મોટાભાગના માતા-પિતા એવું માને છે કે, એમનું સંતાન એ એમની ઘડપણની લાકડી છે,
એમના ભવિષ્યનો આધાર, સમાજમાં એમની પ્રતિષ્ઠા અને લોકોની સામે પ્રદર્શન કરવાની કોઈ
ટેલેન્ટ અથવા કોઈ એવી બાબત છે, જેમાં નિર્બંધ સ્નેહ સિવાય બાકીનું બધું જ છે! માતા-પિતા
અને સંતાન વચ્ચેનો સૌથી પહેલો સંબંધ ફક્ત ‘સ્નેહ’નો હોવો જોઈએ. વધુ માર્ક લાવતું, હોંશિયાર,
ટેલેન્ટેડ કે ચતુર બાળક, થોડું ઓછું હોંશિયાર કે પ્રમાણમાં ડફોળ બાળક… વચ્ચે માતા-પિતાને ફેર
કેવી રીતે હોઈ શકે? મહત્વની વાત એ છે કે, બાળકના માર્ક્સ, સફળતા કે કુશળતાના બદલામાં એને
માતા-પિતાની પ્રશંસા મળે, પરંતુ નિષ્ફળતા, નિરાશા, અણઆવડત કે ઓછી ચતુરાઈના બદલામાં
સ્નેહ અને પ્રોત્સાહન તો મળવાં જ જોઈએ. માતા-પિતાને એવો અધિકાર નથી કે એ પોતાના બે
બાળકોની વચ્ચે ભેદભાવ કરે, સંતાનને પણ એવો અધિકાર નથી કે એ મોટા થઈને માતા-પિતાના
ન્યાયાધિશ બને!
ખલિલ જિબ્રાન કહે છે કે, આપણા બાળકો આપણા થકી આ દુનિયામાં આવ્યા છે, પરંતુ
એમના ઉપર આપણો કોઈ અધિકાર કે માલિકી નથી હોતા. આપણે એમને એક બહેતર જીવન
આપવાનું છે, એમને એક સારા વ્યક્તિ બનાવીને સમાજને એક સુદૃઢ પાયો ઉમેરી આપવાનો છે.
માતા-પિતાની ફરજ છે કે, એ પોતાના બાળકને ખૂબ પ્રેમ કરે, પરંતુ એની ભૂલ હોય કે એણે
અણસમજમાં કશું ખોટું કર્યું હોય તો નાનપણથી જ એ ભૂલ વિશે એને સભાન કરીને, ફરીથી એ
ભૂલ ન થાય એ માટે પોતે પણ સજાગ રહે. પ્રેમનો અર્થ માત્ર ‘ઈચ્છાપૂર્તિ’ નથી. મોંઘા રમકડાં, મોંઘી
શાળા કે મોઢામાંથી નીકળે તે બધું આપનાર માતા-પિતા બાળકને વધુ પ્રેમ કરે છે અને મધ્યમવર્ગીય,
ગરીબ માતા-પિતા જે બાળકની બધી ઈચ્છાઓ પૂરી નથી કરી શકતા એનો પ્રેમ ઓછો છે, એવું કહી
શકીએ? બિલકુલ નહીં.
સત્ય તો એ છે કે, માતા-પિતાએ એક જવાબદાર યુગલ બનીને ભવિષ્ય માટે એક સમજદાર,
જવાબદાર અને ઈમાનદાર વ્યક્તિને તૈયાર કરવાનો છે. ખૂબ હોંશિયાર અને ચતુર વ્યક્તિ પાસે જો
સાર-અસારનો વિવેક નહીં હોય તો એ રાક્ષસ બની જશે, પરંતુ થોડી ઓછી હોંશિયાર કે સરળ
વ્યક્તિ પાસે જો જીવન અને સમાજ પ્રત્યેની જવાબદારીની સમજણ હશે તો એ સમાજ માટે એક
મૂલ્યવાન પ્રદાન બનશે.
‘થેન્ક યૂ’ કે ‘સોરી’ કહેવાની ટેવ માણસને નમ્ર અને સારો બનાવવાનું પહેલું પગથિયું છે.
જે માફી માગી શકે, આભાર માની શકે એને જીવનમાં ક્યાંય સમસ્યા નડતી નથી, પરંતુ
અત્યારના માતા-પિતા ‘સોરી’ કે ‘થેન્ક યૂ’ નહીં કહેતા બાળક વિશે ગર્વ લે છે, હસીને કહે છે, ‘એ
તો કોઈને સોરી નહીં કહે! એમાં વળી થેન્ક યૂ શું કહેવાનું?’ ખરેખર તો માતા-પિતાએ પરસ્પર
એકબીજાને ‘થેન્ક યૂ’ કે ‘સોરી’ કહીને બાળકને સારી ટેવ પાડવાની શરૂઆત કરવી જોઈએ.
બાળકની સામે દલીલબાજી કરતા, એકમેકને ઉતારી પાડતા માતા-પિતા સંતાનને એ જ શીખવે
છે જ્યારે એકમેકને પરસ્પર સન્માન આપતા અને પ્રેમ કરતા માતા-પિતા એવું જ પ્રેમાળ અને
સમજદાર સંતાન ઉછેરે છે.
આપણને ‘થેન્ક યૂ’ કહેવાની ટેવ નથી, બલ્કે કોઈ થેન્ક યૂ કહે તો એને આપણે ખોટો
‘શિષ્ટાચાર’ માનીને એવા લોકોને વેવલા કે પશ્ચિમી સંસ્કૃતિના દંભ સાથે જોડી દઈએ છીએ.
આભાર માનવો કે કદર કરવી એ ધીમે ધીમે આપણા સમાજમાંથી વિસરાતી જતી પ્રવૃત્તિ છે.
સત્ય એ છે કે, આપણા ઘરમાં રહેતા નાનકડા પેટ-પાળેલા પ્રાણી કે પંખી પણ ‘વેરી ગુડ’ અથવા
‘વેરી નાઈસ’ સાંભળીને જ સારી રીતે ટ્રેઈન થાય છે. આવા કદરના શબ્દો દરેક વ્યક્તિ માટે સારું
વર્તવા કે સારું કામ કરવા, આગળ વધવા કે કારકિર્દીમાં મોટા શિખરો સર કરવા માટે પ્રોત્સાહન
(ઈન્સેન્ટિવ) પૂરું પાડે છે. સંતાનના વખાણ ચોક્કસ કરવાં, પરંતુ ખોટાં વખાણ નહીં, માત્ર સાચે
જ સારું યોગ્ય કામ કર્યું હોય તો કદર કરવી. નાની નાની વાતમાં સંતાનને ‘પ્રોત્સાહિત’ કરતાં
માતા-પિતા ભૂલી જાય છે કે એના બાળકને જ્યારે ભવિષ્યમાં કોઈ ભૂલ બતાવશે કે બીજાની
સરખામણીએ ઓછી આવડતવાળા-નબળા પૂરવાર થશે ત્યારે એ સહન નહીં કરી શકે.
ઘરના નાના કામોમાં સંતાનની મદદ લેવી, એને જોડવું જરૂરી છે. દીકરો હોય કે દીકરી-
ઘરનું કોઈ કામ નાનું નથી એ વાત એને બાળપણથી જ શીખવવી જોઈએ. પપ્પાએ કામ કરીને
ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.
સૌથી મહત્વની વાત ગૃહિણી કે મા અથવા પત્નીનાં કામની પ્રશંસા વિશે છે. લગભગ
તમામ ઘરોમાં એવું માની લેવામાં આવે છે કે, સ્ત્રી જે કંઈ કરી રહી છે એ એની જવાબદારી
અથવા ફરજ છે. બીજી તરફ, પત્ની કે ગૃહિણી એવું માને છે કે પતિ જે કંઈ કરે છે એ મહેનત,
એની ફરજ અથવા જવાબદારી છે. આ વાત ખોટી નથી, પરંતુ પપ્પા ઘરનું કોઈ કામ ન કરે-
મમ્મીનું અપમાન કરે કારણ કે, એ કમાય છે… એવું જે ઘરમાં પ્રસ્થાપિત થઈ જાય એ ઘરમાં એક
તોછડો પુરુષ અને એક વિદ્રોહી સ્ત્રી ઉછરે છે. પપ્પાની કમાણી અને મમ્મીનું ગૃહકાર્ય, અગત્યના
છે એવી જ રીતે આજના જમાનામાં ક્યારેક મમ્મીની કમાણી પપ્પા કરતા વધુ હોય ત્યારે
પિતાએ એ વાતમાં ઈગો રાખવાને બદલે પોતાના સંતાનને એવું સમજાવવું જોઈએ કે બંને જણાં
મળીને આ ઘરને-પરિવારને સંભાળે છે, કોઈ વધારે-કે કોઈ ઓછું નથી!
મોટાભાગના માતા-પિતા માત્ર બાયોલોજીકલ એક્સિડન્ટથી માતા-પિતા બની જતાં હોય
છે. એક સારા સ્વસ્થ વ્યક્તિનો ઉછેર કરવો સરળ નથી. એક સમાજોપયોગી વ્યક્તિ કે એક
સમજદાર પિતા, એક વહાલસોયી મા ત્યારે જ તૈયાર થાય છે જ્યારે એનામાં એ સમજણ,
સમાજ વિશેની જવાબદારીની સભાનતા કે પોતાના સંતાન પ્રત્યેની લાગણી અને માવજત
બાળપણથી રોપવામાં આવે… જેમ રાતોરાત અનાજ કે ફળ નથી ઊગતા એવી જ રીતે વ્યક્તિના
જીવનમાં પણ રાતોરાત સદગુણ નથી આવતા, એને વાવવા અને ઉછેરવા પડે છે જેની
જવાબદારી માત્ર માતા-પિતાની છે.
શિક્ષક આમાં સહભાગી થઈ શકે, પરંતુ શાળામાં પાંચ-છ કલાક વિતાવતા બાળક સાથેનો
સૌથી વધુ સમય એના માતા-પિતાને ફાળે જાય છે. શિક્ષક પાસે 20થી 30 બાળકોનો વર્ગ છે
જ્યારે માતા-પિતા પાસે એક કે બે જ સંતાન પર ફોકસ કરવાનું છે… માત્ર વસ્તુઓ નહીં,
વિચારનો વારસો આપનાર માતા-પિતા એક ‘યોગ્ય’ અને ‘જવાબદાર’ નાગરિક ઉછેરીને દેશના
યુવાધનમાં પ્રદાન કરી શકે છે.