સોલો ટ્રિપઃ એકાંત, એકલતા અને એકલવાયા હોવાની પીડા

કેટલાક સમયથી વારંવાર એક જ ચર્ચા સાંભળવા મળે છે, ‘આપણા સમયમાં આવું નહોતું’
અથવા ‘આજના છોકરાંઓ બહુ ફાસ્ટ છે, આપણે તો આવડા હતા ત્યારે કપડાં પહેરવાનું ય ભાન
નહોતું…’ આ ચર્ચા મોટેભાગે એવા માતા-પિતા કરે છે જેમના સંતાનો 14થી 25ની વચ્ચેના છે. એ
વિશે કોઈ શંકા નથી કે, આજની પેઢી જુદી છે… એમને ‘નિર્દોષ’ કે ‘ભોળા’ દેખાવામાં ડિપેન્ડેન્ટ રહેવામાં
કે ‘બિચારા’ બનવામાં કોઈ રસ નથી. આજની પેઢીની દીકરીઓ માટે કોઈ મૂકી જાય, લઈ જાય કે સતત
એમનું ધ્યાન રાખે એ વાત બોરિંગ અને અનકમ્ફર્ટેબલ છે. સોલો ટ્રિપ એ આજની તાજી ફેશન છે. શું છે
આ ‘સોલો ટ્રિપ?’

મિત્રો, પરિવાર કે અન્ય કોઈ કંપની વગર એકલા અજાણ્યા સ્થળે ફરવા જવાની મજા માણવાનું
નામ સોલો ટ્રિપ છે. આજની યુવા પેઢી આ સોલો ટ્રિપ વિશે પેશનેટ છે. એક સમય હતો જ્યારે ભાઈ-
બહેન-મિત્રો-પરિવાર સાથે આખું ટોળું પ્રવાસે નીકળતું. એ વાતનું ગૌરવ લેવામાં આવતું. ‘અમે તો દર
વર્ષે એક ફેમિલી ટ્રિપ કરીએ જ’ અથવા ‘અમે તો ક્યારેય એકલા પ્રવાસ કરતાં જ નથી’ એ જૂની પેઢીની
લાઈન હતી. હવે નવી પેઢી માટે ‘ટોળું’ નહીં ‘સોલો’ એમની જરૂરિયાત છે. પોતાની જાત સાથે સમય
વીતાવવાનું આ પેઢીને અનુકૂળ આવી ગયું છે. નવી પેઢી અંતર્મુખી છે, બહુ ઝડપથી કોઈની સાથે ભળી
જવું, દોસ્તી કરી લેવી, એમને ફાવે છે, પરંતુ પોતાની અંગત વાત શેર કરતાં આ પેઢી સોવાર વિચાર કરે
છે. એમના ઈમોશન, એમની વિચારવાની રીત અને અભિવ્યક્ત થવાની રીત સાવ જુદી છે. માતા-
પિતાને આ પેઢી કેરલેસ લાગે છે કારણ કે, માતા-પિતા ઝીણી ઝીણી વસ્તુઓ સાચવી સાચવીને, વર્ષો
સુધી ચલાવે છે. પ્લાસ્ટિકની કોથળીઓ સાચવીને મૂકે છે, લગ્નની સાડીઓ ત્રીસ વર્ષ પછી પણ એવી જ
જોવા મળે છે. માળિયે મૂકેલી વસ્તુઓ દર વર્ષે ઉતારીને સાફ કરવી કે જૂના પત્રો અને વસ્તુઓનો સંગ્રહ
કરવો એ માતા-પિતા માટે કદાચ ‘ઈમોશન’ હોઈ શકે, પરંતુ નવી પેઢી વસ્તુઓમાં ઈમોશન શોધતી નથી.
એમને માટે થિન્ગ અને થોટ જુદા છે. એ વસ્તુઓ વાપરે છે અને વિચારોનું મૂલ્ય કરે છે. એમના માતા-
પિતાની પેઢીએ વિચારો ખર્ચી નાખ્યા અને વસ્તુઓ સંઘરી રાખી છે…

એક આખી પેઢી એવી હતી જે રેસ્ટોરન્ટમાં એકલા ખાવા ન જઈ શકતી, એકલા ફિલ્મ જોવા ન
જઈ શકે કે એક સાડી કે ડ્રેસ લેવો હોય તો ચાર બહેનપણીઓ સાથે જાય! રોજ કોઈકની ઓફિસે જઈને
ચા પીવી કે ગપ્પા મારવા એ માતા-પિતાની પેઢીની ‘ટેવ’ કે ‘જરૂરિયાત’ હતી… આ પેઢી લોનર છે.
એમને એકલા રહેવાનું અનુકૂળ આવે છે. એમનો મોબાઈલ, આઈપેડ કે લેપટોપ એમનું સાથી છે.
વર્ચ્યુઅલ મિત્રતા અહીં લાંબી ટકે છે. બહાર જઈને રમવાને બદલે આ પેઢી મોબાઈલ ઉપર કે આઈપેડ
ઉપર કોલ ઓફ ડ્યુટી જેવી ગેમ્સ રમે છે, જેમાં ગ્રૂપ તો છે, પણ સાથે નથી! સહુ પોતપોતાના ઘેર રહીને
વર્ચ્યુઅલી સાથે મળીને રમે છે!

ક્યારેય વિચાર્યું છે, કે નવી પેઢી વધુ ને વધુ એકલવાયી, લોનર કે અંતર્મુખી થતી જાય છે એનું
કારણ શું છે? આ પેઢી પાસે સંવાદ કે નથી? એ માતા-પિતાને બદલે મિત્રો સાથે વધુ શેર કેમ કરે છે? એનું
કારણ એ છે કે, 14થી 25ના આ બાળકોના માતા-પિતા મોટેભાગે સખત જજમેન્ટલ અને જડ છે. પોતે
જે માને છે એ સિવાયની કોઈ દુનિયા કે વિચાર હોઈ શકે, એવું સાંભળવા કે સ્વીકારવા પણ આ 60ના
દાયકામાં જન્મેલા માતા-પિતા તૈયાર નથી. એમણે સ્ક્રેચમાંથી પોતાનો બિઝનેસ, નોકરી કે કારકિર્દી ઊભી
કરી છે. એમને લાગે છે કે, એમણે જે કર્યું તે જ સાચો રસ્તો છે… અને એ સિવાયનો કોઈ રસ્તો હોઈ શકે
એવી શક્યતાને પણ સાંભળવા કે સમજવા આ નવી પેઢીના સંતાનોના જૂના માતા-પિતા તૈયાર થતા
નથી.

સંતાન સાથેના સંવાદમાં દરેક વખતે, ‘તને શું સમજણ પડે?’ કહીને શરૂઆત કરવામાં આવે ત્યારે
સંવાદ ને બદલે, દલીલ શરૂ થઈ જાય છે. નવી પેઢી પાસે ટેકનોલોજી છે અને ટેકનોલોજીએ આ પેઢીને
નવી દુનિયાનો નવો અનુભવ કરાવ્યો છે. એમની પાસે એટલી માહિતી છે કે, એને કેવી રીતે છૂટી પાડવી,
ક્યાં રાખવી, કેમ સાચવવી અને કંઈ રીતે ઉપયોગ કરવો એ બાબતે આ નવી પેઢી કન્ફ્યૂઝ થઈ જાય છે.
ટેક્નોલોજી એમને માટે જન્મ સાથે મળેલું એક એવું શસ્ત્ર છે જે એમને માટે વરદાન પણ છે અને
અભિશાપ પણ પૂરવાર થયું છે.

ઘરમાંથી જ જ્યારે સંવાદ કરતી વખતે સમસ્યાઓ ઊભી થાય ત્યારે ટીનએજમાં આવેલું બાળક
એવું પસંદ કરે છે કે, બને ત્યાં સુધી ઓછું બોલવું, ચર્ચા ટાળવી અને કોઈની પણ સાથે પોતાના ઈમોશન
શેર ન કરવા. પરિવાર સાથે પ્રવાસમાં નીકળે ત્યારે આવાં બાળકોને પરાણે મંદિરમાં દર્શન કરવા કે કેટલીક
એવી ફરજ પાડવામાં આવે છે જે એમને માટે પ્રવાસના આનંદને બદલે એનસીસીનો કેમ્પ પૂરવાર થાય
છે…

સોલો ટ્રિપ માત્ર પ્રવાસ પૂરતી મર્યાદિત નથી રહી હવે. 14થી 25-30ની નવી પેઢી જીવનને પણ
સોલો ટ્રિપ માનીને જીવવા લાગી છે. એમનું એકાંત એમને પ્રિય છે, એ એકલા ખાઈ શકે છે, એકલા
ફિલ્મ જોઈ શકે છે, એકલા પ્રવાસ કરી શકે છે અને એકલા મનોરંજન પણ (ગેમ્સ કે બીજી બાબતો)
માણી શકે છે.

માતા-પિતા તરીકે જો ખરેખર આપણે આપણા સંતાનની કંપની જોઈતી હોય તો સૌથી પહેલાં
એમની એકલતાના કિલ્લામાં ધીરજ અને સમજદારીથી પ્રવેશ કરવો પડશે. સંવાદમાં બે જણાં બોલે,
બંનેના વિચારો મહત્વના હોઈ શકે અને બંનેના અભિપ્રાયને સાંભળવા અને સમજવા પડે એવું જો
આપણે નહીં શીખીએ તો નવી પેઢીની સોલો ટ્રિપ, ધીરે ધીરે આપણને વધુને વધુ એકલા પાડી દેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *