સર પે તૂફાન ભી હૈ, સામને કિનારા ભી નહીં

છેલ્લા કેટલાય સમયથી ભારતમાં ‘વિકાસ’ની વાતો થાય છે. ગંગા કિનારે ક્રૂઝ, રેલવેનો
ફેસલિફ્ટ અને બીજી એવી કેટલીયે સેવા અને સુવિધાનો વિકાસ આપણે જોઈ રહ્યા છીએ.
અમદાવાદમાં મેટ્રો ફરવા લાગી છે, સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ક્રૂઝની તૈયારી થઈ રહી છે. ગુજરાતનું
જ નહીં, ભારતનું ટુરિઝમ અત્યારે દેશી-વિદેશી પર્યટકોને આકર્ષી રહ્યું છે તો બીજી તરફ, આખા
વિશ્વમાં મંદીનું મોજું ફરી વળ્યું છે. ગયા અઠવાડિયે મળેલા સમાચાર મુજબ માઈક્રોસોફ્ટ જેવી
કંપની જે વિશ્વની પાંચમી સૌથી મોટી ટેકનોલોજી કંપની છે એ દસ હજાર જેટલા કર્મચારીઓને
છૂટા કરી રહી છે. આની પહેલાં એમેઝોન, મેટા (ફેસબુક) અને ટ્વિટર જેવી કંપનીઓએ
કર્મચારીઓને ઓછા કરવાની જાહેરાત કરી દીધી છે. એવું માનવામાં આવે છે કે, અમેરિકામાં છેલ્લા
એક વર્ષમાં 40 હજાર જેટલા કર્મચારીઓએ નોકરી ગૂમાવી છે, સાથે જ ભારતની આઈટી
કંપનીઓમાં પણ નોકરીની સંખ્યામાં 95 ટકા જેટલો ઘટાડો થયો છે-એટલે, પાંચ ટકા લોકોની નોકરી
સલામત છે એવું માની શકાય? ટાટા કન્સ્લટન્સી, ઈન્ફોસીસ, એચસીએલ અને વિપ્રો જેવી
કંપનીઓએ હજારો કર્મચારીઓને છૂટા કર્યા છે. નવાઈની વાત એ છે કે, એક તરફ આપણે નવા
સ્ટાર્ટઅપ અને ડિજિટલ વિકાસની કથા કહીએ છીએ. ભારત જેવા 85 ટકાથી વધુ અર્ધશિક્ષિત કે
અશિક્ષિત લોકોના દેશમાં ડિમોનિટાઈઝેશન પછી ડિજિટલ ટ્રાન્જેક્શનની સંખ્યા વધી રહી છે તો
બીજી તરફ, આખા વિશ્વ માટે જે પ્રવાસનના મુખ્ય સ્થળો છે એવા ઈન્ડોનેશિયા, બાલિ, થાઈલેન્ડ
અને શ્રીલંકા, ભુટાન જેવા દેશોમાં ડિજિટલ ટ્રાન્જેક્શનને બદલે ‘કેશ’નો આગ્રહ વધી રહ્યો છે!

‘મની ધ મિથ’ નામના એક પુસ્તકમાં પૈસા વિશેનાં કેટલાક મિથ-માન્યતાઓ અથવા દંતકથા
વિશે સ્પષ્ટતા કરવામાં આવી છે જેમાં બહુ રસપ્રદ વિગતો છે. લેખકે સમજાવ્યું છે કે, એક માણસ
બીજાને ચેક આપે છે ત્યારે પૈસા એક બેન્કમાંથી બીજી બેન્કમાં ટ્રાન્સફર થાય છે, પરંતુ આ તો ધારણા
છે, ખરેખર પૈસા કોના હાથમાં આવે છે? એવી જ રીતે ડિજિટલ ટ્રાન્જેક્શન થાય છે ત્યારે પૈસા એક
ખાતામાંથી બીજા ખાતામાં ગયાની માહિતી મળે છે, એનો અર્થ એ થયો કે, પૈસા ટ્રાન્સફર થયાનો
સંતોષ થાય છે. ગોલ્ડ બોન્ડ, ક્રિપ્ટો કરન્સી, મેડિક્લેઈમથી શરૂ કરીને એસઆઈપી કે બીજા
ઈન્વેસ્ટમેન્ટ્સ માત્ર પૈસા પાછા મળવાનું વચન છે, એક્ચ્યુઅલ પૈસા નથી. આ વાત સમજીએ તો
ખ્યાલ આવે કે, કોઈક દિવસ જો અર્થતંત્ર તૂટી પડે અને આ વચનો ખોટાં પડે તો કેટલા લોકો પોતાની
જીવનભર સંચિત કરેલી મૂડી ગૂમાવે? અર્થતંત્ર જ્યારે ક્રશ થાય છે ત્યારે એમાં કેટલીક બાબતો બહુ
મહત્વની છે જેમાંની સૌથી પહેલી બાબત એ છે કે, લોકો કેશ પોતાના ઘરમાં દબાવીને રાખે છે…
બજારમાં પૈસા ફરતા નથી એટલે ધીમે ધીમે બજારમાંથી પૈસા અદ્રશ્ય થવા લાગે છે. ટ્રાન્જેક્શન ચાલું
રહે છે, અલબત્ત ડિજિટલ કે એનઈએફટી અથવા બેન્ક ટુ બેન્ક ટ્રાન્સફરના સ્વરૂપમાં! ખરેખર જ્યારે
પૈસાની જરૂર પડે, ત્યારે એ પૈસા કે મૂડી આપણને મળશે જ એ વિશે વિશ્વનું કોઈ અર્થતંત્ર મજબૂત
રીતે વચન આપી શકતું નથી.

આપણે બધા એક ‘લા લા લેન્ડ’માં જીવી રહ્યા છીએ. આપણને બધાને લાગે છે કે, દુનિયા
આગળ વધી રહી છે, દેશમાં વિકાસ થઈ રહ્યો છે, પરંતુ જો સત્ય સમજવાનો કે તપાસ કરવાનો
પ્રયત્ન કરીએ તો સમજાય કે જેને આપણે મહાસત્તા અથવા આર્થિક રીતે સધ્ધર દેશ માનીએ છીએ,
જેની કરન્સી વિશ્વમાં સૌથી આગળ હતી એ ધીમે ધીમે પાછળ પડવા લાગી છે. આજે આ લખાય
છે ત્યારે એક પાઉન્ડ બરાબર સો રૂપિયા અને એક ડોલર બરાબર 81 રૂપિયા છે. આ પરિસ્થિતિમાં
જો તુલના કરીએ તો સમજાય કે અમેરિકા (9147420 ચો.કિ.મી.) કરતાં કેટલો બધો નાનો દેશ
(2,43,610 ચો.કિ.મી.) યુનાઈટેડ કિન્ગડમ આજે આર્થિક રીતે અમેરિકા કરતાં આગળ છે… જોકે,
ઈંગ્લેન્ડની હાલત પણ બહુ કઈ સારી નથી. ત્યાં પણ મંદીનું મોજું પ્રવેશી ચૂક્યું છે, મોંઘવારી વધી
રહી છે અને લોકો નોકરીઓ ગૂમાવી રહ્યા છે.

કોરોના પછીના સમયમાં આખી દુનિયાની આર્થિક હાલત ગૂંચવાઈ ગઈ છે. જે પોતાની
જાતને મહાસત્તાની હોડમાં મૂકવા માગતો હતો એવો દેશ ચીન પણ ક્યાંક આર્થિક મંદીની સાથે સાથે
મહામારીનો સામનો કરી રહ્યો છે. ટૂંકમાં, જ્યારે આખી દુનિયા એક ભયાનક પ્રકારના સ્ટ્રેસ અને
અસુરક્ષામાંથી પસાર થઈ રહી છે ત્યારે આપણે-ભારતવાસી તરીકે શું કરી શકીએ? આપણા સુધી આ
અસુરક્ષા અને મંદીનું મોજું આવશે જ, પરંતુ અગત્યનું એ છે કે, આ મોજું આપણને અથડાય અને
વેરવિખેર કરી નાખે એ પહેલાં આપણે કેટલીક બાબતો વિશે સજાગ અને સભાન થઈ શકીએ.
એમાંની પહેલી બાબત એ છે કે, આપણી પાસે જો મૂડી હોય તો એને એવી મિલકતમાં ઈન્વેસ્ટ
કરીને રાખવી જોઈએ જે ગમે ત્યારે લિક્વિડ (કેશ) કરી શકાય. સ્થાવર મિલકતો કદાચ આવનારા
વર્ષોમાં ખૂબ આવક આપશે એમ ધારીને ઈન્વેસ્ટમેન્ટ કરી નાખ્યા પછી જ્યારે તકલીફ આવે ત્યારે એ
જમીન કે મકાન સહેલાઈથી વહેંચી ન શકાય તો આપણી પાસે રહેલા પૈસા આપણને કામ નહીં
લાગે, એ માટે માનસિક રીતે સજાગ રહેવું જરૂરી છે.

બીજું, મહત્વની વાત એ છે કે, ‘ગરથ ગાંઠે અને વિદ્યા પાઠે’ એવું આપણા વડીલો કહેતા.
કેટલાક લોકો ત્રણ અને પાંચ વર્ષના લોકઈન પીરિયડમાં ઈન્વેસ્ટમેન્ટ કરે છે. આના વ્યાજદર ઘણા
વધારે છે, પરંતુ સાથે સાથે એ સમજી લેવું જરૂરી છે કે લોકઈન પીરિયડ પહેલાં જો આ સ્કીમ કે
ડિપોઝીટ તોડવામાં આવે છે તો વ્યાજ મળતું નથી અથવા સાવ નજીવું મળે છે. કેટલીક બેન્કોના
નિયમ પ્રમાણે લોકઈન પીરિયડ પહેલાં આપણે પૈસા ઉપાડી જ શકતા નથી તો ઈન્વેસ્ટમેન્ટ કરતા
પહેલાં માત્ર એજન્ટને સાંભળવા કરતાં સાથે આપેલા ડોક્યુમેન્ટ્સ વાંચી લેવા અનિવાર્ય છે અને
શરમાયા વગર બધા જ પ્રશ્નો પૂછી લેવા બહુ જ જરૂરી છે. મોટાભાગના લોકો ઓળખીતા
એજન્ટ્સ સાથે ઈન્વેસ્ટમેન્ટ કરે છે, આ ઈન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં ઓળખાણને બદલે માહિતી
અગત્યની છે એટલું જરૂર યાદ રાખવું.

છેલ્લી વાત, જરૂર ન હોય એવા કોઈપણ ખર્ચા ટાળવા. જે લોકો ટેક્સ બચાવવા માટે કેશ
ખર્ચી રહ્યા છે એ લોકોએ એટલું સમજી લેવાની જરૂર છે કે, આવનારા સમયમાં જો ટેક્સ ભર્યો હશે
તો લોન, વિઝા કે બીજા ડોક્યુમેન્ટ્સમાં રિટર્ન્સ મદદરૂપ થશે. કેશ વપરાઈ જશે તો મંદીના મહા
મોજામાં આપણી રોજિંદી જરૂરિયાતની લિક્વિડ કેશ પણ આપણી પાસે ન બચે એ સ્થિતિમાં મૂકાવું
પડશે.

ફાયનાન્સિયલ ‘એડવાઈઝ’ને બદલે ફાયનાન્સિયલી ‘વાઈઝ’ થવાનો સમય શરૂ થઈ ચૂક્યો છે.
‘ઊઠો, જાગો અને આપણા પૈસા પર આપણો કંટ્રોલ રાખો.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *