કાચબો અને સસલાની વાર્તા તો આપણે બધાએ સાંભળી છે. શર્ત લગાવીને બંને જણાં
હરિફાઈ કરે છે જેમાં સસલું પહેલું પહોંચે છે, થોડે દૂર જઈને સૂઈ જાય છે અને ધીમી ગતિએ
ચાલતો કાચબો અંતે હરિફાઈ જીતી જાય છે… આ કથા ઉપરથી એક ફિલ્મ બનેલી, ‘કથા’!
ફિલ્મની નિર્દેશિકા સઈ પરાંજપે હિન્દી સિનેમાનું એક એવું નામ છે જેમણે ઓછી પણ
અવિસ્મરણિય ફિલ્મો આપી છે. કથાની જેમ જ એક અંધ વ્યક્તિ સાથે પ્રેમમાં પડતી સ્ત્રીની કથા
એટલે ‘સ્પર્શ’. એ ફિલ્મમાં એક સુંદર દ્રશ્ય હતું, ‘નસરુદ્દીન શાહ ઘણા સમય પછી શબાના
આઝમીને મળવા આવે છે. એમને આવતા જોઈને શબાનાજી પહેલાં વાળ ઓળવા જાય છે,
પરંતુ એમને સમજાય છે કે એમનો પ્રેમી તો અંધ છે અને એટલે એ પરફ્યૂમ ઉઠાવીને શરીરને
સુગંધિત કરી નાખે છે…’ સંવેદનશીલતાની કથા આટલી સુંદર રીતે કહી શકનાર લેખક અને
દિગ્દર્શક સઈ પરાંજપેની એક બીજી ફિલ્મ એટલે ‘ચશ્મે બદ્દુર’ ફારૂક શેખ જેવા અભિનેતા અને
દીપ્તિ નવલ જેવી અભિનેત્રીને એમણે ઈન્ટ્રોડ્યુસ કર્યા. ચાર નેશનલ એવોર્ડ, બે ફિલ્મફેર એવોર્ડ
અને પદ્મભૂષણ સહિત અનેક એવોર્ડ્સ જીતનાર સઈ પરાંજપે કોઈ દિવસ લાઈમલાઈટમાં રહ્યા
નથી. મરાઠી રંગભૂમિ ઉપર એમણે ખૂબ મોટું પ્રદાન કર્યું છે. એમના લખેલા અને દિગ્દર્શિત કરેલા
નાટકો મરાઠી રંગભૂમિ પર હજી પણ ભજવાય છે. ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટીના અધ્યક્ષ તરીકે બે
ટર્મ સુધી કામ કર્યા પછી એ નિવૃત્ત થયા છે.
ફિલ્મી દુનિયામાં આપણે ત્યાં મહિલા દિગ્દર્શકો ઓછી છે. હવે ધીરે ધીરે અનેક મહિલાઓ દિગ્દર્શનના
ક્ષેત્રમાં પ્રવેશી રહી છે, પરંતુ જે સંવેદનશીલતાની અપેક્ષા એક મહિલા પાસેથી રાખવામાં આવે
એ સંવેદનશીલતાનો સ્પર્શ ધીમે ધીમે ઓછો થતો જાય છે. લીના યાદવ, અપર્ણા સેન, ગૌરી
શિંદે, અશ્વિની ઐયર તિવારી, ઝોયા અખ્તર, મેઘના ગુલઝાર જેવાં નામ આપણી સામે આવે છે
ખરાં, પરંતુ મહિલા દિગ્દર્શકની ફિલ્મો મેઈન સ્ટ્રીમ ફિલ્મોમાં કોઈ કારણસર એટલી સફળતા
નથી મેળવતી, જેટલી એમને મળવી જોઈએ. સામાન્ય રીતે, મહિલા જ્યારે પોતાની કથા કહે છે
ત્યારે એની અભિવ્યક્તિ જાણે-અજાણે એની સંવેદનાઓના સાગરમાં ઝબોળાઈને આવે છે.
સ્ત્રીની સ્વતંત્રતા કદીયે બેજવાબદાર સ્વતંત્રતા નથી રહી. સ્ત્રીઓએ જ્યારે ફિલ્મો બનાવી ત્યારે
દરેક વખતે એ ફિલ્મમાં સ્ત્રીની કથા તો છે જ, પરંતુ સાથે સાથે એ કથા સાથે જોડાયેલા કેટલાક
એવા સવાલ આપણી સામે આવીને ઊભા રહ્યા છે જેનો જવાબ આ સમાજ આપી શક્યો નથી.
અપર્ણા સેનની ફિલ્મ ‘પરમા’ (1985) રાખી અને મુકુલ શર્મા (કોંકણા સેનના પિતા)ને
લઈને બનાવેલી નાની છતાં એક એવી વાર્તા હતી જેમાં સ્ત્રીને કોઈપણ ઉંમરે પોતાના
અસ્તિત્વને ઓળખવાનો, પોતાની ઝંખનાઓને અભિવ્યક્ત કરવાનો અધિકાર છે કે નહીં એવો
સવાલ પૂછ્યો હતો. હજી હમણા જ રજૂ થયેલી ફિલ્મ ‘પાર્ચ્ડ’ (2016)માં પણ એ જ સવાલ
ફરી પૂછવામાં આવ્યો છે. અરૂણા વિકાસની ફિલ્મ ‘રિહાઈ’ (1988) પણ એ જ સવાલ સાથે
અને અશ્વિની ઐયર તિવારીની ફિલ્મ ‘નીલ બટા સન્નાટા’ પણ એક સ્ત્રીની અભિવ્યક્તિની કથા
છે. આપણે ફરાહ ખાન કે એવી એક-બે દિગ્દર્શકોને બાદ કરીએ તો સમજાય છે કે, મહિલા
દિગ્દર્શકોનો અવાજ સતત સ્ત્રીની સંવેદનાને અભિવ્યક્ત કરવાનો નિષ્ઠાપૂર્ણ પ્રયાસ કરતો રહ્યો
છે. આપણી સમાજ વ્યવસ્થા એવી છે જેમાં ફિલ્મના પડદે સ્ત્રીને મહદ્ અંશે એના સૌંદર્ય અને
દેખાવ માટે સમાવિષ્ટ કરવામાં આવે છે. સ્ત્રી પાસે કોઈ રોલ હોય, વાર્તા હોય કે એણે કથામાં કશું
મહત્વપૂર્ણ પ્રદાન કરવાનું હોય એવું કામ તો છેલ્લા થોડા વર્ષોથી જ થઈ રહ્યું છે. હજી હમણા જ
‘કોફી વિથ કરણ’માં નીતુ સિંઘ અને જિન્નત અમાન એક સાથે એક ઈન્ટરવ્યૂમાં હતાં ત્યારે
એમણે બંને જણાંએ એક જ વાત કહી, ‘અમારા સમયમાં અમને વાર્તા, સ્ટોરી, રોલ જેવી
બાબતોના સવાલો પૂછવાનો અધિકાર જ નહોતો. સેટ પર પહોંચીને પૂછવાનું, શું પહેરવાનું છે?
શું કરવાનું છે?’
એ રીતે આજની પેઢીની અભિનેત્રીઓ નસીબદાર છે. એમને મહત્વપૂર્ણ રોલ કરવા મળે
છે એટલું જ નહીં, ફિલ્મની કથામાં માત્ર સુંદરતા સિવાય પણ એમની હાજરીની નોંધ લેવાય છે.
સ્ત્રીપ્રધાન કથાઓ લખાય છે, એ કથાઓને પુરુષ દિગ્દર્શકો પણ નિષ્ઠાથી ન્યાય કરે છે. મહેશ
ભટ્ટની ‘અર્થ’ કે શ્યામ બેનેગલની ‘અંકુર’ અને ‘નિશાન’ જેવી ફિલ્મો આવી ચીલો ચાતરનારી
ફિલ્મો પૂરવાર થઈ, એ પહેલાં ‘મધર ઈન્ડિયા’ કે ‘પાકિઝા’ જેવી ફિલ્મો બની, પરંતુ એમની
સંખ્યા નહિવત્ હતી. આજે મહિલા પ્રધાન અને મહિલાની કથાઓ સાથે ફિલ્મો બની રહી છે
એટલું જ નહીં, જાહેરખબર અને એડવર્ટાઈઝિંગના વર્લ્ડમાં પણ સ્ત્રીનું અસ્તિત્વ અને અવાજ
બદલાયો છે. વોશિંગ મશીનની જાહેરખબરમાં પુરુષ કે દીકરીને આગળ વધવામાં પ્રેરણા આપતી
મા, જ્યાં સુધી પોતાનું ઘર ન ખરીદે ત્યાં સુધી લગ્ન કરવાની ના પાડતી દીકરી કે માને પોતાના
લગ્ન સમયે ‘બંને ઘર મારા જ છે’ એવું કહેતી દીકરી, લગ્નની ભેટો ખસેડીને પોતાનો
બાળપણનો સામાન ગાડીમાં ભરતી નવવધૂ… આ બધું બદલાઈ શક્યું છે કારણ કે, એ સમયની
મહિલા દિગ્દર્શકોએ કશુંક નવું કહેવાની, કશુંક જુદું કરવાની હિંમત બતાવી. ફિલ્મી દુનિયા જે
ફક્ત પુરુષોનો ઈજારો માનવામાં આવતી હતી ત્યાં મહિલા દિગ્દર્શકોએ પ્રવેશ કરીને સ્ત્રી પાત્રોને
મહત્વ અને એમની સંવેદનાને ન્યાય મળે એ માટે પ્રયાસ કર્યો…
આજે સઈ પરાંજપેનો જન્મદિવસ છે, એમણે ફિલ્મી દુનિયામાં કરેલા પ્રદાન માટે આજે
એમને યાદ કરીએ અને એમણે જે રસ્તો કંડાર્યો એના પર ચાલીને જે મહિલા દિગ્દર્શકો આગળ વધી રહી
છે એમાં એમની સંખ્યામાં ઉમેરો થાય, સ્ત્રીની કથા સ્ત્રીની કલમે, સ્ત્રીની દ્રષ્ટિએ કહેવાય એ માટે વધુ
પ્રયાસ કરીએ.