શિક્ષક સરકારી કર્મચારી છે, પણ…

એક શિક્ષકનો ઈમેઈલ મળ્યો છે. પોતાનું નામ નહીં લખવાની એ બહેને વિનંતી કરી છે, ‘અમે સરકારી શાળાના શિક્ષકો છીએ, પરંતુ અમારી પાસે શિક્ષણ ઉપરાંત બીજું કેટલુંય સરકારી કામ કરાવવામાં આવે છે. શિક્ષક તરીકે જ્યારે અમે બીજા બાળકોના ભાવિને ઉજ્જવળ બનાવવા માટે મહેનત કરતા હોઈએ ત્યારે અમારા પોતાના બાળકને ટાઈમ ન આપી શકાય એ કેવું ? અમારે પણ ઘર છે, પતિ અને પરિવાર છે. એક સ્ત્રી તરીકેની જવાબદારીઓ અમારે તો પૂરી કરવી જ પડે છે. સાથે સાથે શાળાની જવાબદારી પણ અમારે માથે હોય છે. એટલું ઓછું હોય એમ જ્યારે અમને વધારાનું કામ સોંપવામાં આવે છે ત્યારે અમારા શિક્ષક તરીકેના સન્માનને ઉઝરડો પડે છે…’ ઈમેઈલ ઘણો લાંબો છે, પણ એમનો આ મુદ્દો મહત્વનો છે અને સમજવા જેવો પણ છે. 

સરકારી કે મ્યુનિસિપલ શાળામાં નોકરી કરતા શિક્ષકોને શિક્ષણ સિવાયની સરકારી જવાબદારી સોંપવામાં આવે છે. નાના ગામડાંમાં બદલી થાય ત્યારે અવરજવરની અગવડની સાથે સાથે કેટલીકવાર પતિ-પત્નીને એકબીજાથી દૂર રહેવું પડે છે. નાના ગામડાંમાં પોતાના બાળકને ઉચ્ચ શિક્ષણ માટેની વ્યવસ્થા ન હોય તો એમને હોસ્ટેલમાં કે સગાંને ત્યાં રાખીને ભણાવવા પડે છે. એટલું ઓછું હોય એમ ગામડાંના લોકો તરફથી શિક્ષકને જેટલું મળવું જોઈએ એટલું માન કે સહકાર મળતો નથી. એક કે બે વાર નાપાસ થયેલા બાળકો શાળામાં આવવાનું બંધ કરી દે છે તો બીજી તરફ, પાણી ભરવા કે ઘરકામ કરવા માટે ચોથા-પાંચમા ધોરણ પછી દીકરીઓને ઉઠાડી લેવામાં આવે છે. અંતરિયાળ ગામડાંઓમાં શિક્ષકને રહેવાની વ્યવસ્થા પણ નથી હોતી તો ક્યારેક એકલી શિક્ષિકાબહેનની બદલી થાય ત્યારે એની સલામતી પણ  પર સવાલ ઊભો થાય છે. આ શિક્ષિકાબહેનના ઈમેઈલમાં આવા અનેક પ્રશ્નોની વાત કરવામાં આવી છે. 

શિક્ષક એટલે એવી વ્યક્તિ જેના હાથ નીચેથી દર વર્ષે દેશના ભાવિ નાગરિક, વોટર, પતિ-પત્ની, માતા-પિતા, ડૉક્ટર, એન્જિનિયર અને વ્યાપારી સહિત અનેક લોકો પસાર થાય છે… મોંઘી પ્રાઈવેટ સ્કૂલ હોય કે સરકારી શાળા લગભગ દરેક વાલી એમ માને છે કે, એમનું સંતાન સાચા રસ્તે ચાલે અને એક સફળ વ્યક્તિ બને એટલો પ્રયાસ દરેક શિક્ષકે કરવો જોઈએ. 

મોટાભાગના શિક્ષકો આવો પ્રયાસ કરે છે, પરંતુ છેલ્લા થોડા સમયથી એવું જોવા મળે છે કે, શિક્ષકો ધીમે ધીમે પોતાના કામમાંથી રસ ગૂમાવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ-વાલીઓ, શિક્ષક પરત્વેનું સન્માન ખોઈ રહ્યા છે.

નાના હતા ત્યારે ગુજરાતી માધ્યમની શાળાઓમાં ‘શિક્ષક દિવસ’ ઉજવાતો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના છોકરાઓ સાડી અને સુટ, ટાઈ પહેરીને ‘શિક્ષક’ બનતા. એ આખો દિવસ વિદ્યાર્થીઓ જ શાળા ચલાવતા… શિક્ષક હોવું એ શું છે, એ સન્માન, લાગણી અને જવાબદારીનું ભાન વિદ્યાર્થીઓને થાય એ માટે આ એક દિવસ આખી શાળા એમને સોંપી દેવામાં આવતી.

આજે, જ્યારે શિક્ષકોની સ્થિતિ જોઈએ છીએ ત્યારે સમજાય છે કે, ‘ગુરૂ’ ની મહત્તા, એના પદની ગરીમા અને એનું સન્માન સાવ ઓછું થઈ ગયું છે. એક એવી માન્યતા પ્રવર્તવા લાગી છે કે, જેને ક્યાંય નોકરી ન મળે એ ‘બી.એડ’ કરીને શિક્ષક બની જાય !  બહુ જૂનો ઈતિહાસ નથી… પરંતુ, આપણા દેશમાં ડૉ.રાધાકૃષ્ણનન, મોરારિબાપુ, ગિજુભાઈ બધેકા જેવા નામો શિક્ષક તરીકે કામ કરતા હતા. આ સમાજ, ગઈકાલ-આજ કે આવતીકાલ… જો સાચે જ સુધારવો કે બદલવો હોય તો એ જવાબદારી આ દેશના શિક્ષકોએ જ ઉપાડવી પડશે. એમની પાસે આવતા બાળકો કોરી પાટી જેવા મગજ લઈને આવે છે. ‘કુમળો છોડ જેમ વાળો તેમ વળે’ એ કહેવત આજના શિક્ષકે સમજવાની અને સ્વીકારવાની છે.

ખાસ કરીને, સરકારી શાળાના શિક્ષકો ઉપર વધુ જવાબદારી છે. પ્રાઈવેટ કે મોંઘી શાળામાં ભણતા બાળકોના માતા-પિતા પોતે પણ ભણેલા હોય વળી, અમુક પ્રકારના પરિવારમાંથી આવતા હોય એટલે એમને મળતી સવલતો અને એક્સપોઝર જુદા જ હોય. એ બાળકો માટે કદાચ બહુ મહેનત કરવી પડતી નથી, પરંતુ સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાના બાળકોના માતા-પિતા પોતે જ ભણેલા નથી હોતા. એટલે એ બાળકો સાથે કામ કરતી વખતે એક શિક્ષકે ઘણી વધુ મહેનત કરવી પડે એ સ્વાભાવિક છે. એમાંય કોરોનાના સમયમાં જ્યારે ઓનલાઈન શિક્ષણ શરૂ થયું ત્યારે ગામડાંની સરકારી શાળાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાના શિક્ષકો માટે એક કટોકટીનો, એમની પરીક્ષાનો સમય શરૂ થયો. ઘરમાં એક જ સ્માર્ટફોન હોય તો હોય, ને સાથે ત્રણ-ચાર ભાઈ-બહેન હોય… બધાના ભણવાના સમય એક જ હોય એટલે એક ફોન પર કોણ ઓનલાઈન ક્લાસ કરે એ સવાલ દરેક ઘરને સતાવતો હતો. બીજું, આ બાળકોને ક્લાસમાં પણ ભણાવવા અઘરા હોય ત્યારે એમનું ધ્યાન ઓનલાઈન કેવું અને કેટલું રહી શકે એ આપણને સૌને સમજાય એવું છે. મોટાભાગની ગામડાંની અને સરકારી શાળાના બાળકોના બે વર્ષ બગડ્યા જ છે. નાની ઉંમરમાં બાળકો શીખેલું ભૂલી ગયા છે. ખેતમજૂરી કરતા કે લગભગ અભણ કહી શકાય એવા માતા-પિતા બાળકને ઘેર શું અને કેટલું ભણાવી શકે ? માર્ચ 2019 પછી હવે લગભગ નવેસરથી જ શિક્ષણ શરૂ કરવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. શિક્ષકોની મહેનત બેકાર ગઈ છે, સામે હજી સુધી શાળાઓ ક્યારે શરૂ થશે એ વિશે કોઈ નિશ્ચિત નિર્ણય લઈ શકાયો નથી. 

કોરોનાની ત્રીજી લહેરનો ભય તોળાઈ રહ્યો છે. શિક્ષકોએ છેલ્લા બે વર્ષમાં એમના ક્ષેત્રની બહાર જઈને કામ કરવું પડ્યું છે, એ અંગે કેટલાક શિક્ષકોના ઈમેઈલ મળ્યા છે. જેમાં એમની લાગણી અભિવ્યક્ત થાય છે. સરકારી અને કોર્પોરેશનની શાળના શિક્ષકોનું એક મનદુઃખ એવું છે કે, એમની પાસે શિક્ષણ સિવાયની કામગીરી પણ કરાવવામાં આવે છે. પોલિયો, વસતિ ગણતરી, ચૂંટણીના બૂથ ઉપર કામગીરી કે ખાસ કરીને, કોરોનાના સમયમાં અને એ પછી (સરકારી શાળાના) શિક્ષકોને વધુ પડતી જવાબદારીઓ સોંપવામાં આવી જેનાથી એમના મુખ્ય કાર્ય સિવાયનું કામ એમણે કરવું પડ્યું. કોરોનાના સમયમાં શિક્ષકોએ ટેસ્ટ અને બીજી જવાબદારીઓ ઊઠાવવી પડી, ખાસ કરીને ગામડાંની અને કોર્પોરેશનની શાળાના શિક્ષકોએ સતત ડ્યૂટી કરવી પડી. એ વિશે એમને  ઘણી ફરિયાદો હતી, પરંતુ આપણે બધાએ છેલ્લા દોઢ વર્ષ દરમિયાન ખરાબ સમય જોયો જ છે. લગભગ દરેક વ્યક્તિએ આર્થિક નુકસાનની સાથે સાથે એવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે જેની એને ક્યારેય કલ્પના નહોતી… ડૉક્ટર્સ, પોલીસ અને બીજા કેટલાય લોકોએ કોરોના વોરિયર્સ તરીકે કામગીરી બજાવી. શિક્ષકોએ પણ સરકારને સહકાર અને સહાય પૂરી પાડી.

આપણે સૌ સમજી શકીએ છીએ કે, રજાના દિવસે, વેકેશનમાં કામ કરવું પડે તો કોઈને પણ ન ગમે. સરકારી શાળા અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષકોની આ ફરિયાદ સાચી પણ છે અને વ્યાજબી પણ. એક શિક્ષકનું કામ વિદ્યાર્થીને ભણાવવાનું છે. એ ઓનલાઈન હોય કે ઓફલાઈન… આ ‘ન્યૂ નોર્મલ’ ના સમયમાં કદાચ હવે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે એટલો સંપર્ક કે સંબંધ નથી રહ્યો તેમ છતાં જે જ્ઞાન આપે છે તે ‘ગુરૂ’ તો છે જ. મોબાઈલ કે આઈપેડ સામે જોઈને ‘ભણવાનો’ પ્રયત્ન કરતા બાળકોને જોઈને ક્યારેક દયા આવે છે તો ક્યારેક પરિસ્થિતિની અસહાયતા વિશે મન ખિન્ન થઈ જાય છે. સરકાર કે કોર્પોરેશન શિક્ષકને પગાર આપે છે, એ વાત સાચી છે, પરંતુ એમનું મુખ્ય કામ તો શિક્ષણ જ છે. એમની પાસે બીજા જે કામ કરાવવામાં આવે છે તે કામ ‘મરજિયાત’ હોવા જોઈએ. સરકારી નોકરી કરતી દરેક વ્યક્તિએ સરકાર જે કામ સોંપે તે કરવું જ પડે એવો નિયમ ધીરે ધીરે શિક્ષકોને પોતાની પ્રામાણિકતા અને પોતાના કમિટમેન્ટથી દૂર લઈ જઈ રહ્યો છે.

જો આપણે સાચે જ ઈચ્છતા હોઈએ કે, એક શિક્ષક પોતાની જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવે તો, એને પોતાના કામ ઉપરાંત સરકારને આપવો પડતો સહયોગ, સહકાર એની મરજીથી પસંદ કરવાનો અધિકાર પણ મળવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *