સેલ્ફ વિશે વિચારવું, એ “સેલ્ફિશ” છે?

‘મધર્સ ડે’ના દિવસે માનો મહિમા કરવામાં આવે છે. આપણને બધાને એવું શીખવવામાં
આવ્યું છે કે, ‘મા ત્યાગની મૂર્તિ છે, બલિદાનની દેવી છે, એણે તો છોડતાં જ શીખવાનું, સંતાન
કુસંતાન બની શકે, પણ માતાએ ક્યારેય કુમાતા નહીં બનવાનું…’ આ બધું એક મર્યાદા સુધી સાચું છે,
પરંતુ એ મર્યાદા જ્યારે ઓળંગાઈ જાય એ પછી પણ જો ‘મમ્મી’ ત્યાગ, બલિદાન, ક્ષમાની મૂર્તિ
બનીને રહે તો એ બાબત, એનો ગુણ નહીં, પરંતુ સંતાનના ભવિષ્ય માટે ખતરાની ઘંટડી પૂરવાર થાય
છે.

જગતજનનીનો વિચાર કરીએ તો એ પ્રેમાળ, સ્નેહાળ મા, ત્રિપુર સુંદરી અને ક્ષમાની દેવી
છે. એની સામે રાક્ષસોનો સંહાર કરતી વખતે એ પોતાનું જગતજનનીનું સ્વરૂપ બાજુએ મૂકીને
ભયાવહ, ક્રોધ અને સંહારની મૂર્તિ બનીને પ્રગટ થાય છે. કોઈપણ માના આ બે સ્વરૂપ હોવા જ
જોઈએ. આપણે બધા ‘મધર્સ ડે’ના નામે જગતની મમ્મીઓને એવું યાદ કરાવવાનો પ્રયત્ન કરીએ
છીએ કે, એણે તો ત્યાગ, સમર્પણ અને ક્ષમા જ કર્યાં કરવાનાં છે! બની શકે ત્યાં સુધી દરેક માએ
પોતાનું આ સ્વરૂપ સંતાન માટે સાચવી રાખવું જોઈએ, પરંતુ હવેના સમયમાં દરેક મમ્મીએ પોતાના
બીજા સ્વરૂપને હાથવગું રાખવું પડશે. બદલાતા સમય સાથે સંતાનની પેઢીની માનસિકતા બદલાઈ
છે. ગમે કે ન ગમે હજી ગઈ પેઢીના સંતાનો પોતાના માતા-પિતાને પોતાની જવાબદારી માનતા
હતા. સમાજની બીકે કે લાગણી અથવા ફરજ માનીને પણ માતા-પિતાનું સન્માન કરવું, એમનું ધ્યાન
રાખવું એ સંતાનના ઉત્તરદાયિત્વનો હિસ્સો હતું. સમય બદલાયો છે, સાથે પેઢી પણ બદલાઈ ગઈ
છે. ‘ફ્રેન્ડ’ બનવા નીકળેલા માતા-પિતાએ ક્યાંક પોતાનું પદ અને ઓથોરિટી ગૂમાવ્યાં છે. હવે પ્રશ્ન
એ છે કે, સંતાનોની અપેક્ષા માતા પાસે ઘણી વધારે છે… માતાએ પોતાનાથી ન થાય, શક્ય ન હોય
એવી સગવડ અને સુખ આપવામાં જાત ઘસી નાખી છે, પરંતુ સંતાન માને છે કે, ‘એ તો એની ફરજ
હતી!’

જે પઢી મધ્યમવયમાં છે અથવા સિનિયર સિટીઝન થવાની તૈયારીમાં છે એ પેઢીએ પોતાની
મમ્મીનું કહ્યું માન્યું છે, સાસુ સાથે અડજેસ્ટ કર્યું છે અને હવે એ પેઢી પોતાની પુત્રવધૂ સાથે પણ મન
મારીને અડજેસ્ટ કરી રહી છે ત્યારે એ આખી પેઢીની સ્ત્રીઓએ હવે પોતાના જાતને થોડીક
બદલવાની અથવા અપગ્રેડ કરવાની જરૂર છે. સ્નેહનો અર્થ ગુલામી, કે પ્રેમનો અર્થ બિનજરૂરી
અડજેસ્ટમેન્ટમાં પલટાઈ જાય ત્યારે જાતને દુઃખી કરીને પણ ‘મા’ની એ સદીઓ, પેઢીઓ જૂની
વ્યાખ્યાને વળગી રહેવું જરૂરી નથી.

તોછડા કે માનું વારંવાર અપમાન કરતાં સંતાન, સ્વાર્થ હોય ત્યારે સારું વર્તતા અને જો ઈચ્છા
કે માગણી પૂરી ન થાય તો ગુસ્સે થઈને ગમે તેમ બોલી નાખતા સંતાન, પોતાના મિત્રો માટે બધો જ
સમય ખર્ચી નાખતા અને ઘરમાં માત્ર સૂવા-જમવા કે સગવડો પૂરતા જ આવતા સંતાન, બેડરૂમનું
બારણું બંધ રાખતા-માતા-પિતા સાથે સંવાદ ન કરતાં સંતાન માટે સતત જીવ બાળવો, આ બધા
ખરાબ વર્તન છતાં, એના જમવાનું ધ્યાન રાખવું-ન આવે તો વારંવાર ફોન કરવા… એના રૂમ સાફ
કરવા, સતત ચિંતા કરવી અને એ ફોન ન ઉપાડે તો વ્યથિત થઈ જવું… આ બધામાંથી હવે આજની
‘2022’ ની મમ્મીએ બહાર નીકળવાનો પ્રયત્ન કરવો પડશે. જગતજનની, ક્ષમા, ધાત્રી અને કલ્યાણીના
સ્વરૂપમાંથી નીકળીને ક્યારેક કાલી, દુર્ગા કે ચામુંડા બનવું પડશે. માતાની ફરજ માત્ર લાડ કરવાની કે ધ્યાન
રાખવાની નથી, સંતાન ખોટા રસ્તે જતું હોય-એનું વાણી-વર્તન કે વ્યવહાર યોગ્ય ન હોય તો એને સાચી દિશા
બતાવવા માટે આંખ લાલ કરવાનું કામ પણ ઈશ્વરે માને જ સોંપ્યું છે. કદાચ, એટલે જ, રાક્ષસોનો સંહાર કરવા
માટે દેવો પણ ‘દેવી’ પાસે જાય છે! આ રાક્ષસ એટલે આપણું સંતાન નહીં, એની ભીતર વસતા
અવગુણ-એની આસપાસ ટોળે વળતા ખોટી સંગતના મિત્રો, એનું વ્યસન, એની આળસ કે આપણે
આપેલી સગવડને કારણે એનામાં ઊભી થયેલી બેદરકારી… આ બધા રાક્ષસોનો સંહાર કરવાનું કામ
આજની ‘મા’નું છે.

બીજો એક મહત્વનો મુદ્દો એ છે કે, હવે બધી જ મમ્મી ધીમે ધીમે એકલી પડવાની છે.
સંતાન માટે ગમે તેટલો સમય આપ્યા છતાં, સંતાન આપણને સમય નહીં આપે એ વાત સ્વીકારીને
જાતને ઘસી નાખવાને બદલે થોડોક પોતાને માટે જીવતાં શીખવું જ પડશે. જિંદગીની અડધી સદી
પૂરી થાય પછી સમજાય કે આપણી પાસે અંગત કહી શકાય એવો કોઈ શોખ, મિત્ર કે સ્મૃતિ નથી…
ત્યારે અફસોસ થાય એને બદલે 30-35-40ની ઉંમરથી જ થોડુંક સ્વયં તરફ વળવું જોઈએ.
અંગ્રેજીની એક કહેવત, ‘ડોન્ટ પૂટ ઓલ ધ એગ્ઝ ઈન વન બાસ્કેટ’ યાદ રાખવી જોઈએ. આપણી
બધી જ એનર્જી, સમય, લાગણી કે અપેક્ષાઓને એક જ વ્યક્તિમાં કેન્દ્રીત કરવાને બદલે આ બધી
બાબતોનું વિકેન્દ્રીકરણ કરીને થોડોક સમય ઊર્જા કે અપેક્ષાને પોતાના તરફ વાળવી જોઈએ.
‘સ્વતંત્રતા’નો અર્થ અહીં, સંતાનને ઈગ્નોર કરવું, નોકરી કરવા માટે એને કોઈ પગારદાર માણસને
સોંપી દેવું કે સાસુ-સસરાને માથે મારવું, ગમે ત્યારે ઘરમાંથી નીકળી જવું વગેરે હરગીઝ ન કરવો…
પરંતુ, બધું જ ‘સંતાન’ કે ‘બાળક’ માટે ઈન્વેસ્ટ કરતી વખતે કાં તો, પૂરા સમર્પણથી બધું જ આપી દેવું
અને બદલામાં સ્વયંને સતત કહ્યા કરવું કે, ‘મારે કરવું છે માટે કરું છું. બદલામાં કશું મળશે એવી
આશાએ કરતી નથી…’ અથવા, થાય એટલું જ કરવું જેથી આપણે ‘બધું જ ખર્ચી નાખ્યું’નો અફસોસ
ન રહે. પ્રોબ્લેમ એ છે કે, મમ્મી પોતાની લાગણીઓ, સમય કે સ્નેહને ‘ઈન્વેસ્ટમેન્ટ’ની જેમ વાપરે
છે. સંતાન મોટું થાય એટલે એની દુનિયા મમ્મીના ખોળાની બહાર નીકળી જાય છે… માને લાગે છે
કે, ‘હવે એને મારી જરૂર નથી!’ આ સત્ય છે, હવે એને આપણી જરૂર નથી, પરંતુ એથી એને આપણી
‘કદર નથી’ અથવા ‘એને આપણે કરેલી મહેનતની કિંમત નથી’ આવું બધું વિચારવાની પણ જરૂર નથી
જ.

કદાચ એટલે જ, થોડુંક સ્વયં વિશે વિચારતા રહેવું. સ્વયંની થોડી આડપંપાળ કરવી, સ્વયં
સાથે સમય વીતાવવો કારણ કે, ‘સેલ્ફ’ વિશે વિચારવું એ ‘સેલ્ફિશ’ નથી, આ વાત હવે સૌ મમ્મીઓએ
સમજવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *