કોરોનાની અવરજવર અને પહેલી, બીજી, ત્રીજી લહેરના વધતા-ઘટતા આંકડા, અને શેરબજારની
ઉથલપાથલની વચ્ચે અનેક લોકોએ નુકસાન સહન કર્યું છે. લગભગ દરેક બિઝનેસ, એમાંય ખાસ કરીને
પ્રવાસન, રેસ્ટોરન્ટ, હોટેલ અને કેટરિંગ, લગ્નો, ઈવેન્ટ મેનેજમેન્ટ જેવા વ્યવસાયમાં તો જબરજસ્ત
ફટકો પડ્યો છે. રિઅલ એસ્ટેટ અને જ્વેલરી, તૈયાર કપડા જેવા વ્યવસાયમાં લોકો તમાચો મારીને મોઢું
લાલ રાખે, પરંતુ એમનો પણ વ્યવસાય ઠંડો પડી ગયો છે એ વાત સ્વીકાર્યા વગર છૂટકો નથી.
ઊંડી અસર કે તકલીફ જો કોઈને થઈ હોય તો એ મનોરંજનના જગતને થઈ છે. મોટા સ્ટાર કે
મોટા મેકર્સ પણ હવે તો તકલીફમાં છે. બ્રહ્માસ્ત્ર, આરઆરઆર અને ગંગુબાઈ કાઠિયાવાડી જેવી
ફિલ્મોની રિલીઝ પાછી ઠેલાતી જાય છે. જ્યારે એક ફિલ્મ બને છે કે નાટક તૈયાર થાય છે ત્યારે એની
સાથે જોડાયેલા માત્ર અભિનેતા કે દિગ્દર્શક નહીં, પરંતુ બીજા અનેક કામદારોને રોજી મળે છે. લાઈટ
ઉચકનારા, લાઈટ મેનથી શરુ કરીને ક્લેપર બોય અને સ્પોર્ટ પર કામ કરનારા,ચા બનાવનારા, ટ્રાન્સપોર્ટ
કરનારા, સેટ બનાવનારા-લગાવનારા અનેક લોકોનું ઘર એમને મળતી રોજિંદી આવક પર ચાલે છે.
આપણને નવાઈ લાગે, પરંતુ આ એવા લોકો છે જેના વગર સિનેમા બની ન શકે ને છતાં મોટી મોટી
ફિલ્મો બન્યા પછી પણ એમનું નામ ક્યાંય કોઈ જગ્યાએ યાદ કરવામાં આવતું નથી.
એવી જ રીતે વીરુ દેવગણ કે શામ કૌશલના દીકરા તો સ્ટાર બની ગયા, પરંતુ દરેક સ્ટંટમેન કે
ડુપ્લિકેટના સંતાનો પાસે ઉચ્ચ શિક્ષણના પણ પૈસા ન હોય એવા કિસ્સા જોવા મળ્યા છે. આપણે
સ્ટારને ઓળખીએ છીએ. એના એક્શન દૃશ્યો પર તાળીઓ પાડીએ છીએ અને ફીદા થઈ જઈએ છીએ,
પરંતુ સત્ય તો એ છે કે, મોટાભાગના સ્ટાર્સના એક્શન દૃશ્યો એમના ડુપ્લિકેટ સ્ટંટમેન કે બોડી ડબલ કરે
છે. આ બહુ ઓછા લોકો જાણે છે કે, જ્યારે જ્યારે ઓ.એસ. (ઓવર ધ શોલ્ડર-કલાકાર સજેશનમાં
ઊભા હોય અને સામેના એક્ટરનો ક્લોઝઅપ લેવાનો હોય કે કલાકારની પીઠ બતાવવાની હોય) દૃશ્યો
એક્ટરના બોડી ડબલ પાસે કરાવવામાં આવે છે. કેટલાક સ્ટાર પાસે એટલો સમય નથી હોતો કે એ
પોતાના સહ કલાકારના ક્લોઝઅપ માટે ઊભા રહીને સીન કરે…
આપણા ફેવરિટ કલાકારોના બોડી ડબલના નામ આપણને ખબર પણ નથી… ફિલ્મના ક્રેડિટ
ટાઈટલમાં પણ એમનું નામ સ્ક્રોલમાં નીકળી જાય છે ! શાહરૂખ ખાનના ડુપ્લિકેટ રિઝવાન ખાન,
અનિલ કપૂરના આરિફ ખાન, સૈફ અલી ખાનના યુનુસ, મિથુનના ઈકરામ ખાન, ગોવિંદાના અનુરાગ
કશ્યપ, હેલનની ભારતી દેવુરકર, જયાપ્રદાની રાફેલ, સલમાન ખાનના શાંતનુ જેવાં નામો આપણે
જાણતા પણ નથી ! માત્ર ફિલ્મી દુનિયા જ શું કામ ! કોઈ પણ સફળ સંચાલનની પાછળ રહેલા લોકોને
આપણે ખરેખર ઓળખીએ છીએ ખરા ? એક ઘર વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું હોય, સમયસર રસોઈ થતી
હોય, ઘરમાં કોઈ વસ્તુ ખૂટતી ન હોય અને મહેમાન આવે ત્યારે બધી વ્યવસ્થા યોગ્ય રીતે જળવાતી હોય
ત્યારે એની પાછળ જે લોકો પોતાનો સમય, શક્તિ અને બુધ્ધિ વાપરે છે એની આપણે ક્યારેય નોંધ લેતા
નથી. એ ગૃહિણી હોય, પતિ-પિતા હોય કે ડોમેસ્ટિક હેલ્પ… આપણે એવું માની લઈએ છીએ કે એ લોકો
જે કંઈ કરી રહ્યા છે એ એમની ‘ફરજ’ છે. કદાચ, એવું હોય તો પણ પોતાની ફરજ પૂરી નિષ્ઠા સાથે
નિભાવનાર વ્યક્તિની નોંધ લેવી કે એનો આભાર માનવો એ આપણી ‘ફરજ’ નથી? એક ઓફિસ કે
કંપનીમાં અનેક લોકો કામ કરે છે. ચા-પાણી પીવડાવનાર વ્યક્તિથી શરૂ કરીને એકાઉન્ટન્ટ કે મેન્યુફેક્ચરિંગ
કંપની હોય તો એના નાનામાં નાના કામદાર સુધી સૌ સફળતાના હક્કદાર હોય છે. આપણે મોટેભાગે એ
લોકોના પ્રદાન (કોન્ટ્રીબ્યુશન)ને નજરઅંદાજ કરીએ છીએ. આપણને લાગે છે કે, સફળતા ફક્ત ટોપ પર
રહેલા માણસની જ હોય છે. જે વિચારે કે વેચે એ જ પૈસા કમાય, એવું માનનાર જિંદગીની સૌથી મોટી
ભૂલ કરતા હોય છે. જો મેન્યુફેક્ચરિંગ ન થાય તો વેચે શું ! જો ઘરમાં કામ કરનાર વ્યક્તિ કે કોઈ વડીલ
ઘર ન સંભાળે તો એક સ્ત્રી કઈ રીતે નિશ્ચિંત રહીને પોતાના વ્યવસાયમાં ધ્યાન આપી શકે ?
આપણે બધા જાણે-અજાણે હેલ્પ, મદદ, પ્રદાન, સપોર્ટ જેવા શબ્દોને પગારના ત્રાજવામાં
તોલતા થઈ ગયા છીએ. સ્ટાફ આપણી સપોર્ટ સિસ્ટમ છે, એવું સમજવાને બદલે ‘પૈસા તો આપું છું, એ
એનું કામ કરે છે’ કહેનારા લોકોને એવો ખ્યાલ જ નથી કે, પગાર તો વ્યક્તિના સમય અને શક્તિનો છે.
નિષ્ઠા કે જવાબદારીપૂર્વક પોતાનું કામ કરનાર વ્યક્તિના પ્રદાનને ક્યારેય પગારમાં ન તોલી શકાય. આપણે
ઘણા લોકોને કહેતા સાંભળ્યા છે કે, ‘હું મારા સ્ટાફને ખુશ રાખું છું.’ આ ખુશી એટલે વસ્તુઓ કે નાના-
મોટા બાર્ટર નથી, સન્માન છે, આદર છે !
જે લોકો આપણી સિસ્ટમને સતત વર્કિંગ કન્ડીશનમાં રાખે છે એમને પગાર કે વસ્તુઓ આપીને,
કે બીજી મદદ કરીને આપણે એમના પર ઉપકાર નથી કરતા બલ્કે, એમણે આપણા પર કરેલો ઉપકાર
આપણે વાળીએ છીએ એવું માનીને વર્તનારા લોકોનો સ્ટાફ એની સાથે લાંબો સમય ટકે છે ! સફળતા
કોઈ એક વ્યક્તિની ન હોઈ શકે. એ હંમેશાં ટીમ વર્ક છે. જેમ એક યંત્રમાં નાનકડી ખીલ્લી કે સ્ક્રૂ પણ
અનિવાર્ય છે એવી રીતે સિસ્ટમના યંત્રમાં નાનામાં નાનું કામ કરનારો માણસ પણ પોતાનું આગવું મહત્વ
ધરાવે છે અને એ મહત્વને સ્વીકારીને એનું સન્માન કરનારની સિસ્ટમ ક્યારેય અટકતી નથી.