એક વ્યક્તિ કે વિચાર પોતાના જીવનને કઈ રીતે બદલી શકે એનો સૌથી મોટો દાખલો
આપણી નજર સામે સરદાર વલ્લભભાઈ પટેલનો છે. બાળપણથી જ એમનું મનોબળ દૃઢ હતું, એ
વાત સૌ જાણે છે, પરંતુ એમણે એ દૃઢ મનોબળનો ઉપયોગ કરવાની શરૂઆત કરી એ પહેલાંના સમય
વિશે બહુ ઓછું લખાયું કે કહેવાયું છે. બેરિસ્ટર થયેલી એક વ્યક્તિ જેને ભારતના ઈતિહાસમાં કે
આઝાદીમાં કોઈ રસ નહોતો એણે પોતાનું જીવન ભારતના સ્વાતંત્ર્ય માટે હોમી દીધું અને છેક
છેલ્લા શ્વાસ સુધી અખંડ અને સ્વતંત્ર ભારત માટે પ્રયત્નશીલ રહ્યા એવા સરદારના અમદાવાદના
દિવસોની કથા બહુ રસપ્રદ છે.
ઈ.સ. 1913થી 1915ના સમય દરમિયાન સરદાર પટેલ ટેનિસ રમવાને માટે દરરોજ
સાંજે ગુજરાત ક્લબમાં જતા હતા. ગુજરાત ક્લબ મોટેભાગે વકીલોની ક્લબ છે અને સરદાર પટેલ
પણ તેના સભ્ય હતા. ત્યાં દરરોજ તે ફુરસદને વખતે પાનાં રમતા, બ્રિજની રમત રમતા અને ટેબલ
પર સિગરેટનો ડબ્બો ઉઘાડો મૂકી, એક પૂરી થાય એટલે બીજી લેતા ને ધુમાડા કાઢતા. ઈ.સ.
1914માં પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું. યુદ્ધની વાતો થતી ને તેની અસરો વિશે ચર્ચાઓ પણ થતી.
એવામાં ગાંધીજીના ‘પેસિવ રેઝિસ્ટન્સ’ (સત્યાગ્રહ)ના લેખો આવતા, વંચાતા અને ચર્ચાતા.
વલ્લભભાઈ એ લેખોની વાતોને-સત્યાગ્રહની વાતોને હસી કાઢતા એટલું જ નહીં, પણ કટાક્ષમાં
‘ડહાપણનો નમૂનો’ કહેતા. ગાંધીજી 1915માં અમદાવાદ આવ્યા અને કોચરબમાં સ્વ. જીવણલાલ
વ્રજરાયના બંગલામાં તેમણે મુકામ કર્યો. એક દિવસ સાંજે થોડીક છાપેલી પત્રિકાઓ લઈ ગાંધીજી
ગુજરાત ક્લબમાં સભ્યો સાથે ચર્ચા કરવાના ઈરાદે આવ્યા. ગાંધીજીએ ધોતિયું, અંગરખું અને માથે
કાઠિયાવાડી પાઘડી પહેર્યાં હતાં. પોતાને એક આશ્રમનું કામ શરૂ કરવું છે, એમ કહી એ આશ્રમનું નામ
શું રાખવું તેની ચર્ચા તેમણે શરૂ કરી. પછી આશ્રમનાં વ્રતો વિશે ચર્ચા થઈ. આ બધી ચર્ચા દરમિયાન
વલ્લભભાઈની બાજુના ઓટલા પર બ્રિજ રમ્યા કરતા હતા. ગાંધીજી તરફ તેમણે જરા પણ લક્ષ દીધું
નહીં. વ્રતોમાં બ્રહ્મચર્યવ્રત વિશે બધા સભ્યોએ કુશંકાની નજરે જોયું અને ગાંધીજીને ચેતવ્યા પણ ખરા
કે, એમાંથી ઘણા અનર્થ ઊભા થશે. ગાંધી પોતાના શાંત, સંયમી સ્વભાવ પ્રમાણે બધું સાંભળી રહ્યા
અને પોતાની શ્રદ્ધા ડગી નથી એવું છેવટે કહીને ઊઠ્યા.
પછી એક દિવસ વલ્લભભાઈ ગાંધીજીને કોચરબને ઉતારે ચર્ચા કરવા ગયા.
‘આત્મકથા’ માં લખ્યા પ્રમાણે ‘આ અક્કડ માણસ મને શી મદદ કરવાનો છે? ‘ એવી છાપ એમણે
ગાંધીજી ઉપર પાડી.
અને આમ છતાં, ઈ.સ. 1917-18ના ખેડા સત્યાગ્રહના સમયથી વલ્લભભાઈના
જીવનનો પલટો શરૂ થયો. તે ધીમે ધીમે એટલે સુધી વિકસ્યો કે સહુ જાણે છે તે પ્રમાણે, તેઓ
મહાત્મા ગાંધીના ચુસ્ત અનુયાયી થયા અને ગાંધીભક્ત તરીકે ઉત્તર જીવન વિતાવી દેશની અનુપમ
સેવા કરી જીવન કૃતાર્થ કરી ગયા. ક્ષિપ્રં ભવતિ ધર્માત્મા શાશ્વચ્છાન્તિંનિગચ્છતિ એ ભગવદ્ ગીતાના
નવમા અધ્યાયનો શ્લોક સરદાર વલ્લભભાઈ પટેલને બરાબર લાગુ પડે છે.
અમદાવાદ મ્યુનિસિપાલિટી પણ અમદાવાદમાં જ અંગ્રેજ સરકારની એક કોઠી થઈ
પડેલી. એક અંગ્રેજ ચીફ ઓફિસર એવા આવ્યા કે કાંઈ આવડત જ નહીં. તે વખતના કમિશનર
સાહેબના દબાણથી તે દાખલ થઈ ગયેલા મ્યુનિસિપાલિટીમાં. મ્યુનિસિપાલિટીએ સૌ પ્રથમ તો
શહેરને સ્વચ્છ અને મીઠું પાણી પૂરું પાડવાની સગવડ આપવી જોઈએ, પણ આ સાહેબ એવી કાંઈ
તમા રાખે જ નહીં, કેવળ પગાર ખાયા કરે! છોટીબડી સહીઓ કર્યા કરે અને રાત્રે ક્લબોની મુલાકાતો
લીધા કરે. લોકોને પાણીની હાડમારી પડવા માંડી. કોઈ જગાએ અગ્નિકાંડ થાય તો પણ જલદી
પાણીની વ્યવસ્થા ન થાય. અમદાવાદમાં ઢાળની પોળ ઊંચાણમાં છે. ત્યાં તો પાણી જાય જ
નહીં.ત્યાંના લોકોએ બૂમરાણ પાડી. બૂમથી ચીફ ઓફિસર ગભરાયો. તેણે કમિશનરનું શરણું શોધ્યું.
કમિશનર પોતાના બચાવ માટે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો પર દોષ ઢોળવાનો પેંતરો રચ્યો. સ્ટેન્ડિંગ
કમિટીમાં વલ્લભભાઈ હતા તે પણ ગયા. બધા ત્યાં ભેગા થયા.
વલ્લભભાઈ બોલી ઊઠ્યા, સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનાં ઘર શા માટે બાળે? સરકારના
જવાબદાર અમલદાર પોતાની સત્તાની મર્યાદાનો ભંગ કરી મ્યુનિસિપાલિટી ઉપર ગમે તેવા બુદ્ધિ
વગરના ડોબાને ઠોકી બેસાડે છે. તેને વહીવટનું કે પોતાની ફરજનું કાંઈ ભાન તો છે જ નહીં, સ્ટેન્ડિંગ
કમિટીના સભ્યોનો આમાં શું દોષ છે? દોષ તો આ માણસોનો છે અને અનઆવડતવાળા માણસને
અમારી મરજી વિરુદ્ધ અમારા પર ઠોકી બેસાડનારો છે. વલ્લભભાઈનો સણસણતો જવાબ સાંભળી
કમિશનર અને પેલા ચીફ ઓફિસર ડઘાઈ ગયા. ત્યાંથી પાછા વળતાં તેમને ભોંય ભારે થઈ પડી.
વલ્લભભાઈએ, આમ એક પછી એક મુશ્કેલીઓનો અભ્યાસ કરી સભ્ય તરીકે એવું કાર્ય
કરવા માંડ્યું કે, શહેરમાં રસ ધરાવતા સેવાવૃત્તિવાળા ઘણા કાર્યકર્તાઓ તેમને મળી આવ્યા. તેમાં શ્રી
લલ્લુભાઈ ઠાકોર, શ્રી ગણેશ વાસુદેવ માવળંકર, ડૉ. હરિપ્રસાદ દેસાઈ, શ્રી હરિપ્રસાદ મહેતા વગેરે
મુખ્ય હતા. બીજી વખતે તો વલ્લભભાઈ અમદાવાદમાં મ્યુનિસિપાલિટીના અધ્યક્ષ થયા. દેશમાં
અસહકારની પ્રવૃત્તિ ચાલતી હતી. અમદાવાદ મ્યુનિસિપાલિટીના વહીવટ નીચેની અમદાવાદ શહેર
મ્યુનિસિપાલિટી શાળા મંડળની શાળાઓએ પણ સરકાર સાથે અસહકાર પુકાર્યો. સરકારે પોતાની
ગ્રાન્ટ બંધ કરી. વલ્લભભાઈ તેથી ગભરાયા નહીં. તેમણે શહેરનું શિક્ષણનું તંત્ર સારી રીતે ચલાવવા
માંડ્યું. નાની મોટી શાળાઓમાં વંદે માતરમ્ ગીતનો ગુંજારવ થવા માંડ્યો અને રાષ્ટ્રધ્વજ શાળાઓનાં
મકાનો પર ફરકવા માંડ્યો. અમદાવાદ શહેર હિંદ ભરમાં રાષ્ટ્રીય પ્રવૃત્તિનું એક કેન્દ્ર બની રહ્યું.
ગાંધીજીનું નિવાસસ્થાન અમદાવાદમાં હોવાથી દેશભરના બધા પ્રાંતીય અગ્રેસરોનું કેન્દ્ર અમદાવાદ
થઈ પડ્યું અને એવા કેન્દ્રને શોભે એવી અમદાવાદની શાન બદલાઈ ગઈ. રાત્રિ દિનના તેના કાર્યમાં
થતી વલ્લભભાઈની તપશ્ચર્યાને પ્રતાપે મ્યુનિસિપાલિટીના કાર્યક્ષમતા વધી.
અમદાવાદના ગંદા ગલીચ સાંકડા રસ્તા સારા થયા. તેના ઉપરથી ધૂળના ઢગલા દૂર
થઈ ગયા. પંચનાં જાજરૂની ત્રાસ ઉપજાવે અને રોગ ફેલાવે એવી ગંદકી દૂર થઈ. નગરપાલિકાનો દરેક
નાનોમોટો સભ્ય સફાઈ કામદાર જેવો થયોઅને સ્વેચ્છાથી પોતપોતાના વોર્ડની સ્વચ્છતાની
જવાબદારી બજાવતો થઈ ગયો.
કેવળ વહીવટીકાર્યમાં એ પાવરધા હતા, એમ નહીં, પરંતુ શહેરના સાંસ્કૃતિક વિકાસમાં,
આરોગ્ય સુધારમાં, સુંદર સ્થાપત્યમાં, પ્રજાના શારીરિક, માનસિક અને બૌદ્ધિક સ્વાસ્થ્યની સગવડો
ઊભી કરવામાં તેમની દૃષ્ટિ ફળદ્રુપ હતી. જ્યાં સને 1921ની અસહકારની ઘોષણા શરૂ થઈ અને
રાષ્ટ્રીય મહાસભાની બેઠક થઈ, ત્યાં લાખો દર્દીઓ માટે આશીર્વાદ સમાન મોટી હોસ્પિટલ રચાઈ. તે
હોસ્પિટલ માટે 31 એકર જમીન નદીકિનારે મેળવી. અમદાવાદના સુખી ગૃહસ્થો પાસેથી હોસ્પિટલ
માટે અને પ્રસૂતિગૃહ માટે લાખો રૂપિયાના દાન મેળવ્યાં. જેમને પરિણામે હાલ વાડીલાલ સારાભાઈ
હોસ્પિટલ ખડી થઈ ગઈ છે અને શેઠ ચીનાઈ પ્રસૂતિગૃહ ચાલે છે. એના એક પણ ડિપાર્ટમેન્ટનું નામ
સરદાર પટેલ ડિપાર્ટમેન્ટ આપવામાં ન આવ્યું. ઉપરાંત, તેમણે શહેરની ગીચ વસ્તીમાંથી ગૃહસ્થોને
શહેર બહાર ખુલ્લાં હવાપાણીનો લાભ લેવા માટે રહેઠાણની સોસાયટીઓ ઊભી કરવાને પ્રેર્યા અને
અનુકૂળતા કરી આપી.
તેમણે વિશાળ દૃષ્ટિવાળા ઈજનેરોને બોલાવી, ગંધાતા પાણીનાં તળાવોને બદલે હાલનું
કાંકરિયા જેવું રમ્ય અને આહલાદક સ્થળ રચાવ્યું, પરંતુ એને પોતાનું નામ ન આપ્યું. શહેરની
આજુબાજુ ઠેરઠેર પાણી ભરાઈને જે સ્થળ મચ્છરનાં ઉત્પાદક સ્થળ બની ગયાં હતાં તેમને બદલે
સુંદર બગીચા થયા, પરંતુ એક પણ બગીચાનું નામ સરદાર પટેલ ગાર્ડન નથી. શહેરમાં વસતા ધનાઢ્ય
લક્ષ્મીપતિઓની તિજોરીઓમાં ગોંધાઈ રહેલી લક્ષ્મીને મુક્ત કરીને તેમણે કેળવણીની અને
કલાસંસ્કૃતિની સુંદર સંસ્થાઓ ઊભી કરવાનો પુરુષાર્થ કર્યો.
અમદાવાદની મ્યુનિસિપાલિટીથી શરૂ થયેલી એમની રાજકીય કારકિર્દી ખેડા સત્યાગ્રહ
અને અંતે ભારતની એક-અખંડ સ્વાયત્તતા સુધી લંબાઈ… એમણે કોઈ દિવસ પોતાના વિશે ક્યાંય
મોટી મોટી વાતો કરવાનું કે પોતે શું કર્યું છે, એમની સિદ્ધિઓ કે એમણે સર કરેલા સોપાનો વિશે
ક્યાંય હોર્ડિંગ્સ કે હેડલાઈન્સ ઊભી કરી નથી. સરદાર પાસેથી ખરેખર જો કંઈ શીખવાનું હોય તો એ
એમની સાયલેન્ટ સફળતા છે.