સરદાર પટેલ એક અત્યંત વ્યવહારુ અને દૃઢ નિશ્ચયી, પ્રામાણિક રાજકારણી હતા.
1947માં દેશ આઝાદ થયો, એ સમયે દેશના બે ભાગલા થયા. પાણીથી ભરપૂર નહેરો અને ફળદ્રુપ
જમીનનો પશ્ચિમ પંજાબનો ભાગ પાકિસ્તાનમાં ગયો. એટલું જ નહીં, શીખ અને હિન્દુઓ પર ખૂબ
અત્યાચાર થયો. માસ્તર તારાસિંગે અકાલી જૂથના આગેવાન તરીકે જેહાદ ઊઠાવી, પણ એમાં તો
વેરઝેર વધ્યું. સરદાર સાહેબે તારાસિંગને નજરકેદમાં મોકલ્યા. આઠથી દસ લાખ મુસલમાનોની કતાર
અમૃતસરમાંથી પાકિસ્તાન જતી હતી તો બીજા તરફ એટલા જ હિન્દુઓ પાછા આવતા હતા.
સરદાર પટેલ તેમની વચ્ચે ગયા અને એમને વ્યવહારું રીતે સમજાવ્યા. એમનો સવાલ સાદો હતો,
“સિંધ અને પશ્ચિમ પંજાબમાંથી આઠ-દસ લાખ અસહાય હિન્દુઓનો કાફલો આવે છે. તેઓ બધા
જીવતા હિન્દુસ્તાનમાં દાખલ થઈ જાય એવું તમે ઈચ્છો છો? આપણે આપણાં ભાઈ-બહેનોને
નિર્વિઘ્ને અહીં આવેલાં જોવા ઈચ્છતા હોઈએ તો આપણે અહીંના મુસલમાનોને પણ ત્યાં જવા દેવા
જોઈએ. ” આ સીધી અને સાદી દલીલ શીખોના હૃદયમાં ઊતરી અને ભારે ખુવારી, કલંક અને
રાષ્ટ્રીય કટોકટીમાંથી આપણે બચી ગયા.
કોઈની પણ સાથે વાત કરવાનો સરદારનો રસ્તો સ્પષ્ટ અને સરળ હતો. ગૂંચવણો એમને
ફાવતી નહીં. વાઈસરૉય માઉન્ટ બેટન કોઈપણ ભોગે જિન્નાની મુરાદ પૂરી કરીને મુસ્લિમ લીગને
કારોબારીમાં લાવવા માગતા હતા. એમણે ગૃહખાતું સરદાર પાસેથી છીનવી લઈને મુસ્લિમ લીગને
સોંપવા માટે જવાહરલાલને સૂચન કર્યું. જવાહરલાલ આ મુદ્દે ઢચુપચુ હતા. મુસ્લિમ લીગ એને
સંતોષ થાય એ રીતે કારોબારીમાં જોડાય એવી વાઈસરૉયની વાત સાથે તેઓ સહમત હતા, પણ
સરદાર આ સૂચનનો ઉગ્ર વિરોધ કરશે એ પણ તેઓ જાણતા હતા. એમણે સરદારને વાઈસરૉય મનમાં
જે વાત હતી એ એક સૂચન તરીકે જણાવી. પરિણામ ધાર્યું હતું એવું જ આવ્યું. સરદારે અત્યંત ઉગ્ર
પ્રતિભાવ આપ્યો, ‘જો ગૃહખાતુ મારી પાસેથી લઈ લેવામાં આવશે તો એની સાથે જ મારો
રાજીનામાનો પત્ર પણ તમારે સ્વીકારવો પડશે. હાલના તબક્કે ગૃહખાતા સિવાય હું કોઈપણ ખાતું
સંભાળવા માગતો નથી’ સરદારે અત્યંત મક્કમતાથી કહ્યું, “આમ ગૃહખાતુ તો લીગને મળ્યું નહીં.
સરદારે અત્યંત દૃઢતાથી એ પોતાના હાથમાં જ રાખ્યું, પણ નાણાખાતુ લીગને સોંપવું પડ્યું અને
લીગના વરિષ્ઠ સભ્ય લિયાકત અલી ખાન નાણાપ્રધાન બન્યા, પણ સરદારની ભવિષ્યવાણી ત્રીજે કે
ચોથે દિવસે જ સાચી પડી. લિયાકતની સાથે જ પ્રધાનમંડળમાં જોડાયેલા લીગના બીજા એક સભ્ય
ગઝનફરઅલી ખાને લાહોરમાં એવી ઘોષણા કરી કે, અમે મુસ્લિમ લીગના સભ્યો વચગાળાની
સરકારમાં એટલા માટે જોડાયા છીએ કે, આપણે સરકારમાં રહીને સરકારને તોડી પાડીએ અને આવી
તૂટીફૂટી સરકારમાંથી આપણે પાકિસ્તાન પ્રાપ્ત કરવાનું આપણું પ્રિય ધ્યેય સિદ્ધ કરી શકીએ.”
સરદાર પટેલના એક ભાષણમાં એમણે દેશના મુસલમાનોને સંબોધીને કહ્યું હતું, “હું આજે
ઘણી અદબથી કહેવા માગું છું કે, હું મુસલમાનોનો દોસ્ત છું અને દોસ્તનું કામ છે કે સાચી વાત કરે
અને વિશ્વાસઘાત ન કરે તો હું ક્યારે પણ મુસલમાનોની સાથે ખોટી વાત નહીં કરીશ. હું સાફ સાફ
શબ્દોમાં કહેવા માગું છું કે હવે હિન્દુસ્તાનના મુસલમાનોનો વફાદારીનો સમય આવ્યો છે.
એમનામાંથી પ્રત્યેકના દિલમાં હિન્દુસ્તાનને માટે પૂરેપૂરો પ્રેમ હશે અને આ સમજે કે તેમણે
હિન્દુસ્તાનમાં જ રહેવાનું છે. એમણે સમજી લેવું જોઈએ કે પાકિસ્તાનથી એમનું કલ્યાણ નથી
થવાનું, પણ પાકિસ્તાન એમનું રક્ષણ કરી શકશે નહીં. ત્યારે એમનું કર્તવ્ય થઈ પડે છે કે જે નૌકામાં
બેઠા છે એ જ નૌકાનું હિત વિચારે, કેમ કે એમણે પણ આ જ નૌકાથી ચાલવું પડશે. નૌકા
ચલાવવામાં એમણે પણ સાથ આપવો જ પડશે.”
સરદાર જરાય કોમવાદી નહોતા, પરંતુ અત્યંત તટસ્થ અને બહુજન સમાજના હિતમાં
નિર્ણય લેતી વખતે એ કોઈનું કંઈ ચલાવી લેતા નહીં. સુધરાઈના સભ્ય સમસુદ્દીન કાદરીના પિતા
ગુજરી ગયા ત્યારે એક અગ્રણી મુસ્લિમે શહેરની વચ્ચે ટ્રાફિકની આડે આવે એવી રીતે કબર ખોદી.
ચીફ ઓફિસરે એ ગેરકાયદેસર કામ પ્રત્યે આંખ મિંચામણા કર્યા, પણ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે
સરદારે ચણતર કઢાવી નાંખ્યું. એ પ્રશ્ન ધાર્મિક લાગણીનો બની ગયો. તો પણ સરદારે શહેરના હિતને
જ લક્ષ્યમાં રાખ્યું.
બીજો એવો કિસ્સો શહેરનો કોટ પાડી નાંખવા અંગેનો હતો. ચૌદ દરવાજાવાળો પથ્થરનો
કોટ શહેરની ફરતે બંધાયેલો હતો, પણ હવે કોટની બહાર વસતિ વધતી જતી હતી અને નવા રસ્તા
બાંધવામાં અને અન્ય રીતે કોટ અડચણરૂપ હતો.કોટ તોડાવી નાંખવાની જરૂર હતી. મુસ્લિમોએ એને
પણ પોતાના ગૌરવનો પ્રશ્ન બનાવી દીધો. મુસ્લિમ બાદશાહે ચણાવેલો કોટ પાડવા સામે તેમને
વાંધો હશે. કોટ તોડશો તો શહેર ઉપર શાપ ઉતરશે એવા વહેમો પણ લોકોમાં ચર્ચાવા માંડેલા, પણ
સરદારે કોટ પડાવવાની શરૂઆત કરી દીધી… અંતે, નવા રસ્તા અને શહેરમાં સગવડો ઊભી થઈ શકી.
આજે, જ્યારે કેટલાક નિર્ણયો દૃઢતાપૂર્વક લેવાઈ રહ્યા છે ત્યારે આપણે આપણા ઈતિહાસને
યાદ કરવો જોઈએ. કોઈ એક જ્ઞાતિ, જાતિ, કોમ કે સમાજ નહીં, પરંતુ રાષ્ટ્રનું હિત, દેશની ભલાઈ કે
નાગરિકોનું સુખ શેમાં છે એ મુદ્દો શાસન માટે મહત્વનો હોવો જોઈએ.