‘1970માં હું એક ઓલ્ટર બોય હતો. મારા ગુરૂ જેવા પાદરીએ મારું શારીરિક શોષણ કર્યું. હું
એટલો ડરેલો હતો કે મારા માતા-પિતાને પણ કહી શક્યો નહીં. મને પાછળના ભાગથી લોહી
નીકળતું અને દુઃખતું, પરંતુ મારાથી કોઈને કહી શકાયું નહોતું.’ આ પત્ર એક ફ્રેન્ચ અખબારમાં
પ્રકાશિત થયો અને ત્યાંથી આવી ઘટનાઓની તપાસ શરૂ થઈ. તપાસમાં ધીરે ધીરે જાણવા મળ્યું કે,
ફ્રાન્સમાં વિવિધ કેથલિક ચર્ચમાં 70 વર્ષના સમયગાળા દરમિયાન સાડા ત્રણ લાખ જેટલા બાળકો,
પાદરીઓ અને બીજા લોકોની હવસ વૃત્તિનો ભોગ બન્યા હતા. આમાં છોકરાઓ અને છોકરીઓ
બંનેનો સમાવેશ થતો હતો, પરંતુ એંસી ટકા છોકરાઓ હતા. જીન માર્ક સોવેના 2500 પાનાંના
અહેવાલે સમગ્ર યુરોપને ચોંકાવી દીધું છે.
કેથલિક ચર્ચના આ ભયાનક કાંડ પછી સમગ્ર વિશ્વમાં ધાર્મિક સ્થાનોમાં થતા બાળકોના
શોષણ વિશે જાગૃતિ આવી છે અને ઘણા લોકોએ આગળ આવીને ફરિયાદ કરી છે. એનસીઆરબી,
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ ભારતમાં રોજના સો બાળકો સાથે સેક્સ્યુઅલ અબ્યુઝ
(જાતિય શોષણ) થાય છે. આ બધું જ ધાર્મિક સ્થાનોમાં થાય છે, એવો કહેવાનો આશય નથી, પરંતુ
ચાઈલ્ડ રાઈટ્સ એન્ડ યુ (ક્રાય) નામની સંસ્થાએ એક બુલેટિન બહાર પાડીને એવું જાહેર કર્યું છે કે,
બાળકો સાથે થતા ગુનાના આંકડામાં ભયજનક રીતે વધારો થઈ રહ્યો છે. સરકાર આ વિશે
પ્રમાણમાં થોડીક નિષ્ક્રિય રહે છે એવું લાગી રહ્યું છે. બાળકોને ધાર્મિક શિક્ષણ આપવાના માતા-
પિતાના શુભ આશયનો અનેક રીતે દુરુપયોગ થાય છે. મદરેસામાં મોકલવામાં આવતા બાળકોનું
બ્રેઈન વોશ કરીને એમનો ઉપયોગ આતંકવાદી તરીકે કરવામાં આવે છે. તો બીજી તરફ, ધાર્મિક
સ્થાનોમાં ગુરૂ કે પાદરીની સેવા માટે મોકલવામાં આવતા બાળકોનું ‘સેલિબસ’ કે ‘બ્રહ્મચારી’ રહેતા
ગુરૂ અને પાદરીઓ શોષણ કરે છે. ઘરમાં, નોકર કે ડ્રાઈવર પણ કેટલીકવાર બાળકો સાથે જાતિય
છેડછાડ અને શોષણ કરતા જોવા મળ્યા છે. માતા-પિતાને જેના પર પૂરો વિશ્વાસ હોય એવા
સગાં, પડોશી પણ બાળકોનું જાતિય શોષણ કરે છે. ક્યારેક સાવકા પિતા-મા કે કઝીન, મામા, કાકા
પણ બાળકનું જાતિય શોષણ કરે છે. આ વિશેની ઘણી ફિલ્મો આપણે અવારનવાર જોઈ છે.
‘મોનસુન વેડિંગ’ કે ‘રોડ’ જેવી ફિલ્મોમાં આ વિશે ખૂલીને વાત કરવામાં આવી છે તેમ છતાં, માતા-
પિતાની ઊંઘ ઊડતી નથી, એ કેટલી નવાઈની વાત છે !
દરેક પર શક કરવો કે બાળકને દરેકથી દૂર રાખવું-સતત ડરેલા રહેવું જરૂરી નથી, પરંતુ સાવધ
રહેવામાં કોઈ નુકસાન નથી. બાજુમાં રમવા જતી દીકરી, કે ટ્યુશન ભણાવવા આવતા શિક્ષકો પર
નજર રાખવી જોઈએ, એમાં કશું ખોટું નથી.
એનસીઆરબીના ડેટા મુજબ 2017માં 32,608 અને 2018માં 39,000 બાળકો સાથે
સેક્સ્યુઅલ અબ્યુઝના કેસીસ રજિસ્ટર થયા હતા. (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ
ઓફેન્સિસ એક્ટ) પોક્સોના કાયદા હોવા છતાં અને એનસીઆરબી સતત પ્રયાસ કરી રહી હોવા
છતાં 21,605 ચાઈલ્ડ રેપ સત્તાવાર રીતે રજિસ્ટર થયા હતા. નાના ગામડાઓમાં અને
દૂરદરાજના વિસ્તારોમાંથી જે ફરિયાદ નથી આવતી એના આંકડા જો જાણીએ તો કદાચ રૂંવાડા
ઊભા થઈ જાય. માત્ર મહારાષ્ટ્રમાં 2,832, ઉત્તર પ્રદેશમાં 2,023 અને તામિલનાડુમાં 1,457
ચાઈલ્ડ રેપની ફરિયાદો નોંધાઈ હતી. આપણને નવાઈ લાગે, પરંતુ 2008થી 18 દરમિયાન
સત્તાવાર રીતે નોંધાયેલા આંકડા મુજબ દર વર્ષે દસથી બાર ટકાનો વધારો બાળકો સાથેના ગુનામાં
નોંધાઈ રહ્યો છે. 2018માં કિડનેપિંગમાં 44.2 ટકા અને બાળકો સાથેના સેક્સ્યુઅલ અબ્યુઝમાં
34.7 ટકાનો વધારો નોંધાયો છે.
આપણા બાળકો આપણા ઘરમાં સુરક્ષિત છે, એમ માનીને આપણે નિશ્ચિંત થઈ જઈએ
છીએ, પરંતુ બાળકોનો ઉપયોગ કેવા અને કયા ગુનામાં કરવામાં આવે છે એ જાણવા જેવું છે. દારૂ
અને ડ્રગ્સની હેરફેરમાં 10થી 14 વર્ષના લાખો બાળકો સંડોવાયેલા છે. બાળકો ઉપર કોઈને
સામાન્ય રીતે શક ન થાય એમ માનીને એમની સ્કૂલ બેગ અને એમના વસ્ત્રોમાં ડ્રગ્સ સંતાડીને
એમને પેડલર તરીકે ટ્રેઈન કરવામાં આવે છે. યુરોપ અને યુએઈના દેશોમાં માનસિક રીતે વિકૃત લોકો
માટે છથી તેર વર્ષના બાળકોને ચાઈલ્ડ ટ્રાફિકિંગમાં સપ્લાય કરવામાં આવે છે. સત્તાવાર આંકડા
મુજબ આપણા દેશમાં દર વર્ષે એક લાખ ચાલીસ હજાર બાળકો ગૂમ થાય છે. આમાંથી કેટલા
બાળકો યુરોપ અને બીજા દેશોમાં ચાઈલ્ડ ટ્રાફિકિંગ દ્વારા મોકલી દેવાતા હશે એના કોઈ આંકડા
ઉપલબ્ધ નથી.
અમેરિકાના બોર્ડરના દેશોમાં એરપોર્ટના લગભગ દરેક વોશરૂમના બારણાની પાછળ ચાઈલ્ડ
અને વુમન ટ્રાફિકિંગમાં મદદરૂપ થઈ શકે એવી સંસ્થા અને પોલીસના નંબરના પોસ્ટર લગાડવામાં
આવે છે. યુરોપના કેટલાય દેશોમાં હવે આવા પોસ્ટર જોવા મળે છે, પરંતુ ચાઈલ્ડ ટ્રાફિકિંગના
આંકડા ઘટવાને બદલે સતત વધતા રહ્યા છે. નવાઈની વાત એ પણ છે કે, બિહાર, છત્તીસગઢ,
ઝારખંડ જેવા રાજ્યોમાં, અને આફ્રિકાના દેશોમાં ગરીબીની કારણે માતા-પિતા પોતે જ પોતાના
બાળકને વેચી દે છે ! નાગેશ કુકનુરની એક ફિલ્મ ‘લક્ષ્મી’માં એક બાળકી પર થતા અત્યાચારની કથા
હૃદય હલાવી દે એવી છે, આ ફિલ્મ સત્યકથા પર આધારિત છે.
સૌથી અગત્યની વાત એ છે કે, લગભગ દરેક માતા-પિતાએ પોતાના સંતાનને સમજણું થાય
એટલે તરત જ અજાણી વ્યક્તિ સાથે વાત નહીં કરવાની, એની પાસેથી ચોકલેટ કે રમકડું નહીં
લેવાની સૂચના ગંભીરતાથી આપવી જોઈએ. ઘરમાં સગાં, શાળામાં કે ટ્યુશનમાં શિક્ષક, મોટી
ઉંમરના કઝીન કે બીજું કોઈ પણ જો પ્રાઈવેટ ભાગમાં અડે કે છેડછાડ કરે તો તરત જ માતા-
પિતાને જણાવવાનો વિશ્વાસ અને મિત્રતા દરેક માતા-પિતાએ પોતાના સંતાન સાથે કેળવવાં રહ્યાં.
એટલું જ નહીં, ઘરમાં આવતા કોઈ ધર્મગુરૂ કે ધર્મસ્થાનમાં કોઈ પણ વ્યક્તિ આવી છેડછાડ કરે તો
ડર્યા વગર, એમના વિશેના આદરનો વિચાર કર્યા વગર બાળક માતા-પિતાને જણાવી શકે એટલી
શ્રધ્ધા માતા-પિતાએ ધર્મપુરૂષને બદલે પોતાના સંતાનમાં રાખવી જોઈએ. ‘એ આવું કરે જ નહીં…’
એવું માનીને પોતાના સંતાનની વાતમાં શંકા કરવાને બદલે ‘કોઈ પણ, કંઈ પણ કરી શકે…’ એવું
માનવાનો સમય કોઈ પણ જાતિ-વર્ગ-ધર્મ કે સમાજના માતા-પિતા માટે શરૂ થઈ ચૂક્યો છે. આપણું
સંતાન કોઈના શોષણ કે અપહરણનો ભોગ ન બને એ જોવાની જવાબદારી માતા-પિતા તરીકે
સૌથી પહેલાં આપણી છે. જો કદાચ એવું બને, તો ડર્યા વગર, શેહમાં આવ્યા વગર એ વિશેની
ફરિયાદ કરવી એ આપણી ફરજ છે જેથી બીજા બાળકોને આવા શોષણ કે અપહરણથી બચાવી
શકાય.