ભારત સરકારે રેલવેની સેવાઓને વધુને વધુ બહેતર બનાવવા માટે અનેક પ્રયાસો
હાથ ધર્યા, જેમાં વંદે ભારત જેવી ટ્રેન સહિત ટ્રેનની ગુણવત્તા સુધારવાનો પણ પ્રયાસ કર્યો.
હવે મુંબઈ-અમદાવાદની વચ્ચે છથી સાત ટ્રેનો એવી છે જે પાંચ-છ કલાકમાં એક શહેરથી
બીજા શહેર પહોંચાડે છે. મોટાભાગે આ બધી ટ્રેન ફૂલ હોય છે. ફ્લાઈટ કરતા અડધા પૈસા,
છતાં ફ્લાઈટથી વધુ સુવિધા છે એમ કહીએ તો ખોટું નથી કારણ કે, રસ્તામાં ચા, નાસ્તો અને
ભોજન સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. વિનયી અને મદદરૂપ સ્ટાફની
સાથે આરામદાયક સીટ અને બીજી બધી સગવડ હોવા છતાં બે-ચાર જણને કારણે આખા
ડબ્બાના પ્રવાસીઓ માટે શાંતિ અને સ્વચ્છતાની સમસ્યાઓ ઊભી થાય છે. આ એવા
પ્રવાસીઓ છે જેમની પાસે મોંઘી ટિકિટ ખરીદવાના પૈસા તો છે, પણ સુવિધા વાપરવાની
સમજણ નથી.
આવી સુંદર સગવડ સાથે ટ્રેનમાં પ્રવાસ કરતાં પ્રવાસીઓ જ્યારે બે-ત્રણ હજાર
રૂપિયાની ટિકિટ ખર્ચી શકે છે ત્યારે આપણે એવું ધારી લઈએ કે એ બધા ઉચ્ચ
મધ્યમવર્ગમાંથી આવતા હશે અને ભણેલા પણ હશે જ. સહપ્રવાસીઓ તરફ નજર નાખીએ
ત્યારે આપણને દેખાય કે એમાંના કેટલાક એવા બિઝનેસમેન કે ઓફિસર છે જે લોકો
અમદાવાદથી મુંબઈ કે વાપી, મુંબઈથી સુરત જઈને સાંજે પાછા ફરી શકે એવી રીતે પ્રવાસ
કરે છે. આ ટ્રેનોમાં સતત જાહેરાતો થતી રહે છે કે, બાથરૂમ, એસી અથવા બીજી કોઈપણ
સગવડમાં જો કમી લાગે તો એમણે જણાવેલા ફોન નંબર પર ફોન કરવાથી તરત જ એનો
નિકાલ કરવામાં આવે છે. આ ઉપરાંત લગભગ દરેક સ્ટેશને વોશરૂમ સાફ કરવામાં આવે છે…
ટૂંકમાં, જેણે ઘણા લાંબા સમયથી રેલવેમાં પ્રવાસ ન કર્યો હોય એણે હવે ભારતીય રેલનો
અનુભવ કરવો જોઈએ. ખાસ કરીને, ભારતની બહારથી આવતા લોકો જેમને ભારતીય રેલવે
વિશે બહુ ઊંચો અભિપ્રાય નહોતો એમણે વંદે ભારત અને તેજસ જેવી ટ્રેનમાં પ્રવાસ કરીને
એટલું જાણી લેવું જોઈએ કે હવે આપણે પણ એમટ્રેક અને યુરોપની ટ્રેન જેવી સગવડો ઊભી
કરી શક્યા છીએ.
શું ખરેખર ભારતની જનતા આવી ટ્રેનને લાયક છે? આપણને કંઈ પણ આપવામાં
આવે એને બગાડી નાખવાની આવડત ભારતીય લોકો પાસે જન્મજાત છે કદાચ. સરકાર
ગુણવત્તા સુધારે તો એ ટ્રેનની, સ્ટાફની અને ટેકનોલોજીની સુવિધા સુધારી શકે, માનસિકતા
કેવી રીતે સુધારે? વોશરૂમ ગંદા કરવાની આપણી આવડત કદાચ વિશ્વના બીજા કોઈ
દેશવાસીઓ પાસે નહીં હોય! વોશરૂમનો ઉપયોગ કર્યા પછી સાદો ફ્લશ કરવાની આપણી
આળસને કોણ પહોંચી વળે? એથી આગળ વધીને સવારના છ વાગ્યે કે પાંચ વાગ્યે નીકળેલા
પ્રવાસીઓમાંના કેટલાક ઊંઘવા માંગતા હોય કારણ કે, એમણે પોતાના ગંતવ્ય પર પહોંચીને
કામે ચડવાનું હોય, પરંતુ સેલફોન પર મોટા અવાજે રીલ અને યુટ્યુબ સાંભળતા, સિરિયલનો
એપિસોડ જોતા પ્રવાસીઓને એટલી પણ સમજ નથી કે ઈયરફોન અથવા હેડફોન સાથે
રાખવા જોઈએ. ગુજરાતીઓ અમસ્તા પણ ખૂબ મોટા અવાજે બોલે છે. એમાંય જ્યારે
ગ્રૂપમાં-ટોળાંમાં પ્રવાસ કરતાં હોય ત્યારે તો એમના અવાજ વધુ મોટા થઈ જાય છે. ત્રીજી
સીટથી અગિયારમી સીટ પર બેઠેલા મિત્ર, ભાઈ, સંતાન કે ગ્રૂપની વ્યક્તિ સાથે વાત કરવા
ઊભા થઈને નહીં જવાનું… રિઝર્વ કરેલી સીટ પણ કોઈ પચાવી પાડે તો?!? સામસામે વાતો
કરતા, નાસ્તાની વસ્તુઓ પાસ કરતા, ઢોળફોળ કરતા અને ગંદકી કરતા આવા કોઈ પ્રવાસીને
જરાક ટોકવાનું કે રોકવાનો પ્રયાસ કરીએ તો એક જ નિશ્ચિત જવાબ મળે, ‘કેમ? તમે
એકલાએ ટિકિટ લીધી છે?’
પૈસા આવી જવાથી સભ્યતા કે સલૂકાઈ નથી આવતી, ખરીદી પણ નથી શકાતી એ
વાતનો સૌથી મોટો નમૂનો જોવો હોય તો ભારતીય રેલનું આધુનિકરણ થયા પછી એકાદવાર
પ્રવાસ કરી જોવો જોઈએ. આપણને હસવું આવે એવી વાત એ છે કે આ બધા તેજસ કે
ખાસ કરીને, વંદે ભારતમાં ફોટા પડાવે, વીડિયો કરે, સગાં કે મિત્રોને મોકલે, ફેસબુક પર મૂકે…
એ વાતનું ગૌરવ કરે કે ભારતીય રેલ સુવિધા કેટલી બદલાઈ છે અથવા કેટલી ‘સુધરી’ છે, પરંતુ
પોતે નથી સુધર્યા એ વાતનો એમને અહેસાસ સુધ્ધાં નથી!
આટલું બધું કર્યા પછી પણ કદાચ કોઈ ક્ષતિ રહી ગઈ હોય અથવા ક્યારેક સમસ્યા
ઊભી થાય ત્યારે રાડો પાડીને તોછડાઈથી સ્ટાફને ધમકાવવાનો આનંદ લેવાનું આ
પ્રવાસીઓ, ખાસ કરીને ગુજરાતીઓ ચૂકતા નથી. નાના બાળકો સાથે પ્રવાસ કરતા હોય
ત્યારે છ કલાકની મુસાફરીમાં બાળક અકળાય, રડે કે તોફાન કરે એ સમજી શકાય, પરંતુ એ
બાળકની સાથે જ્યારે એના 30-35-40ના માતા-પિતા પણ ડબ્બાની આઈલમાં આંટા મારે-
મોટા અવાજે ફોન પર વાતો કરે અને એથી આગળ વધીને ‘વંદે ભારત’ની સીટ સામસામે
ફેરવીને જાણે ઘરમાં બેઠા હોય એવી અસભ્યતાથી પારિવારિક અને અંગત વાતો સૌ સાંભળી
શકે એ અવાજે-ન કરવી જોઈએ એ ભાષામાં કરે ત્યારે ખરેખર સવાલ થાય કે શું આપણે
સાચે જ વિશ્વના નંબર વન દેશ બનવાની હરિફાઈમાં ક્યાંય ઊભા રહી શકીએ એમ છીએ
ખરા?
વિશ્વકક્ષાની સુવિધાઓ ભોગવવા માટે આપણે પણ વિશ્વકક્ષાના પ્રવાસી બનવું
પડશે, એવું નથી લાગતું? સાદી સભ્યતા અને સ્વચ્છતા એક સારા પ્રવાસી માટે જરૂરી છે.
યુરોપના કેટલાક પબ્લિક ટોઈલેટમાં લખ્યું હોય છે, ‘તમે પ્રવેશ્યા ત્યારે આ બાથરૂમ જેવો હતો
એવો જ જો છોડીને જઈ શકો તો તમને આ બાથરૂમ વાપરતાં આવડ્યો.’
ઉત્તમ સુવિધાઓ સાથેની લગભગ બધી ટ્રેનમાં દરેક સીટ પર આવું લખવું જોઈએ,
એક, ‘તમે જેટલા પૈસા ખર્ચીને આ ટિકિટ ખરીદી છે એનાથી ઘણા ય વધુ પૈસા ખર્ચીને
સરકારે આ ટ્રેનમાં સુવિધા ઊભી કરી છે. તમે એ સુવિધાનો ઉપયોગ ચોક્કસ કરો, પણ
દુરુપયોગ ન કરો તો તમે સારા પ્રવાસી કહેવાઓ.’ બીજું, ‘તમે જેટલા પૈસા ખર્ચીને આ
ટિકિટ ખરીદી છે એટલા જ પૈસા ખર્ચીને બીજા પ્રવાસીઓએ પણ ખરીદી છે માટે એમની
સુવિધા અને શાંતિનો ખ્યાલ રાખવાની સભ્યતા તમે દર્શાવી શકો તો તમે સારા પ્રવાસી
કહેવાઓ.’