરકન્ડીશન ચલાવીને એક જ
ટેમ્પરેચર મેઈન્ટેઈન કરવાની આપણી કુટેવે આપણને જુદા જુદા વાતાવરણ સાથે સુમેળ સાધવાનું ભૂલાવડાવી દીધું છે.
જેમ પ્રકૃતિમાં જુદા જુદા ટેમ્પરેચર હોય છે, ઋતુ અને વાતાવરણ બદલાય છે એવી જ રીતે સંબંધોમાં પણ સતત બદલાવ
આવતો રહે છે. અકુદરતી રીતે એક જ ટેમ્પરેચર મેઈન્ટેઈન કરવાનો આપણો પ્રયત્ન આપણા સંબંધોને અપ્રાકૃતિક અને
એબનોર્મલ બનાવી દે છે. આ કૃત્રિમ સંબંધો ધીમે ધીમે આપણને ખૂંચવા લાગે છે. કારણ કે, આપણે ભીતરથી હજીયે
કુદરતી જીવ છીએ. પ્રકૃતિ સાથેનો સંબંધ ઘટ્યો છે, તૂટ્યો નથી… એટલે સંબંધોમાં આપણને હજી પણ સત્ય અને કુદરતી
સંવેદના જોઈએ છે.
ખોટું હસતા, જુઠ્ઠું બોલતા કે સતત ખોટું વર્તતા લોકોને આપણે બહુ લાંબો સમય સહી શકતા નથી. અંગત
સંબંધોમાં પણ આપણને સત્ય અથવા પારદર્શક વર્તનની અપેક્ષા રહે છે. એનું કારણ એ છે કે, આપણે ભીતરથી હજીએ
પ્રાકૃતિક જીવ છીએ. જેમ શરીર સાથે થાય છે એવું જ સંબંધોમાં પણ થાય છે. આપણા સંબંધો કુદરતી અને પ્રાકૃતિક હોય
ત્યાં સુધી એ મુક્ત રીતે વિકસે છે. સ્વેચ્છાએ વિસ્તરે છે અને સ્વસ્થ રહી શકે છે. આપણા સંબંધોમાં પણ શરીરની જેમ
રિપેર થવાની એક ઈનબિલ્ટ સિસ્ટમ છે. વધુ પડતું દબાણ કે વધુ પડતી કાળજી સંબંધને ગૂંચવે છે. સંબંધની પોતાની
આંતરિક શક્તિને આપણે ક્યારેક અંડરએસ્ટિમેટ કરીએ છીએ. આપણે બહારથી એ સંબંધને સ્વસ્થ અને મજબૂત
બનાવવાનો પ્રયત્ન ચાલુ રાખીએ છીએ, સત્ય તો એ છે કે કોઈ પણ સંબંધને ભીતરથી મજબૂત બનાવવો પડે. એની
ઈનબિલ્ટ ઈમ્યુનિટીને વધુને વધુ સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.
બહારથી લગાડેલો મેક-અપ ત્વચાને થોડીકવાર કદાચ સુંદર દેખાડી શકે, પરંતુ ભીતરથી સ્વસ્થ ત્વચાનું તેજ કોઈ
કેમિકલથી મળી શકતું નથી એવી જ રીતે સંબંધની સ્વસ્થતાનું નૂર એની ભીતર છે. દરેક સંબંધને પ્રાકૃતિક રીતે જીવવા દેવો
જોઈએ. ટાઢ, તાપ, તડકો, વરસાદ કે મનની બદલાતી મૌસમમાંથી કોઈ પણ સંબંધ કુદરતી રીતે પસાર થવો જોઈએ,
ટકવો જોઈએ. દરેક વખતે આપણે સંબંધને બહારથી પ્રોટેક્શન આપીને ટકાવવાના વ્યર્થ પ્રયાસ કર્યા કરીએ પછી ઘણા
સમયે સમજાય છે કે પ્રયાસ તો ભીતરથી મજબૂત કરવા માટે જોઈતો હતો !
સંબંધને ભીતરથી મજબૂત કરવા માટે શું કરવું જોઈએ ? એને સત્યનો તાપ સહેવાની ટેવ પાડવી જોઈએ, ક્યારેક
નિરાશાની ટાઢ અને ક્યારેક ઉશ્કેરાટ, ઉદ્વેગનો તડકો પણ એને સ્વસ્થ બનાવે છે. સંવેદનાનો વરસાદ સમય સમયાંતરે
વરસવો જોઈએ. સ્નેહનું ખાતર અને ગુસ્સા, કડવાશનું નિંદણ જરૂરિયાત પ્રમાણે મળતું રહેવું જોઈએ. છેલ્લી અને સૌથી
મહત્વની વાત, વિશ્વના કોઈ પણ છોડને આપણે આપણી મરજી મુજબ લાંબો-ટૂંકો કરી શકતા નથી. એવી જ રીતે
સંબંધને પણ ખેંચતાણ કરીને અમુક ડિઝાઈનમાં ફિટ કરવાને બદલે એના કુદરતી વિકાસ અને સ્વસ્થ અસ્તિત્વ ઉપર વધુ
ધ્યાન આપવું જોઈએ.