તા. 6.11.1936ના રોજ, સુરતમાં સરદારે આપેલા ભાષણમાં એમણે કહ્યું હતું કે, “વ્યક્તિ
ચૂંટણી જીતાડી શકતી નથી. પક્ષના ઉમેદવારોનું કામ અને એમણે કરેલા પ્રજા કલ્યાણના નિર્ણયો જ
ચૂંટણી માટે મહત્વના હોય છે…” કોઈ પંડિત જવાહરલાલને ગુજરાતમાં બોલાવવાની સૂચના કરે છે.
તેમને શાને માટે બોલાવીએ? ચૂંટણી માટે ? તો તો તમારી અને મારી લાજ ન જાય ? આટલું સહન
કર્યું, આટલી કુરબાની આપી એ બધું લજવાય નહીં ? આ ચૂંટણીઝુંબેશમાં વિજયી બનીને ગુજરાતે
મહાસભા પ્રત્યેની પોતાની વફાદારી સિદ્ધ કરી બતાવી હશે, તે દિવસે આપણે રાષ્ટ્રપતિને ફૂલથી
વધાવીશું અને આપણા હૃદયની પથારી પાથરી તેમનું સ્વાગત કરીશું, પરંતુ જો મતની ભીખ માગવા
માટે તેમને બોલાવવાના હોય તો આપણી લાજ જાય.
સરદારને માનપત્રો, ઉદ્ઘાટનો કે જાહેરસભાઓમાં એમના બહુ વખાણ થાય કે કોઈ ચાપલુસી
કરે એ ક્યારેય ગમતું નહીં. તા. 20.1.1940 રાયપુરમાં જ્યારે કોંગ્રેસ હાઉસનું ઉદ્ઘાટન થયું ત્યારે
અપાયેલાં જુદાં જુદાં માનપત્રો એમણે સ્વીકાર્યાં તો ખરાં, પણ એ પછીનું એમનું ભાષણ એમના
સ્વભાવ અને વ્યક્તિત્વને આપણી સામે પ્રગટ કરે છે, “એવો વખત આવશે કે જેમ દુનિયાની આઝાદ
પ્રજાઓ માથું ઊંચું રાખીને ફરે છે તેમ આપણે પણ ફરી શકીશું.
મારા જેવા સિપાઈઓને વધારે બંધનમાં નાખવા તમે માનપત્ર આપો છો. માનપત્રમાં તમે
મારાં ઘણાં વખાણ કર્યાં છે. એમાં લખેલું બધું માની લઉં તો મારા પગ હવામાં અધ્ધર થઈ જાય, પણ
મને તો ધરતી પર પગ મૂકવાની આદત છે. હું પાકી જમીન પર પગ મૂકું છું.
હિન્દુસ્તાનના લોકોની આદત છે કે કોઈએ થોડીક સેવા કરી એટલે તેની કદર કરવી. અમુક
કપડાં પહેરવાથી થોડો કોઈ સાધુ થઈ જાય છે ! કોંગ્રેસમાં બધા સાધુપુરુષો નથી. માણસ જેટલા
સન્માનને લાયક હોય તેટલું જ તેનું સન્માન કરવું જોઈએ, એથી વધારે ન કરવું જોઈએ. નહીં તો
એને નીચે પડવાનો ડર રહે છે.
જે નેતા બન્યો તેને નીચે પડવાનો ડર રહે છે, પણ હું તો સિપાઈ છું. આપણા દેશમાં એક
નેતા છે. એનો હું સિપાઈ છું. એની સેવા કરું છું. એનો હુકમ ઉઠાવવાની બને તેટલી કોશિશ કરું છું.
તોપબંદૂકથી મરવું સહેલું છે, પણ આપણે કંઈ ભૂલ તો નથી કરતા, કોઈનું બૂરું તો નથી
ઈચ્છતા. એ રોજ વિચારતા રહેવું, સાવધ રહેવું એ મુશ્કેલ છે.
માનપત્રમાં લખ્યું છે કે મેં ખેડૂતોની સેવા કરી, પણ ખેડૂત હોઈને ખેડૂતની સેવા કરી તેમાં શી
મોટી વાત ? ખેડૂતોને મેં એક જ પાઠ શીખવ્યો કે આપણે જગતના અન્નદાતા છીએ. કોઈથી ડરવાનું
ન હોય. ડર રાખો તો એક ઈશ્વરનો રાખો. ઈશ્વર આગળ સૌને જવાબ આપવો પડશે, પણ સાચો
પરસેવો પાડીને મહેનત કરનાર ખેડૂતને શો જવાબ આપવાનો છે ?
આજે સમય બદલાઈ ગયો છે. એવો સમય આવ્યો છે કે કેટલાક માણસોને કોંગ્રેસમાં જગ્યા ન
મળી એટલે કિસાન સંગઠનનું પાટિયું લગાવી દીધું.
ખેડૂતની સાચી સેવા કરવી હોય તો તે અલગ સંસ્થાથી નહીં થઈ શકે એ મારો પાકો
અભિપ્રાય છે. આપણી બધી વફાદારી આખા રાષ્ટ્રની સંસ્થા કોંગ્રેસ છે તેના પ્રત્યે હોવી જોઈએ. હિંદ
આઝાદ થાય ત્યારે અલગ અલગ ફંદ કરી શકો છો. આજે અલગ અલગ સંસ્થામાં રહેવાથી દેશને
નુકસાન થાય છે. તેથી કોંગ્રેસમાં પણ સોશિયોલિસ્ટ જેવા અલગ પક્ષો સાથે હું ઝઘડું છું. મારો
અભિપ્રાય છે કે રાજકીય ક્ષેત્રમાં આપણે સૌએ એક થઈને એક જ સંસ્થા ચલાવવી જોઈએ. આ
જૂની સંસ્થા છે, પણ આજે તો જેને નેતાગીરી ન મળી તે અલગ સંસ્થા કાઢીને બેઠો.”
બાપુના મૃત્યુ પછી જ્યારે એમને છાતીમાં દુઃખાવો થયો ત્યારે પૂરા બે કલાકની સારવાર પછી
એમની બંને આંખોમાંથી આંસુની ધાર વહેવા માંડી. સરદારે હોથ ફફડાવીને કહ્યું, ‘મારે તો બાપુ પાસે
જવું હતું ! તમે મને કેમ રોક્યો ?’ ત્યાં ઊભેલા સુશીલાબેનને એમણે કહ્યું, ‘સુશીલા, તે મને બાપુ પાસે
જતો રોક્યો છે, પણ બાપુ તને ઠપકો આપશે…’ એમણે બાપુના પુત્ર દેવદાસને કહ્યું, ‘દેવદાસ ! તારે
બાપુને સંદેશો મોકલવો હોય તો કહી દે, હજી મોડું નથી થયું. હું થોડા વખતમાં એમને મળવાનો જ
છું…’
એ પછી એક જાહેરસભામાં બોલતાં એમણે કહ્યું હતું, “એક જ વાત ધ્યાનમાં રાખવાની છે કે
મરવાનું એક જ વખત છે. દરેકને માટે કાથી ને વાંસ સિવાય બીજું છે જ નહીં. તમારી પાસે એવી
કઈ ચીજ છે કે તમે સાથે લો છો ? તમે કેમ ડરો છો ? તમે એ વાત ભૂલી જાઓ છો કે તમને અને
મને પેદા કરનાર એક છે. તમે પવિત્ર થાઓ, એબ કાઢી નાખો તો તમારે કોઈથી ડરવાનું નથી. જે
વખતે તમે નીડર થયા, તે જ વખતે તમે સ્વતંત્ર છો. જેમ જેમ લોકોમાંથી ડર જાય છે, તેમ તેમ
સરકારમાં ડર દાખલ થાય છે. જ્યારે લોકો નીડર થશે ત્યારે દેશ સ્વતંત્ર થઈ જશે.”
નરહરી પરીખના પુસ્તક -‘સરદાર વલ્લભભાઈ પટેલ’-પાનું 15, ઉપર એમણે એક રસપ્રદ
પ્રસંગ નોંધ્યો છે.
1937ના વર્ષમાં કોંગ્રેસ પ્રમુખની પસંદગી કરવાની હતી. પોતે બીજા વર્ષ માટે ચાલુ રહેવા
માગે છે એવું જવાહરલાલે બધાને જણાવ્યું… પ્રમુખ તરીકે અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેવાની
જવાહરલાલની દેખાઈ આવતી ઈચ્છાથી વલ્લભભાઈ નારાજ થયા. એમણે મહાદેવભાઈને પત્ર
લખ્યો. એમાં લખ્યું, ‘શણગારેલા વરરાજા જેટલી મળે તેટલી કન્યા પરણવા તૈયાર છે’ એમણે લખ્યું
હતું, ‘બાપુએ એક વખત તેમનું નામ સૂચવ્યું હતું. તમે આ બાબતમાં એમની સાથે વાત કરજો. જો,
તે ચાલુ રહેવાના હોય તો હું છૂટો થઈને ખસી જઈશ.’
એ પછીની ઘટના કૃપલાણીજીએ પોતાના પુસ્તકમાં લખી છે. જવાહરલાલ ગાંધીજી પાસે
ગયા અને કહ્યું કે આઠ મહિનાનું એક સત્ર કોંગ્રેસને ફરી ચેતનવંત બનાવવા માટે, પોતા માટે પૂરતો
સમય નથી. પોતે હોદ્દામાં બીજું વરસ રહેવા ઈચ્છે છે… ગાંધીજી થોડો વખત વિચારમાં પડ્યા. પછી
તેમણે કહ્યું કે “શું થઈ શકે છે તે હું જોઈશ.” ગાંધીજી અને જવાહરલાલ વચ્ચે આ વાતચીત થઈ ત્યારે
હું હાજર હતો.
બીજા વરસ અંગે જવાહરે ગાંધીજી જોડે કરેલી વાતચીતના અનુસંધાનમાં ગાંધીજીએ
વલ્લભભાઈને ખસી જવાનું કહ્યું અને વલ્લભભાઈ ખસી ગયા.
એ પછી વલ્લભભાઈએ કરેલું જાહેર નિવેદન પણ નરહરી પરીખના પુસ્તકમાં પ્રકાશિત થયું
છે, “મિત્રો જોડે મસલત કર્યા પછી હું એવા નતીજા પર પહોંચ્યો છું કે મારે ચૂંટણીમાંથી ખસી જવું
જોઈએ… આજની વિકટ પરિસ્થિતિમાં ચૂંટણી સર્વાનુમતે થાય તે અતિશય ઈચ્છનીય છે.
હું ખસી જાઉં છું તેનો અર્થ એવો નથી કે જવાહરલાલે દર્શાવેલાં મંતવ્યો મેં સ્વીકારી લીધાં છે.
કોંગ્રેસીઓ ખચીત જાણે છે કે કેટલીક મહત્વની બાબતોમાં મારા વિચારો જવાહરલાલજીના વિચારો
કરતાં તદ્દન ભિન્ન છે. ઉદાહરણ તરીકે વર્ગો વચ્ચેનો વિગ્રહ અનિવાર્ય છે તેવું હું માનતો નથી.
(વળી) આપણો સામાન્ય હેતુ સાધવા માટે કોઈ પ્રસંગે હોદ્દાનો સ્વીકાર ઈચ્છનીય થઈ પડે
તેવી પરિસ્થિતિ પણ હું કલ્પી શકું છું. આ બાબતમાં જવાહરલાલજી અને મારા વચ્ચે તીવ્ર મતભેદ
થવાનો સંભવ છે.
આપણે સહુ જાણીએ છીએ કે જવાહરલાલજી કોંગ્રેસ પ્રત્યે એટલી બધી નિષ્ઠા ધરાવે છે કે
તેઓ બહુમતીથી થયેલા નિર્ણયો માન્ય રાખશે.
કોંગ્રેસના પ્રમુખના હાથમાં આપખુદ સત્તા હોતી નથી. એક વિખ્યાત સંસ્થાના તેઓ અધ્યક્ષ
છે… વ્યક્તિ ગમે તે હોય પણ તેની વરણી કરી લેવાથી કોંગ્રેસ પક્ષ પોતાની વિશાળ સત્તાનો ત્યાગ
કરતો નથી.”
સરદારના વ્યક્તિત્વ વિશે જે અને જેટલું લખીએ તે ઓછું છે, પરંતુ એક સંવેદનશીલ અને
છતાં સહજ વ્યક્તિત્વ… તેજ ધાર જેવી વાણી, છતાં એ વાણી પર પૂરો સંયમ, સમર્પિત રહેવાની
એમની વૃત્તિ અને દેશના કલ્યાણની એમની પ્રવૃત્તિ માટે સરદાર સતત વંદનીય રહેશે.