શિક્ષક એટલે ‘સરકારી નોકર’ કે…?

શિક્ષકો સાથે સંવાદ કરવાના મારા પ્રયાસ અને સી.આર. પાટીલની જાહેરાતથી સારું એવું
ટ્રોલિંગ થયું… કાજલ ઓઝા વૈદ્ય શિક્ષકો સાથે સંવાદ કેવી રીતે કરી શકે ? ત્યાંથી શરૂ કરીને બીજા
ઘણા સવાલો ઊભા થયા ત્યારે એક વિચાર એવો આવ્યો કે, કોઈપણ વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે
સંવાદ કરવા માટે સમ-વેદના સિવાય બીજી કઈ લાયકાતની જરૂર પડે ? દેશનું ભવિષ્ય જે લોકો ઘડી
રહ્યા છે, આવનારા વોટર્સ, સારા નાગરિક કે નવી પેઢીના ડૉક્ટર, એન્જિનિયર અને શિક્ષક પણ
જેમના હાથ નીચેથી પસાર થઈ રહ્યા છે એમની સાથે સંવાદ કરવા માટે કોઈ લાયકાત કરતા વધારે
એમની સ્થિતિ અને સવાલોની સમજણ હોવી વધુ જરૂરી છે.

છેલ્લા થોડા વખતમાં શિક્ષકો માટેનો સમય બહુ કપરો અને મુશ્કેલ પસાર થયો છે. અઢી વર્ષ
માટે બાળકો ઘરમાં હતા, પણ શિક્ષકો શાળાના સમય સિવાયના કલાકો પણ શિક્ષણ સિવાયનું ઘણું
કામ કરતા રહ્યા છે. કોરોનાના લોકડાઉનમાં શિક્ષકો ઘરમાંથી ભણાવતા રહ્યા, ગ્રામ પંચાયતમાં કે
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેવા આપવી, કોરોના હોસ્પિટલ્સમાં ડ્યૂટી બજાવવી, આરટીપીસીઆર
અને વેક્સિન માટે ઊભા કરાયેલા સરકારી કેન્દ્રોમાં જવાબદારી નીભાવવાનું કામ શિક્ષકોને થકવતું
રહ્યું.

આમ જોવા જાવ તો શિક્ષકને બીજી કોઈ જવાબદારી સોંપવી જોઈએ જ નહીં. શિક્ષક કે
પ્રોફેસર સરકારી નોકરી કરે છે એ સાચું, પરંતુ એમનું કામ અને જવાબદારી કોઈપણ સરકારી કર્મચારી
કરતાં જુદાં હોવાં જોઈએ. આવનારી પેઢીને તૈયાર કરવાનું કામ શિક્ષક કરે છે એટલે એને ‘સરકારી
કર્મચારી’ ગણીને જ્યારે જે જરુર પડે ત્યાં અને ત્યારે ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લઈ લેવા યોગ્ય તો નથી જ.
છેલ્લા અઢી વર્ષમાં બાળકોએ એક નવી ટેકનોલોજી અને નવી દુનિયાનો પરિચય કર્યો, પરંતુ શિક્ષકો
માટે આ બેવડી જવાબદારી અને સાથે સાથે પરિવારમાં ઊભી થતી સ્વાસ્થ્યની કે બીજી સમસ્યાઓ
એમની રોજિંદી જિંદગીને બેવડી ચક્કીમાં પીસતાં રહ્યાં.

મતદાર યાદી સુધારણા માટે ઘેર ઘેર જવાનું કામ જ્યારે એક શિક્ષિકાને સોંપવામાં આવે ત્યારે
એને થયેલા અનુભવોનો એક પત્ર અને બીજો એક ગામડાંની સ્કૂલના શિક્ષકનો પત્ર ગયા વર્ષે મળ્યા
હતા. ઘરમાં એક જ સ્માર્ટફોન હોય અને બે બાળકો, એક શિક્ષક હોય ત્યારે પોતાના બાળકોને
સ્માર્ટફોનની ટેકનોલોજી સાથે ભણાવવામાં ધ્યાન આપવું કે શાળાના બાળકોને ‘ભણાવવામાં’ પોતાનો
સમય આપવો… એ વિશે એમણે લંબાણપૂર્વક પોતાની સમસ્યાની ચર્ચા કરી હતી.

આમ પણ આપણા દેશમાં ‘શિક્ષણ’ના વ્યવસાયને જોઈએ તેટલું મહત્વ અને સન્માન મળતું
નથી. અહીં આપણે અંગ્રેજી માધ્યમની કે ઈન્ટરનેશનલ, સીબીએસસી સ્કૂલની વાત નથી કરતા,
આપણે ગુજરાતમાં આવેલી અસંખ્ય સરકારી ગામડાંની શાળાઓ, ગુજરાતી અને હિન્દી માધ્યમની
સામાન્ય શાળાઓની વાત કરીએ છીએ. જાણીને નવાઈ લાગશે કે, 11,840.000 જેટલી શાળાઓ
ગુજરાતના ગ્રામ્ય અને નાના શહેરોમાં આવેલી હતી. 2015 પછી આ સંખ્યામાં નોંધપાત્ર વધારો
થયો છે એવો દાવો ગુજરાત સરકાર કરતી રહી છે, પરંતુ એ શાળામાં કેટલા વિદ્યાર્થીઓ આવે છે,
કેટલા પ્રાયમરીથી આગળ વધે છે એ વિશેના કોઈ ચોક્કસ આંકડા આપણને મળતા નથી.

શિક્ષણનું મહત્વ આપણા દેશમાં ધીરે ધીરે ઘટતું જાય છે. સામે, ‘ધીરુભાઈ કેટલું ભણેલા હતા
?’ અને ‘કરસનકાકા કઈ બિઝનેસ સ્કૂલમાં ભણ્યા છે ?’ જેવા સવાલો આપણા બાળકોના મગજ
ખરાબ કરે છે. ગુજરાતી પ્રજા સ્વભાવે જ કન્ઝ્યુમર છે એટલે કદાચ શિક્ષણ પણ એમને માટે
‘ખરીદવાની’ વસ્તુ જેવું કોઈક ‘એફએમસીજી’ની વેલ્યૂ ધરાવતી બાબત બની ગઈ છે, કદાચ ! બાળકને
‘મોંઘી’ શાળામાં મોકલવાથી કે ટ્યુશનના શિક્ષકનો પગાર ચૂકવી આપવાથી પોતાની ફરજ પૂરી થઈ
ગઈ છે. હવે બાકીનું કામ ‘શિક્ષક’ અથવા ‘શાળા’એ જ કરવાનું છે એમ માનીને કેટલાંય ગુજરાતી
માતા-પિતા પોતાના બાળકનું ભવિષ્ય ‘શિક્ષકના ભરોસે’ છોડીને પોતે મુક્ત થઈ જાય છે. બાળકનું
રિઝલ્ટ સારું ન આવે કે એ બરાબર પરફોર્મ ન કરી શકે, ક્યાંક ઈમોશનલી કે પર્સનલી કોઈ પ્રશ્નો ફેસ
કરતું હોય એવા દરેક વખતે જવાબદારી શિક્ષકની અથવા શાળાની જ હોય. પોતે ઓછું ભણેલા
માતા-પિતા શિક્ષણનું મહત્વ ન સમજી શકે અને શિક્ષકને સન્માન ન આપી શકે એટલે એમના
બાળકો પણ ‘શિક્ષક’ને મળવાપાત્ર આદર અને સન્માનની અનુભૂતિ કરી શકતા નથી.

‘માસ્તર’ કે ‘માસ્તરાણી’ જેવા શબ્દોથી શરૂ કરીને ‘તો પગાર શેનો લો છો ?’ જેવા સવાલોનો
કેટલાંય શિક્ષકોએ સામનો કર્યો હશે. એની બીજી બાજુ એ છે કે, શિક્ષક ગમે તેટલો પ્રયાસ કરે, એની
નોંધ લેવાનું કે એમનો સાચા હૃદયથી આભાર માનીને એમને પોતાના સંતાનનું ભવિષ્ય ઘડનાર
શિલ્પીને બદલે પગારદાર સરકારી નોકર જેવી ટ્રીટમેન્ટ આપતાં મોટાભાગના માતા-પિતા અચકાતા
નથી.

શાળાઓ ફિઝિકલી, મકાનમાં જઈને ભણી શકાય એવી રીતે ખૂલી નથી, પરંતુ આ બધા
સમય દરમિયાન કેટલીક શાળાઓ અને કોલેજીસમાં શિક્ષકોને હાજરી આપવાની ફરજ પાડવામાં
આવી હતી. એમને પગાર ચૂકવવા માટે શાળા જ્યારે ફી ઉઘરાવે ત્યારે વાલીઓ બૂમાબૂમ કરે અને
શાળા શિક્ષકોને ‘કોરોના’ના નામે પગારમાં કપાત કરે… ઓનલાઈન ભણાવતા શિક્ષકો પોતાનાથી
બનતું કરે તેમ છતાં, ‘બે વર્ષ મફતિયા પગાર ખાધો છે’ સાંભળવાનો વારો આવે ત્યારે દરેક શિક્ષકને
એક સવાલ ચોક્કસ થયો જ હશે, ‘હું માત્ર પગાર માટે નોકરી કરું છું ? કે પછી આ દેશને, આ
સમાજને અને સરકારને મારા પ્રદાનની અને ભવિષ્ય ઘડતરની મારી મહેનતનું પણ કોઈ મૂલ્ય છે ?’

દુનિયાની કોઈપણ વ્યક્તિ સફળ થાય, પૈસા કમાય કે લોકપ્રિય થાય, સત્તા ભોગવે કે
સમાજમાં એને સન્માન મળે ત્યારે એ વ્યક્તિના ઘડતરમાં એના શિક્ષકનો ફાળો સૌથી વધુ હોય છે.
એ શિક્ષકને ‘સરકારી નોકર’ ગણીને કે ‘પગારદાર કર્મચારી’ ગણવાને બદલે એમની સામે વાલી અને
વિદ્યાર્થી બંનેએ મસ્તક ઝૂકાવવું જોઈએ… જે સરકાર શિક્ષકનું સન્માન નથી કરતી એ સરકાર પાસે
આવનારા ભવિષ્ય માટે નવા વોટર્સ કે સારા નાગરિકની ખેંચ ઊભી થાય છે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *