દરેક ઉનાળામાં આપણે બધા ફરિયાદ કરીએ છીએ, ‘આ વર્ષે બહુ ગરમી છે!’ અનેક વૈજ્ઞાનિકો,
પર્યાવરણશાસ્ત્રીઓ કહે છે કે, ગરમી વર્ષોવર્ષ વધતી જાય છે. હિમાલય પીગળી રહ્યો છે. ઋતુઓનું
ચક્ર હવે પહેલાં જેવું નિયમિત કે વ્યવસ્થિત નથી રહ્યું. ઉનાળામાં વરસાદ પડે છે, પાક બગડે છે, અલ
નીનો, તોફાન-કમોસમી વરસાદ, પૂર, દુષ્કાળ અને ધરતીકંપ વિશ્વના કોઈને કોઈ ભાગમાં સતત
ચાલ્યા કરે છે… આનું કારણ સ્પષ્ટ છે. આપણે બધાએ પૃથ્વી, પર્યાવરણ અને કુદરતી તત્વોનું યથેચ્છ
ઉપભોગ કર્યો છે. રેતી અને ખનીજો ખોદી કાઢ્યા છે. પાણી અને પેટ્રોલ વચ્ચે આપણને કોઈ ભેદ
દેખાતો નથી, આપણે બંનેને બેફામ રીતે વાપરી રહ્યા છીએ. પ્લાસ્ટિકનો ઉપયોગ દિવસે દિવસે
વધતો જાય છે. આટઆટલી ચેતવણી અને સમસ્યાઓ પછી પણ આપણે બધા બેધ્યાન અને બેદરકાર
છીએ. આપણને પોતાની તો ચિંતા નથી જ થતી, પરંતુ આપણા પછીની પેઢી શું કરશે અને કેમ
જીવશે એ વિષય પર આપણે તદ્દન બેજવાબદાર છીએ.
આમાં કશું નવું નથી, આ વાતો આપણે પહેલાં કેટલીયેવાર સાંભળી છે. આ પહેલાં
કેટલીયેવાર આપણને આવી ચેતવણીઓ અને સૂચનાઓ મળી છે, પરંતુ આજે ફરી એકવાર એ વિશે
વાત કરવાનો અવસર છે. આવતીકાલે, ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ છે. ૧૯૭૨માં સંયુક્ત
રાષ્ટ્ર દ્વારા સ્ટોકહોમ કોન્ફરન્સ ઓન ધ હ્યુમન એન્વાયર્નમેન્ટ (૫-૧૬ જૂન ૧૯૭૨) અનુસંધાને
વિશ્વ પર્યાવરણ દિવસની સ્થાપના કરવામાં આવી હતી, જે માનવ ક્રિયાપ્રતિક્રિયાઓ અને
પર્યાવરણના એકત્વ પરની ચર્ચાઓથી પરિણમી હતી. એક વર્ષ બાદ, ૧૯૭૩માં પ્રથમ વિશ્વ
પર્યાવરણ દિવસનું આયોજન “ઓન્લી વન અર્થ” વિષય સાથે કરવામાં આવ્યું હતું. શું છે આ
‘ઓન્લી વન અર્થ?’ એનો અર્થ છે આપણે ભલે જમીનને ટુકડાઓમાં વહેંચી દીધી, દેશો અને શહેરોને
જુદા પાડ્યા. અક્ષાંશ-રેખાંશ અને નકશા બનાવ્યા, પરંતુ અંતે તો આખી પૃથ્વી એક જ છે કારણ કે,
એનું સર્જન જીવોના જીવન માટે થયું છે. પૃથ્વીને ‘લિવિંગ પ્લેનેટ’ કહેવાય છે, જીવતો ગ્રહ. એટલા
માટે નહીં, કે એના ઉપર જીવન પાંગરે છે, પરંતુ પૃથ્વીના પેટાળમાં પણ જીવન છે. સમુદ્રને તળિયે
અગ્નિ છે અને પૃથ્વી એની માટી, તૃણ કે વૃક્ષો દ્વારા શ્વાસ લે છે.
આ પૃથ્વીની પોતાની ભાષા છે. એ આપણને સંકેતોથી જણાવે છે કે, ખુશખુશાલ છે, દુઃખી
છે, નિરાશ છે કે ક્રોધી છે. પૃથ્વી જ શું કામ, પાંચેય તત્વો પાસે સ્વયંને અભિવ્યક્ત કરવાના પોતાના
રસ્તા છે. નદીઓ પોતાના કિનારા તોડીને વહે છે, આભ વરસાદથી, ગરમીથી પોતાનો સ્નેહ કે ક્રોધ
અભિવ્યક્ત કરે છે. કહેવાય છે કે, જળ જીવન છે, પરંતુ જ્યારે આકાશમાંથી અનરાધાર વરસાદ વરસે
ત્યારે એ જ વરસતું જળ, પૃથ્વી પર વસતું જીવન લેવાની પણ ક્ષમતા ધરાવે છે. હવા આપણા જીવન
અસ્તિત્વ માટે જરૂરી છે, પરંતુ એ જ પવન સો કિલોમીટરની સ્પીડે ફૂંકાય તો આખું ગામ ઉડાડી મૂકે.
આપણા સૌના શરીર (જઠરાગ્નિ, કામાગ્નિ)માં અગ્નિ છે. દરેક જીવતાં-ગરમ લોહી ધરાવતા પ્રાણીના
શરીરમાં અગ્નિ છે. એ અગ્નિ ઠંડો પડી જાય તો જીવન પણ ઠરી જાય છે, પરંતુ એ જ અગ્નિ જ્યારે
ભભૂકે અને જ્વાળામુખી સ્વરૂપે કે જંગલમાં ડવ બનીને લાગે ત્યારે કેટલાં જીવન નષ્ટ કરી શકે છે!
જે પંચતત્વ વાતાવરણમાં છે, પર્યાવરણમાં છે એ જ પંચતત્વ આપણી ભીતર પણ છે.
બહારના તત્વો સાથે ભીતરના તત્વોને એક સૂર કરીને સંવાદિતા સાધવાનું નામ જ ‘ચૈતન્ય’ છે.
આપણે બધા બહારના તત્વો વિશે એટલા બધા બેદરકાર છીએ કે ધીરે ધીરે એ જ બેદરકારને આપણી
ભીતરના તત્વો પરત્વે પણ પ્રદર્શિત થવા લાગે છે. આપણે આપણા શરીરને સાંભળી શકતા નથી
કારણ કે, આપણને શરીરમાં રહેલા એ પાંચ તત્વો સાથે સંવાદિતા સાધવાનો સમય જ મળતો નથી.
ભૂખ, સેક્સ, ક્રોધ અગ્નિતત્વ છે, શ્વાસ વાયુતત્વ, શરીરમાં રહેલું પાણી જળતત્વ, ઊંઘ અને શાંતિ
આકાશતત્વ છે, જ્યારે આપણું આખું શરીર (કહેવતોમાં જેને ‘માટી’ અથવા ‘રાખ’ કહેવાય છે) એ
પૃથ્વી તત્વનું બનેલું છે. આપણે જેટલી વધારે પૃથ્વીને દૂષિત કરીએ છીએ, પ્રદૂષિત કરીએ છીએ
એટલું જ આપણું શરીર વધુને વધુ દૂષિત કે પ્રદૂષિત થતું જાય છે. પર્યાવરણના પાંચ તત્વોને ફક્ત
બહાર જ નહીં, ભીતર પણ બેલેન્સ કરવાના છે. જો આપણે આપણું શરીર ચોખ્ખું રાખતા હોઈએ
અને આપણા સૌંદર્ય વિશે, સ્વાસ્થ્ય વિશે જાગૃત હોઈએ તો આપણે આપણી આસપાસના જગત
વિશે પણ એટલા જ જાગૃત અને સાવધ હોવું જોઈએ કારણ કે, ‘યથાપિંડે તથા બ્રહ્માંડે’ પિંડ એટલે કે
આ શરીરમાં જે કંઈ છે તે જ બ્રહ્માંડમાં છે.
આપણે બધા કોઈ તેજનો અંશ લઈને અવતરીએ છીએ. આ અંશને આપણે જીવ કહીએ,
ચૈતન્ય કહીએ, આત્મા કહીએ કે બીજું કોઈ નામ આપીએ, પરંતુ આ ચૈતન્ય આપણે પર્યાવરણ સાથે
તાલમેલપૂર્વક જીવવાની સમજણ આપે છે. જેને આ ભીતરના ચૈતન્યનું મહત્વ સમજાય છે એને
પોતાની આસપાસનો દરેક જીવ મહત્વનો લાગે છે. પ્રેમમય, કરુણામય થઈને વિશ્વભરના જીવોને
આપણા જ તેજનો અંશ માનીને જો આપણે સ્વીકારી કે ચાહી શકીએ તો આ વિશ્વ કલ્યાણની સાથે
એકાકાર થઈને આપણે પણ આપણા અસ્તિત્વને એક નવું જ સ્વરૂપ આપી શકીએ.
આ વિશ્વ-જગત કે દુનિયા કોઈ સિમ્ફનીની જેમ વાગે છે. જેમ કોઈ ઓરકેસ્ટ્રા કે સિમ્ફનીમાં
અનેક વાયોલિનવાદક, પિયાનોવાદક અને બીજા વાદ્ય વગાડનારા લોકો હોય એવી જ રીતે આ પૃથ્વી
પરનું જીવન પણ એક ઓરકેસ્ટ્રા છે. એને સિમ્ફનીની જેમ એક સૂરમાં વગાડવો પડશે… કોઈપણ એક
વાદક જો બેસૂરો થશે તો આ પૃથ્વી, આપણું જીવન, જગત અને પર્યાવરણની એકસૂરતા જળવાઈ
નહીં રહે.
1985માં આફ્રિકાના દુકાળ વખતે ‘યુએસએ ફોર આફ્રિકા’ નામનું ગીત ચેરિટી માટે રેકોર્ડ
કરવામાં આવેલું. એ ગીતમાંથી થયેલી લાખો ડોલરની આવક આફ્રિકાના લોકોની રાહત માટે
વાપરવામાં આવેલી. આ ગીત લાયોનલ રિચી અને માઈકલ જેક્સને લખેલું. યુએસએના બધા જ
જાણીતા ગાયકોએ એમાં પોતાનો અવાજ આપેલો. ગીતના શબ્દો હતા,
‘વી આર ધ વર્લ્ડ, વી આર ધ ચિલ્ડ્રન,
વી આર ધ વન્સ હુ મેક અ બ્રાઈટર ડે,
સો લેટ્સ સ્ટાર્ટ ગિવિંગ, ધેર ઈઝ અ ચોઈસ વી આર મેકિંગ,
વી આર સેવિંગ અવર ઓન લાઈવ્સ, ઈટ્સ ટ્રુ વી વીલ મેક અ બેટર ડે…
જસ્ટ યુ એન્ડ મી.’