સેલ્ફ મેડિકેશન-સૌથી ભયાનક રોગ છે

જેણે આખા જગતને જીતવા વિશ્વ યુધ્ધ કર્યું અને હજારો લોકોના જીવ લીધા એવા એડોલ્ફ હિટલરે
અંતે આત્મહત્યા કરી. જેની ફિલ્મો ‘ક્લાસિક’ કહેવાય છે એવા ગુરૂદત્ત જેવા મહાન કલાકારે ઊંઘની ગોળીઓ
લઈને આત્મહત્યા કરી. વિદેશમાં ફિલીપ એડમ્સ જેવા ફૂટબોલ પ્લેયર અને ફિડેલ કાસ્ટ્રો જેવા ક્યુબાના
રાજકારણી આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યા. એલ્વિસ પ્રેસ્લી, મેરેલિન મોનરો અને બે વર્ષ પહેલાં સુશાંતસિંહ
રાજપૂત જેવા સફળ અને જેની પાસે જગતને ખૂબ આશા હતી એવા લોકોએ આત્મહત્યા કરી. આ બધાની
તપાસ થઈ ત્યારે જાણવા મળ્યું કે, આ લોકો એન્ટિડિપ્રેસન્ટ દવા લેતા હતા. સાયકિયાટ્રિસ્ટ (માનસશાસ્ત્રી)ની
ટ્રીટમેન્ટ હેઠળ હતા.

છેલ્લા થોડા સમયથી એવું જોવા મળે છે કે, આ ‘ડિપ્રેશન’નો રોગ સમાજમાં વધુને વધુ ફેલાઈ રહ્યો છે.
માણસ પાસે બધું જ હોય તેમ છતાં જ્યારે એને બધું ઓછું પડે ત્યારે અસંતોષમાંથી જન્મેલો અભાવ એનો
સ્વભાવ બની જાય છે. કેટલાક લોકોને આ અભાવમાં જીવવાની એવી ટેલ પડે છે કે પછી એને જીવન જ નકામું
લાગવા માંડે છે. આજના સમયમાં સાયકિયાટ્રિસ્ટ (માનસશાસ્ત્રી) પાસે જવું એ શ્રીમંત અને ભણેલા-ગણેલા-
એફ્લુઅન્ટ ક્લાસમાં ફેશન બનતી જાય છે. એની સામે કેટલાક લોકોને ખરેખર માનસિક સમસ્યા હોય છે, પરંતુ
એને સમસ્યા તરીકે સ્વીકારવા પણ આવા લોકો તૈયાર નથી હોતા. માનસશાસ્ત્રી પાસે જવું એટલે ‘ગાંડા હોવું’
નહીં, એ વાત સમજવી જરૂરી છે. બીજી એક મહત્વની વાત એ છે કે, નાની મોટી નિષ્ફળતા કે ધાર્યું નહીં
થવાની પરિસ્થિતિ સૌના જીવનમાં આવે છે, એને કારણે હવે કશું સારું નહીં જ થાય એવું માની લેવું એ બેવકૂફી
છે.

મનને આપણે જેવું કરીએ તેવું થાય, વડીલો જ્યારે આ વાત કહેતા ત્યારે કદાચ બહુ સમજાઈ નહીં હોય,
પરંતુ હવે જ્યારે યુવા પેઢી જરૂરી બિનજરૂરી દવાઓ ચણા-મમરાની જેમ લેતી દેખાય છે ત્યારે આ કહેવત
અથવા સલાહ સાચા અર્થમાં સમજાય છે. વજન વધારવા અને ઘટાડવા માટેની દવાઓ, જાગવા અને ઊંઘવા
માટેની દવાઓ, ખુશ રહેવા માટેની દવા, નશો કરવા માટેની દવા… અને આ બધી દવાઓ શરીરને જે પ્રકારની
આડઅસર કરે છે એ વિશે નવી પેઢી પાસે માહિતીનું સૌથી હાથવગું સાધન હોવા છતાં આખી પેઢી તદ્દન
બેદરકાર છે, બેપરવાહ અને બેજવાબદાર રીતે દવાઓ લઈ રહી છે એ કેટલી ચિંતાજનક બાબત છે!

કેટલાક લોકોને ‘દવા’ લેવાનું કોઈ વિચિત્ર વળગણ હોય છે. એક યા બીજી રીતે આવા લોકો પોતાના
શરીરમાં બિમારી શોધ્યા કરે છે. પોતાની આસપાસની પરિસ્થિતિ એમને અનુકૂળ ન હોય તેથી પોતાના પ્રિયજન
કે સ્વજનનું અટેન્શન મેળવવા, ધ્યાન ખેંચવા કેટલાક લોકો સતત માંદા હોવાનું, અસ્વસ્થ હોવાનું બહાનુ
બનાવ્યા કરે છે. કેટલીકવાર પરિસ્થિતિથી ભાગવા માટે કે કામ નહીં કરવા માટે, અણઆવડત કે લઘુતાગ્રંથિને
કારણે પાછા પડતા લોકો માટે પણ ‘બિમારી’નું બહાનું કામ લાગી જાય છે. આવા લોકો બિમારીના નામે કમરનો
દુઃખાવો, છાતીમાં દુઃખાવો કે ચક્કર આવવા જેવી ફરિયાદ કરે છે. આ ફરિયાદોનું કોઈ તબીબી પ્રમાણ નથી હોતું,
એટલે આવા લોકો માટે શારીરિક તકલીફની ફરિયાદ કરીને અન્ય લોકોની સહાનુભૂતિ કે અટેન્શન મેળવવાનું
સરળ બને છે. આવા લોકો ધીરે ધીરે બોરિંગ અને કંટાળાજનક બનતા જાય છે. લોકો એમને મળવાનું ટાળે છે
કારણ કે, એમની પાસે પોતાની બિમારી સિવાય બીજી કોઈ વાત હોતી નથી. આ એક વિષચક્ર છે, લોકો એમને
નથી મળતા અને ટાળે છે માટે એમનું અટેન્શન મેળવવા આ લોકો વધુને વધુ બિમાર હોવાનું નાટક કરે છે-આ
લોકો બિમારીના નામે ફરિયાદ કરતા રહે છે તેથી વધુને વધુ લોકો એમને મળવાનું ટાળવા લાગે છે.

જાતે જ શોધેલી, ઊભી કરેલી બિમારીની જેમ ‘સેલ્ફ મેડિકેશન’ (જાતે જ દવાઓ લીધા કરવી) આજના
સમયનું સૌથી મોટું દુષણ છે. લગભગ બધા જ ગુગલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે એટલે જાતે જ ગુગલ પર
સર્ચ કરીને કે અધકચરી માહિતી સાથે દવાની ટીકડીઓ લેવાની કુટેવ વધતી જાય છે. કફ સિરપને શરાબની જેમ
પીવો, ડૉક્ટરને પૂછ્યા વગર ઊંઘની ગોળીઓ લેવી અને અમુક પ્રકારની દવાઓને ડ્રગ્સની જેમ વાપરવાની ફેશન
અને ઘેલછા યુવા પેઢીને બરબાદ કરી રહી છે.

સૌથી મોટો પ્રોબ્લેમ પેઈનકિલર અને વિટામીન્સનો છે. મોટાભાગના લોકો માને છે કે, ઓવર ધ
કાઉન્ટર મળતા વિટામીન્સ શરીરને સાચવવાનું અથવા ઈમ્યુનિટી વધારવાનું કામ કરે છે. આપણે જાણતા નથી,
પરંતુ વધુ પડતું કેલ્શિયમ લેવાથી પથરી થાય છે-વધુ પડતા વિટામીન સીથી ત્વચાના રોગો થાય છે. શરીરને જેની
જરૂર હોય એટલા જ તત્વો બહારથી ઉમેરવા જોઈએ, બાકીના તત્વો આપણા ભોજનમાં અને આપણી
નિયમિત જીવનશૈલીમાં ઉપલબ્ધ જ છે, પરંતુ આજના સમયમાં દવાઓ પણ દેખાદેખીથી લેવામાં આવે છે. નહીં
જાણતા કે ઓછું જાણતા લોકો વ્હોટ્સએપ ઉપર અર્થહીન માહિતી અપલોડ કરે છે અને કેટલાક લોકો એને સાચી
માનીને એનું અનુસરણ કરે છે. દવા-વિટામીન કે શરીરમાં કોઈપણ પ્રકારના કેમિકલ તત્વને નાખતા પહેલા
ભણેલા અને ડિગ્રી ધરાવતા ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.

જીવમાત્રને કુદરતે સેલ્ફ હીલિંગ (જાતે જ સાજા થવાનું એક અદભૂત વરદાન) આપ્યું છે. માત્ર
પ્લાસ્ટરમાં રાખવાથી હાડકાની તિરાડ સંધાય છે એવી જ રીતે ઘા ધીરે ધીરે રૂઝાય છે, માંદી પડેલી વ્યક્તિ ધીમે
ધીમે સાજી થાય છે. આ કુદરત છે. આપણે સૌ વધુ પડતી દવાઓ લઈને શરીરને અને કુદરતે આપણને આપેલા
આ સેલ્ફ હીલિંગના વરદાનને નુકસાન પહોંચાડી રહ્યા છીએ. ગમે તેટલા દાવા કરવા છતાં પણ દવામાં સાઈડ
ઈફેક્ટ હોય છે એટલે એક બાબત સાજી થાય એની સાથે એક નવી સમસ્યા ઊભી થવાની શક્યતા રહેલી છે…
કારણ વગર શરીરને પંપાળવાનું છોડીને-બિનજરૂરી દવાઓનું વ્યસન મૂકીને આપણે વધુ સારું અને સ્વસ્થ જીવન
જીવી શકીએ એવો પ્રયાસ કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *