શિક્ષક દિને કેટલાંક સત્યો…

ભારતીય એન્ટરટેઈનમેન્ટ-મનોરંજનની વ્યાખ્યા ધીમે ધીમે બદલાઈ રહી છે. નગ્નતા,
એલજીબીટી અને હિંસા હવે મનોરંજનની વ્યાખ્યામાં આવે છે ત્યારે પારિવારિક મનોરંજન તો લગભગ
શૂન્ય થઈ ગયું છે. શાળા કે કોલેજમાં, વિદ્યાર્થી કે વિદ્યાર્થિની સાથે શિક્ષક સાથેના સંબંધો ઉપર પણ
ક્વેશ્નમાર્ક મૂકાયો છે, કારણ કે હવે ઉંમર, પદ કે ગરિમા વગર શારીરિક સંબંધો બાંધવા એ આધુનિક
માનસિકતાનો એક ભાગ બનતો જાય છે. ‘પ્રેમ’ની પરિભાષા સીધી પથારી સુધી પહોંચી જાય, એવા
સમયમાં આપણે પ્લેટોનિક લવ, આત્માનો પ્રેમ કે સમજણ અને સ્નેહ સાથેના સંબંધોની વાત કરીએ તો
આઉટ ડેટેડ અને બેવકૂફ લાગીએ!

15-16 વર્ષના વિદ્યાર્થી સાથે 35-40 વર્ષની શિક્ષિકાનાં સંબંધો કે એ જ ઉંમરની વિદ્યાર્થિની
સાથે આધેડ પ્રોફેસરના સંબંધો હવે સામાન્ય થઈ પડ્યા છે, ત્યારે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે એ
વિશે ખરેખર ચિંતા થાય એમ છે. એક શિક્ષક અને ગુરૂના સંબંધો આદર અને પ્રેમના હોવા જોઈએ.
માધ્યમિક શાળામાં ભણતાં છોકરાંઓ જે રીતે એમના શિક્ષકોની મજાક ઉડાવે છે, નામ પાડે છે અને
શિક્ષકો સાથે જે રીતે વર્તે છે એ પછી કયા આદર અને પ્રેમની વાત થઈ શકે? કોલેજમાં પ્રોફેસરને મારવા-
ધમકાવાના કેટલા કિસ્સા બને છે? એક વ્યક્તિ જે આખી કારકિર્દીનો પાયો છે એને વિદ્યાર્થીઓ ગેંગ
બનાવીને અપમાનિત કરે કે ડિસિપ્લિનનો આગ્રહ રાખીને કોઈ વિદ્યાર્થીને સજા કરે તો બાકીના
વિદ્યાર્થીઓ હડતાલ પાડે છે, પ્રિન્સિપાલ કે પ્રોફેસર પાસે માફી મગાવે છે-અહીં આદર અને પ્રેમની તો
અપેક્ષા પણ કેવી રીતે રાખી શકાય?

આ બધું જાણવા છતાં માતા-પિતા પોતાના સંતાનને ટકોરવા કે સુધારવાને બદલે એમની સાથે
મળીને હસે છે, એમને આવી ગેરશિસ્તમાં સહકાર આપે છે. માતા-પિતા પોતે પણ ક્યારેક શિક્ષકની થોડી
અણઆવડત કે એમની કોઈક ટેવ બદલ સંતાનની હાજરીમાં કોમેન્ટ્સ કરે છે, શિક્ષકને ઉતારી પાડે છે
ત્યારે એ પોતાના જ બાળકને એના શિક્ષક પરત્વે અનાદર કરતાં શીખવે છે. વિદ્યાર્થી જ્યારે શિક્ષક પરત્વે
અનાદર અને અપમાનની માનસિકતા કેળવે છે ત્યારે એ જ શિક્ષક પાસેથી ભણવું એને ગમતું નથી. જે
વિદ્યાર્થી શિક્ષકને સન્માન કરી શકતો નથી એને જ્ઞાન આવતું નથી એવું સંસ્કૃત સુભાષિતો વારંવાર કહે છે.

ગુરૂકુળનો સમય પૂરો થયો છે, માની લીધું. ગુજરાતી મીડિયમની શાળાઓ બંધ થવા લાગી છે
એટલે એ ઘર જેવું વાતાવરણ અને પ્રેમાળ શિક્ષકોનો સમય પણ રહ્યો નથી. અંગ્રેજી માધ્યમની મોંઘી
શાળામાં નોકરી સ્વીકારનાર મોટાભાગના શિક્ષકો એવા છે જેમને બીજે ક્યાંય નોકરી મળી નથી, અને
બીજે-મનગમતી નોકરી મળે ત્યાં સુધી એમણે શિક્ષને સ્ટોપ ગેપ અરેન્જમેન્ટ તરીકે સ્વીકારી લીધું છે.
આ સ્થિતિમાં એમને ભણાવવાનું ગમતું નથી. ટ્રસ્ટી અને મેનેજમેન્ટની વારંવારની દખલ એમની નિષ્ઠા
અને કામગીરીમાં બાધા બને છે અને કદાચ એટલે શિક્ષક પોતાનું ફ્રસ્ટ્રેશન પોતાના વ્યવસાય કે વિદ્યાર્થી
પર ઉતારવા મજબૂર થઈ જાય છે.

એક જમાનામાં માતા-પિતા પોતાનું સંતાન શિક્ષકને સોંપે પછી એ શિક્ષકને વિદ્યાર્થીના ઘડતરનો
પૂરેપૂરો અધિકાર આપી દેતા. ક્યારેક ટપારવો પડે, સજા કરવી પડે તો માતા-પિતા વિરોધ કરતાં નહીં.
આજના જમાનામાં એક વિદ્યાર્થીને વઢવા કે સજા કરવા બદલ માતા-પિતા પ્રિન્સિપાલ પાસે જઈને
ફરિયાદ કરે છે અને શિક્ષકની નોકરી જોખમમાં આવે છે ત્યારે શિક્ષક પણ પોતાના તરફથી કોઈ વધારાનો
પ્રયાસ કરવાનું ટાળે એ સ્વાભાવિક નથી? બીજો એક મોટો પ્રશ્ન એ છે કે, પ્રાઈવેટ અથવા સરકારી
શાળાઓમાં શિક્ષક પાસે જે પ્રકારનું કામ લેવામાં આવે છે એ એની આવડત અને મહેનત બંનેની કસોટી
કરે છે. એક શિક્ષકે વિદ્યાર્થીના ઘડતર સિવાયના કામો કરવાં પડે, વધારાનો સમય, બીનજરૂરી મહેનત
કરવી પડે ત્યારે શિક્ષકની નિષ્ઠા પણ ડગમગી જાય છે. સરકારી શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ પાસે ઘરનું
કામ કરાવે, શાક કપાવે અને કેટલાક કિસ્સામાં તો સરકારી શાળાના શિક્ષકો માત્ર સહી કરવા પૂરતી શાળા
ખોલે છે ત્યારે આપણે વિદ્યાર્થીઓના ભવિષ્યની શું આશા રાખીએ?

આ બધું કદાચ સ્વીકારી શકાય, પરંતુ એક વિદ્યાર્થી અને શિક્ષક વખતે જ્યારે મર્યાદાની રેખા તૂટી
જાય ત્યારે ગુરૂ-શિષ્યના સંબંધોને લાંછન લાગે છે. મહાભારતમાં જ્યારે વિરાટ રાજા ઉત્તરાના લગ્ન
અર્જુન સાથે કરવાનો પ્રસ્તાવ મૂકે છે ત્યારે અત્યંત રૂપવતી એવી ઉત્તરા સાથે લગ્ન કરવાની અર્જુન ના
પાડે છે કારણ કે, એ ઉત્તરાના શિક્ષક રહી ચૂક્યા છે. ફક્ત એ જ કારણસર ઉત્તરાના લગ્ન અર્જુનના દીકરા
અભિમન્યુ સાથે કરવામાં આવે છે… આ આપણી પરંપરા છે. આજે જ્યારે ગુરૂ-શિષ્યના સંબંધો લસ્ટ
અને કામુકતા તરફ ધકેલાઈ રહ્યા છે ત્યારે એને માટે કોને જવાબદાર ગણીએ એવો સવાલ પણ ઊભો
થાય છે.

રાજકપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’માં નાનકડા રાજુને એની શિક્ષિકા (સીમી ગરેવાલ) પરત્વે
આકર્ષણ થાય છે. મોટાભાગના યુવા વિદ્યાર્થીઓને એમની શિક્ષિકા અને ટીનએજ છોકરીઓને એમના
એકાદ પ્રોફેસર કે શિક્ષક ગમતા હોય એ સ્વાભાવિક પ્રક્રિયા છે. યુવા થઈ રહેલી છોકરીને એક સજ્જન,
જ્ઞાની અને એને સમજે તેવો પ્રેમાળ પુરુષ ગમવા માંડે એમાં કશું ખોટું નથી, અગત્યનું એ છે કે, એક
શિક્ષકે આમાં પોતાની સમજણ અને મર્યાદાનો ઉપયોગ કરીને પોતાના વિદ્યાર્થીને કે વિદ્યાર્થિનીને સાચી
દિશામાં વાળવા જોઈએ, એને બદલે આજની શિક્ષિકાઓ કે શિક્ષકો પોતાના વિદ્યાર્થી અને
વિદ્યાર્થિનીઓના આકર્ષણનો દુરુપયોગ કરીને એમની સાથે શારીરિક સંબંધ બાંધી બેસે છે. મોટેભાગે
આવાં શિક્ષક કે શિક્ષિકા પરિણિત હોય છે એટલે લગ્ન કરવાનો તો સવાલ આવતો જ નથી. ટીનએજર
વિદ્યાર્થી કદાચ સમજે કે નહીં, પણ શિક્ષક તો બરાબર સમજતા હોય છે કે આમાં ‘પ્રેમ’ જેવું ખાસ કશું
છે નહીં. હજી હમણાં જ રજૂ થયેલી એક ઓટીટી સીરિઝ ‘સ્કૂલ ઓફ લાઈઝ’માં શિક્ષક અને વિદ્યાર્થી
વચ્ચે સમલૈંગિક સંબંધોના દૃશ્યો પણ રજૂ કરવામાં આવ્યા છે. આપણે બીજા અનેક વિરોધ કરતાં હોઈએ
છીએ તો આવા દૃશ્યોનો વિરોધ કેમ નહીં? ઓટીટી ઘરમાં જોવાય છે. યુવા સંતાન આવાં દૃશ્યો જોઈને
કુતૂહલ કે આકર્ષણથી પ્રેરાઈને પણ આવી દિશામાં જાય એ ઈચ્છનીય છે?

એ યુવાન છે, ટીનએજર છે માટે કદાચ એને નથી સમજાતું કે સાચું શું છે અને ખોટું શું છે, પરંતુ
શિક્ષક તો સમજદાર છે, એને દર વર્ષે આવા એકાદ વિદ્યાર્થિનીનો ભેટો થતો જ હોય ત્યારે પ્રોફેસર કે
શિક્ષકે પોતાની નિષ્ઠા, સમજણ અને ઉંમરને ધ્યાનમાં રાખીને પોતાની જવાબદારીને સમજવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *