સલ્તનતની મુખ્તયાર કે ભાગેડુ નિરાશ્રિત ?

હું અત્યારે કાઠમંડુમાં છું. મારા પોતાના શહેરથી બેદખલ, મારી મિટ્ટીથી દૂર કદાચ અહીં જ જન્નત નશીન
થઈ જઈશ… અહીંની મિટ્ટીમાં દફન થઈ જઈશ. મારી કબર પણ બનશે કે નહીં કોને ખબર ! અવધની બેગમ,
રિયાસતની હકુમત પર એકચક્રી સાશન ચલાવનાર, મારા નવાબજાદા બિરજિસ કદ્રને અવધની ગાદી ઉપર બેસાડીને
બળવો કરનાર… બેગમ હઝરત મહાલ ઈતિહાસના પન્નાઓમાં ખોવાઈ જશે. કોઈ યાદ પણ નહીં રાખે કે આવી કોઈ
ઔરત, બેગમ ભારતની આઝાદીના જંગમાં પોતાનું ખૂન, ખજાનો અને ખીદમદ નોંધાવીને ગુમનામીના અંધારામાં
ગર્ત થઈ ગઈ.

નામ : બેગમ હઝરત મહાલ ઉર્ફે મોહંમદી ખાનમ
સ્થળ : કાઠમંડુ (નેપાળ)
સમય : 1879
ઉંમર : 58 વર્ષ

बाबुल मोरा, नैहर छूटो ही जाए
बाबुल मोरा, नैहर छूटो ही जाए
चार कहार मिल, मोरी डोलिया सजावें
मोरा अपना बेगाना छूटो जाए | बाबुल मोरा …

આ ઠુમરી મારા શૌહર નવાબ વાજિદઅલી શાહની પોતાની કલમે લખાયેલી એમની પોતાની દાસ્તાન છે.
સંગીત અને નૃત્યના શોખીન, ચિત્રકલામાં માહીર, ભોગવિલાસ અને જિંદગીને માણી લેવાના તમામ ગૂર જેને
આવડતા હતા એવા મારા શૌહરને એના શહેરથી, એની પોતાની સલ્તનતથી બહાર કાઢવામાં આવ્યા.

1856માં અવધ અને લખનઉનું રાજ્ય બ્રિટનમાં સામેલ કરી દેવામાં આવ્યું. બાદશાહની ધારણા વિરુધ્ધ
એમને હુકમ સંભળાવવામાં આવ્યો કે એમને વર્ષે બાર લાખનું સાલિયાણું અને લશ્કર માટે ત્રણ લાખ રૂપિયાનું વાર્ષિક
પેન્શન નક્કી કરવામાં આવ્યું છે. એમને શહેરની અંદર આરામથી અને છૂટથી રહેવાની રજા આપવામાં આવી, પરંતુ
આનો સીધો અર્થ થતો હતો કે હવે લખનઉ અને અવધમાં વાજિદઅલી શાહ એક સામાન્ય નાગરિક બની જવાના.
બાદશાહે રડી કરગરીને કેટલીયે માગણીઓ કરી, પરંતુ ગવર્નર જનરલે એમની કોઈ વાત સાંભળવાની ના પાડી દીધી.
ભણેલી-ગણેલી હોવાને કારણે મેં એમના વકીલ તરીકે રજૂઆત કરી. બાદશાહના અમ્મા બેગમ જનાબ-એ-આલ્યાએ
પણ ગવર્નર જનરલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ બધાનો કોઈ અર્થ નહોતો. ઈસ્ટ ઈન્ડિયા સરકારે
અવધનો કબજો લઈ લીધો… અમ્મા બેગમ, યુવરાજ બિરજિસ કદ્ર, એમની ખાસ બેગમો અને વફાદાર સાથીઓને
લઈને બાદશાહ કલકત્તા જવા રવાના થયા ત્યારે એમના મનમાં હતું કે, એ કલકત્તાથી ઈંગ્લેન્ડ જઈને ગવર્નર
જનરલનો હુકમ રદ કરાવશે, પણ એવું કશું જ થઈ શક્યું નહીં. બાદશાહ તો કલકત્તામાં રહ્યા, પણ મા અને ભાઈની
સાથે યુવરાજ ઈંગ્લેન્ડ ગયા. બાદશાહ કલકત્તામાં હતા, કુટુંબ લંડનમાં હતું અને બરાબર એ જ સમયે ચરબીવાળી
કારતૂસના ઝઘડામાંથી મંગલ પાંડે અને એના સાથીઓએ 1857માં બળવો કર્યો. મેરઠથી શરૂ થયેલો આ બળવો
બંગાળ સુધી ફેલાયો. બધા બળવાખોરોએ ભેગા થઈને બહાદુર શાહ ઝફરને હિન્દુસ્તાનના બાદશાહ બનાવ્યા.
અલ્હાબાદ અને ફૈઝાબાદના વિરોધીઓએ મિર્ઝા બિરજિસ કદ્રને ગાદીએ બેસાડ્યા અને હું, હઝરત મહલ સલ્તનતની
મુખ્તયાર બની… જોકે, આ કંઈ લાંબુ ટક્યું નહીં. બિરજિસ કદ્રના રાજ્યાભિષેકને છ-સાત મહિના થયા હતા ત્યારે
અંગ્રેજ ફૌજ લખનઉ ઉપર કબજો કરવા આવી પહોંચી. બે-ત્રણ દિવસમાં બધું કરોળિયાના જાળાંની જેમ તૂટી પડ્યું.
બિરજિસ પોતાનો જાન બચાવી શક્યો નહીં. પવાઈના રાજાએ એનું માથું કાપીને અંગ્રેજોને મોકલ્યું ને બદલામાં
ઈનામ અને જાગીર મેળવ્યા. હું નેપાળ પહોંચી, પરંતુ રાણાના પ્રધાનમંત્રી જંગ બહાદુરે મને શરણ આપવાનો ઈન્કાર
કર્યો. અનેક વિનંતી અને સારા એવા ખજાનાના બદલામાં એમણે મને નેપાળમાં રહેવાની રજા આપી.

હું અત્યારે કાઠમંડુમાં છું. મારા પોતાના શહેરથી બેદખલ, મારી મિટ્ટીથી દૂર કદાચ અહીં જ જન્નત નશીન
થઈ જઈશ… અહીંની મિટ્ટીમાં દફન થઈ જઈશ. મારી કબર પણ બનશે કે નહીં કોને ખબર ! અવધની બેગમ,
રિયાસતની હકુમત પર એકચક્રી સાશન ચલાવનાર, મારા નવાબજાદા બિરજિસ કદ્રને અવધની ગાદી ઉપર બેસાડીને
બળવો કરનાર… બેગમ હઝરત મહાલ ઈતિહાસના પન્નાઓમાં ખોવાઈ જશે. કોઈ યાદ પણ નહીં રાખે કે આવી કોઈ
ઔરત, બેગમ ભારતની આઝાદીના જંગમાં પોતાનું ખૂન, ખજાનો અને ખીદમદ નોંધાવીને ગુમનામીના અંધારામાં
ગર્ત થઈ ગઈ.

મને લોકો અવધની બેગમ તરીકે ઓળખતા. અવધના દરબારમાં મારું આગવું મહત્વ હતું.

લખનઉ… અવધ… એ શહેર કોણે વસાવ્યું, કઈ રીતે વસ્યું, એના વિશે અનેક લોકવાયકાઓ પ્રવર્તે છે.
કહેવાય છે કે રામચંદ્રજી લંકા જીતીને વનવાસ પૂરો કરીને રાજસિંહાસન પર બેઠા ત્યારે એમણે આ પ્રદેશ એમના ભાઈ
લક્ષ્મણને આપ્યો હતો. નદીને કિનારે ઊંચા ટેકરા પર એક નગર વસ્યું જેનું નામ લક્ષ્મણપુર રાખવામાં આવ્યું. આ
ટેકરામાં એક ખૂબ ઊંડી ગુફા કે વાવ હતી. જેનું તળિયું કોઈને મળતું નહીં. લોકોએ કહેવા માંડ્યું કે, એમાં નાખેલા ફૂલ,
પાણી કે દૂધ શેષનાગ સુધી પહોંચી જાય છે.

બીજી એક વાયકા એવી પણ છે કે, મહારાજ યુધિષ્ઠિરના પુત્ર જન્મેજયે આ વિસ્તાર તપસ્વીઓ અને
ઋષિમુનિઓને આપી દીધો હતો. એમણે અહીં આશ્રમો બાંધ્યા અને ઈશ્વર ભક્તિ કરવા લાગ્યા. ઋષિમુનિઓ યુધ્ધ
નહીં કરી શકે એમ માનીને ‘ભર’ અને ‘પાંસી’ નામની બે જાતિઓએ હુમલો કરીને આ પ્રદેશ કબજે કર્યો.

સૈયત સાલાહર મસૂદ ગાઝી ઈ.સ. 1030માં અહીં આવ્યા અને સૌથી પહેલાં થોડા મુસલમાન કુટુંબોએ
અહીં નગર વસાવ્યું. જોકે, એ પહેલેથી અહીં બ્રાહ્મણ અને કાયસ્થ પણ રહેતા હતા. સત્તા પર આવનાર બખ્તેઆર
ખીલજી અને સાલાહર મસૂદ ગાઝીએ પૂરા આદર અને સ્નેહ સાથે બ્રાહ્મણો અને કાયસ્થને ત્યાં રહેવાનું આમંત્રણ
આપ્યું. (લખનઉમાં આજે પણ બ્રાહ્મણો અને કાયસ્થની સાથે મુસલમાનોની વસતિ છે.)

આ મારું શહેર છે. જેને લખનઉ અને અવધ બંનેના નામે ઓળખવામાં આવે છે. એક પછી એક બાદશાહે
આ શહેરને વધુને વધુ ખૂબસુરત બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ જેણે આ શહેરને પ્રસિધ્ધ કર્યું, જેને લીધે આ શહેર
ભારતના ઈતિહાસમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે એ, નવાબ વાજિદઅલી શાહ મારા શૌહર હતા… એમના પિતા
અમજદઅલી શાહનું જવાનું દરબારના ઈતિહાસનું અંતિમ પૃષ્ઠ માનવામાં આવે છે. એ વખતે સલ્તનતનો અંત આવી
ગયો હતો. દિલ્હીમાં મોગલ શહેનશાહી અને બંગાળમાં નઝીમ બંગાળનું પતન થયું. આખા દેશમાં તબાહી શરૂ થઈ
ચૂકી હતી. અમજદઅલી શાહના જમાનામાં એના વઝીર અમીન-ઉદ-ઓલા અમીનાબાદ વસાવ્યું. જેની રોનક વધતી
ગઈ. લખનઉમાં સૌથી મશહુર અને આબાદ વિસ્તાર મોહલ્લા અમીનાબાદ અને હઝરત જંગ મારી અને અમીન ઉદ
ઓલાની યાદગીરી છે.

એ પછી વાજિદઅલી શાહ ગાદી પર આવ્યા. એ શૌકીન હતા. સંગીત અને કળા તરફ એમનો સ્વાભાવિક
ઝુકાવ હતો. ઈસ્લામના ચુસ્ત અનુયાયી એવા વાજિદઅલી શાહના અબ્બુએ એમને ધર્મ તરફ વાળવાનો બહુ પ્રયાસ
કર્યો, પરંતુ વાંચવા-લખવામાં પારંગત બનેલા વાજિદઅલી શાહ પિતાની મરજી વિરુધ્ધ ગાતા-વગાડતા શીખ્યા,
ચિત્રકળામાં પારંગત થયા અને સૌથી વધુ તો એમની રૂચિ શતરંજમાં હતી. એ યુવરાજ હતા ત્યારે પણ એમણે પોતાની
આનંદ સભાઓ માટે એક બાગ અને એક નાનકડું ખૂબસુરત મકાન બંધાવ્યું હતું. એ સમયે એને મળેલી એક તવાયફ
સાથે એમનો સંબંધ ખૂબ નીકટનો માનવામાં આવતો હતો…

હું તો એમના જીવનમાં ક્યાંય નહોતી… મારો જન્મ ફૈઝાબાદ, અવધમાં થયો હતો. મારી મા એક તવાયફ
હતી અને ત્રણેય બહેનોને ગાવા, નાચવાની તાલીમ આપવામાં આવી હતી. મારા માતા-પિતાએ મને વેચી ત્યારે હું
એક ખવાસણ તરીકે શાહી હરમમાં દાખલ થઈ… મારી જિંદગીમાં પહેલીવાર આવી આલીશાન ઈમારત અને આવો
વૈભવ મેં જોયો.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *