‘આજે ત્રણ મહિના પછી કોઈકે મને સ્પર્શ કર્યો છે. મને લાગે છે કે મારા શરીર પર જાળાં બાજી
ગયા છે. હું કોઈ અવાવરુ મકાન જેવી, ખંડિત અને એકાકી થઈ ગઈ છું.’ નાગેશ કુકનુરની ફિલ્મ ‘ડોર’ના
એક દ્રશ્યમાં ઉત્તરા બાવકર અને આયેશા ટાંકિયા વચ્ચે આ સંવાદ થાય છે ત્યારે પ્રેક્ષકના રુંવાડા ઊભાં
થઈ જાય છે. વિધવા તરીકે ખૂણો પાળતી 20 વર્ષની છોકરીને ત્રણ મહિના માટે ઘરના એક અંધારા
ઓરડામાં બંધ કરી રાખવામાં આવે છે અને જ્યારે એને એની દાદી દરવાજો ખોલીને પોતાના ખોળામાં
સૂવડાવે છે ત્યારે એને જે લાગણી થાય છે એ શબ્દોમાં આ રીતે વર્ણવે છે… સ્પર્શ માણસની પ્રાથમિક
જરૂરિયાત છે. આપણે જે વાતને સહેજ પણ ગંભીરતાથી નથી લેતા એ વાત આપણા જીવનમાં કેટલી
જરૂરી છે એની આપણને ખબર જ નથી. માણસ માત્ર ગરમ લોહીનું પ્રાણી છે અને ગરમ લોહીના દરેક
પ્રાણી માટે સ્પર્શ એની પ્રાથમિક જરૂરિયાત છે. વહાલ, તિરસ્કાર કે હલકી ઓળખનો સ્પર્શ માણસ માત્ર
માટે જીવવાનું કારણ પૂરવાર થઈ શકે છે, પરંતુ આ વાત આપણને ત્યારે સમજાય છે જ્યારે આપણે કોઈ
વ્યક્તિના સ્પર્શ વિના જીવવું પડે.
આજે વિચારીએ તો સમજાય કે, કોરોનાના સમયમાં જ્યારે આપણી પાસે કોઈને સ્પર્શ કરવાની
સવલત નહોતી ત્યારે એક માણસે, બીજા માણસને કેટલો મિસ કર્યો છે!
સ્પર્શ ન હોત તો જીવન-સર્જન ન હોત! એક સ્ત્રી, પુરુષના શારીરિક સંબંધમાં માનવ જીવનની
શક્યતાના બીજ રહેલાં છે. આપણે સેક્સને બહુ છોછ અને ટેબૂ સાથે જોઈએ છીએ, કાં તો એને છડે
ચોક એટલું ગંદી રીતે પ્રસ્તુત કરીએ છીએ કે, એમાં રહેલી સુંદરતા, પવિત્રતા અને પ્રેમ ભૂલાઈ જાય!
અમુક ઉંમર પછી મોટાભાગના યુગલ વચ્ચે સેક્સ નથી રહેતો, ત્યારે સ્પર્શની જરૂરિયાત વધુ મહત્વની
બની જાય છે, પરંતુ ભારતીય માનસિકતા એવી છે કે, માતા-પિતા સ્નેહથી બેઠાં હોય, આલિંગન કરતાં
હોય કે એકમેકને વહાલ કરતાં હોય ત્યારે જો સંતાન આવી ચડે તો માતા-પિતા છૂટાં પડી જાય અને જાણે
કશુંક ખોટું કરતાં પકડાયા હોય એવો ભાવ આવી જાય! આ યોગ્ય છે ખરું? માતા-પિતા વચ્ચે સ્નેહ હોય
એ સંતાન માટે કેટલા આનંદની અને સલામતીની અનુભૂતિ છે! સંતાન સામે વહાલ ન થઈ શકે, પણ
એની સામે ઝઘડી શકાય એ કયા પ્રકારની સંસ્કૃતિ છે!
કેટલાક લોકો ગરીબ, ગંદા કે ભિક્ષુકને સ્પર્શ કરતાં સૂગ અનુભવે છે. એક તરફથી તો દાન અને
પુણ્ય કરવાના મોટા બણગા ફૂંકે છે. ‘અમે ધાબળા ઓઢાડીએ છીએ’, ‘અમે અનાજ આપીએ છીએ’,
‘અમે ફ્રી ડાયાલિસીસ અને મેડિકલ કેમ્પ કરીએ છીએ’ જેવી વાતો આપણે અવારનવાર સાંભળી છે,
પરંતુ એ જ લોકો આવા ડાયાલિસીસના કેમ્પમાં કે ધાબળા ઓઢાડતી વખતે જરૂરિયાતમંદને સ્નેહથી,
વહાલથી અને આદરથી સ્પર્શે છે ખરા? ગાડીમાંથી બિસ્કિટ કે પૈસા આપતી વખતે આપણો હાથ ભૂલથી
પણ બાળક કે ભિક્ષુકને અડી ન જાય એ માટે આપણે કેટલા સભાન હોઈએ છીએ! એઈડ્સ કે ટીબીની
બિમારી ધરાવતા લોકો માટે આપણને દયા-કરુણા છે, પરંતુ એમને સ્પર્શવાથી આપણને એઈડ્સ કે ટીબી
નહીં થાય એવા વૈજ્ઞાનિક સત્યની જાણ હોવા છતાં આપણે એમને સ્પર્શતાં ડરીએ છીએ…
યુવાન થઈ રહેલી દીકરી માટે પિતાનો સ્પર્શ વર્જ્ય ગણતાં પરિવારોએ હવે સમજવાની જરૂર છે
કે, પિતાનો સ્પર્શ પુત્રી માટે સદાય એના જીવનના પહેલા પુરુષનો સ્પર્શ છે. જો એ સ્પર્શ એને સમજાશે
તો એ જીવનભર સારા અને ખોટા સ્પર્શ વચ્ચેનો ભેદ પારખી શકશે. આપણે પિતા-પુત્રી, કે માતા અને
પુત્રના સંબંધમાં ‘અમુક ઉંમર પછી’ સ્પર્શ વિશે સભાન થઈ જઈએ છીએ, પરંતુ સમાજના ઠેકેદારો એક
વાત ભૂલી જાય છે કે, બે-ચાર કિસ્સાને બાદ કરતાં માતા અને સંતાન વચ્ચે કે પિતા અને સંતાન વચ્ચેનો
સ્પર્શ વિશ્વનો સૌથી પવિત્ર અને સુધિંગ (શાતા આપનારો) સ્પર્શ છે. ગમે તે ઉંમરના સંતાનને માતા-
પિતાના ખોળામાં બેસવાની, લાડ કરાવવાની, ચૂમવાની કે ભેટવાની છૂટ હોવી જ જોઈએ-છૂટ જ શા
માટે, દરેક ઘરનો એ રિવાજ હોવો જોઈએ કે મા બની ગયેલી દીકરી પણ જો પિયર આવે તો પિતાને ભેટે
કે એના ખોળામાં સૂઈ જાય, પિતા બની ગયેલા પુત્રને પણ પોતાના માના ખોળામાં બેસવાનો કે એના
ખોળામાં સૂવાનો અધિકાર જીવનભર મળવો જોઈએ.
કોઈના ઘરમાં વૃધ્ધ માતા-પિતા હોય, આપણા કોઈ વૃધ્ધ પડોશી હોય, એમના બે કામ કરી
આપીએ, ક્યારેક એમની પાસે બેસીને વાતો પણ કરીએ, પરંતુ કોઈ દિવસ એમનો હાથ પકડીને એમની
એકલતાની કરચલી પંપાળી છે? વૃધ્ધ વ્યક્તિને સ્પર્શતી કેટલી તરસ હોય છે એ તો આપણે સ્વયં વૃધ્ધ
થઈએ ત્યારે જ સમજાય!
મોટાભાગના લોકોને લાગે છે કે, વસ્તુઓ આપી દેવાથી, જરૂરિયાતો પૂરી કરવાથી એમની
‘કાળજી લેવાની ફરજ’ પૂરી થઈ જાય છે.
આ વિચારને કારણે માતા-પિતા પોતાના ટીનએજ સંતાનોથી કે પોતાના વૃધ્ધ માતા-પિતાથી દૂર
થઈ જાય છે. એક સ્ત્રી અને પુરુષ મિત્ર વચ્ચે પણ તદ્દન નિર્દોષ ભેટવું એમના સ્નેહની-દોસ્તીની
અભિવ્યક્તિ હોઈ જ શકે. દરેક વખતે સ્ત્રી-પુરુષનું આલિંગન, ‘સેક્સ’નો સ્પર્શ હોય એવું માનનાર
વ્યક્તિથી મલિન મગજ બીજા કોઈનું ન હોઈ શકે!
કોઈપણ ઉંમરની વ્યક્તિને સ્પર્શ કરીને આપણો સ્નેહ, આપણો આદર કે કાળજીની અભિવ્યક્તિ
કરવી એ માનવતા છે. આ જગતમાં કોઈની ત્વચા ઉપર આપણા ટેરવાંનો સ્પર્શ એ વિશ્વના કોઈપણ
માણસને સમજાય તેવી, સ્નેહની, આશ્વાસનની, કરુણાની, સ્વીકારની અને ક્ષમાની શ્રેષ્ઠ ભાષા છે.