શહીદ દિવસઃ એટલે શું ?

લાહોરમાં કૃષ્ણ વર્માની કોર્ટમાં 16 કેદીઓ ઉપર કેસ ચાલતો હતો. સુખદેવ, ભગતસિંહ,
કિશોરીલાલ, શિવ વર્મા, ગયા પ્રસાદ, યતીન્દ્રનાથ દાસ (જે શહીદ થઈ ગયા હતા), જયદેવ કપૂર,
બટુકેશ્વર દત્ત, કમલનાથ તિવારી, જિતેન્દ્રનાથ સાન્યાલ, આશારામ, દેશરાજ, પ્રેમદત્ત, મહાવીરસિંહ,
સુરેન્દ્ર પાંડેય, અજય ઘોષ, વિજયકુમારસિંહ, રાજગુરુ. ક્રાંતિકારીઓને હાથકડી પહેરાવવાની બાબતમાં
રકઝક ચાલી. આરોપીઓ હાથકડી પહેરવા માગતા ન હતા. સરકાર જબરદસ્તી હાથકડી પહેરાવવા
માગતી હતી. નોબત મારામારી સુધી પહોંચી ગઈ. ક્રાંતિકારીઓને બોધપાઠ આપવા માટે સરકાર તરફથી
સાત કદાવર પઠાણો ક્રાંતિકારીઓ ઉપર તૂટી પડ્યા. ઉપવાસ કરવાથી દુર્બળ થઈ ગયેલા ક્રાંતિકારીઓને
મારી મારીને અધમૂઆ કરી દીધા. પત્રકારો અને મહાનુભાવોની રૂબરૂમાં આ ઘટના ઘટી જેથી પૂરા દેશમાં
તેનો પ્રચાર થયો, ચારે તરફથી સરકાર ઉપર ફિટકાર વરસવા લાગ્યો. પૂરો દેશ ફિટકાર વરસાવી રહ્યો હતો
ત્યારે ગાંધીજી ચૂપ હતા. તેઓ કશું જ ન બોલ્યા. અત્યાચાર પ્રસંગે ચૂપ રહેવું એ અત્યાચારનું સમર્થન
કરવા બરાબર કહેવાય. આ સમાચાર દેશ કરતાં વિદેશમાં વધુ ચગ્યા. ‘ભગતસિંહ દિવસ’ મનાવવામાં
આવ્યો.

ક્યારેક વિચારીએ તો સમજાય કે, આજે જેને આપણે આપણા સ્વાતંત્ર્ય તરીકે માણી રહ્યા છીએ,
વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઉજવી રહ્યા છીએ એના પાયામાં કેવા અને કેટલા લોકો પોતાનું
રક્ત રેડીને શહીદ થયા છે ! આપણે આપણા સંતાનોને આવા શહીદોની ગાથા કહેતા નથી. પિનોક્યો અને
સિન્ડ્રેલાની પરિકથાઓ આપણા બાળકોને આવડે છે, પરંતુ ભગતસિંહ, લાલા લજપતરાય કે દુર્ગાબાઈ
દેશમુખ અને રાણી લક્ષ્મીબાઈ જેવી હસ્તીઓ વિશે આપણે ભાગ્યે જ આપણા સંતાનોને જણાવીએ
છીએ. એ લોકો જેટલું સ્કૂલના ઈતિહાસમાં ભણે (ગોખે) એનાથી વધારે કોઈને કશીયે ખબર નથી એ
વાતનું આઝાદ ભારતના નાગરિક તરીકે આપણને દુઃખ હોવું જોઈએ, એને બદલે આપણે સાવ
સહજતાથી એવું કહી દઈએ છીએ કે, ‘હવે ઈતિહાસમાં શું ભણવાનું ?’

24 માર્ચનો દિવસ નક્કી કરાયો હોવા છતાં, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને 23 માર્ચની
સાંજે જ ફાંસી આપી દેવામાં આવી. એમની સાથે સાથે ડૉ. ગયા પ્રસાદ, શિવ વર્મા, બટુકેશ્વર દત્ત,
ચંદ્રશેખર આઝાદ, જતીન્દ્રનાથ દાસ, ભગવતીચરણ વોરા સહિત એવાં કેટલાંય નામ છે જેને વિશે
આપણી નવી પેઢી તદ્દન અજ્ઞાત છે. નવા મોબાઈલ એપ કે નવી ફેશનના ટ્રેન્ડ વિશે આપણા બાળકો
જાણતા હોય તો આપણને ગર્વ થાય છે. ‘એને બધું આવડે…’ આપણે આપણા બાળકની ટેલેન્ટ મહેમાનો
અને સમાજમાં પ્રદર્શિત કરીએ છીએ, પરંતુ જે દેશમાં એ વસે છે, જે એની જન્મભૂમિ અને માતૃભૂમિ
છે, જે આઝાદ હવામાં એ શ્વાસ લે છે એને માટે આ અનેક પેઢીઓ જેની આભારી છે એવા લોકોને
આપણે સહજતાથી ભૂલી ગયા છીએ.

વિક્રમ દત્તા, નીરજા કે નિર્ભયા સાચા અર્થમાં આજના હીરો છે. એમના સમાચારમાંથી શેરડીના
રસની જેમ પીલી પીલીને ટીપે ટીપું નીચોવવામાં આવે છે, પરંતુ એમને પ્રત્યેક ઘરમાં, પરિવારમાં અને
આવનારી પેઢી તરફથી જે સન્માન મળવું જોઈએ એ વિશે માતા-પિતા કોઈ પ્રદાન કરતા નથી. આપણા
બાળકો માટે સલમાન કે શાહરૂખ હીરો છે… કેટરિના અને વિકી કૌશલે 14મી ફેબ્રુઆરીએ શું કર્યું એના
સમાચારનો વીડિયો વાઈરલ થાય છે, પરંતુ સ્વરાજ પાર્ટીની સ્થાપના કાકોરી ટ્રેઈન કેસ, દાંડી કૂચ કે
મિદનાપુરના ટીનએજ છોકરાઓએ પ્રગટાવેલી ક્રાંતિની મશાલ વિશે કોઈને કંઈ ખબર નથી, જાણવામાં
રસ પણ નથી !

સમાજસુધારાના પ્રણેતાઓ રાજારામ મોહનરાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, દુર્ગારામ મહેતા,
જ્યોતિરાવ ફૂલે જેવી વિભૂતિઓના ચહેરા પણ આપણા બાળકો ઓળખી શકતા નથી. બાયોપિકના આ
સમયમાં શ્રીનિવાસ રામાનુજન ઉપર એક ફિલ્મ બની છે. જેમાં ગણિતશાસ્ત્રી રામાનુજનના જીવન વિશે
માહિતી મળે છે. એવી જ રીતે ભગતસિંહના જીવન પર છ ફિલ્મો બની. જેમાં પ્રેમ અદીબ, શમ્મી કપૂર,
મનોજ કુમાર, અજય દેવગણ અને બોબી દેઓલ જેવા અભિનેતાઓએ ભગતસિંહનું પાત્ર ભજવ્યું હતું.

1907માં જન્મેલા ભગતસિંહના ભાઈ કુલતારસિંહ અને બહેન અમર કૌર, પિતા કિશનસિંહ
અને મા વિદ્યાવતી દેવી… વિશે આપણે કશું જાણતા નથી. એમનાં માતાનું મૃત્યુ 1975માં (આઝાદીના
47 વર્ષ પછી) થયું. જેનો યુવાન દીકરો ફાંસીએ લટકવાનો હોય એ માને, આગલી રાત્રે દીકરાને મળવા
પણ ન દેવામાં આવે, એની વેદના આપણને ન સમજાય તો પણ આવી કેટલી માએ પોતાના દીકરાને આ
દેશની આઝાદીમાં અર્પણ કર્યા છે એનો હિસાબ એકાદવાર કરીએ તો આપણને આપણી આઝાદીની
કિંમત અને મૂલ્ય બંને સમજાય.

આજે પ્રેમના નામે આપઘાત કરનારા અને જીવ લેનારા, ડ્રગ્સ અને નશાખોરીને સ્વાસ્થ્ય અને
પૈસા બંને બગાડતા 22-23 વર્ષના યુવાન છોકરાઓએ પોતાની જુવાની બરબાદ કરી રહ્યા છે ત્યારે
એમના બાળમાનસમાં આવી પ્રેરણાદાયી કથાઓ નાખીને એમને જિંદગીનું મહત્વ અને દેશપ્રેમ વિશે
જાગૃત કરવાનું કામ માતા-પિતાનું છે. એડગર હોવર, જે 40 વર્ષ સુધી અમેરિકાના એફબીઆઈના વડા
તરીકે સેવા બજાવીને નિવૃત્ત થયા એમણે પોતાના ભાષણમાં કહ્યું હતું, ‘જે દેશના સંતાનો પોતાના દેશની
આઝાદીના પાયામાં રેડાયેલા રક્તનું સન્માન કરે છે અને ઈશ્વરના કાયદા પાળે છે એને માણસે બનાવેલા
કાયદા પાળવામાં અને પોતાના દેશની આઝાદીની જાળવણી કરવામાં કોઈ તકલીફ પડતી નથી.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *