ना पुछो जमाने को, क्या हमारी कहानी है ।
हमारी पेहचान तो यह है, की हम सिर्फ हिन्दुस्तानी है… !
રાહત ઈન્દોરીનો આ શે’ર આજે યાદ કરવાનો સમય છે. આઝાદીને 75 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે.
ઠેરઠેર આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવવામાં આવ્યો છે. આજે, 72 વર્ષે પણ સવાલ એ છે કે, આપણે
સાચા અર્થમાં આઝાદ છીએ ? આપણું સંવિધાન સાચા અર્થમાં નિર્દોષને બચાવે છે-અને ગુનેગારને સજા
કરે છે ?
આ સવાલ માત્ર ભાજપ સરકારને નથી પૂછવાનો, સરકારો બદલાતી રહી, પ્રધાનમંત્રી અને
મંત્રીઓ બદલાતા રહ્યા. સાચે જ આ દેશમાં કશું બદલાયું છે ખરું ? કોઈ એક અભિનેત્રી પોતાના
ફિતુરમાં લખી નાખે કે, ‘ભારતને આઝાદી 2014 પછી મળી’, ત્યારે હસવા કે અંદરોઅંદર ઝઘડવાને
બદલે આપણે બધાએ આપણા અધિકારો અને સમજણ વિશે સ્પષ્ટ થવાની જરૂર છે. સરકાર આવે ને
જાય, વોટર અને નાગરિકો બદલાતા નથી. ભારતનું સંવિધાન માત્ર સરકારના આધારે નથી ચાલતું. એ
એક એવું ચિત્ર છે જેમાં જિગ્સોની જેમ અનેક ટૂકડા છે. આ ટૂકડા એટલે ભારતના ન્યાયતંત્ર સાથે
જોડાયેલા અનેક લોકો… ન્યાયાધીશ, વકીલ, આરોપી, ફરિયાદી, સાક્ષી અને સૌથી મહત્વનું પોલીસ
તંત્ર. ટેલિવિઝન અને સિનેમા, હવે વેબસીરિઝ પણ, આ આખા તંત્રને ભ્રષ્ટ, લાલચુ, પૈસાખાઉ અને
જુઠ્ઠું દેખાડીને આપણા મગજમાં એક જુદા જ પ્રકારની ઈમેજ ઊભી કરે છે. દેશમાં ભ્રષ્ટાચાર છે, એ
વિશે કોઈ સફાઈ કે દલીલ ન હોઈ શકે, પરંતુ આ ભ્રષ્ટાચાર કંઈ 2014 પછી જ આવ્યો છે એવું નથી.
સરદારે ગૃહપ્રધાનના પદેથી જ કાયમી નિવૃતિ લીધી અને આ દેશને કોંગ્રેસના અન્ય નેતાઓએ સંભાળ્યો.
છેલ્લા 72 વર્ષમાં ન્યાયતંત્રથી શરૂ કરીને કાયદો અને વ્યવસ્થા જાળવનારા પોલીસો સુધી બધાની સામે
આપણા દેશના નાગરિકોની ફરિયાદ એ છે કે, ‘તંત્ર ભ્રષ્ટ થઈ ગયું છે… પૈસા ખવડાવ્યા વિના કશું થતું
નથી…’ દારૂબંધી હોય કે બાળવિવાહ, નાનકડો એક્સિડેન્ટ હોય કે કરોડોની ઉચાપત, સંવિધાનને આપણે
ઈચ્છીએ તેમ તોડી-મરોડીને આપણને ફાવે તેમ ગોઠવતાં આપણને બધાને આવડી ગયું છે.
આજે, પરિસ્થિતિ એવી છે કે દેશ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. એક હિસ્સો એવો છે જે સાચા-
ખોટા, ભલા-બૂરા તમામ કાર્યો કે પરિસ્થિતિ માટે સરકારની જીહજૂરી અને ચાપલૂસી કરે છે. તો બીજો
વર્ગ એવો છે કે, જેને માત્ર વિરોધ કરવો છે ! એમને એ પણ ખબર નથી કે એ શેનો વિરોધ કરી રહ્યા છે.
કદાચ ભૂલેચૂકે કોઈ સરકાર, સમાજ કે કોઈ એકાદ વ્યક્તિના વખાણ કરે તો એનો પણ વિરોધ કરી નાખવો
એવું આ વિરોધીઓનું ટોળું દૃઢપણે માને છે ! એક વર્ગની ઈમાનદારી માત્ર વખાણ અને બીજા વર્ગની
માત્ર વિરોધ હોય ત્યારે સમાજમાં બેલેન્સની અપેક્ષા કેવી રીતે રાખી શકાય ? આખી સરકાર, તમામ
ઓફિસર્સ, આખું ન્યાયતંત્ર કે આખું પોલીસતંત્ર ભ્રષ્ટ ન જ હોઈ શકે એવી જ રીતે ભ્રષ્ટાચાર બિલકુલ
નથી એવો દાવો પણ ન જ થઈ શકે.
આપણે આપણા દેશને લોકશાહી અથવા પ્રજાસત્તાક કહીએ છીએ ત્યારે એક સવાલ એવો પણ
પૂછાવો જોઈએ કે, ખરેખર આ દેશમાં લોકોનું શાસન છે ખરું ? શાસન એ કરી શકે જે નિર્ણય કરી શકે.
આપણે તો સહુ ‘અનિર્ણય’ ‘અનિશ્ચિતતા’ના નશામાં રાચતા લોકો છીએ. ‘કોને ખબર !’થી શરૂ કરીને
‘આપણે શું ?’ સુધીના બધા ઉદગારો આપણી ચારેતરફ ઘોંઘાટ કરી રહ્યા છે. એમાં એકાદ જણ ‘શા માટે
?’, ‘કઈ રીતે ?’, ‘કેમ ?’ અથવા ‘કોણ ?’ એવો કોઈ સવાલ પૂછી નાખે, એ ભયથી ટોળું વધુને વધુ
ઘોંઘાટિયું થતું જાય છે…
છેલ્લા થોડા સમયમાં, કદાચ એકાદ દાયકાથી આપણે બધા જ આપણને જેટલું પીરસવામાં આવે
એટલું જ ખાઈને સંતુષ્ટ રહેતા શીખી ગયા છીએ. સોશિયલ મીડિયા અને આસપાસનું જગત આપણને
એટલું જ પીરસવા માગે છે જેનાથી આપણે બિલાડીની જેમ આંખો મીચીને ખાતા રહીએ. એકાદની
આંખ પણ ઊઘડશે તો એને સત્ય સમજાઈ જશે, એ બીજાને જગાડશે… એવા ભય આ ‘વિરોધી’ અને
‘પ્રશંસક’ ટોળાંને સતત લાગ્યા કરે છે. સૂફી લેખક સુભાષ ભટ્ટની વાત અહીં યાદ કરવી પડે, ‘બધા એ
શરાબ પીતા હોય ત્યારે એકાદ જણ પીવાની ના પાડે એને સહુ અતિશય આગ્રહ કેમ કરે છે ? કારણ કે એ
સૌને ભય છે કે પેલો એક, જે શરાબ નથી પી રહ્યો એ, અમારા સૌની બેવકૂફી અને બેહોશીને ઓળખી
જશે.’ જે મદહોશ છે, બેધ્યાન અને વિરોધી કે પ્રશંસકના ટોળાંમાં અંધાધૂંધ દોડી રહ્યા છે એને કિનારે
ઊભેલો માણસ મંજૂર નથી, એણે બેમાંથી એક ટોળાંમાં તો ભળવું જ પડે કારણ કે, જો એ કિનારે ઊભો
હોય તો સાક્ષી બની જાય !
મોબ લિંચિંગ આવા મૂર્ખતાપૂર્ણ, બેહોશ ટોળાંની પ્રવૃતિ છે. સોશિયલ મીડિયામાં એકાદ જણાંને
ટાર્ગેટ કરીને તૂટી પડતી એક આખી જમાત આવું ટોળું છે. એ બધા માને છે કે, આ દેશ, કોઈ ધર્મ કે
પરમતત્વનું કોઈ સ્વરૂપ એમની માલિકી છે. એમને સ્વતંત્રતા, પ્રજાસત્તાક, ધર્મ નિરપેક્ષતા કે તટસ્થતા
જેવા શબ્દો સાથે કોઈ લેવાદેવા નથી. એમને તો આંખ મીચીને બેહોશીમાં, બેમાંથી એક ટોળું પસંદ
કરીને દોડતા રહેવું છે ત્યારે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાહત ઈન્દોરીનો બીજો એક શે’ર પણ આ
ટોળાંને સંભળાવવાનો આજે દિવસ છે,
सभी का खून है शामिल इस मिट्टी मैं,
किसी के बाप का हिन्दुस्तान थोड़ी है ।