‘ધેટ્સ ઓલ રાઈટ નાવ મામા, એની વે યુ ડુ…’ એ ગીત જુલાઈ 5, 1954માં રેકોર્ડ થયું.
એક સિંગલ ગીત તરીકે સન રેકોર્ડ્સના આલ્બમમાં એનો સમાવેશ કરવામાં આવ્યો. રોક એન્ડ રોલની
આ શરૂઆત હતી અને એ પછી એ રેકોર્ડે એટલા બધા ‘રેકોર્ડ’ તોડી નાખ્યા, જેનો હિસાબ રાખવો
અઘરો હતો.
જેણે આ ગીત ગાયું એ છોકરાના કુટુંબની સ્થિતિ એટલી સામાન્ય હતી કે, એ પોતાના
સંગીતના સપનાં પૂરાં કરી શકે એમ નહોતો. એની મા ગ્લેડિસ પ્રેસ્લી ‘સન રેકોર્ડ્સ’ નામની કંપનીમાં
કામ કરતી હતી. માએ સ્ટુડિયોના મેનેજર મેરિઓન ક્રિસકરને વિનંતી કરીને દીકરાને સન સ્ટુડિયોમાં
કામ અપાવ્યું. શરૂઆતમાં તો એણે એક પ્યૂન જેવું કામ કરવાનું હતું-જેમાં સંગીત સાથે કોઈ લેવાદેવા
નહોતી, પરંતુ અહીં આવતા મોટા મોટા કલાકારોને મળવાની તક, રેકોર્ડિંગ જોવાની અને ટેકનિક
શીખવાની તક એને મળી. એણે ટ્રક ચલાવવાનું કામ છોડ્યું નહીં. એ દિવસે સ્ટુડિયોમાં કામ કરતો ને
રાત્રે ટ્રક ચલાવતો.
મેનેજર ક્રિસકર અને મહેનત અને લગનથી એટલા પ્રભાવિત થયા કે એમણે સન રેકોર્ડ્સના
માલિક સેમ ફીલિપ્સને આ છોકરાની ભલામણ કરી. જોકે, લગભગ સાડા ત્રણ મહિના સુધી રોજ
સેમ ફીલિપ્સની ગાડી પસાર થાય ત્યારે એ છોકરો ત્યાં ઊભો રહેતો. સેમ એને જોતા અને હાથની
આંગળી ઘુમાવીને ‘આવતીકાલે’નો ઈશારો કરતા. સાડા ત્રણ મહિના પછી એને ત્રણ મિનિટનો સમય
મળ્યો. એણે સેમ ફીલિપ્સને પોતે કમ્પોઝ કરેલું ગીત ‘ઈટ્સ ઓલ રાઈટ મામા’ સંભળાવ્યું. સેમે કહ્યું,
‘સંગીતના સપનાં ભૂલી જા. તારી પાસે એવી કોઈ પ્રતિભા નથી જેનાથી તું સંગીતમાં આગળ વધી
શકે. આવું બધું કરવા બેસીશ તો સ્ટુડિયોમાંથી કાઢી મૂકીશ અને ટ્રક ચલાવવાની નોકરી પણ છૂટી
જશે.’ દુઃખી કે નિરાશ થવાને બદલે પોતાને મળેલી ત્રણ મિનિટ માટે સેમ ફીલિપ્સનો આભાર
માનીને એ છોકરો ત્યાંથી નીકળી ગયો…
એની જગ્યાએ કોઈ બીજું હોત તો એણે સંગીતના સપનાં છોડી દીધાં હોત, પરંતુ આ છોકરો
જુદો હતો. એણે વધુ મહેનત અને લગનથી સંગીત માટે સમય કાઢવા માંડ્યો. 1953ની 18મી
જુલાઈએ એણે જાતે ભેગા કરેલા પૈસામાંથી સન રેકોર્ડ્સનો સ્ટુડિયો બુક કરીને એણે પોતાના
અવાજમાં રેકોર્ડિંગ કર્યું. એના ઉપર પોતાનું નામ લખ્યા વગર એ ગીતની સ્પૂલ (ટેપ) એણે મેરિઓન
ક્રિસકરની મદદથી સેમ ફીલિપ્સના ટેબલ સુધી પહોંચાડી. એ પછી કશું થયું નહીં. એટલે એણે
જાન્યુઆરી, 1954માં ફરી એકવાર બે ગીતો પોતાના ખર્ચે રેકોર્ડ કરીને સેમ ફીલિપ્સને મોકલ્યા…
બસ, ત્યાંથી એનું નસીબ પલટાયું. એને સેમ ફીલિપ્સે મળવા બોલાવ્યો અને એનું પહેલું ગીત
રેકોર્ડ થયું ત્યારે સેમ ફીલિપ્સને ખબર નહોતી કે, એમની બેસ્ટ સેલર રેકોર્ડના બધા જૂના રેકોર્ડ્સ આ
છોકરો તોડવાનો હતો. 500 મિલિયન (50 કરોડ) રેકોર્ડ્સ વેચાઈ અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ
રેકોર્ડમાં એનું નામ દાખલ થયું. એ છોકરાનું નામ ‘એલ્વિસ પ્રેસ્લી’.
એલ્વિસ પ્રેસ્લી… અમેરિકન સંગીતમાં એક એવું નામ જેને આજે પણ ભૂલી શકાયું નથી. આ
જગત છોડ્યાને ચાર દાયકા થયા છતાં એલ્વિસ પ્રેસ્લીના ચાહકો એને એટલું જ ચાહે છે. એણે
આપેલા કેટલાંક ગીતો અને કમ્પોઝિશન્સ અનેક ભાષાઓમાં અનેક રીતે કોપી થયા છે. એલ્વિસ
આજે પણ અમર છે…
એલ્વિસ એરોન પ્રેસ્લીનો જન્મ 8મી જાન્યુઆરીએ મિસિસિપિ રાજ્યોના ટુપ્પેલોમાં થયો
હતો. એલ્વિસ પ્રેસ્લીની કથા આજના ઘણા યુવાનો માટે પ્રેરણા છે અને ચેતવણી પણ છે! 42 વર્ષના
જીવનમાં એણે ઘણા ઉતાર-ચઢાવ જોયા.
એલ્વિસની આ કથા એટલા માટે રસપ્રદ છે કારણ કે, એની જિંદગીના શરૂઆતના વર્ષોમાં
લગભગ બધાએ જ એલ્વિસને એક શરમાળ, ડરપોક અને સીધોસાદો છોકરો માની લીધેલો. કોઈને
કલ્પના નહોતી કે, એલ્વિસ જિંદગીમાં કશું જબરજસ્ત ફરી બતાવશે! આપણી આસપાસ પણ ઘણાં
આવા બાળકો છે. જેમને આપણે ગંભીરતાથી લેતા નથી. એમનું શરમાળપણું કે ડરપોકપણું ક્યારેક
તો એમના માતા-પિતા માટે શરમજનક બાબત હોય તેમ, એના માતા-પિતા એ બાળકને વારંવાર
ધક્કા મારીને લોકોની સામે બોલવા કે પછી ખૂલવા માટે આગ્રહ કરતા હોય છે. આવાં માતા-પિતા
ક્યારેક એને સાયકોલોજીસ્ટ પાસે લઈ જવાની ભૂલ પણ કરતા હોય છે. બાળકની પર્સનાલિટીને
પૂરેપૂરી સમજ્યા વગર અન્ય બાળકો સાથેની સરખામણી કરીને પોતાના બાળકને પૂરો સમય આપ્યા
વગર સફળ કે નિષ્ફળ જાહેર કરી દેતા માતા-પિતા ક્યારેય સાચા અર્થમાં ‘સફળ’ વ્યક્તિને ઉછેરી
શકતા નથી.
બીજી એક મહત્વની વાત એ છે કે, કોઈ આપણી આવડત કે સફળતા, નિષ્ફળતા વિશે
ભવિષ્યવાણી કરી દે, નિર્ણય જાહેર કરી દે એથી એને સ્વીકારીને આપણે આપણી નિષ્ફળતા સ્વીકારી
ન લેવી. આજના યુવાનો, જે નાની નાની વાતમાં નિરાશ થઈ જાય છે એમણે એલ્વિસની
જિંદગીમાંથી પ્રયાસ અને સ્વયંમાં વિશ્વાસ જેવી બે બાબતો શીખવાની છે, પરંતુ સફળતા પછી
મગજ અને અહંકાર પર કાબૂ રાખવો જરૂરી છે. એલ્વિસની કથા આજના યુવાનોને શીખવે છે કે,
સંગીત મહત્વનું છે, પરંતુ એની સાથે ડ્રગ્સ કે શરાબ જરૂરી નથી.
ડેવ માર્શ નામના એક લેખકે ‘રોલિંગ સ્ટોન’ મેગેઝિનમાં પ્રેસ્લીના બગડી રહેલા પરફોર્મન્સ
વિશે એક લેખ લખ્યો, જેમાં એણે લખ્યું, “પ્રેસ્લીને અત્યારે જેટલો નર્વસ જોયો છે એટલો પહેલાં ક્યારેય
જોયો નથી. આ એ પ્રેસ્લી છે જ નહીં જેણે અમેરિકાના દિલો પર રાજ કર્યું છે. આ તો જાણે એનું હરતુંફરતું ભૂત
છે. એની હેલ્થ જોઈને લાગે છે કે, હવે એની પાસે વર્ષ-બે વર્ષથી વધુ સમય નથી.” આ અંક નવેમ્બર-76માં
પ્રગટ થયો. પ્રેસ્લીએ ફોન કરીને માર્શને ગાળો દીધી, પણ માર્શની વાત ખોટી નહોતી.
એ પછીના છ મહિના દરમિયાન એલ્વિસ એક પછી એક કાર્યક્રમોમાં વધુને વધુ ખરાબ
પરફોર્મન્સ કરતો ગયો. જેમ પરફોર્મન્સ બગડતું એમ એલ્વિસ વધુ શરાબ અને ડ્રગ તરફ ધકેલાતો.
એનું વધતું જતું વજન પણ એને માટે એક મોટી સમસ્યા બની ગયું. એનો ચહેરો વધતા વજનને
કારણે સાવ બેડોળ થઈ ગયો…
15 ઓગસ્ટ, 1977 ડ્રગ્સ ઓવરડોઝને કારણે એને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. 16
ઓગસ્ટની સાંજે સાડા ત્રણ વાગ્યે એનું મૃત્યુ થયું ત્યારે પ્રેસિડેન્ટ જીમી કાર્ટરે પોતે એલ્વિસના મૃત્યુના
સમાચાર ટીવી પર જાહેર કર્યા. 18 ઓગસ્ટે, એની અંતિમ વિધિમાં એક લાખથી વધારે લોકો એના
અંતિમ દર્શન માટે લાઈન લગાડીને ઊભાં રહ્યાં હતાં…
એલ્વિસની દીકરી લીસા મેરિ પ્રેસ્લી સાથે માઈકલ જેક્સનના લગ્ન થયાં હતાં. એલ્વિસ
પ્રેસ્લીની અનેક ઓરિજિનલ રેકોર્ડ્સ અને એની સંગીતની નોટ્સ અને એના નહીં વપરાયેલા
કમ્પોઝિશન્સને માઈકલ જેક્સને ખરીદી લીધા છે. જો એ સાચું હોય તો માઈકલ જેક્સનની
સફળતામાં ક્યાંક એલ્વિસનો હાથ છે!