ભારતીય શિક્ષણનો ઈતિહાસ વેદકાળથી ચાલ્યો આવે છે. નૈમિષારણ્યમાં
પોતાના શિષ્યોને જ્ઞાન આપતા શૌનક અને અન્ય ઋષિઓની શ્રુતિ અને સ્મૃતિની
પરંપરાઓથી શરૂ કરીને આજની ઈન્ટરનેશનલ સ્કૂલ સુધી આ શિક્ષણની સંહિતા
લંબાય છે. ચાણક્ય પણ શિક્ષક હતા, ડૉ. રાધાકૃષ્ણનન, ડૉ. અબ્દુલ કલામ,
મોરારિબાપુ, શાહબુદ્દીન રાઠોડ, સાંઈરામ દવે અને આનંદીબેન પટેલ જેવા લોકોની
કારકિર્દીની શરૂઆત શિક્ષણથી થઈ. અર્થ એ થયો કે એક શિક્ષક આ દેશના
ભવિષ્યમાં બહુ મોટું પ્રદાન કરે છે. છેલ્લા થોડા સમયથી ઓટીટીમાં જે પ્રકારનું
કોન્ટેન્ટ બતાવવામાં આવે છે એમાં મોટી ઉંમરની શિક્ષિકાના પ્રેમમાં પડતો વિદ્યાર્થી,
એમના એકમેક સાથેના શારીરિક સંબંધો કે પછી મોટી ઉંમરના શિક્ષક ટીનએજની
વિદ્યાર્થિની સાથે સંબંધ બાંધે એવી અનેક વાર્તાઓ રજૂ કરવામાં આવે છે. એથી
આગળ વધીને શિક્ષકના સજાતીય સંબંધની વાર્તાઓ પણ ઓટીટીના કોન્ટેન્ટનો
હિસ્સો છે ત્યારે કોઈ વિરોધ કરતું નથી. નાનકડી ધાર્મિક કોમેન્ટ માટે, કે જાતિ ઉપર
થયેલી કોઈ સહજ વાત વિશે પણ ભલભલા લોકો પાસે માફી મંગાવવા નીકળી
પડતા વીરલાઓને આવા કોન્ટેન્ટ વિશે કંઈ કહેવાનું નથી?
બીજો એક મુદ્દો એ પણ છે કે, હવેના સમયમાં શાળામાં ભણાવતા કે ટ્યુશન
માટે આવતા શિક્ષક ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ કરી શકાય એવી સ્થિતિ રહી નથી. સ્ત્રી
હોય કે પુરુષ, બંને પ્રકારના શિક્ષકો પોતાના કાચી ઉંમરના વિદ્યાર્થી સાથે વિકૃત
વર્તન કરે છે એવી ફરિયાદો વધવા લાગી છે ત્યારે આ સમાજમાં એક સવાલ ઊભો
થયો છે… જેની જવાબદારી આવતીકાલના નાગરિકો તૈયાર કરવાની છે એ જ જો
બાળમાનસ કે ટીનએજની માનસિકતામાં ગંદકી ઠાલવે તો એને કઈ અને કેવા
પ્રકારની સજા થવી જોઈએ? એક સમય હતો જ્યારે આપણે ‘ગુરૂ-ગોવિંદ દોનો ખડે,
કા કો લાગું પાય, બલિહારી ગુરૂ આપકી ગોવિંદ દિયો દિખાય.’ જેવા દોહા અને ‘ગુરૂ
બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ…’ જેવા શ્લોક બોલતા. ગુરૂનું સ્થાન માતા-પિતાથી ઉપર-ઈશ્વરથી
પણ ઉપર માનવામાં આવતું, પરંતુ હવે સ્કૂલના શિક્ષકો બાળકોના માનસ સાથે જે
ચેડાં કરે છે એ જાણીને આઘાત લાગે, ગુસ્સો આવે અને શિક્ષક પરત્વે તિરસ્કાર થઈ
જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ સ્થિતિ માત્ર બાળકના જાતિય શોષણ સાથે
જોડાયેલી નથી. એની માનસિકતા ઉપર થતા પ્રહાર અને બાળમાનસમાં શિક્ષણ અને
શિક્ષક બંને પ્રત્યે તિરસ્કાર થઈ જાય એવી સ્થિતિનો પણ અહીં ઉલ્લેખ થવો જોઈએ.
મોટાભાગના લોકો શિક્ષણને અંતિમ વ્યવસાય તરીકે પસંદ કરે છે, માટે
એમનો રસ અને લગન બંને શિક્ષણ સાથે જોડાયેલાં નથી હોતાં. બીજું, પૈસાવાળાના
પહોંચ કે વગ ધરાવતા વ્યક્તિના બાળકો માટે કેટલાક શિક્ષકો પક્ષપાત કરે છે,
કારણ કે ત્યાંથી ફાયદો મળે છે! ત્રીજું, અને સૌથી મહત્વનું-કંટાળેલા અને પોતે જ
માનસિક રીતે ડિપ્રેસ્ડ હોય એવા શિક્ષકો ભવિષ્યની પેઢીને શું આપે? મોટાભાગના
શિક્ષકો માટે આ ‘નોકરી’ છે, જવાબદારી કે ધ્યેય અથવા પેશન નથી. આ પ્રકારના
શિક્ષકો જ્યારે શાળામાં કામ કરે છે ત્યારે નાના, કુમળાં બાળકો ઉપર એમના
વ્યવહાર અને વર્તનની બહુ ઊંડી અસર થાય છે. કોઈ એકાદ વિષયના શિક્ષક જો
સતત ખરાબ વર્તન કરતા હોય તો બાળકને એ વિષય માટે જ તિરસ્કાર થઈ જાય
એવું બને!
માતા-પિતા મોંઘી સ્કૂલમાં સંતાનને મોકલે એટલે એવું માની લે છે કે, હવે
એનું બાળક સર્વગુણ સંપન્ન થઈને બહાર નીકળશે. પોતાની જવાબદારી ફી ભરવાથી
લગભગ પૂરી થઈ જાય છે એમ માનતા આ માતા-પિતા શિક્ષક પાસેથી અસંભવ
અપેક્ષાઓ રાખે છે-શિક્ષક પોતાનાથી થાય એટલું કરતા જ હશે, પરંતુ હવેના
સમયમાં એમના અંગત પ્રશ્નો પણ એમને પજવે છે. ગૃહકલેશ, ઓછો પગાર,
શાળાના અમાનવીય કલાકોથી શરૂ કરીને પેપરવર્ક અને ટાર્ગેટ અચિવ કરવા જેવી
વાતો શિક્ષણ સાથે ક્યારેય જોડાયેલી નહોતી, જે હવે શિક્ષકના ફ્રસ્ટ્રેશનનું કારણ
બનવા લાગ્યું છે. નોકરી તો કરવાની જ છે, એટલે આ ફ્રસ્ટ્રેશન કે કંટાળો નાનકડા
બાળક પર ઉતરે છે.
બાળક તો નાનું છે, તોફાન કરવાનું, બૂમો પાડવાનું અને ભૂલો કરવાનું જ છે.
શાળા એને માટે ગોંધાઈ જવાની જગ્યા છે-એના નાનકડા મગજમાં એટલું બધું ઠાંસી
ઠાંસીને ભરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે બાળકને રસ પડતો નથી-આ
પરિસ્થિતિમાં શિક્ષકે પોતાની જાતને પૂરવાર કરવાની છે એટલે એ બાળકને સ્નેહ કે
આનંદથી ભણાવવાને બદલે પોતાનું ટાર્ગેટ પૂરું કરવાના ચક્કરમાં શિક્ષકને બદલે
શૈતાન બની જાય છે.
આપણે બધા જાણીએ છીએ કે, એક થેલીમાં જેટલી જગ્યા હોય એટલું જ ભરી
શકાય, પછી થેલી ફાટી જાય… બાળકના મગજમાં પણ આવો જ કોઈ ઉપદ્રવ થાય
છે. ગ્રેડ્સ, ટાર્ગેટ્સ, પ્રોજેક્ટ્સ, એક્સ્ટ્રા કેરિક્યૂલર, એક્ટિવિટિઝ, સ્પોર્ટ્સ અને
કોમ્પિટિટિવ જંગલમાં એને શિક્ષક કોઈ જંગલી પ્રાણી જેવા લાગવા માંડે છે, જે એને
ફાડી ખાવા તૈયાર છે! શિક્ષક પણ પોતાની નોકરી ‘જસ્ટિફાય’ કરવા એના ક્લાસ-
વિદ્યાર્થીઓ પરત્વે નિષ્ઠુર બની જાય છે. એ પછી શરૂ થાય છે, ટ્યુશનની નવી
ટેકટિક.
બાળક ક્લાસમાં નબળું છે એટલે હવે એને ટ્યુશનમાં મોકલવાનું… ટ્યુશનની
મોંઘી ફી જેમાં 6-7 જણાં સાથે બેસીને ભણે… શિક્ષક પોતાના ઘરમાં કે ટ્યુશન
ક્લાસમાં ભણાવે-અંતે, કેટલા પૈસા મળે છે એ વધુ મહત્વનું બની જાય ત્યારે
ટ્યુશનમાંથી પણ બાળકનો રસ ઊડી જાય અને વાલીને નિરાશા થાય!
છેલ્લો સવાલ એ છે કે, આ બધાનો ઉપાય શું? સૌથી પહેલાં તો દરેક વાલીએ
સ્કૂલ પસંદ કરતાં પહેલાં, સ્કૂલ કેટલી મોંઘી છે, ઈન્ટરનેશનલ છે કે નહીં, કયું બોર્ડ
છે એવી દેખાદેખી કે હુંસાતુંસીમાં પડ્યા વગર શાળાના શિક્ષકો ઉપર વધુ ફોકસ કરવું
જોઈએ. નાની સ્કૂલમાં એમના બાળક પર વધુ ધ્યાન આપવામાં આવશે એ સત્ય
સમજવાની જરૂર છે અને સૌથી મહત્વની વાત, ક્યાંય નોકરી ન મળે માટે સ્કૂલની
નોકરી સ્વીકારી લેનાર વ્યક્તિને ઈન્ટરવ્યૂ વખતે જ રિજેક્ટ કરી દેવાની જવાબદારી
શાળાના મેનેજમેન્ટ અને ટ્રસ્ટીઓની હોવી જોઈએ. જેને શિક્ષક બનવું હોય-જેને માટે
શિક્ષણ જીવનનું ધ્યેય હોય એને જ શાળા સાથે જોડાવાની, વિદ્યાર્થીઓના ભવિષ્ય
સાથે કામ કરવાની છૂટ મળવી જોઈએ.