છેલ્લા કેટલાક સમયથી મોટિવેશન અને સેલ્ફ હેલ્પના અનેક કાર્યક્રમો યોજાય છે. શાળા તેજસ્વી
તારલાઓનું સન્માન હોય કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન, ભાગવત કથા હોય કે લગ્ન પ્રસંગની ઉજવણી હોય કે,
માતા-પિતાની 40-50મી એનિવર્સરી હોય કે માતા અથવા પિતાનો જન્મ દિવસ… ઘણાં લોકો ઇચ્છે છે કે એમને
ત્યાં આવનારા મહેમાનોને મનોરંજન, ખાણી-પીણી સાથે વિચારનું કોઈ ભાથું મળે! એક સારો વિચાર, જીવનની
કેટલીક એવી બાબતો જેના પરત્વે તદ્દન બેદરકાર હોઈએ એવી બાબતો પરત્વે થોડા સજાગ, સભાન અને સમજદાર
થઇએ એવો એક નવો અભિગમ ધીમે ધીમે કેળવાતો જાય છે. માત્ર ખાઈ-પીને ગોસીપ કરીને કે, ફિલ્મો ગીતો-સુગમ
સંગીત સાંભળીને વાહ વાહ કરીને / કરાવીને છૂટા પડવાને બદલે હવે જીવનને થોડી જુદી દૃષ્ટિએ જોવાનો એક નવો
ટ્રેન્ડ લોકોમાં શરૂ થયો છે. આ સારી બાબત છે. કારણ કે માત્ર પૈસા કમાવાથી માણસ ‘સુખી’ થઈ શકતો નથી. એ
વાત ધીમે ધીમે મોટાભાગના લોકોને સમજાઈ છે.
જીવન, સમાજ, પરિસ્થિતિ શરૂ કરીને શિક્ષણ, બાળઉછેર, ભગવદ્ ગીતા, ઇશ્વર જેવા અનેક વિષય પર
બોલતા-બોલી શકતા આ બધા સ્પિકર પોતાની જાતને મોટિવેશનલ સ્પિકર તરીકે ઓળખાવે છે. 300-400થી શરૂ
કરીને હજારો-લાખોની મેદનીને કલાકમાં તો ચેતનવંતા કરી નાખવાનો અમનો દાવો હોય છે! મુશ્કેલી એ છે કે આવા
મોટિવેશનલ સ્પિકરની મોટી મોટી વાતોની અસર થોડા કલાક-થોડા દિવસ સુધી રહે. પછી માણસ હતો એ નો એ
થઇ જાય છે! આપણે સ્વભાવ બદલી શકીએ, પણ પ્રકૃતિ બદલવી સૌના હાથમાં નથી હોતું! છેલ્લા થોડા સમયથી
લગ્નના પાંચ ફેરા-પાંચમો ફેરો દીકરાના માતા સાથે લેવાની, પુત્રવધૂની વંદના કરવાની કે એક દીકરીના માતા-પિતાનું
સન્માન કરવાની ‘ફેશન’ શરૂ થઈ છે. સમાજમાં સૌને ‘કંઈક નવું કરવું છે’ અને એ ‘નવા પગલાં’ની નોંધ લેવાય,
જાહેરાત થાય, વાહવાહ થાય. એ માટે હવે આવા ‘સુધારક’, ‘જાગૃત’ અને ‘સમાજને નવી રાહ ચીંધનાર’ લોકો પાસે
સોશિયલ મીડિયાનું એક ગજબનાક સાધન આવી ગયું છે.
માતા-પિતાના જન્મદિવસ કે એનિવર્સરીની ઉજવણી, ભાગવત કથા કે લગ્નપ્રસંગ- હવે બધું ‘પ્રસિદ્ધિ’ માટે
કરવામાં આવે છે. જેટલા લોકા હાજર રહ્યા, જેમને આમંત્રિત કર્યા એ સિવાયના હજારો-લાખો લોકોને પોતાની આ
‘મહાન પ્રવૃત્તિ’ની જાણ થાય, એ માટે આવા સભાન, સજાગ અને જાગૃત લોકો કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય.
પ્રસિદ્ધ અને લોકપ્રિય મોટિવેશનલ સ્પિકરને પણ એવી સૂચના આપવામાં આવે છે કે, એમણે આ ઉજવણી, પ્રવૃત્તિ
કે ‘નવી રાહ ચિંધવાનો’ જે પ્રયાસ છે, એની જાહેર નોંધ લેવી અને કાર્યક્રમના આયોજકના વખાણ કરવાં!
માતા-પિતાની એનવર્સિરી, ભાગવત કથા, પત્નીનો જન્મ દિવસ કે માતા-પિતાનો જન્મદિવસ, ઉજવણી એ
આપણી ઇચ્છાથી થાય છે. તો પછી એમાં કશું ‘અદભુત’ કર્યાની નોંધ લેવાવી જોઈએ, એવી ઇચ્છા કેમ છે? જો
આપણે સાચે જ કશું જુદું કે નવું કરવા માગીએ છીએ તો, વખાણ અને પ્રસિદ્ધિની ખેવના શા માટે?
કેટલાક લોકો એમના અંગત પ્રસંગની પ્રેસનોટ બનાવે છે, તો વળી કેટલાક એના નાના રીલ બનાવીને
અપલોડ કરે છે, અન્ય સુધી પહોંચ્યા કે નહિ એ જોવા અને જાણવા ઉત્સુક રહે છે. મહત્ત્વ એ વાતનું નથી કે, આપણે
આપણા પ્રિયજન કે સ્વજન માટે, સમાજમાં ઉદાહરણ પૂરું પાડવા માટે કશું કર્યું… મહત્ત્વ એ વાતનું છે કે, આવી
કોઈ પ્રવૃત્તિ ‘આપણે’ કરી છે, જેની લાગતા-વળગતાઓને જાણ થવી જોઈએ. એમને આપણી પ્રસિદ્ધિથી ઇર્ષ્યા થવી
જોઈએ, એમને સમજાવવું જોઈએ કે આપણે કેટલા સારા, સભાન, જાગૃત અથવા પરિવાર પરત્વે સમર્પિત વ્યક્તિ
છીએ!
જાહેર જીવનમાં પડેલા લોકો પોતાના કાર્યક્રમ વિશે, પ્રવાસ વિશે, અનુભૂતિ કે અનુભવ વિશે વાત કરે,
પોતાના સોશિયલ મીડિયા પર આવી કોઈ વાતને પ્રસારિત કરે તો એની પાછળનો ઉદ્દેશ પોતાને જાણતા સાંભળતા
લોકો, જે જાણવા માંગે છે, એમના સુધી પહોંચવાનો હોઈ શકે. ફિલ્મ સ્ટાર અથવા જેનું ફેન ફોલોઈંગ ખૂબ વધારે
હોય એવા લોકો વિશે જાણવામાં રસ હોય એ પણ સ્વાભાવિક છે, પરંતુ, જેમને કોઈ ઓળખતું નથી અથવા એમના
પરિવાર સિવાયનું કોઈ આવું બધું જાણવામાં ઇન્ટરેસ્ટેડ નથી એવા લોકો પણ ફિલ્મ સ્ટારની જેમ પોતાની વિડિયો,
રીલ અપલોડ કરીને, જે રીતે પ્રસિદ્ધિ માટે વલખાં મારે છે, એ જોઈને નવાઈ લાગે છે.
ગઇકાલ સુધી આપણે આટલા બધા પ્રસિદ્ધિ કોન્શિયસ કે વખાણના ભૂખ્યા નહોતા. સોશિયલ મીડિયાએ
આપણને અચાનક પબ્લિક પ્લેટફોર્મ પર લાવીને મૂકી દીધા છે. ‘ફોમો’ ફિયર ઑફ મીસિંગ આઉટ, એક રોગ બની
ગયો છે. લાઈક કે ફોલોઅર્સ ઘટે તો ડિપ્રેશન આવી જાય, એવા પણ કિસ્સા સાંભળવા મળે છે ત્યારે આ બે પરસ્પર
વિરોધી બાબતો ઉપર હસવું આવે છે.
એક તરફ આપણે જાગૃતિ લાવવી છે, સમાજ સુધારવો છે, જિંદગીને બહેતર બનાવવી છે અને સ્વયં માટે
સમય કાઢવો છે. ‘જી લે જરા’ જેવી વાતો કરવી છે, અને મોટિવેશનલ સ્પિકરને બોલાવીને અન્યને ‘જગાડવા’ છે, તો
બીજી તરફ આપણે ‘પ્રસિદ્ધ’ થવું છે. આપણી ‘મહાન’ પ્રવૃત્તિઓની નોંધ લેવાય એ માટે ઘાંઘા થઈને સોશિયલ
મીડિયા પર ફાંફાં મારવા છે…
જો ખરેખર કશું બદલવું હોય તો સૌથી પહેલાં, પ્રસિદ્ધ થવાની આ ભૂખ, સહુ આપણી નોંધ લે, એવી તરસ
અને આપણે, જે કંઈ કરીએ છીએ એ માટે તાળીઓ અને વાહ-વાહ મેળવવાની ઝંખના બદલવી જોઈએ. બીજાને
શીખવવા માટે મોટિવેશનલ સ્પિચ ગોઠવવાને બદલે આપણા પ્રસંગોને સાદાઈથી, સ્નેહથી અને સ્મૃતિમાં રહી જાય
એવી રીતે ઉજવતાં શીખવું જોઈએ.