‘શું કરે છે? ફોન કેમ નથી ઉપાડતા ?’ એક વ્યક્તિ બીજાને પૂછે છે… ‘મારી પાસે એક કલાક ફ્રી
હતો, એટલે મને લાગ્યું કે, તારે ત્યાં આવીને ચા પીઉં!’ પણ એ જ વ્યક્તિ જ્યારે સામે ફોન કરે છે ત્યારે
એમની પાસે સમય નથી હોતો… આપણે એવું માની લઈએ છીએ કે, આપણે માટે જો આપણા મિત્ર,
પ્રિયજનનું મહત્વ આપણા કામ કરતા વધારે છે તો એમના માટે પણ આપણું સ્થાન એ જ હશે, જ્યારે
એવું નથી થતું ત્યારે આપણને ‘ખોટું’ લાગે છે, દુઃખ થાય છે અથવા એથી આગળ વધીને ક્યારેક
અપમાનની લાગણી થાય છે. મોટાભાગના લોકો પોતાની સગવડ અને કમ્ફર્ટ પ્રમાણે આપણને સમય
આપતા હોય છે, પરંતુ એમની અપેક્ષા એવી હોય છે કે એ ફ્રી હોય ત્યારે તમે એમને માટે અવેલેબલ હોવા
જોઈએ. એમને માટે એમનું કામ, એમનો સમય અને એમની પ્રાયોરિટી અગત્યના છે, પરંતુ તમારાં કામ
કે તમારી પ્રાયોરિટી વિશે એમને વિચારવાનો પણ સમય નથી. એક મિત્ર કે પ્રિયજન માટે જતું કરવામાંય
વાંધો નથી, પરંતુ આપણે આપણો સમય કેવી રીતે મેનેજ કરીએ છીએ એનું આવા લોકોને મૂલ્ય પણ
નથી હોતું. આ એ જ મિત્રો હોય છે કે, જેમની સાથે આપણે કલાકો વીતાવતા હતા, એમના સુખ-
દુઃખમાં સાથે ઊભા રહ્યા હતા. આ એ જ મિત્રો છે જેમની સાથે આપણે બે-ત્રણ દાયકાનો સંબંધ હોય,
અને અચાનક એમણે સ્પીડ પકડી હોય. કેટલાક લોકોને એવું સમજાતું જ નથી કે, મિત્રતાનો અર્થ
બીજાના સુખમાં સુખી થવાનો, એની સફળતામાં આનંદ પામવાનો પણ હોઈ શકે.
આપણે જ્યારે આવા લોકોને દૂર થતા જોઈએ ત્યારે આપણને લાગે કે, એમની સાથેનો આપણો
સંબંધ ક્યાંક તૂટી રહ્યો છે, ક્યાંક ઘસાઈ રહ્યો છે અને આપણે આપણા તરફથી પૂરા પ્રયાસ કર્યા હોય એ
સંબંધને સાચવવાના, તૂટતો અટકાવવાના કે છૂટતો રોકવાના, પરંતુ જેમ દરેક વ્યક્તિની પોતપોતાની
મર્યાદા છે એવી રીતે સંબંધોની પણ એક મર્યાદા કે ગરિમા હોય છે. આપણાથી જે થઈ શકે એ કરી લીધા
પછી પણ જો એ વ્યક્તિ પાસે આપણા માટે સમય ન હોય તો એટલું સમજી લેવું જોઈએ કે, આપણે
એની પ્રાયોરિટી નથી! એની પાસે કરવા જેવા બીજા ઘણા કામો છે, એટલે આપણી સાથે વીતાવવાનો
સમય એને માટે ‘જ્યારે કંઈ ન હોય’ ત્યારની પસંદગી છે. આપણે કોઈની જિંદગીમાં સેકન્ડ, થર્ડ કે ફોર્થ
ઓપ્શન બનવું કે નહીં, એનો નિર્ણય આપણો હોઈ શકે. અહંકાર કે ઈગોને વચ્ચે લાવ્યા વગર જો આપણે
એ વ્યક્તિ (પ્રિયજન, મિત્ર કે સ્વજન) માટે સતત ઉપલબ્ધ રહેવું હોય તો એમાં કશું ખોટું નથી, પરંતુ એ
પછી સામે એવી અપેક્ષા રાખવાનો આપણને હક્ક નથી એ યાદ રાખવું જરૂરી છે. જો આપણને એવું
લાગતું હોય કે, આપણે જેટલો સમય આપીએ એટલો અને આપણને જોઈએ ત્યારે આપણને સમય
મળવો જોઈએ તો મિત્ર કે પ્રિયજનની પસંદગી કરતી વખતે આ વાત યાદ રાખવી જરૂરી છે, પછીથી
ફરિયાદ કરવાનો બહુ અર્થ રહેતો નથી.
આપણે બધા એક વ્યસ્ત સમયમાં પ્રવેશી ચૂક્યા છીએ. પૈસા અને સગવડ આપણા સૌની
જરૂરિયાત છે. ખાસ કરીને, કોરોના પછી શરૂ થયેલી મંદીમાં સૌ મહેનત કરે છે ને કદાચ, સૌ વ્યસ્ત પણ
હોય જ… પરંતુ, એ એની સાથે જો કોઈ આપણને સમય આપે છે તો એનો અર્થ એ નથી કે, સામેની
વ્યક્તિ (મિત્ર, પ્રિયજન, સ્વજન કે સગાં) નવરા છે, એની પાસે કરવાનું કોઈ કામ નથી… એનો અર્થ એ
છે કે, સામેની વ્યક્તિ માટે આપણે હજી સુધી મહત્વની વ્યક્તિ છીએ! આપણને જે લોકો સમય આપે છે
એ દરેક વખતે કોઈ ગરજ, જરૂરિયાત કે આપણી મહત્તા, પ્રતિષ્ઠા કે સંપતિને કારણે આપે છે એવું
માનવાની ભૂલ ક્યારેય ન કરવી કારણ કે, જેમ આપણે આટલા વર્ષોમાં આગળ વધ્યા, પૈસા કમાયા,
પ્રતિષ્ઠા અને પદ પામ્યા એવી જ રીતે સામેની વ્યક્તિ પણ પોતાની જિંદગીમાં, પોતાની રીતે આગળ
વધી જ હોય છે. સ્કૂલમાંથી કે કોલેજમાંથી સાથે છૂટા પડેલા બે જણાં પોતપોતાની રીતે, પોતાની
સફળતાના રસ્તે નીકળ્યા જ હોય છે, તેમ છતાં જો કોઈ વ્યક્તિ પોતાની બધી જ પ્રાયોરિટીને બાજુએ
મૂકીને આપણને સમય આપે તો એનું મૂલ્ય કરવું એ આપણી ફરજ છે.
આજના સમયમાં લોકો પૈસા આપે છે, દાન કરે છે બીજી મદદ પણ કરવા તૈયાર હોય છે, પરંતુ
સમય એવી અઘરી ચીજ છે કે, જે કેટલાક માણસો પોતાના પરિવારને આપવામાં પણ ક્યારેક પાછા પડે
છે, એ-સમય જો કોઈ આપણને આપતું હોય, તો એટલું ચોક્કસ સમજવું કે, એ વ્યક્તિએ એના જીવનમાં
હજી સુધી એટલું જ મહત્વનું અને નિકટનું સ્થાન આપણા માટે જાળવી રાખ્યું છે.
સંબંધો અને સમય, આ બે વસ્તુ ક્યારેય ટેકન ફોર ગ્રાન્ટેડ ન લેવી કારણ કે, આ બંને બાબતો
જેટલી મહત્વની આપણા માટે હોય એટલી જ મહત્વની જો સામેની વ્યક્તિ માટે નહીં હોય તો
લાગણીનું બેલેન્સ જળવાઈ નહીં શકે. આપણે આપણા તરફથી આપણી બધી પ્રાયોરિટીને પાછળ
ધકેલીને જો કોઈ વ્યક્તિને સમય આપતા હોઈએ તો એ સો ટકા આપણી પસંદગી અથવા આપણો
નિર્ણય છે… સમજી-વિચારીને કરેલો આવો નિર્ણય અફસોસનું કારણ નહીં બને.
બીજી તરફ, જો કોઈ વ્યક્તિ આપણને સમય આપતી હોય, આપણે માટે એના કામ પાછળ
ઠેલતી હોય તો એને સમય આપીને એની લાગણી અને એના સન્માનનું મૂલ્ય કરવું એ આપણી
જવાબદારી બને છે.