બિહારના એક ગામમાં સાત જણાંએ મળીને 19 વર્ષની એક છોકરીનો બળાત્કાર કર્યો. એ પછી છોકરીની લાશને
ગામના ચોરે લટકાવી દેવામાં આવી. લાશ ઉપર પાટિયું મારવામાં આવ્યું, ‘આ ગામમાં જે વધુ પડતી બહાદુરી બતાવવાનો
પ્રયાસ કરશે એની આ જ સ્થિતિ થશે.’ છોકરીના માતા-પિતા ત્રણ દિવસ ચોરે બેસીને રડતા રહ્યા. પોલીસને બોલાવવાનો
પ્રયાસ નિષ્ફળ ગયો. અંતે બળાત્કારીઓની માફી માગીને એ છોકરીની લાશ નીચે ઉતારવામાં આવી… એના અગ્નિસંસ્કાર
કરવામાં આવ્યા. છોકરીનો ગુનો શું હતો ? એણે ખેતરમાં મળતા રોજિંદા વેતનમાં સરકારી ધારાધોરણ પ્રમાણે વધારો
માગ્યો હતો !
44 વર્ષની એક સ્ત્રીએ પોતાના 27 વર્ષના પ્રેમી સાથે મળીને એના 50 વર્ષના પતિની હત્યા કરી નાખી.
કુહાડીથી પતિના શરીરના ટુકડા કરીને બાર ટુકડા જુદી જુદી જગ્યાએ ફેંકવામાં આવ્યા. રોજ એક ટુકડો ફેંકાતો, બાર દિવસ
સુધી લાશ ઘરમાં રહી પણ ખાવાપીવાની અને સેક્સની રોજિંદી પ્રવૃત્તિઓ ચાલતી રહી ! રાજસ્થાન પોલીસને આ કેસ
સોલ્વ કરતા સાડા ત્રણ મહિના લાગ્યા. એ દરમિયાન સ્ત્રી અને એનો પ્રેમી નિરાંતે સાથે રહેતા હતા !
78 વર્ષની એક વૃધ્ધાને એનો દીકરો અને પુત્રવધૂ ઉકરડામાં ફેંકી આવ્યા. કચરાના ડબ્બામાંથી ખાવાનું વીણીને
ખાતી એ વૃધ્ધાને જોઈને કોઈકે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આવીને વૃધ્ધાને પ્રશ્નો પૂછ્યા, ત્યારે એણે જણાવ્યું કે
એના જ દીકરા અને વહુ એને ત્યાં ફેંકી ગયા હતા. એનો દીકરો એને રોજ કહેતો, ‘મરતી ક્યૂં નહીં હે, બુઢિયા…’
આપણે લગભગ રોજ આવી બેરહેમીના, ક્રૂરતાના કિસ્સા સાંભળવા લાગ્યા છીએ. માતા-પિતા સાથે ક્રૂર વર્તાવ
કરતા સંતાનો, કે પછી લગ્નેતર સંબંધોને કારણે પતિ કે પત્નીની હત્યાના બનાવો આપણી સામે આવતા રહે છે. છેલ્લા
થોડા સમયથી સાંભળવા મળતા સમાચારોમાં આ મોહ, અફેર, રિલેશનશિપ કે એક્સ્ટ્રામેરિટલ સંબંધો એક જ પરિવારમાં
જોવા મળે છે. ભાભી-દિયર, જેઠ કે સાળી-બનેવીથી શરૂ કરીને ક્યારેક સાવકા પિતા અને પુત્રી વચ્ચે પણ આવા સંબંધો
થઈ જાય ત્યારે સમાજ અને પરિવાર બંને માટે ગૂંચ ઊભી થતી હોય છે. બે વ્યક્તિને એકબીજા સાથે ન ફાવે, લગ્ન કર્યા
પછી એની સાથે ન રહેવું હોય કે છૂટાછેડા જોઈતા હોય એ અત્યંત સ્વાભાવિક બાબત છે, પરંતુ પોતાને બીજી વ્યક્તિ
સાથે રહેવું કે જીવવું હોય ત્યારે પોતાના જીવનસાથીની હત્યા કરી નાખવાનું, કે હત્યા કરાવી નાખવાનું વિકૃત માનસ
સમાજમાં વધુને વધુ ફેલાતું જાય છે.
આપણે બધા વધુ વિકૃત, વધુ હત્યારા અને વધુ ક્રૂર થતા જઈએ છીએ. નાનકડી કુમળી બાળકીઓના બળાત્કારથી
શરૂ કરીને, યુવતીઓ અને સ્ત્રીઓના પાશવી બળાત્કાર સુધી, કે પછી પારિવારિક અદાવતમાં નાના બાળકની હત્યા,
જમીન કે મિલકતના ઝઘડામાં ઘરની દીકરી કે યુવાન દીકરાની હત્યા, ઓનરકિલિંગમાં પ્રેમમાં પડેલા, ભાગીને પરણેલા
યુવા દંપતિની હત્યા હવે જાણે સાવ સામાન્ય બાબત બની ગઈ છે. કોઈના યુવાન સંતાનના કરપીણ ખૂન કે બેરહેમ
હત્યાની વાત સાંભળીને આપણું કાળજું ય કંપતું નથી. આપણને સૌને લાગે છે કે, આ બધું તો જાણે ‘ચાલ્યા કરે !’
માણસ ધીમે ધીમે ઈનસેન્સિટિવ, સંવેદનાવિહિન થવા માંડ્યો છે ? નિર્ભયાનો બળાત્કાર હોય કે ઉત્તરાખંડ-
ઝારખંડમાં વેચાતી સાવ કુમળી વયની છોકરીઓની વાત હોય, કોઈ માતા-પિતાએ ગરીબીમાં વેચી દીધેલા સાવ નાનકડા
છોકરાને ઘરઘાટી બનાવીને એની પાસે અમાનુષી કામ કરાવવાના કિસ્સા આપણે સાંભળતા રહીએ છીએ, પણ એ વિશે
કશુંય કરવાનું આપણામાંના કોઈને સૂઝતું નથી. ઉલ્ટાનું ‘આપણે કેટલા ટકા ?’ અથવા ‘આપણું જોઈએ કે બીજાનું ?’ ના
સાદા સવાલો પૂછીને આપણે આપણી રોજિંદી જિંદગીમાં ખોવાઈ જઈએ છીએ. આપણી માનસિકતા જાણે કે આ
ક્રૂરતાને, હત્યાઓને અને સમાજની વધુને વધુ બેરહેમ થતી જતી તસવીરોને સ્વીકારવા લાગી છે.
આપણી આસપાસના જગતને ધ્યાનથી જોઈએ તો સમજાશે કે નાનકડી વાતમાં હાથોહાથની મારામારી હવે
સામાન્ય થઈ પડી છે. પકડાયેલા ચોરની મજબૂરી સમજવાને બદલે એને મારીમારીને પૂરો કરી નાખવાની ક્રૂરતા હવે
ટોળાનું માનસ બની ગયું છે. આપણામાંથી દયા નામનું તત્વ ઘટવા લાગ્યું છે. કરુણા કે ક્ષમા જેવી સંવેદના લુપ્ત થવા
લાગી છે. કોઈની નાનકડી ભૂલની પણ જબરજસ્ત સજા આપ્યા પછી જ આપણને સંતોષ થાય છે. સાસુ-સસરાનો ક્રોધ
બાળક પર ઉતારતી મા, કે ઓફિસનો ગુસ્સો, નિષ્ફળતા કે બેકારીનો ગુસ્સો પત્ની પર ઉતારતો પતિ હવે જરાય નવાઈ
લાગે એવી ઘટના નથી રહી. આપણે બધા જ અજાણતાં એક ખૂની, રાક્ષસી માનસિકતા તરફ ધકેલાતા જઈએ છીએ.
જુઓ, આમ જ ચાલતું રહ્યું તો ધીરે ધીરે આખો સમાજ ક્રૂર અને વિકૃત થઈ જશે. આપણે બધા એકબીજા પ્રત્યે
દયાહીન થઈ જઈશું. ભીખ માગતા નાનકડા બાળકને જોઈને કેટલાય લોકો ગાડીના કાચ ચડાવી દે છે. તો બીજી તરફ,
યુવતીની છેડતી થતી હોય કે કોઈનો એક્સિડેન્ટ થયો હોય ત્યારે પણ લોકો પોતાનું વાહન ઊભું રાખવાની તસદી લેતા
નથી. આપણે માણસ છીએ એ વાત જાણે કે આપણે જ ભૂલવા લાગ્યા છીએ. કો-એક્ઝિસ્ટન્સ, સહજીવનનો એક સૌથી
મોટો નિયમ એ છે કે, જે વર્તન આપણને આપણા માટે જોઈએ છે એ જ વર્તન આપણે બીજાઓ માટે કરવું પડે. જો
આપણે સારી રીતે જીવવું હોય, સલામતી જોઈતી હોય, સંવેદના અને સમાજનો સહકાર જોઈતો હોય તો આ બધું
આપણે પણ આપવું પડશે.
સમાજ એટલે શું ? એ કોઈ એવું માળખું નથી જે ઓફિસ કે કોર્પોરેટની જેમ ઊભું કરવામાં આવે. થોડા
‘માણસો’ બનીને એક પરિવાર બને છે અને કેટલાક પરિવારો મળીને સમાજની રચના કરે છે… કેટલાક સમાજો મળીને
ગામ, શહેર, મોહલ્લો કે દેશ સુધી ફેલાય છે… જો આપણે માણસને ભૂલી જઈશું તો આ આખુંય માળખું તૂટી પડશે.
ચાલો, આપણી સંવેદનાને જીવતી રાખવાનો થોડો પ્રયાસ કરીએ. બીજા-સામેના પરત્વે થોડા વધુ સંવેદનશીલ થઈએ.